હાથરસની જેમ બલરામપુરમાં પણ પોલીસે રાત્રે અંતિમ સંસ્કાર કરવા દબાણ કર્યું?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
- લેેખક, સમીરાત્મજ મિશ્ર બલરામપુરથી
- પદ, બીબીસી ગુજરાતી માટે, બલરામપુરથી
શુક્રવારે સમગ્ર દેશમાં ગાંધીજયંતીની ઉજવણી કરાઈ રહી હતી અને હાથરસમાં રેપ બાદ મૃત્યુ પામેલ દલિત યુવતી માટે ન્યાયની માગ થઈ રહી હતી.
બીજી બાજુ હાથરસથી આશરે 500 કિલોમિટર દૂર બલરામપુરમાં અત્યાચારનો ભોગ બનેલ દલિત યુવતીના પરિવારજનો પોલીસઅધિકારીઓ પાસેથી પોતાની પુત્રી માટે ન્યાય માંગણી કરી રહ્યા હતા.
બલરામપુર જિલ્લા મુખ્યાલયથી મંઝૌલી ગામનું અંતર લગભગ 50 કિલોમિટર છે.
29 સપ્ટેમ્બરની સાંજે દલિત સમાજનાં 22 વર્ષીય વિદ્યાર્થિની સાથે કથિત રીતે ગૅંગરેપ બાદ તેની સાથે ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરવામાં આવી. હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક યુવતીના ભાઈની ફરિયાદને આધારે પોલીસે તે જ દિવસે બે જણની ધરપકડ કરી હતી અને શુક્રવારે વધુ બેની ધરપકડ કરી.
પરિવારનો આક્ષેપ છે પોલીસ કેસને દબાવી દેવા અથવા તેને રફેદફે કરવાનો પ્રયાસ કરી રહી છે.
આટલું જ નહીં, પરિવારજનો કહી રહ્યા છે કે 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે મૃતકનું અંતિમ સંસ્કાર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ અને તંત્ર એનો ઇનકાર કરે છે.

'અંતિમક્રિયા માટે ફરજ પાડવામાં આવી'

ઇમેજ સ્રોત, BBC/SAMIRATMAJ MISHRA
પીડિતાનાં માતા કહે છે, "પાછલા ત્રણ દિવસથી અમને કહેવામાં આવી રહ્યું છે કે રાહ જુઓ. હવે અમે એક દિવસ પણ રાહ જોઈશું નહીં. અમને તાત્કાલિક ન્યાય જોઈએ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસે પહેલા દિવસે જેમની ધરપકડ કરી છે, તે ઉપરાંત અન્ય કેટલાક લોકો પણ આ કેસમાં સામેલ છે.
તેમને બીજાં નામો જણાવતાં પોલીસે શુક્રવાર સાંજે અન્ય બે વ્યક્તિની ધરપકડ કરી છે. પરંતુ યુવતીના પરિવારજનો પોલીસતપાસથી સંતુષ્ટ નથી.
મૃતક યુવતીના ભાઈએ બીબીસીને જણાવ્યું, "આ ઘટના બાદ અમે તરત પોલીસ સ્ટેશન ગયા હતા અને પોલીસને બધી માહિતી આપી હતી. મારી બહેનના મૃતદેહને રાત્રે ઘરેથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો."
"આખી રાત મૃતદેહને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો અને બીજા દિવસે સવારે પોસ્ટમૉર્ટમ માટે લઈ ગયા. રાત્રે અમારી પાસે બળજબરીથી અંતિમ ક્રિયા કરાવવામાં આવી."
જોકે પોલીસ અને વહીવટી તંત્ર કહે છે કે અંતિમક્રિયા માટે પરિવાર પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી.
બલરામપુરના પોલીસ અધિક્ષક દેવરંજન વર્મા કહે છે, "યુવતીના પરિવારજનો દ્વારા તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. તેમના પર કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ત્યાં હાજર હતી, કોઈની ઉપર દબાણ કરવા માટે નહીં."
પરંતુ પીડિતાના ઘરે હાજર રહેલા તેમના નાના જ્યારે કહે છે કે પોલીસે અંતિમ ક્રિયા માટે કોઈ દબાણ નથી કર્યુ, ત્યારે ઘરના અન્ય સભ્યો તેમનો સખત વિરોધ કરે છે. પરિવારના સભ્યો કહે છે, "કેવી રીતે દબાણ નથી કરાયું? અમે તો સવારે અંતિમ ક્રિયા કરવા માગતા હતા, પરતું પોલીસે રાત્રે અંતિમ ક્રિયા કરવા માટે ફરજ પાડી. કોટવાળ સાહેબે કહ્યું કે અંતિમ સંસ્કાર કરી નાખો અમે તમારી બધી માંગણીઓ સ્વીકારી લઈશું. પરતું અમારી એક પણ માંગણી સ્વીકારવામાં આવી નથી. કેસના અસલી આરોપીઓ હજુ સુધી પકડાયા નથી."

‘પોલીસે અમારા જણાવ્યાનુસાર રિપોર્ટ નથી લખ્યો’
યુવતીના એક ભાઈ કહે છે કે તેમને પોલીસને ત્રણ વખત અરજી આપી હતી, પરંતુ પોલીસે કેસનો રિપોર્ટ પોતાને ઠીક લાગે તે રીતે બનાવ્યો છે.
તેઓ જણાવે છે, "પોલીસે પોતાના મુજબ રિપોર્ટ લખ્યો છે, અમે કહ્યું તે મુજબ નહીં. બે વ્યક્તિ સિવાય કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ અમે રિપોર્ટ લખાવવા માગતા હતા, પરંતુ પોલીસકર્મીઓએ આમ કરવાની ના પાડી દીધી. અમે જાણીએ છીએ કે માત્ર બે જ વ્યક્તિ, તેમાં પણ એક સગીર, આવું કામ ન કરી શકે."
મીડિયા રિપોર્ટો અનુસાર 22 વર્ષીય વિદ્યાર્થિનીનું અપહરણ બાદ ગૅંગરેપ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ગૅંગરેપ બાદ યુવતીને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.
તેમની તબિયત વધુ ખરાબ થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં,
પરતું ત્યાં હાલત વધુ કથળતાં રિક્ષામાં ઘરે મોકલી દેવાયાં હતાં. ઘરે પહોંચ્યા બાદ થોડી વારમાં જ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક વિદ્યાર્થિની એલએલ. બીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે કૉલેજ ગયાં હતાં તે દરમિયાન તેમની સાથે આ ઘટના ઘટી હતી..
યુવતીનાં માતા કહે છે કે, "સાંજના સાત વાગ્યાની આસપાસ 10-12 વર્ષનો છોકરો મારી દીકરીને રિક્ષામાં લાદીને ઘરે લઈ આવ્યો. છોકરાએ કહ્યું કે આમને નીચે ઉતારી લો. તેની હાલત ગંભીર હતી. અમે જોયું કે આ તો અમારી દીકરી છે. મારી દીકરીને નજીકના ડૉક્ટર પાસે લઈ ગયા તો તેમણે કહ્યું કે તેને લખનઉ લઈ જવી પડશે. પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ નીપજ્યું."
પીડિતાને સૌપ્રથમ પરિવારજનો ગામના એક ડૉક્ટર પાસે લઈ ગયા હતા. તેમની ગંભીર હાલત જોઈને તેમને બીજી જગ્યાએ રેફર કરવામાં આવ્યાં.
બાદમાં પરિવાર યુવતીને ગૈંસડી વિસ્તારમાં જ ડૉક્ટર સંતોષ કુમાર સિંહ પાસે લઈ ગયા. સંતોષ સિંહે પરિવારને કહ્યું કે પીડિતાને બલરામપુરની જિલ્લા હોસ્પિટલમાં અથવા લખનઉ લઈ જવાં પડશે.
ડૉક્ટર સંતોષે બીબીસીને કહ્યું, "યુવતીની હાલત ખૂબ જ ખરાબ હતી. ન તો નાડી ચાલી રહી હતી, ન બ્લડ પ્રેશર સામાન્ય હતું. યુવતીને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. અમે એ સિવાય બીજું કંઈ ન જોયું અને પરિવારના સભ્યોને યુવતીને તાત્કાલિક મોટી હૉસ્પિટલમાં લઈ જવા જણાવ્યું."

પરિવારના કહેવામાત્રથી કોઈને સજા નહીં આપી શકાય : પોલીસ

ઇમેજ સ્રોત, BBC/SAMEERATMAJ MISHRA
યુવતીના પરિવારજનોને હજી પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ મળ્યો નથી, પરતું પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ઈજા ઉપરાંત બળાત્કારની આશંકા વ્યક્ત કરાઈ છે.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અનુસાર લીવર અને આંતરડામાં ગંભીર ઈજાને કારણે અતિશય રક્તસ્રાવ થયો છે, જેના કારણે પીડિતાનું મૃત્યુ થયું છે.
યુવતીના પરિવારના જણાવ્યા મુજબ, 29 સપ્ટેમ્બરની સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યાં ત્યારે તેમના હાથમાં ગ્લુકોઝ ચઢાવવાની નળી હતી એટલે વીગો પણ લાગેલું હતું.
બલરામપુરના પોલીસ અધિક્ષક દેવરંજન વર્મા કહે છે, પોલીસ પોતાની તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તમામ ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે પરંતુ પરિવારની માગ મુજબ ગમે તે વ્યક્તિને સજા ન આપી શકાય.
SP દેવરંજન વર્મા કહે છે, "પરિવારના સભ્યોએ જે ફરિયાદ આપી છે, તેના આધારે FIR લખાઈ છે. જેમના ઘરે યુવતી મળી આવી હતી, તેમની સામે પરિવારના સભ્યોએ ફરીયાદ નોંધાવી હતી. અમે બન્ને વ્યક્તિઓની ધરપકડ કરી છે. વધુ બે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. કેટલાક અન્યની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે."
પરિવારના જણાવ્યા અનુસાર અભ્યાસની સાથેસાથે પીડિતા એક NGOમાં પણ કામ કરતાં હતાં. NGOની ટીમ સાથે ગામડે ગામડે જઈને આવક કેવી રીતે બમણી થઈ શકે છે તે વિશે ગ્રામજનોને માહિતગાર કરતાં હતાં. આ માટે તેમને દર મહિને 3000 રૂપિયા મળતા હતા.
આ કેસના બંને આરોપીઓ, જેમની આ બનાવના બીજા જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ સંબંધમાં કાકા અને ભત્રીજો થાય છે. બંને ગૈંસડી વિસ્તારમાં રહે છે. ભત્રીજો સગીર છે.
કાકાની ગૈંસડી નગરમાં કરિયાણાની દુકાન છે અને ભત્રીજો પણ ક્યારેક ક્યારેક દુકાનમાં મદદ કરાવતો હતો. બળાત્કાર બાદ બંનેએ પહેલાં યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ત્યારબાદ રિક્ષામાં બેસાડીને ઘરે મોકલી આપી હતી. પરંતુ આરોપીઓના સબંધીઓ મુજબ તેમની સામેના આક્ષેપો પાયાવિહોણા છે.
એક આરોપીનાં પત્નીએ બીબીસીને જણાવ્યું હતું કે, "રાત્રે 11 વાગ્યે 50 પોલીસકર્મચારીઓએ અમારા ઘરમાં દરોડો પાડ્યો અને બંનેને પકડીને લઈ ગયા. પોલીસે અમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું.”
“મારા પતિ ક્યારેય આવું ન કરી શકે. કેટલાક લોકોએ તેમને ફસાવવા માટે તેમનું નામ પોલીસને જણાવ્યું છે અને પોલીસે પણ તપાસ કર્યા વગર તેમની ઘરપકડ કરી છે."

દરેક બાબતની તપાસ થઈ રહી છે
એક આરોપીના પિતા એક શિક્ષક હતા. થોડા સમય પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું છે. આરોપીના બે ભાઈ મુંબઇ અને બે ભાઈ બલરામપુર ખાતે રહે છે.
સગીર આરોપીનાં માતા કહે છે, "મારો દીકરો 14 વર્ષનો છે. શાળા બંધ છે, તેથી કૉમ્પ્યૂટર શીખતો હતો. શું તે પોતાના કાકા સાથે મળીને આવું કામ કરશે? પણ હવે અમે શું કહી શકીએ? અમારું કોઈ સાંભળતું નથી."
“આસપાસ અમારી ઇજ્જત છે. પરંતુ પોલીસે અમારી ફજેતી કરી નાખી.”
નામ ન આપવાની શરતે બલરામપુરમાં કાર્યરત એક પોલીસઅધિકારીએ જણાવ્યું કે પોલીસ દરેક પાસાંની તપાસ કરી રહી છે. મંઝૌલી ગામના લોકો ઘટના વિશે વાત કરવા તૈયાર નથી. 3000 લોકોની વસતીવાળા આ ગામના સામાજિક સમીકરણમાં, સૌથી મોટી સંખ્યા પછાત વર્ગની છે અને દલિત સમાજના લોકોની સંખ્યા સૌથી ઓછી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












