બિહાર ચૂંટણી : એ મહાદલિતો, જેમની સામે નીતીશકુમાર પર જીવલેણ હુમલાનો કેસ ચાલી રહ્યો છે

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY/BBC
- લેેખક, નીરજ પ્રિયદર્શી
- પદ, બક્સરથી બીબીસી ગુજરાતી માટે
"અઢી વર્ષથી વધુ સમય થઈ ગયો. હવે તો બધા લોકો પણ ભૂલી ગયા છે. પણ અમને યાદ છે કે અમારા મહોલ્લામાં પ્રશાસને કેટલો આતંક મચાવ્યો હતો. ઘરની વહુ-દીકરીઓ પર કેટલો અત્યાચાર થયો હતો. તેમને જબરજસ્તી ઉઠાવીને જેલમાં નાખી દીધાં. એવા લોકો પર કેસ કર્યો, જે મરી ગયા છે અને જે વિદેશમાં રહે છે. આરોપ લગાવ્યો કે અમે નીતીશકુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો."
આ શબ્દો બક્સર જિલ્લાના નંદન મહોલ્લાનાં વડીલ મહાદલિત મહિલા મન્ના દેવીના છે.
નંદન મહોલ્લો બિહારની રાજધાની પટનાથી અંદાજે 150 કિમી દૂર બક્સરના ડુમરાવ પ્રખંડમાં આવેલા નંદન ગામનો એક ભાગ છે.
મહાદલિતોની બહુમતીવાળો આ મહોલ્લો 12 જાન્યુઆરી, 2018માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે સાત નિશ્ચય યોજનાની સમીક્ષાયાત્રા સમયે મુખ્ય મંત્રી નીતીશકુમારના કાફલા પર પથ્થરમારાની ઘટના ઘટી હતી.
આ મામલામાં 91 નામજોગ સહિત અંદાજે 2100 લોકો સામે નીતીશકુમાર પર જીવલેણ હુમલા કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

'ગરીબો સામે શા માટે કેસ?'

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
ડુમરાવ વિધાનસભાથી આ વખતે ચૂંટણીમેદાનમાં ઊતરેલાં જેડીયુનાં ઉમેદવાર અંજુમ આરા પાસેથી નંદન ગામના લોકોને આશા છે કે તેઓ તેમની સામેના કેસ દૂર કરવા માટે મુખ્ય મંત્રી સાથે વાત કરશે.
અંજુમ આરાએ આ મામલે બીબીસીને કહ્યું, "હું નંદન ગામના લોકોને મળી છું, તેમની સાથે બધા મુદ્દાઓ પર વાત થઈ છે. તેમને હાલ કોઈ મુશ્કેલી નથી."
"તેમના આશીર્વાદ મારી સાથે છે અને હું એ વાતે પ્રતિબદ્ધ છું કે આ મામલામાં જે લોકો નિર્દોષ છે, તેમને ન્યાય મળે. હું આના માટે મુખ્ય મંત્રી સાથે વાત કરીશ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલામાં આરોપી પુત્ર અને વહુનાં વૃદ્ધ માતા મન્ના દેવી વધુમાં કહે છે, "અમે આખી દુનિયામાં બદનામ થયાં. જ્યારે એ સત્ય સામે આવી ગયું છે કે આ ઘટના પ્રશાસનિક ચૂકને કારણે થઈ હતી અને તેમાં સરકારના લોકોનો હાથ હતો, તેમ છતાં અમારી સામેના કેસ પાછા ખેંચાયા નથી."
"ઊલટું અમને હેરાન કરાયાં. હવે લોકો કચેરીના ધક્કા ખાઈને પરેશાન થઈ ગયા છે. આખરે કઈ વાતે અમારા ગરીબ લોકો સામે કેસ ચલાવાઈ રહ્યો છે?"

પથ્થરમારો કેમ થયો હતો?

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
નંદન ગામમાં મુખ્ય મંત્રીના કાફલા પર પથ્થરમારો કેમ થયો હતો તેની તપાસ પોલીસ કરી રહી છે અને આ મામલે કોર્ટમાં વિચારાધીન છે.
જોકે ઘટનાના થોડા દિવસો બાદ મુખ્ય મંત્રી નીતીશકુમારે સરકાર અને પાર્ટી સ્તરે તપાસ માટે બિહાર જેડીયુ અનુસૂચિત જાતિ સેલના અધ્યક્ષ વિદ્યાનંદ વિકલને નંદન ગામ મોકલ્યા હતા.
વિદ્યાનંદ વિકલે મુખ્ય મંત્રીને સોંપેલા પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે સ્થાનિક ધારાસભ્ય દદન પહલવાન અને મંત્રી સંતોષ નિરાલાને મુખ્ય મંત્રીના આગમન પહેલાં જ મહાદલિત મહોલ્લાના લોકોએ પોતાની સમસ્યાઓ અને માગોને અવગત કરાવી હતી.
રિપોર્ટ અનુસાર, ધારાસભ્ય અને મંત્રીએ થોડી ગંભીરતાથી મહાદલિતોને સમજાવવાની કોશિશ કરી હોત તો તેમને કાવતરું રચનારા લોકોની ચુંગાલમાંથી બચાવી શકાયા હોત.

પથ્થરમારાનું કાવતરું કોણે રચ્યું હતું?

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
વિકલના તપાસરિપોર્ટમાં પથ્થરમારાની ઘટનાના મુખ્ય કાવતરાખોરના રૂપમાં રામજી યાદવનું નામ છે અને તેમને રાજદ પાર્ટીના સમર્થક ગણાવાયા હતા.
રામજી યાદવ નંદન ગામના રહેવાસી હતા અને મહાદલિતોના મહોલ્લામાં લાકડાં ફાડવાનું મશીન ચલાવે છે.
રામજીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સૌથી પહેલા તો અમે ભાકપા સાથે જોડાયેલા છીએ. રાજદ સાથે મારે કોઈ સંબંધ નથી. અને રહી વાત કાવતરાની તો હું માત્ર એટલું જ કહીશ કે જો કોઈ મા-દીકરી પર હાથ ઉઠાવશે તો કોઈ જોઈ નહીં રહે, તે પ્રતિકાર કરશે."
"કાવતરું તો એ લોકોએ કર્યું હતું જેઓ મહોલ્લાના લોકોને એમ કહીને મુખ્ય મંત્રી પાસે લઈ ગયા કે તેમની વાત મુખ્ય મંત્રી સાથે કરાવશે. અને આ કામ એ લોકો જ કરી શકે જે મુખ્ય મંત્રીની નજીકના છે."
રામજી યાદવ અનુસાર, નંદન મહોલ્લાના લોકો એ દિવસે મુખ્ય મંત્રીને મળીને માત્ર એટલું કહેવા માગતા હતા કે સાત નિશ્ચય યોજનાનું કામ તેમના મહોલ્લામાં થતું નથી, જે યોજના પ્રમાણે થવું જોઈતું હતું.

હવે નંદન ગામ કેવું છે?

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
નંદન ગામની વસ્તી અંદાજે 5000ની છે. દલિતો અને મહાદલિતોની સંખ્યા વધુ છે. ખાસ કરીને નંદન મહોલ્લામાં 100થી વધુ મહાદલિત પરિવારો રહે છે.
મહોલ્લામાં પ્રવેશતા જ રોડ પર બંને બાજુ માનવમળ જોવા મળે છે, જ્યારે સરકારી રેકૉર્ડમાં ગામ ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર થઈ ગયું છે.
તેનું કારણ જણાવતા જમુના રામ કહે છે, "શૌચાલયો કાગળ પર બન્યાં છે. હકીકત એ છે કે અમારી પાસે શૌચાલય બનાવવાની જગ્યા જ નથી. એક ઓરડાના ઘરમાં રહેતો ગરીબ તેમાં ખાવાનું બનાવીને ખાશે કે શૌચાલય બનાવશે? અહીં કોઈ પણ મહાદલિત પાસે એક ઓરડાના ઘરથી વધુ કંઈ હોય તો કહેજો! કેટલાક પાસે તો એ પણ નથી."
જમુના રામ અને તેમના પત્ની રામરતી દેવી પણ મામલામાં આરોપી છે. તેમના અનુસાર ઘટના બાદ રામરતીને પોલીસ બહુ માર માર્યો હતો, ત્યારથી તેઓ બીમાર છે.

નંદન ગામમાં સાત નિશ્ચયનું બાકી કામ થયું?

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
કેસમાં આરોપી યુવક સંજય રામ કહે છે, "કામથી વધુ અમે બદનામ થઈ ગયા. ઘટના બાદ અમારું ગામ, અમારો મહોલ્લો સૌના નિશાને આવી ગયો. નવું કામ તો કોઈ થયું નથી. ગલી, નળ, શૌચાલય અને ઇંદિરા આવાસનાં જે જૂનાં કામ હતાં, એ પણ હજુ અધૂરાં છે."
સંજયનાં માતાપિતા સમેત ઘરનાં ચાર લોકો નામજોગ આરોપી છે.
તેઓએ કહ્યું, "જો અમને ખબર હોત કે મુખ્ય મંત્રીને પોતાની વાત કરવાની સજા મળશે તો અમે ક્યારેય ન જતા. અમને લઈ જનારા દદન પહલવાન હતા અને તેઓ સરકારના જ માણસ હતા. તેઓએ પોતાની રાજનીતિ ચમકાવવા માટે અમારો ઉપયોગ કરી લીધો."
ડુમરાવ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય દદન પહલવાનની ભૂમિકા પર સૌથી વધુ સવાલ ઊઠ્યા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં જેડીએએ દદન પહલવાનની ટિકિટ કાપીને અંજુમ આરાને આપી છે.
બીબીસી સાથે વાત કરતા દદન પહલવાને કહ્યું, "નંદન ગામનું બહાનું બનાવીને મારી ટિકિટ કાપી. સાચું તો એ છે કે મેં નીતીશકુમારનો જીવ બચાવ્યો હતો. જો હું ન હોય તો ત્યાં શું નું શું થઈ જાત."
લોકોને લઈ જવાના તેમની પર લાગેલા આરોપ પર દદન કહે છે, "જનપ્રતિનિધિ હોવાના નાતે મારું એ કામ હતું કે લોકોને સરકાર સાથે વાત કરાવું. મેં લોકોને એ કહ્યું પણ હતું."
નંદન ગામની ઘટનાને લઈને શરૂઆતથી રાજનીતિ થઈ રહી છે.
ઘટના બાદ તરત સત્તાધારી જેડીયુએ આરોપ લગાવ્યો હતો કે પથ્થરમારામાં રાજદ કાર્યકરોની ભૂમિકા છે.
તો ગામના લોકો સાથે વાત કરતા ખબર પડે છે કે ઘટના પાછળ સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓની ભૂમિકા હતી.

ક્યાં સુધી કેસ ચાલતો રહેશે?

ઇમેજ સ્રોત, NEERAJ PRIYADARSHY
નંદન મહોલ્લાના લોકો વાતચીતમાં વારંવાર સવાલ કરે છે કે ક્યાં સુધી તેમની સામે કેસ ચાલતો રહેશે? કેમ કે તપાસમાં સત્ય પણ સામે આવી ગયું છે.
ઉમાશંકર રામ કહે છે, "સરકાર તરફથી માણસ મોકલીને તપાસ કરાવી હતી. પોલીસે દરેક રીતે સખત રીતે પૂછપરછ કરી. જ્યારે સત્ય સામે આવ્યું તો સરકાર તરફથી એક વાર કહેવાયું કે કેસ પાછો ખેંચી લેવાશે."
"પણ હવે તો પોલીસે ચાર્જશિટ દાખલ કરી દીધી છે. સરકારી વકીલે અમારા જામીનનો વિરોધ કર્યો. તેનો સ્પષ્ટ મતલબ છે કે બદલો લેવાની ભાવનાથી આવું કરાઈ રહ્યું છે."
જેડીયુ પાર્ટી તરફથી મુખ્ય મંત્રીના કહેવા પર તપાસ કરનારા વિદ્યાનંદ વિકલે પોતાના રિપોર્ટમાં અંતમાં એ પણ લખ્યું છે કે 'મહિલાઓ, દલિતો-મહાદલિતો અને અન્ય વર્ગના નિર્દોષ લોકોનાં નામ ફરિયાદથી દૂર કરવાનું અને જેલમાં બંધ લોકોને સરકારી સ્તરે છોડવાનો વિચાર કરવો જોઈએ.'
તેમના રિપોર્ટ પર દલિતો, મહિલાઓ અને મહાદલિતોનાં નામ ફરિયાદમાંથી દૂર કરવાના સૂચન પર મુખ્ય મંત્રીએ કેમ અમલ ન કર્યો?
આ સવાલના જવાબમાં વિકલ કહે છે, "મારું કામ માત્ર રિપોર્ટ કરવાનું હતું. મારા રિપોર્ટ બાદ જ સરકારનું વલણ આ મામલે નરમ પડ્યું. બધા આરોપીઓ મુક્ત થઈ ગયા છે. મેં મારો રિપોર્ટ બનાવીને મુખ્ય મંત્રી મહોદયના વિચારાર્થે છોડી દીધો હતો."

શું કહે છે પોલીસ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નંદન ગામની ઘટના બાદ પોલીસ પર નકલી કેસ અને ગરીબોને પ્રતાડિત કરવાના આરોપ પર બક્સરના એસ.પી. નીરજ કુમાર કહે છે, "મામલાની સુનાવણી હવે કોર્ટમાં ચાલી રહી છે. પોલીસે પોતાનો તપાસરિપોર્ટ કોર્ટને સોંપી દીધો છે. આગળનો નિર્ણય પણ કોર્ટે કરવાનો છે."
આરોપીઓને ઓળખને લઈને તેઓ કહે છે, "આમ તો હું એ સમયે બક્સર પોલીસ સાથે જોડાયેલો નહોતો, પરંતુ ઘટનાના વીડિયો ફૂટજ ઉપલબ્ધ છે. એ આધારે આરોપીઓ બનાવ્યા હશે. જ્યાં સુધી વાત એ લોકોને આરોપી બનાવવાની છે કે જે મૃતક હતા કે બહાર રહેતા હતા, તપાસ બાદ તેમનાં નામ રિપોર્ટમાંથી દૂર કરી દીધાં હશે."
ચૂંટણીનો સમય આવ્યો છે. આથી નંદન ગામના લોકોને મનમાં પથ્થરબાજીની ઘટના બાદ થયેલી પોલીસની કાર્યવાહીની યાદ ફરી તાજી થઈ રહી છે.
એક વૃદ્ધ મહિલા આરોપી સુમિત્રા દેવીએ કહ્યું, "ચૂંટણીમાં મત માગવા માટે અમારી પાસે ઘણા લોકો આવી રહ્યા છે, પરંતુ અમે હાલ કોઈને કશું કહેતાં ડરીએ છીએ. લાગે છે કે કશું કહેશું તો ફરી આગ લાગી જશે જે હવે ઓલવાઈ ગઈ છે. અમે વધુ કશું કહેવાની જરૂર પણ નથી, અમે મત આપીને એ આગને હંમેશાં માટે શાંત કરી દઈશું."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












