આર્મેનિયા-અઝરબૈજાન વિવાદ : તુર્કી ગરીબ સીરિયનોને યુદ્ધમાં ધકેલી રહ્યું છે?

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, OZAN KOSE

ઇમેજ કૅપ્શન, આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ

નાગોર્નો- કારાબાખની લડાઈ માટે નિયુક્ત કરવામાં આવેલ એક સીરિયન યુવાને બીબીસીની અરબી સેવાના મોહમ્મદ ઇબ્રાહિમને જણાવ્યું કે સેના સાથે કામ કરવાના તેમના નિર્ણયના એક અઠવાડિયાની અંદર તેમને લડાઈ માટે અઝરબૈજાન મોકલવામાં આવ્યા.

સીરિયન યુવાન અબ્દુલ્લા(બદલેલ નામ)નું કહેવું છે કે આર્થિક તંગીને કારણે તેઓ અઝરબૈજાનની સરહદ પર હાજર સૈન્ય ઠેકાણાં પર ચોકી કરવાના કામ માટે માની ગયા, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની તાલીમ વગર જ લડાઈમાં સામેલ કરી દેવામાં આવ્યા.

તેમનું કહેવું છે કે તેમને સેનામાં સામેલ થયાના અમુક દિવસમાં જ નાગોર્નો-કારાબાખના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં મોકલી દેવાયા.

નોંધનીય છે કે નાગોર્નો-કારાબાખ વિસ્તાર દાયકાઓથી પૂર્વ સોવિયેત સંઘનો ભાગ રહી ચૂકેલ આર્મેનિયા અને અઝરબૈજાનના વચ્ચેના તણાવનું મુખ્ય કારણ છે.

80ના દાયકાના અંતથી 90ના દાયકાના મધ્ય સુધી અહીં બંને દેશો વચ્ચે યુદ્ધ થયું હતું.

જેમાં 30 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 10 લાખથી વધુ વિસ્થાપિત થયા હતા.

એ દરમિયાન અલગાવવાદી તાકાતોએ નાગોર્નો-કારાબાખના કેટલાક વિસ્તારોમાં કબજો કરી લીધો હતો. આ સમયે આર્મેનિયાએ અઝરબૈજાનના યુદ્ધવિરામની ઘોષણા પણ કરી હતી પરંતુ 1994માં થયેલા યુદ્ધવિરામ બાદ પણ અહીં સંઘર્ષ ચાલુ છે.

ભૌગોલિક અને રણનીતિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોવાને લીધે પણ આ વિવાદ જટિલ બની ગયો છે.

સદીઓથી આ વિસ્તારની મુસલમાન અને ખ્રિસ્તી તાકાતો તેની પર પોતાનું પ્રભુત્ત્વ સ્થાપિત કરવા ઇચ્છતી રહી છે.

આ વિસ્તારમાંથી ગૅસ અને ક્રૂડઑઇલની પાઇપલાઇનો નીકળે છે એટલા માટે વિસ્તારના સ્થાયિત્વને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

line

અસલ વિવાદની શરુઆત

યુદ્ધભૂમિ પર જવાનો

ઇમેજ સ્રોત, EPA/AZERBAIJAN DEFENCE MINISTRY

ઇમેજ કૅપ્શન, યુદ્ધભૂમિ પર જવાનો

1920ના દાયકામાં જ્યારે સોવિયેત સંઘ બન્યો ત્યારે હાલના બંને દેશો (આર્મેનિયા અને અઝરબૈજાન) તેનો ભાગ બની ગયા. પરંતુ મૂળ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 1980ના દાયકામાં સોવિયેત સંઘનું વિઘટન શરૂ થયું અને નાગોર્નો-કારાખાબને સોવિયેત અધિકારીઓએ અઝરબૈજાનના હાથમાં સોંપી દીધું.

નાગોર્નો-કારાખાબની સંસદે સત્તાવારરીતે ખુદને આર્મેનિયાનો હિસ્સો બનાવવા માટે મતદાન કર્યું.

નાગોર્નો-કારાખાબની મોટાભાગની વસતી આર્મીનિયન છે. દાયકાઓ સુધી નાગોર્નો-કારાખાબના લોકો આ વિસ્તાર આર્મેનિયાને સોંપવાની અપીલ કરતા રહ્યા.

આ મુદ્દાને લઈને અહીં અલગાવવાદી આંદોલન શરૂ થઈ ગયું અને અઝરબૈજાને તેને ખતમ કરવાની કોશિશ કરી. આ આંદોલનને સતત આર્મેનિયાનું સમર્થન મળતું રહ્યું.

પરિણામ એ આવ્યું કે અહીં જાતીય સંઘર્ષ થવા લાગ્યા અને સોવિયેત સંઘથી સંપૂર્ણપણે સ્વંતત્ર થયા પછી એક પ્રકારનું યુદ્ધ શરૂ થઈ ગયું.

અહીં થયેલા એક સંઘર્ષના કારણે લાખો લોકોએ પોતાનાં ઘર છોડી પલાયન કરવું પડ્યું. બંને પક્ષો તરફથી જાતીય નરસંહારની ખબરો પણ આવી.

વર્ષ 1994માં રશિયાની મધ્યસ્થીમાં થયેલા યુદ્ધવિરામની ઘોષણા પહેલાં નાગોર્નો-કારાબાખ પર આર્મીનિયન સેનાનો કબજો થઈ ગયો. આ સોદા બાદ નાગોર્નો-કારાબાખ અઝરબૈજાનનો ભાગ તો રહ્યો, પરંતુ આ વિસ્તાર પર અલગાવવાદીઓની હકૂમત રહી જેમણે તેને લોકતાંત્રિક જાહેર કરી દીધું. અહીં આર્મેનિયાના સમર્થનવાળી સરકાર ચાલવા લાગી, જેમાં આર્મીનિયન જાતિ સમૂહ સાથે જોડાયેલ લોકો હતા.

આ સોદા અંતર્ગત નાગોર્નો-કારાબાખ લાઇન ઑફ કૉન્ટેક્ટ (એલઓસી) પણ બની, જે આર્મેનિયા અને અઝરબૈજાનના સૈનિકોને અલગ કરે છે.

line

કયો દેશ કોની સાથે?

યુદ્ધભૂમિ પર જવાનો

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન, યુદ્ધભૂમિ પર જવાનો

નાગોર્નો-કારબાખમાં શાંતિ બનાવી રાખવા માટે 1929માં ફ્રાંસ, રશિયા અને અમેરિકાની અધ્યક્ષતામાં ઑર્ગેનાઇઝેશન ફૉર સિક્યૉરિટી ઍન્ડ કો-ઑપરેશન (સુરક્ષા અને સહયોગ માટેનું સંગઠન) તેમજ યુરોપ મિંસ્ક ગ્રૂપની મધ્યસ્થીમાં શાંતિવાર્તા શરૂ થઈ હતી.

હાલમાં મિંસ્ક ગ્રૂપની એક બેઠક બાદ અમેરિકા, ફ્રાંસ અને રશિયાએ નાગોર્નો-કારબાખમાં ચાલી રહેલ લડાઈની ટીકા કરી છે અને કહ્યું છે કે યુદ્ધ ટૂંક સમયમાં ખતમ થઈ જવું જોઈએ. જોકે, અઝરબૈજાનના સમર્થનમાં ઊતરેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અદોરઆને કહ્યું કે જ્યારે આર્મેનિયા અઝરબૈજાનના વિસ્તાર પર પોતાનો કબજો ખતમ કરશે ત્યારે જ યુદ્ધવિરામ શક્ય છે.

વળી બીજી બાજુ રશિયાના આર્મેનિયા સાથે નજીકના સંબંધો છે અને તાજેતરના તણાવ વચ્ચે રશિયાએ બંને દેશો વચ્ચે મધ્યસ્થીની રજૂઆત કરી છે.

અહીં રશિયાનું એક સૈનિકઠેકાણું પણ છે અને બંને દેશો 'કલેક્ટિવ સિક્યૉરિટી ટ્રીટી ઑર્ગેનાઇઝેશન'ના સભ્ય છે, પરંતુ અઝરબૈજાનની સરકાર સાથે પણ રશિયાના સારા સંબંધો છે.

અઝરબૈજાનમાં મોટી સંખ્યામાં તુર્ક મૂળના લોકો રહે છે. આવી પરિસ્થિતિમાં નાટોના સભ્ય દેશ તુર્કીએ વર્ષ 1991માં એક સ્વતંત્ર દેશના સ્વરૂપમાં અઝરબૈજાનના અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો.

અઝરબૈજાનના પૂર્વ રાષ્ટ્રપતિએ તો બંને દેશોના સંબંધો બે દેશ એક રાષ્ટ્ર તરીકે હોવા સુધીનું કહ્યું હતું. એવામાં આર્મેનિયા સાથે તુર્કીના કોઈ સત્તાવાર સંબંધો નથી. 1993માં જ્યારે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સરહદવિવાદ વધ્યો ત્યારે અઝરબૈજાનનું સમર્થન કરતા તુર્કીએ આર્મેનિયા સાથે જોડાયેલી પોતાની સરહદ બંધ કરી દીધી હતી.

તાજેતરમાં ફરી વિવાદ વકર્યો ત્યારે તુર્કી ફરી એક વાર પોતાના મિત્રના સમર્થનમાં આવી ગયું પરંતુ આ મામલે હવે ફ્રાંસ તુર્કીથી નારાજ થઈ ગયું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેંક્રોંએ તુર્કીને કહ્યું છે કે હવે આ મામલે જોખમની રેખા પાર થઈ ગઈ છે, જેનો સ્વીકાર કરી શકાય નહીં.

line

આર્મેનિયા-અઝરબૈજાનની લડાઈમાં સીરિયન યુવાનો

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Reuters

આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પશિનયાને ફરી વાર એવો દાવો કર્યો છે કે આ વિવાદમાં મર્સિંનરી(ભાડૂતી લડવૈયા) જોડાઈ ગયા છે, જે અંતર્ગત અઝરબૈજાન અને તુર્કી 'વિદેશી આતંકી લડવૈયાઓની મદદ અને ભાગીદારીથી' યુદ્ધ લડી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, "આ આતંકવાદ અમેરિકા, ઈરાન, રશિયા અને ફ્રાંસ માટે પણ એટલું જ મોટું જોખમ છે."

તેમની આ વાતને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેંક્રોં પણ સારી રીતે સમજે છે, જેમણે કહ્યું હતું કે એ વાતની ગુપ્ત જાણકારી મળી છે કે "જેહાદી સમૂહ" ના 300 સીરિયન લડવૈયાઓ એલપ્પોથી નીકળી ગયા છે અને અઝરબૈજાન પહોંચવા તુર્કીના રસ્તે જઈ રહ્યા છે.

આર્મેનિયાએ પણ આ પહેલાં આરોપ લગાવ્યો હતો કે સીરિયાના લગભગ 4000 જેટલા નાગરિકોને લડાઈમાં સામેલ કરવા માટે અઝરબૈજાન મોકલવામાં આવ્યા છે, પરંતુ તુર્કીએ આ વાતનો ઇન્કાર કરી દીધો છે.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવનું કહેવું છે કે આર્મેનિયા સાથે ચાલી રહેલી આ લડાઈમાં તુર્કી બહારથી સમર્થન કરી રહ્યું છે, પરંતુ તે પ્રત્યક્ષ રીતે યુદ્ધમાં સામેલ નથી.

નોંધનીય છે કે અઝરબૈજાનમાં મોટી સંખ્યામાં તુર્ક મૂળના લોકો રહે છે. એવામાં રાજકીય અને સાંસ્કૃતિક રીતે તુર્કી અને અઝરબૈજાન એકબીજાથી ઘણા નજીક છે, પરંતુ આ પહેલી વાર નથી જ્યારે સીરિયન લડવૈયાઓને લડાઈ માટે તુર્કી મારફતે દેશની બહાર લઈ જવામાં આવ્યા હોય.

ગત વર્ષે મેં મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્તર સીરિયાના ઘણા લડવૈયાઓને લીબિયાના ગૃહયુદ્ધમાં લડવા માટે તુર્કી મારફતે ત્યાંથી લાવવામાં આવ્યા હતા. ત્રીપોલીમાં સીરિયન લડવૈયાઓના ઘણા વીડિયો સામે આવ્યા હતા, ત્યારબાદ તુર્કી પર આરોપ લાગ્યો હતો કે તે ત્યાંના ગૃહયુદ્ધમાં ઘી નાખવાનું કામ કરી રહ્યું છે.

'સીરિયસ ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ'ના નિયામક રામી અબ્દુલ રહેમાન કહે છે કે લડવૈયાઓને અઝરબૈજાન મોકલવામાં આવ્યા છે કે નહીં તેને લઈને વિપક્ષી સીરિયન જૂથમાં હાલ તુરંત સામાન્ય સમજૂતી નથી.

તુર્ક મૂળ સાથે જોડાયેલાં જૂથોનું કહેવું છે કે તુર્કીના કહેવાથી સૈનિકોને ત્યાં મોકલવા જોઈએ, પરંતુ હોમ્સ અને ગૂટા સાથે જોડાયેલા લડવૈયાઓનું કહેવું છે કે અઝરબૈજાનના શિયા મુસલમાનો અને આર્મેનિયાના ખ્રિસ્તીઓ વચ્ચેની આ લડાઈ છે, જેમાં તેઓ સામેલ થવા ઇચ્છતા નથી(વિપક્ષી સીરિયન સેનામાં મોટે ભાગે સુન્ની લડવૈયાઓ છે).

line

સીરિયન યુવાનની કહાણી

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, JILLA DASTMALCHI/BBC

સીરિયાના રહેવાસી અબ્દુલ્લાએ (નામ બદલ્યું છે) બીબીસીની અરબી સેવાના મોહમ્મદ ઇબ્રાહિમને જણાવ્યું કે તેમને એ વાતની કોઈ જાણકારી નહોતી કે તેમને જંગના મેદાનમાં મોકલવામાં આવી રહ્યા છે.

તેમણે બીબીસી સંવાદતાતા ઇબ્રાહિમ સાથે મૅસેજિંગ ઍપ મારફતે વાત કરી.

ઇબ્રાહિમ સાથે નિયમિતપણે તેમની વાત થતી રહે છે.

અબ્દુલ્લાને ડર હતો કે તેમના અધિકારીઓને આ વાતની ખબર પડી જશે કે તેઓ એક પત્રકાર સાથે મૅસેજ મારફતે વાત કરી રહ્યા છે.

અબ્દુલ્લાએ એક સંદેશમાં લખ્યું, "તેમણે અમને કહ્યું કે અમારે સરહદ પર હાજર સેનાનાં ઠેકાણાં પર પહેરો ભરવા માટે અઝરબૈજાન જવાનું છે. આ માટે અમને 2000 ડૉલર આપવાની વાત હતી. એ સમયે અહીં કોઈ યુદ્ધ નહોતું ચાલી રહ્યું. અને અમને કોઈ પણ લશ્કરી તાલીમ પણ નહોતી અપાઈ."

એક સપ્તાહની અંદર જ આ સીરિયન યુવાનને એક એવા યુદ્ધમાં ધકેલી દેવાયો જેની સાથે એનો કોઈ સંબંધ જ નહોતો અને તેને એક એવા દેશમાં મોકલી દેવાયો જેની તેણે ક્યારેય મુલાકાત નહોતી લીધી.

line

'અમને નહોતી ખબર કે દુશ્મન કોણ છે અને ક્યાં છે'

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સંઘર્ષ

ઇમેજ સ્રોત, Reuters

27 સપ્ટેમ્બર રવિવારે અબ્દુલ્લાને કૅમ્પમાં પહોંચ્યા તેને લગભગ એક અઠવાડિયું થઈ ગયું હતું.

તેઓ ત્યાં અન્ય ઘણા સીરિયન લોકો સાથે હતા જેઓ પૈસા કમાવવા માટે અહીં કામ કરવા માટે તૈયાર થયા હતા. પરંતુ તેમને એ સમયે આશ્ચર્ય થયું જ્યારે તેમને ત્યાંથી જલદી અન્ય જગ્યાએ મોકલી દેવાયા.

તેઓ કહે છે, "અમને અઝરબૈજાની આર્મીનો યુનિફૉર્મ પહેરવા આપ્યો અને બખ્તરબંધ ગાડીઓમાં ભરીને ત્યાંથી બીજે લઈ ગયા. અમને બધાને એક એક એકે-47 આપી દેવાઈ હતી."

નાગોર્નો-કારાખાબમાં ભીષણ લડાઈ શરૂ થઈ ચૂકી હતી.

અબ્દુલ્લા કહે છે, "જ્યારે ગાડી રોકાઈ તો અમે અમારી જાતને યુદ્ધના મેદાનમાં જોયા. અમને નહોતી ખબર કે દુશ્મન ક્યાં છે. ત્યાર બાદ બૉંબમારો શરૂ થઈ ગયો અને લોકો ગભરાઈને રડવા લાગ્યા.લોકો પોતાના ઘરે પરત જવા માંગતા હતા. એક વખત બૉંબ અમારી નજીક આવીને પડ્યો જેથી અમારી સાથેના ચાર સીરિયન સૈનિકોનાં મોત થયાં અને ત્રણ ઘાયલ થઈ ગયા."

અબ્દુલ્લા જણાવે છે કે આગામી કેટલાક દિવસોમાં તેમણે 10 સીરિયન સૈનિકોના મૃતદેહો જોયા.

ઉત્તર સીરિયામાં હાજર સ્થાનીક સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે અઝરબૈજાનમાં સીરિયન સૈનિકોનાં મૃત્યુની ખબરો હવે તેમના પરિવારો સુધી પહોંચવા લાગી છે.

અબ્દુલ્લા જણાવે છે કે ત્યાં લગભગ 70 સીરિયન લોકો છે જેઓ ઘાયલ છે અને તેમને યોગ્ય સ્વાસ્થ્યસેવાઓ નથી મળી રહી.

line

અબ્દુલ્લાનો આખરી સંદેશ

વીડિયો કૅપ્શન, ગિલગિટ બાલ્ટિસ્તાન પર 1984થી પાકિસ્તાનનો કાબૂ છે.

કેટલાક દિવસો સુધી ઇબ્રાહિમને અબ્દુલ્લાનો કોઈ સંદેશ ન મળ્યો. તેમને લાગ્યું કે કોઈકે તેની પાસે રહેલો ફોન કોઈએ આચકી લીધો હશે.

જોકે, આ કમજોર ઇન્ટરનેટની અસર હોય તેવું પણ હોઈ શકે, જે કારણે તે કોઈનો સંપર્ક ન સાધી શકી રહ્યો હોય.

તેમના આખરી સંદેશામાંથી એકમાં તેમણે લખ્યું હતું તેઓ ઇચ્છે છે કે યુદ્ધ ખતમ થઈ જાય અને શાંતિપૂર્ણ માહોલ બને.

તેમણે લખ્યું હતું, "જ્યારે યુદ્ધ શરૂ થયું તો અમે અમારા વરિષ્ઠ અધિકારીઓને કહ્યું કે અમે સીરિયા પોતાના ઘરે જવા ઇચ્છીએ છીએ, પરંતુ તેમણે ઇન્કાર કરી દીધો. તેમણે અમને ધમકી આપી કે જો અમે લડવાનો ઇન્કાર કર્યો તો અમને જેલમાં પૂરી દેવામાં આવશે. એવું લાગે છે કે અમે એક રીતે નિર્વાસિત જીવન જીવી રહ્યા છીએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો