You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્ભયાકાંડથી હાથરસ કેસ : દેશમાં વિરોધનો સૂર કેટલો બદલાયો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના હાથરસમાં કથિત ગૅંગરેપ બાદ થયેલા હત્યાના મામલામાં સમગ્ર દેશમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે અને રાજકીય રીતે નિવેદનબાજી પણ વધી છે.
પીડિતા સાથે કથિતપણે ગૅંગરેપ બાદ અમાનવીય હિંસા કરાઈ હોવાના આરોપો મુકાઈ રહ્યા છે. આ કેસમાં ચાર આરોપીની ધરપકડ પણ કરાઈ છે.
આ ઘટના એક રાષ્ટ્રીય મુદ્દો બની ગઈ છે અને ચારે તરફથી પીડિતા અને તેમના પરિવાર માટે ન્યાયની માગણીઓ ઊઠી રહી છે અને આ મામલે કેટલાક પ્રશ્નો પણ ઊઠી રહ્યા છે.
તો સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને અનેક વીડિયો વાઇરલ થઈ રહ્યા છે અને અનેક દાવાઓ થઈ રહ્યા છે.
હાથરસ કેસમાં વિરોધપ્રદર્શન કરી રહેલા વિપક્ષ પર પલટવાર કરતાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જેમને વિકાસ નથી ગમતો, તેઓ જાતીય અને સાંપ્રદાયિક રમખાણો ભડકાવવા માગે છે.
તેમણે કહ્યું કે, "રમખાણોની આડશમાં તેમને રાજકીય રોટલા શેકવાનો મોકો મળશે એટલે એ લોકો અવારનવાર કાવતરાં રચે છે."
"આ કાવતરાંઓથી ચેતીને આપણે વિકાસની પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાની છે."
સાથે જ તેમણે એક ટ્વીટ કર્યું હતું, "સંવાદના માધ્યમથી મોટી-મોટી સમસ્યાઓનું સમાધાન શક્ય છે. નવા ઉત્તર પ્રદેશમાં સંવાદ જ તમામ સમસ્યાઓના સમાધાનનું માધ્યમ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના ગામમાં પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. બાદમાં ઠેર-ઠેર કૉંગ્રેસ અને દલિતો દ્વારા હાથરસની ઘટનાના વિરોધમાં પ્રદર્શનો થયાં હતાં.
તો સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની આ મુલાકાતને અલગ રીતે જોવાઈ રહી છે.
2012માં જ્યારે નિર્ભયાકાંડ થયો ત્યારે સમગ્ર દેશ આખામાં આક્રોશ અને વિરોધનો સૂર જોવા મળતો હતો. જોકે હાથરસ કેસમાં પણ વિરોધ તો જોવા મળી રહ્યો છે, પણ એક જૂથ કૉંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ મૂકી રહ્યું છે.
આ તરફ યુપી ઉપરાંત ગુજરાતમાં પણ અલગ-અલગ જગ્યાએ ચાર કથિત બળાત્કારની ઘટના બની હોવાનું મીડિયા અહેવાલોમાં નોંધાયું છે.
આરોપીઓના સમર્થનમાં પ્રદર્શનો
ઉત્તર પ્રદેશના હાથરસથી બીબીસીનાં પત્રકાર ચિંકી સિન્હાએ જણાવ્યું હતું કે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદના પીડિત પરિવારના ગામમાં જવાના સમાચાર આવ્યા બાદ કરણી સેનાએ પણ પોતાની એક ટીમને હકીકત જાણવા માટે ત્યાં મોકલી હતી.
કરણી સેનાના સુભાષસિંહે કહ્યું હતું છે કે ગામમાં એટલા માટે તેઓ હાજર છે કે ચંદ્રશેખર ત્યાં પહોંચી રહ્યા છે.
તેઓએ કહ્યું હતું કે "અમને સુશાંતસિંહ રાજપૂતના મામલે ન્યાય મળ્યો, કેમ કે મીડિયાએ મદદ કરી. હવે અમે અહીં જોઈશું કે હકીકત શું છે?"
તો બીજી બાજુ, સવર્ણ સમાજનાં કેટલાંક સંગઠનો ગામમાં આરોપીઓના સમર્થનમાં બેઠાં હતાં.
તો ટ્વિટરમાં પણ કૉંગ્રેસ નેતાઓ પર રાજનીતિ કરવાનો આરોપ પણ મુકાઈ રહ્યો છે. તેમજ રાજસ્થાનમાં બનેલી ઘટનાને પણ યાદ કરાઈ રહી છે.
ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે છેલ્લા કેટલાક સમયથી દેશની સામાજિક ભાવના અને તાણાવાણા કઈ દિશામાં જઈ રહ્યા છે.
'વિરોધ માટે માણસ હોવું પૂરતું છે'
એક સમયે ભારતની સાથેસાથે આખી દુનિયામાં 'નિર્ભયા'ના નામથી ઓળખાયેલાં પીડિતાના સમર્થનમાં દેશ એક થઈ ગયો હતો.
દિલ્હી સમેત ભારતનાં તમામ રાજ્યોનાં પાટનગરો, શહેરોમાં લોકોએ મીણબત્તી અને પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો.
અને 'બળાત્કારીઓને ફાંસી આપો', 'છોકરીનાં કપડાં નહીં, તમારા વિચાર બદલો' અને 'છોકરી માટે સુરક્ષા' જેવા નારા પોકાર્યા હતા.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યાપિકા અને લેખિકા શરીફા વીજળીવાળા બીબીસી સાથે વાત કરતાં કહે છે કે બળાત્કાર એ બળાત્કાર છે.
તેઓ વધુમાં કહે છે, "મારી દૃષ્ટિએ બળાત્કારની ઘટના જઘન્ય છે અને એનો ભોગ બનનાર સ્ત્રી હોય છે. આ ઘટનાનો વિરોધ કરવા માટે મારું માણસ હોવું પૂરતું છે."
"એના માટે મારે આ કે તે પક્ષના થવું જરૂરી નથી. મારે મારા અંતરાત્માને પૂછવું પડે કે તું માણસ છે તો આનો વિરોધ કર. આમાં પક્ષીય રાજકારણ થાય તો એક શિક્ષક તરીકે, એક સ્ત્રી તરીકે મને શરમ આવે."
આરોપીઓના સમર્થન મામલે 'પરિ' સંસ્થાના સામાજિક કાર્યકર યોગિતા ભાયાના કહે છે, "આ એ દર્શાવે છે કે આપણા દેશમાં જ્ઞાતિવાદ કેટલો વકરેલો છે. મારી જિંદગીમાં મેં આવું જોયું નથી કે કોઈ આરોપીઓના સમર્થનમાં આવે."
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ ઉમેરે છે, "એક પરિવારને અંતિમસંસ્કાર કરવામાં દેવામાં ન આવે, અને તેમને જ આરોપીઓના કઠેડામાં ઊભા કરી દેવામાં આવ્યા છે. આવું ક્યારેય થયું નથી. આ લોકતંત્રની મજાક ઉડાવવામાં આવી રહી છે."
હાથરસના પરિવારજનોનો આરોપ છે કે પોલીસે હજુ સુધી પીડિતાનો મેડિકલ રિપોર્ટ અને પોસ્ટ્મૉર્ટમ રિપોર્ટ તેમને આપ્યો નથી.
પીડિતાના પરિવારને તમામ તબીબી કાગળો અને પોસ્ટ્મૉર્ટમ રિપોર્ટ મેળવવાનો અધિકાર છે. પરિવારને હજુ રિપોર્ટ કેમ નથી આપવામાં આવ્યો તે અંગે પોલીસે કોઈ જવાબ આપ્યો નથી.
પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ફૉરેન્સિક પુરાવાના આધારે બળાત્કાર થયો છે, તે પુરવાર થતું નથી. જોકે, રિપોર્ટમાં બળજબરીથી પેનિટ્રેશનના પ્રયાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે અહેવાલમાં આ મુદ્દાને પોતાના નિવેદનમાં સામેલ કર્યો નથી.
આ ઘટનાને રાજકીય રીતે પણ જોવાઈ રહી છે અને એ રીતે પણ નેતાઓ અલગ-અલગ નિવેદન આપી રહ્યા છે.
પીડિત પરિવારના ગામલોકો શું કહે છે?
રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી લગભગ 160 કિલોમિટર દૂર વસેલા આ ગામમાં મોટા ભાગે ઠાકુર અને બ્રાહ્મણ પરિવારો જ રહે છે. દલિતોના આ ગામમાં લગભગ એક ડઝન જેટલાં ઘર છે, જે આસપાસ જ છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા જણાવે છે કે એક આરોપી 32 વર્ષના છે અને ત્રણ બાળકોના પિતા છે. બીજા 28 વર્ષના છે અને તેમનાં બે બાળકો છે. અન્ય બેની ઉંમર 20 વર્ષની આસપાસ છે અને તેમનાં લગ્ન નથી થયાં.
આરોપી અંગે ગામલોકોનો મત તેમના પરિવાર સાથેના સંબંધ પ્રમાણે અલગ-અલગ છે. પાસેના જ ઠાકુર પરિવારનાં કેટલાંક મહિલાઓએ જણાવ્યું હતું કે એક આરોપી તો પહેલાંથી જ આવો હતો. રસ્તે જતી છોકરીઓની છેડતી કરતો હતો.
દિલનવાઝ પાશાને ઠાકુર પરિવારના યુવકોએ કહ્યું હતું કે, "આ પરિવાર આવો જ છે. લડાઈ-ઝઘડા કરતા રહે છે. પરિવાર મોટો હોવાને કારણે તેમની બીકને કારણે કોઈ કશું બોલતું નથી."
"બધા એક સાથે થઈ જાય છે. તેમની આ વિસ્તારમાં ધાક છે. ગામમાં તેમની વિરુદ્ધ કોઈ કશું જ નહીં બોલે."
તો એક દલિત પરિવારના વૃદ્ધે જણાવ્યું હતું, "આવું પહેલી વાર નથી બન્યું કે અમારી પર આવા પ્રકારનો હુમલો થયો હોય. અમારી વહુ-દીકરીઓ એકલી ખેતરે નથી જઈ શકતી."
"આ દીકરી તો પોતાનાં માતા અને ભાઈ સાથે ગઈ હતી, તેમ છતાં તેની સાથે આવું થયું. આ લોકોએ અમારું જીવન નર્ક બનાવી રાખ્યું છે. અમે જ જાણીએ છીએ આ નર્કમાં અમે કેવી રીતે રહીએ છીએ."
'બળાત્કારની ઘટનાનો એકસરખો વિરોધ થવો જોઈએ'
14 સપ્ટેમ્બરના રોજ થયેલા કથિત ગૅંગરેપના મામલામાં પોલીસ અત્યાર સુધી FIRમાંની કલમોને ત્રણ વખત બદલી ચૂકી છે.
અગાઉ માત્ર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ ગૅંગરેપની કલમો ઉમેરવામાં આવી. દિલ્હીની હૉસ્પિટલમાં 29 સપ્ટેમ્બરના રોજ પીડિતાના મૃત્યુ બાદ હત્યાને લગતી કલમો પણ ઉમેરવામાં આવી હતી.
પરિવારજનોનો આરોપ છે કે તેમને ઘરમાં બંધ કરીને બળજબરીપૂર્વક પીડિતાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે પોલીસ જણાવે છે કે પરિવારજનોની હાજરીમાં અંતિમસંસ્કાર કરાયા હતા.
આવી રીતે અડધી રાત્રે અંતિમસંસ્કાર કરાયા બાદ પરિવારજનો અને દલિત સમુદાયમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દેશ સહિત ગુજરાતમાં પણ ઠેર-ઠેર દલિત સમાજે હાથરસ ઘટના મામલે વિરોધ નોંધાવ્યો હતો અને સંબંધિત અધિકારીને આવેદનો પણ આપ્યાં હતાં.
હાથરસ મામલે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે એવું નિવેદન આપ્યું હતું કે 'માતાપિતા તેમની દીકરીઓને સારા સંસ્કાર આપે તો બળાત્કાર રોકી શકાય છે.'
જાણીતા રાજકીય વિશ્લેષક રમેશ ઓઝા કહે છે કે અસંવેદનશીલ માણસ હોય એ આવી દલીલ કરી શકે, બાકી બળાત્કારની ઘટના એ બળાત્કાર છે. પછી એ યુપી હોય, રાજસ્થાન હોય કે ગુજરાત હોય.
બીબીસી ગુજરાતી સાથેની વાતમાં તેઓ વધુમાં કહે છે, "બળાત્કારની ઘટનાનો એક સરખો વિરોધ થવો જોઈએ. જે લોકો યુપીની ઘટનાનું સમર્થન કરે છે એ લોકોએ રાજસ્થાનની ઘટનાનો વિરોધ કરવો જોઈતો હતો. શું એમનામાં માણસાઈ નહોતી?"
તો દલિત કર્મશીલ અને લેખક ચંદુ મહેરિયા કહે છે, "જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં ઘટના બની ત્યારે મુસ્લિમો જાગ્યા હતા, નિર્ભયા વખતે આખો સમાજ જાગ્યો હતો અને હવે યુપીની ઘટના વખતે દલિતો જાગ્યા છે."
તેઓ કહે છે, "આ આપણા ભારતીય સમાજના ધાર્મિક, સામાજિક વિભાજનની વાસ્તવિકતા આપણને દેખાય છે. શું આપણે દલિત તરીકે, મુસ્લિમ તરીકે નાગરિક સમાજનો ભાગ બનીએ છીએ? જો બનતા હોય તો આપણે બોલી શકીએ."
નિર્ભયકાંડમાં શું થયું હતું?
2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલાં વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યાં હતાં.
ભારતમાં અનેક દિવસોની સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપોરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને બાદમાં આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.
અનેક લોકોએ રસ્તા પર રેલીઓ અને સરઘસો કાઢ્યાં હતાં અને આ ઘટનાના વિરોધમાં પોતાનો સૂર પુરાવ્યો હતો.
જોકે બાદમાં નિર્ભયાકાંડના દોષિત ઠરેલા મુકેશકુમાર, પવન ગુપ્તા, વિનયકુમાર શર્મા અને અક્ષય ઠાકુરને ફાંસી આપવામાં આપવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો