આર્મેનિયા અને અઝરબૈજાન રશિયાના હસ્તક્ષેપ બાદ અસ્થાયી યુદ્ધવિરામ માટે તૈયાર

ઇમેજ સ્રોત, NURPHOTO
વિવાદિત નાગોર્નો-કારાબાખમાં કબજા માટે લડી રહેલા આર્મેનિયા અને અઝરબૈજાન અસ્થાયી રીતે યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયા છે. રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લેવરૉવે આ અંગે જાણકારી આપી છે.
રશિયાની મધ્યસ્થીમાં મૉસ્કોમાં દસ કલાક સુધી ચાલેલી લાંબી વાતચીત બાદ બન્ને દેશોએ શનિવારે બપોરે યુદ્ધવિરામ લાગુ કરવાની તૈયારી દર્શાવી.
આ દરમિયાન બન્ને દેશો યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા પોતાના સૈનિકોના મૃતદેહો લેશે અને યુદ્ધકેદીઓની અદલાબદલી કરશે.
રશિયન વિદેશમંત્રી સર્ગેઈ લેવરૉવે કહ્યું કે આ બાદ શાંતિ કાયમ કરવા માટે બન્ને દેશો વચ્ચે વાતચીત આગળ વધારાશે.
નાગોર્નો-કારાબાખ વિસ્તારને લઈને બે સપ્તાહ પહેલાં શરૂ થયેલા યુદ્ધ બાદ પ્રથમ વખત આર્મેનિયા અને અઝરબૈજાને મૉસ્કોમાં એકબીજા સાથે વાત કરી.
બન્ને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચેની આ બેઠકમાં બેઠકની મધ્યસ્થી કરી રહેલા રશિયન વિદેશમંત્રી પણ હાજર રહ્યા.
નોંધનીય છે કે નાગોર્નો-કારાબાખમાં ચાલી રહેલા યુદ્ધમાં રહેવાસી વિસ્તારોમાં બૉમ્બમારાને લઈને સંયુક્ત રાષ્ટ્રે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
27 સપ્ટેમ્બરે શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધી 300 લોકોનાં મૃત્યુ થયાં છે અને હજારો લોકોને ઘરબાર છોડવાની ફરજ પડી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાગોર્નો-કારાબાખ એક ડુંગરાળ વિસ્તાર છે અને અધિકૃત રીત અઝરબૈજાનનો છે. જોકે, 1994માં ખતમ થયેલી લડાઈ બાદ આ વિસ્તારમાં આર્મેનિયાનો કબજો છે.
પૂર્વ સોવિયેટ સંઘનો ભાગ રહે ચૂકેલા આર્મેનિયા અને અઝરબૈઝાન નાગોર્નો-કારાબાખના વિસ્તારને લઈને 1980ના દાયકામાં અને 1990ના દાયકાના પ્રારંભમાં સંઘર્ષમાં ઊતરી ચૂક્યા છે.
હાલના તણાવ માટે બન્ને દેશો એકબીજાને જવાબદાર ઠેરવે છે.

મૉસ્કોમાં શું થયું?

ઇમેજ સ્રોત, Maria Zakharova/fb
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે વાતચીત શુક્રવારે શરૂ થઈ હતી. વાતચીત શરૂ થવા અંગે રશિયાના વિદેશમંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝાખારોવાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી.
તેમણે આર્મેનિયા, અઝરબૈજાન અને રશિયાના વિદેશમંત્રીઓની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું, "વાતચીત શરૂ થઈ ચૂકી છે."
આ પહેલાં રશિયાના રાષ્ટ્રપિત વ્લાદિમીર પુતિને બન્ને પક્ષોને યુદ્ધવિરામની અપીલ કરી હતી અને કહ્યું હતું કે બન્ને દેશો પોતાના સૈનિકોના મૃતદેહો લઈ જઈ શકે અને યુદ્ધકેદીઓની અદલાબદલી કરી શકે એ માટે યુદ્ધવિરામ જરૂરી છે.
વાતચીત શરૂ થતાં પહેલાં અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ટીવી પર પ્રસારિત એક સંદેશમાં કહ્યું હતું યુદ્ધ ખતમ કરવા માટે તેઓ "આર્મેનિયાને એક છેલ્લી તક આપવા માટે તૈયાર છે."
જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે અઝરબૈજાનની પ્રાદેશિક અખંડતાને ફરીથી સ્થાપવાથી ઓછી કોઈ વાત પર તેઓ તૈયાર નહીં થાય.
તેમણે ઉમેર્યું, "અમે સાચા રસ્તા પર છીએ. અમે જીતી રહ્યા છીએ. અમે અમારી જમીન ફરીથી પરત લઈશું અને પ્રાદેશિક અખંડતા ફરી કાયમ કરીશું. જોકે, અમારી જમીન પર કબજો કરનારાઓને અમે છેલ્લી તક આપવા માગીએ છીએ કે અમારી જમીન પરથી તેઓ બહાર જતા રહે."
બીજી બાજું, અઝરબૈજાનના પારંપરિક મિત્ર અને સમર્થક તુર્કીએ શુક્રવારે કહ્યું હતું કે શાંતિ સ્થાપવાના પ્રયાસો ત્યાં સુધી સફળ નહીં નીવડે, જ્યાં સુધી આર્મેનિયા વિવાદિત જમીન પરથી પોતાનું સૈન્ય પર નહીં હઠાવે.
આર્મેનિયામાં રશિયાનું સૈન્યઠેકાણું છે અને બન્ને દેશો સૈન્યસંગઠન 'કલેક્ટિવ સિક્યૉરિટી ટ્રીટી ઑર્ગેનાઇઝેશન'ના સભ્યો પણ છે. અઝરબૈજાનની સરકાર સાથે પણ રશિયાના સારા સંબંધો છે.

વિવાદનું કારણ- નાગોર્નો-કારાભાખ

ઇમેજ સ્રોત, EMBASSY OF THE REPUBLIC OF ARMENIA TO THE UK
નાગોર્નો-કારાભાખ 4,400 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે, જ્યાં આર્મેનિયન ખ્રિસ્તી અને મુસ્લિમ તુર્ક રહે છે.
સોવિયેટ સંઘના સમયે અહીં અઝરબૈજાનમાં એક સ્વાયત્ત ક્ષેત્ર બની ગયું હતું.
આંતરરાષ્ટ્રીયસ્તરે તેને અઝરબૈજાનના ભાગ તરીકે જ જોવામાં આવે છે, પરંતુ અહીંની મોટા ભાગની વસતી આર્મેનિયન છે.
1980ના દશકના અંતમાં શરૂ થઈને 1990ના દશક સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન 30 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 10 લાખથી વધુ લોકો અહીંથી વિસ્થાપિત થયા હતા.
એ દરમિયાન અલગાવવાદી તાકાતોએ નાગોર્નો-કારાબાખના કેટલાક વિસ્તારો પર કબજો કરી લીધો.
1994માં અહીં યુદ્ધવિરામની જાહેરાત થઈ, બાદમાં પણ અહીં પ્રતિકાર ચાલુ છે અને ઘણી વાર આ વિસ્તારમાં તણાવ પેદા થઈ જાય છે.
તાજા વિવાદની શરૂઆત પણ બંને દેશો તરફથી એકબીજા પર હુમલા કરવાના દાવાથી થઈ હતી.
વર્તમાન લડાઈમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












