You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL 2020 KXIPvSRH : પંજાબની એ બે ઓવર જેણે હૈદરાબાદના હાથમાંથી જીત આંચકી લીધી
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
આઈપીએલમાં ઘણા સમય બાદ એવી મૅચ જોવા મળી, જેમાં બૅટ્સમૅનનું પણ વર્ચસ્વ ન કહી શકાય અને એવું પણ ન કહી શકાય કે બૉલર છવાઈ ગયા હતા.
આમ છતાં મિશ્ર દેખાવની મૅચમાં અંતે પલ્લું બૉલર તરફ ઢળતું રહ્યું અને સાથે મૅચ રસપ્રદ તથા જીવંત બની રહી.
જોકે છેલ્લી ઘડીએ બૅટ્સમૅનની ભૂલો કહો, પ્લાનિંગનો અભાવ કહો કે બૉલર્સની કમાલ કહો પણ મૅચ રોમાંચક બની રહી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબે હરીફ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના હાથમાં આવેલો વિજય આંચકી લીધો હતો.
હૈદરાબાદે છેલ્લી બે ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી અને અંતે 12 રનથી પરાજય થયો હતો.
આ સાથે પંજાબે પ્લે-ઑફમાં સ્થાન હાંસલ કરવા માટેની આગેકૂચ જારી રાખવાની સાથે-સાથે આશા પણ જીવંત રાખી છે.
શનિવારે બે મૅચ રમાઈ, એક તરફ વરુણ ચક્રવર્તીની મોહક લેગ સ્પિન બૉલિંગ અને નીતિશ રાણા, સુનીલ નારાયણની સ્ફોટક બેટિંગ હતી.
તો બીજી મૅચમાં 38 ઓવર સુધી ન તો આવી કોઈ બૉલિંગ હતી કે ન તો કોઈ ઝંઝાવાતી બેટિંગ જોવા મળી. આમ છતાં છેક સુધી મૅચમાં રસ જળવાઈ રહ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વૉર્નરનો આ નિર્ણય યોગ્ય પુરવાર થયો કેમ કે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરને અંતે માંડ 126 રન સુધી પહોંચી શકી હતી.
હૈદરાબાદ માટે આ ટાર્ગેટ આસાન લાગતો હતો પણ 19.5 ઓવરમાં 114 રન કરી શક્યા.
કોઈ ટીમને મૅચ જીતવા માટે 17 રનની જરૂર હોય, છ વિકેટ જમા હોય પણ અંતે રન થાય નહીં અને છ વિકેટ પડી જાય તો તેને શું કહેવાય?
બેટિંગનો ધબડકો, શાનદાર બૉલિંગ કે આઈપીએલ. 18મી ઓવર ચાલતી હતી ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રનની જરૂર હતી અને વિજય શંકર બેટિંગ કરી રહ્યા હતા.
અર્શદીપે એ ઓવરમાં પાંચમા બૉલે વિજય શંકરને આઉટ કર્યા.
હૈદરાબાદની આ પાંચમી વિકેટ પછીના 12 બૉલમાં બાકીની પાંચ વિકેટ પડી ગઈ અને ટીમને જ્યાં 20 રનની જરૂર હતી ત્યાં માત્ર આઠ રન થયા.
આમ હૈદરાબાદે છેલ્લા ચાર રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી, આથી મોટો ધબડકો કયો હોઈ શકે.
અર્શદીપસિંઘ અને ક્રિસ જોર્ડન અચાનક જ ખતરનાક બની ગયા હતા. અર્શદીપે 23 રનમાં ત્રણ વિકેટ લીધી તો ઇંગ્લૅન્ડના ક્રિસ જોર્ડને તો ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે બૉલિંગમાં પરિવર્તનના જે નિર્ણય લીધા તે તમામથી તેમને સફળતા મળી કેમ કે તેમણે અજમાવેલા પાંચેય બૉલરને કમસે કમ એક વિકેટ મળી હતી.
127 રનના લક્ષ્યાંક સામે રમતમાં સનરાઇઝર્સ માટે ડેવિડ વૉર્નર અને જોની બેરસ્ટોએ ઝડપી પ્રારંભ કર્યો પરંતુ ઉપરાઉપરી ઓવરમાં બંને આઉટ પણ થઈ ગયા હતા.
બંનેએ છ ઓવરના પાવરપ્લેમાં જ 52 રન ફટકારી દીધા અને ત્યાં સુધી હૈદરાબાદનો વિજય આસાન લાગતો હતો.
વોર્નરે 20 બોલમાં 35 રન ફટકારી દીધા તો બેરસ્ટો 19 રન કરી શક્યા હતા.
વર્તમાન સિઝનમાં સૌથી વધુ રન સાથે ઑરેન્જ કૅપ ધરાવતા લોકેશ રાહુલે 27, મનદીપસિંઘે 17 અને ક્રિસ ગેઇલે 20 રનનું યોગદાન આપ્યું હતું.
કિંગ્સ ઇલેવન પંજાબની બેટિંગ લાઇનઅપ આમ તો મજબૂત મનાય છે પરંતુ દુબઈની પિચનો વાંક હોય કે સનરાઇઝર્સના બૉલર્સની ખૂબી, આ મજબૂત બૅટ્સમૅન કંઈ કરી ન શક્યા.
નિકોલસ પૂરનને ભવિષ્યના ક્રિસ ગેઇલ માનવામાં આવે છે, જેઓ ઇનિંગની 20મી ઓવરમાં રમતા હતા અને એકેય સિક્સર ફટકારી ન શક્યા. તેમણે માત્ર એક જ બાઉન્ડરી આ ઓવરમાં ફટકારી.
આટલું પર્યાપ્ત ન હોય તેમ પૂરન છેલ્લી ઓવરમાં ઑફ સ્ટમ્પની બહાર જતાં લગભગ તમામ યોર્કર લૅન્થ બૅલને પારખવામાં નિષ્ફળ રહ્યા, જોકે તે તેમની ખામી કરતાં બૉલર ટી. નટરાજનની ખૂબી વધારે લાગતી હતી.
આવી જ રીતે રાશીદ ખાનની બૉલિંગમાં રાહુલને બંધાઈને રમવું પડ્યું અને ક્રિસ ગેઇલનો ઝંઝાવાત સાવ શમી જ ગયો.
મનદીપસિંઘ નોંધપાત્ર દેખાવ કરી શક્યા નહીં અને 17 રન કરી શક્યા.
ગ્લેન મૅક્સવેલે ગઈ મૅચમાં થોડું ફોર્મ દાખવ્યું પણ શનિવારે તો તેઓ પણ કંગાળ ફોર્મમાં આવી ગયા.
દીપક હુડાના પણ આવા જ હાલ હતા. હૈદરાબાદના બૉલર્સે નિયમિત અંતરે વિકેટો ખેરવી હતી.
સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને રાશીદ ખાને બે-બે વિકેટ લીધી પરંતુ તેમણે સતત વિકેટ ખેરવી હોવાને કારણે પંજાબની મજબૂત બેટિંગ લાઇનઅપ પણ ટકી ન શકી.
હોલ્ડર અને રાશીદ ખાનની બૉલિંગ ખરેખર પ્રશંસનીય હતી. હૈદરાબાદની ટીમના મૅનેજમૅન્ટે આગામી મૅચ માટે જ્યારે પ્લાનિંગ કરવાનું થશે ત્યારે આ બે બૉલર ઉપરાંત ટી. નટરાજનને ધ્યાનમાં રખાશે.
આ ત્રણ બૉલર ટીમને મૅચ અપાવી શકે છે. આ ત્રણેયની ખાસિયત એ છે કે તેઓ માત્ર વિકેટ ખેરવવા પર ધ્યાન આપતા નથી, સાથે-સાથે ટી20માં અત્યંત જરૂરી એવા રનરેટ પર પણ ફૉકસ કરે છે.
એટલે જ તેમની બૉલિંગમાં રન કરવા આસાન નથી. જ્યાં લોકેશ રાહુલ કે નિકોલસ પૂરનને પણ રન કરવામાં તકલીફ પડતી હોય તો આઉટ ઑફ ટચ ગેઇલ કે મૅક્સવેલને તો ક્રિઝ પર ટકી રહેવામાં પણ ફાંફાં પડી જાય છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો