You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કોરોના સંક્રમણ નવી આશાઓ વચ્ચે પણ કેટલું ખતરનાક?
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દર 24 કલાકમાં નોંધાતા કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે.
ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં કોરોના વાઇરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. રવિવારે 1,091 કોરોના વાઇરસના કેસ નોંધાયા હતા.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં 58 દિવસમાં સૌથી ઓછા ઍક્ટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખ 60 હજારની નજીક પહોંચી ગઈ છે, જેમાં 14 હજાર જેટલા ઍક્ટિવ કેસ છે.
ગુજરાત સહિત ભારતમાં હાલમાં જે રીતે કોરોનાના નવા કેસોમાં ઘટાડો આવ્યો છે, તેને જોતાં કોરોના સંક્રમણની પીક આવી ગઈ છે, એવું નિષ્ણાતો માને છે.
ભારતમાં યાત્રાને લઈને લાગેલા પ્રતિબંધો હઠાવાયા છે, ઉદ્યોગ-ધંધાઓ વગેરે ગતિવિધિઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે.
સ્કૂલો અને કૉલેજો ખોલવાની તૈયારી ચાલી રહી છે અને સામાન્ય જનજીવન ફરી પાટા પર આવી રહ્યું છે. જોકે તહેવારોમાં સરકાર સતત ચેતવણી આપી રહી છે.
તહેવારોની ઉજવણી પર અનેક પ્રકારની પાબંદીઓને લીધે નવરાત્રીમાં ધમધમતું ગુજરાત હાલ શાંત જણાઈ રહ્યું છે.
ત્યારે એ પણ ધ્યાને લેવા જેવું છે કે રાહતના સમાચાર વચ્ચે નિષ્ણાતો આવનારા દિવસોમાં કોરોના સંક્રમણ વધવાની ચેતવણી પણ આપી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુરોપના દેશોનો દાખલો જોઈએ તો સમજી શકાય કે આ રાહત અસ્થાયી પણ હોઈ શકે છે.
અભ્યાસ પ્રમાણે 70 ટકા ચેપગ્રસ્ત સંક્રમણ ફેલાવતા નથી
રાહતના સમાચાર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી વૈજ્ઞાનિકોની કમિટીનો એક અભ્યાસ સામે આવ્યો છે, જે મુજબ કોરોના ચેપગ્રસ્તોમાંથી થોડા લોકો જ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર છે.
જોકે હજી ભારતમાં ઘટતો કેસોની સંખ્યા પાછળ કોઈ સચોટ કારણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ કમિટીના બે સભ્યોએ ભારતમાં કોરોનાના કેસ ઘટવા પાછળનાં કારણો પર વાત કરી હતી.
પ્રોફેસર માનીન્દ્ર અગ્રવાલે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, "આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં હાથ ધરાયેલા અભ્યાસના આધારે સાયન્સ જરનલમાં કહેવામાં આવ્યું હતું કે આશરે 70 ટકા સંક્રમિતો બીજા વાઇરસને ફેલાવતા નથી."
"વાઇરસ માત્ર એવા થોડા લોકો જ ફેલાવી રહ્યા છે, જેમને સુપર સ્પ્રેડર કહી શકાય."
એવા લોકો સુપર સ્પ્રેડર્સ હોય છે, જેમનાથી મોટી સંખ્યામાં લોકોને ચેપ લાગી જાય છે.
આ અભ્યાસ 85 હજાર ચેપગ્રસ્તોના ડેટા પર આધારિત છે, અભ્યાસ પ્રમાણે 85 હજાર ચેપગ્રસ્તોમાંથી 60 હજાર લોકોથી કોઈને પણ સંક્રમણ લાગ્યું નહોતું.
બીજી બાજુ દસ ટકાથી પણ ઓછા લોકો અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર હતા અને સેકન્ડરી સંક્રમણમાંથી 60 ટકા કેસ માટે આ લોકો જ જવાબદાર હતા.
ગુજરાતમાં ચેપી રોગના નિષ્ણાત ડૉ. તુષાર પટેલનું માનવું છે કે કોરોના વાઇરસ નબળો પડી રહ્યો છે.
હવે મોટા પ્રમાણમાં ચેપગ્રસ્તોમાં વાઇરલ-લૉડ ઓછો હોવાને કારણે આવા લોકો વાઇરસનું સંક્રમણ નથી ફેલાવતા.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સમયની સાથે વાઇરસની ઘાતકતા અને મૃત્યુદર પણ ઘટ્યાં છે. પરંતુ જો સાવચેતી ઘટશે તો સંક્રમણ ફરી ત્રાટકે એ વાતને નકારી ન શકાય.
પહાડો પર ડ્રાઇવ કરતા તમે વાંચ્યું હશે, 'સાવચેતી હઠી, દુર્ઘટના ઘટી'. આ એવું જ છે.
ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ
18 ઑક્ટોબરે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોના સંક્રમણના 1091 કેસ નોંધાયા છે, આ આંકડો છેલ્લા 555 દિવસમાં સૌથી ઓછો છે.
ત્યારે રાહતના સમાચાર એ પણ છે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ મુજબ રાજ્યમાં કોરોનાના ઍક્ટિવ કેસમાંથી માત્ર બે ટકા દર્દીઓ હવે હૉસ્પિટલમાં 20 દિવસથી વધારે સમય રહે છે.
અમદાવાદ જે એક સમયે ગુજરાતમાં કોરોના મહામારીનું ઍપીસેન્ટર હતું, ત્યાંની સિવિલ હૉસ્પિટલ સતત પોતાની કામગીરીને કારણે ચર્ચા અને વિવાદમાં રહી હતી.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરીટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "પરિસ્થિતિમાં ઘણો ફેર આવ્યો છે."
તેમનું કહેવું છે કે તેમના માટે આ આશાનું કિરણ છે કારણકે હવે નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને પહેલાં દર્દીઓને સાજા થવામાં લાંબો સમય લાગતો હતો, એ સમયગાળો હવે ટૂંકો થયો છે.
જો ગુજરાતમાં કોરોના સંક્રમણના ગ્રાફને શરૂઆતથી જોઈએ તો પહેલો કેસ રાજકોટ અને સુરત જિલ્લામાં માર્ચ મહિનામાં નોંધાયો હતો.
કોરોનાનો ચેપ જે વ્યક્તિને લાગ્યો હતો, તેઓ વિદેશથી આવી હતી. એપ્રિલના મધ્ય સુધી ગુજરાતમાં આશરે એક હજાર કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો 25 હજાર સુધી પહોંચવામાં આશરે ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો, આમાંથી છ હજાર કેસ ઍક્ટિવ હતા. અને મૃતાંક 1800ની આસપાસ હતો.
ત્યારે કોરોના સંક્રમિતોની આ સંખ્યાને ડબલ થવામાં એક મહિનો લાગ્યો હતો.
22 જુલાઈ, 2020 સુધીમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા, તેમાં 12 હજારથી વધુ ઍક્ટિવ કેસ હતા ત્યારે મૃતાંક 2200ની આસપાસ હતો.
ત્યાર પછી ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 75 હજારને પાર પહોંચવામાં એક મહિનાથી પણ ઓછો સમય લાગ્યો હતો.
13 ઑગસ્ટ, 2020ના ગુજરાત સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાની કેસની સંખ્યા 75 હજારને પાર પહોંચી હતી.
ત્યારે 3 સપ્ટેમ્બર, 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિતોનો આંકડો એક લાખને પાર કરી ગયો હતો.
ત્યાર પછી દોઢ મહિનામાં રાજ્યમાં કોરોના સંક્રમિતોના આશરે 59 હજાર જેટલાં કેસ ઉમેરાયા છે.
ઘટતા કેસની પાછળ શું છે કારણ?
18 ઑક્ટોબર 2020 ના રોજ રાજ્યમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા એક લાખ 59 હજાર 729 થઈ ગઈ છે. જેમાંથી ઍક્ટિવ કેસ માત્ર 14,414 છે અને મૃતાંક 3,635 છે.
આ દરમિયાન 25 સપ્ટેમ્બરે ગુજરાતમાં એક દિવસમાં મળનાર નવા કેસની સંખ્યા સૌથી વધારે (1442) હતી.
સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો આશરે 1400 પ્રતિ દિવસ રહ્યો હતો, જે ઘટીને 1300ની આસપાસ પહોંચ્યો અને હવે 18 ઑક્ટોબરે 1,091 પર પહોંચ્યો હતો.
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડૉ. પ્રભાકર કહે છે, "પહેલાં ખાનગી અને સરકારી હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને બેડ મળવા મુશ્કેલ હતા. પરંતુ હવે દર્દીઓને સરળતાથી બેડ મળી રહે છે."
તેઓ આગળ કહે છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતમાં કૉમ્યુનિટી સ્પ્રેડ થયું છે, એવું જ ગુજરાતમાં પણ થયું છે. લોકોમાં વાઇરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધી છે અને અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં કેસોમાં હજી ઘટાડો જોવા મળશે.
ગુજરાતમાં કોરોના સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ સતત વધી છે. ગુજરાત સરકારના આંકડા મુજબ 18 ઑક્ટોબર સુધી ગુજરાતમાં 1,42,652 દર્દીઓ સાજા થયા અને રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 88.68 છે.
જોકે આ તસવીર આશાસ્પદ લાગે છે પરંતુ આવનારા દિવસોમાં કોરોનાનો કેર ફરી ત્રાટકી શકે, એવી પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
એક તરફ કેસ ઘટી રહ્યા છે ત્યારે ગુજરાતમાં નવરાત્રી, દશેરા, દિવાળી અને અન્ય તહેવારો પર અનેક પ્રકારની પાબંદી લગાવવમાં આવી છે.
ત્યારે કેન્દ્રીય આરોગ્ય તથા કુટુંબકલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને હાલમાં જ ચેતવણી આપી છે કે કેરળ પાસેથી પાઠ શીખવાની જરૂર છે.
કેરળ કોરોના સામેની લડતમાં મૉડલ સ્ટેટ તરીકે જાણીતું થયું પરંતુ ઑગસ્ટના અંતમાં ત્યાં ઓણમના ઉત્સવ પછી ફરીથી કોરોના સંક્રમણ ફેલાયું હતું.
ડૉક્ટર હર્ષવર્ધનનું કહેવું છે કે કેરળે બેદરકારીની કિંમત ભોગવી હતી.
એટલું જ નહીં યુરોપમાં જ્યાં સંક્ટ ખતમ થયાનો આનંદ મનાવાયો હતો, ત્યાં ફરી લૉકડાઉનની નોબત આવી છે.
ફ્રાંસની રાજધાની પેરિસમાં જુલાઈ મહિનામાં વાર્ષિક સંગીત ઉત્સવમાં હજારો લોકો ભેગા થયા હતા.
જુલાઈમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને પ્રથમ વિજયની જાહેરાત કરી અને લૉકડાઉનમાં બાંધછોડ કરી હતી.
શાળાઓ પણ ખોલવામાં આવી હતી પરંતુ હાલમાં જ પેરિસમાં સરકારી હૉસ્પિટલના સંગઠનોએ કહ્યું કે આવતા અઠવાડિયાના અંત સુધીમાં હૉસ્પિટલોમાં 90 ટકા પથારીઓ ભરાઈ જશે.
હવે ફ્રાન્સમાં ફરી નવ શહેરોમાં કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે.
તહેવારની ઉજવણી અને શિયાળાનું આગમન?
ગુજરાતમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં દશેરા, દિવાળી, બેસતું વર્ષ જેવા તહેવારો આવવાના છે.
શિયાળો પણ નજીક જ છે અને ગુજરાતમાં પેટાચૂંટણીના પડઘમ પણ પડી રહ્યા છે.
નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે શિયાળામાં મહામારી ફરી માથું ઊંચકી શકે છે.
ભારત સરકારનું કહેવું છે કે કોરોના સંક્રમણ શિયાળામાં કાબૂની બહાર જઈ શકે છે અને બેરદકારીથી વર્તવાથી મહામારી ફરીથી આપણા પર હાવી થઈ શકે છે. એટલે જરૂરી છે કે લોકો કોરોના સંક્રમણને લઈને શિયાળામાં વધારે સાવચેતીથી વર્તે.
નીતિપંચના સભ્ય (આરોગ્ય વિભાગ) ડૉ. વી કે પૉલે કહ્યું હતું કે કોરોના સંક્રમણ થોડું ધીમું પડે એવા અણસાર અત્યારે દેખાઈ રહ્યા છે પરંતુ એક ચિંતાની વાત છે કે શિયાળામાં આનો માર વધી શકે છે.
તેમના કહેવા પ્રમાણે આ ચિંતા એટલા માટે છે કારણકે આ એક રેસ્પિરેટરી વાઇરસ છે, જે શ્વાસનળીમાંથી અંદર આવે છે. આ પ્રકારના વાઇરસનો પ્રકોપ શિયાળામાં સામાન્ય રીતે વધી જતો હોય છે.
તેમણે આગળ કહ્યું કે આ સમૂહના વાઇરસ શિયાળામાં વધારે શક્તિશાળી થાય છે એટલે બની શકે કે કોરોના સાથે પણ આવું જ થાય. જોકે નવો વાઇરસ છે અને આના વિશે બધી માહિતી હજી આપણી પાસે નથી.
આ વિશે વાત કરતાં ગુજરાતના ચેપીરોગ નિષ્ણાત ડૉ. તુષાર પટેલનું કહેવું છે કે શિયાળો આવતાં યુરોપના દેશોમાં સંક્રમણ વધ્યું છે. જે ચિંતાનો વિષય છે.
જોકે ગુજરાતમાં શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યો અથવા યુરોપ કરતાં ઓછું રહે છે.
તો શું ત્યાંની સરખામણીમાં કોરોના સંક્રમણ વધવાની ચિંતા પણ ઓછી રહેશે?
ડૉ. તુષાર પટેલ કહે છે કે શિયાળામાં ઠંડીનું પ્રમાણે ભલે ઓછું રહે પણગુજરાતમાં તહેવારોની ઉજવણીનું પ્રમાણ વ્યાપક રહે છે. તહેવારની ઉજવણીમાં લોકોનો મેળાવડો મુશ્કેલીને નોતરી શકે છે.
હાલમાં જ અંબાજીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની તસવીરો વાઇરલ થઈ હતી. આ તસવીરોમાં જોઈ શકાતું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઊડી રહ્યા હતા.
નવરાત્રીની આઠમે ચોટીલા, અંબાજી, પાવાગઢ અને બહુચરાજીનાં મંદિરોમાં ભારે ભીડ થતી હોય છે. જોકે પાવાગઢ મંદિરને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સંખ્યાબંધ લોકોના ભેગા થવા માટે ગુજરાતમાં તહેવારો જ નહીં અન્ય અવસરો પણ છે, જેમકે વિધાનસભાની પેટાચૂંટણી.
ગુજરાતમાં પેટાચૂંટણીઅને લગ્નગાળો
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી અને લગ્નગાળો પણ લોકો માટે પરીક્ષાની ઘડી બની રહેશે.
જોકે આ પરીક્ષામાં પેટાચૂંટણી માટે પ્રચાર કરી રહેલા કેટલાક નેતાઓ સતત નાપાસ થયા હોય, એવું સપાટી પર આવ્યું છે.
રાજ્યમાં આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે પેટાચૂંટણી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ચૂંટણી પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ભંગની અનેક ઘટનાઓ જોવા મળી છે.
નેતાઓ સામે એટલી હદે પ્રશ્નો ઊભા થયા કે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે નિવેદન આપ્યું કે "નેતાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના નિયમ પાળવાની જવાબદારી વધારે છે, જેથી તેઓ લોકો સામે ખોટો દાખલો ન બેસાડે."
ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ પોતે કોરોના સંક્રમિત થયા હતા અને તેમના ચૂંટણીલક્ષી કાર્યક્રમોને કારણે સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ વધવાનો આરોપ કૉંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યો હતો.
લગ્નસમારોહ માટે સરકારે 100 મહેમાનોની પરવાનગી આપી છે.
ડૉ. તુષાર પટેલનું કહેવું છે કે આવા સમારોહમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી છે, નહીં તો પરિસ્થિતિ ફરીથી વકરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો