કૃષિ બિલ વિવાદ : ખેડૂતઆંદોલનને ભારતમાં સરકાર ગંભીરતાથી કેમ લેતી નથી?

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

કૃષિ અંગેનું વિવાદિત વિધેયક હાલના દિવસોમાં ચર્ચામાં છે. અનેક રાજ્યોના ખેડૂતો આંદોલનના મૂડમાં છે અને ગત કેટલાય દિવસોથી તેમનાં વિરોધપ્રદર્શનો ચાલુ છે.

સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના એક મુખ્ય સહયોગી પક્ષ અકાલી દળનાં એક માત્ર મંત્રી હરસિમરત કૌરે આ બિલના વિરોધમાં મંત્રીપદ છોડી દીધું છે.

પરંતુ સરકાર આનાથી ટસથી મસ નથી થઈ અને વિધયેક સંસદના બંને ગૃહમાંથી હંગામાની વચ્ચે પસાર થયું છે.

વિપક્ષમાં રહેલી પાર્ટીઓ અને અનેક ખેડૂતસંગઠનોનો આરોપ છે કે આનાથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર અસર પડશે, જ્યારે સરકાર આ આરોપોને નકારે છે.

સરકારનું કહેવું છે કે કૃષિ બિલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) અને અનાજ-યાર્ડની વ્યવસ્થા ખતમ કરવામાં આવી રહી નથી, પરંતુ ખેડૂતોને સરકાર વિકલ્પ આપી રહી છે.

ભારતમાં ખેડૂતોનાં આંદોલનોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. દેશમાં સહજાનંદ સરસ્વતી જેવા ખેડૂત નેતા થયા છે, જેમણે બ્રિટિશ રાજમાં યુનિયન બનાવ્યું હતું.

પરંતુ રાજકીય દળો પર એ પણ આરોપ લાગે છે કે સરકાર ખેડૂતોને લલચાવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ક્યારેય તેમને વોટ બૅન્ક માનતી નથી.

ભારતમાંખેડૂત ઇતિહાસકારોનું કહેવું છે કે 1938માં સર છોટૂ રામ મહેસૂલમંત્રીના સમયમાં બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતની વિધાનસભામાં પહેલો કૃષિ મંડી અધિનિયમ રજૂ થયો હતો અને લાગુ થયો હતો, ખરેખર તેની કલ્પના ચૌધરી ચરણસિંહે કરી હતી.

તેઓ કહે છે કે ચૌધરી ચરણસિંહ જ્યારે પહેલી વખત ચૂંટણી જીત્યા બાદ ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્ય મંત્રી ગોવિંદવલ્લભ પંતના સંસદીય સચિવ બન્યા હતા, ત્યારે તેઓ કૃષિ ઉત્પાદનમંડી માટે બિલ લાવવા માગતા હતા.

પરંતુ પંતે તેમને ના પાડી દીધી, જે પછી ચૌધરી ચરણસિંહે ઉત્તર પ્રદેશની 'યુનાઇટેડ પ્રૉવિન્સ લેજિસ્લેટિવ ઍસેમ્બલી'માં એક 'પ્રાઇવેટ સભ્ય બિલ' તરીકે બિલને રજૂ કર્યું. પરંતુ તે બિલ પાસ ન થયું.

કૃષિ ઉત્પાદ મંડી અધિનિયમ, 1938 માટે છોટુરામને શ્રેય

કૃષિઇતિહાસના જાણકાર અરવિંદકુમાર સિંહ કહે છે કે આ વાત 1937ની છે.

તેઓ કહે છે, "ચૌધરી ચરણસિંહે લાવેલું 'પ્રાઇવેટ મેમ્બર બિલ' તો પાસ ન થયું. પરંતુ આ બિલની જાણકારી બ્રિટિશ રાજના પંજાબ પ્રાંતના મહેસૂલમંત્રી સર છોટૂ રામને મળી તો તેમણે બિલ મગાવ્યું."

"પછી લાહોરસ્થિત બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતની વિધાનસભામાં કૃષિ ઉત્પાદન મંડી અધિનિયમ 1938 પસાર કરવામાં આવ્યો. જે 5 મે 1939એ લાગુ થયો."

જોકે આનો શ્રેય છોટૂ રામને જાય છે, જેમણે ખેડૂતો માટે અનેક ક્રાંતિકારી પગલાં લીધાં હતાં, જેમાંથી આ અધિનિયમ એક હતો.

આ કાયદો લાગુ થતા જ અવિભાજિત પંજાબના નિર્ધારિત વિસ્તારમાં માર્કેટકમિટીઓની રચના કરવાનો સિલસિલો શરૂ થયો.

આ કાયદો આવ્યા પછી પહેલીવાર પંજાબ પ્રાંતના ખેડૂતોને તેમના પાકના યોગ્ય રૂપિયા મળવાના શરૂ થયા, સાથે જ વચેટિયાઓ અને કમિશનરના શોષણનો સામનો કરી રહેલા ખેડૂતોને રાહત મળવાની શરૂઆત થઈ.

પરંતુ ભારતના બીજા પ્રાંતોમાં ખેડૂતો વચેટિયા, જમીનદાર અને સાહુકારો સામે સંઘર્ષ કરતા રહ્યા હતા. આમ તો અલગ-અલગ જગ્યાએ ખેડૂતોના વિરોધના સ્વર ઊઠતા હતા, પરંતુ સૌથી પહેલું ખેડૂત આંદોલન ક્યારે થયું? તેને લઈને ઇતિહાસકારો વચ્ચે મતભેદ છે.

1800ના દાયકાઓની વચ્ચે વર્ષોથી લઈને તેના અંત સુધી ખેડૂતોના અનેક વિદ્રોહ અને સંઘર્ષ થયા, જે ઇતિહાસનાં પાનાં પર નોંધાયા છે. આમાં બ્રિટિશ રાજ દ્વારા ખેડૂતો પર લગાવવામાં આવેલા કર વિરુદ્ધ પણ દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શન થયાં છે.

1917માં થયું દેશનું પહેલું અને મોટું ખેડૂતઆંદોલન

1900ની શરૂઆતથી જ ભારતમાં ખેડૂતો પહેલાં કરતાં વધારે સંગઠિત થવા લાગ્યા. વર્ષ 1917માં અવધમાં ખેડૂત એકઠા થવા લાગ્યા.

વર્ષ 1917માં જ અવધમાં સૌથી પહેલું, સૌથી મોટું અને અસરકાર ખેડૂત આંદોલન થયું. વર્ષ 1919માં આ સંઘર્ષ પ્રબળ બન્યો અને વર્ષ 1920ના ઑક્ટોબર માસમાં પ્રતાપગઢમાં ખેડૂતોની એક વિશાળ રેલી દરમિયાન 'અવધ કિસાન સભા'ની રચના થઈ.

ખેડૂતોના આ સંઘર્ષના સમાચાર આખા દેશના ખેડૂતોના વચ્ચે ફેલાઈ ગયા અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા બાબા રામચંદર અનેક ખેડૂતોની સાથે આ આંદોલનમાં સામેલ થઈ ગયા.

બાબા રામચંદરને આખી રામકથા કંઠસ્થ હતી અને તે ગામડે-ગામડે જઈને સંભળાવતા અને ખેડૂતોને એકઠા કરવાનું કામ કરતા.

પંડિત જવાહરલાલ નહેરુએ પોતાની આત્મકથામાં આ આંદોલન અને બાબા રામચંદરનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે તેમણે અવધમાં થયેલા ખેડૂત આંદોલનથી ઘણું શીખ્યું હતું. ઉત્તર ભારતમાં અવધ ખેડૂત સભા ખેડૂતોના સૌથી મોટા સંગઠન તરીકે વિકસ્યું હતું.

ખેડૂતોનું આંદોલન

ઉત્તર પ્રદેશના ખેડૂત, બ્રિટિશ રાજ તરફથી કરવામાં વધારો અને ઉપજ સ્વરૂપે કરની વસૂલીની સામે એકઠા થવા લાગ્યા અને તેમણે એક આંદોલન શરૂ કર્યું.

અવધના ખેડૂતો આંદોલનથી ઠીક પહેલાં એટલે વર્ષ 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા અને ઉત્તર ભારતના ખેડૂતોની ખરાબ દશા તથા તેમના શોષણથી ઘણા વિચલિત થયા.

બ્રિટિશની હકૂમતે 'કાશ્તકારી કાયદા'માં ખેડૂતો માટે ગળીની ખેતી ફરજિયાત કરી હતી. ખેડૂતો આ કાયદાથી છુટકારો મેળવવા માગતા હતા.

મહાત્મા ગાંધી પોતાના સાથી વકીલોની ટીમને લઈને બિહારના ચંપારણ પહોંચ્યા, જ્યાં ખેડૂત બ્રિટનના એ કાયદાથી વધારે હેરાન હતા. વકીલોની આ ટીમમાં તેમની સાથે રાજેન્દ્ર પ્રસાદ, અનુગ્રહનારાયણ સિન્હા, જે. બી. કૃપાલાણી અને મૌલા મઝહરૂલ હક પણ હતા.

અરવિંદ સિંહ કહે છે કે મહાત્મા ગાંધી 10 એપ્રિલે ચંપારણ પહોચ્યા અને તેમણે 15 એપ્રિલથી ચંપારણમાં આ કાયદાના વિરોધમાં સત્યાગ્રહ શરૂ કર્યો હતો. પછી નહેરુ પણ તેમાં સામેલ થયા હતા.

જ્યારે થયું ખેડૂતોનું આંદોલન

ચંપારણ સત્યાગ્રહની જેમ સરદાર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ખેડા અને બારડોલીના ખેડૂતોનું પણ સત્યાગ્રહ-આંદોલન શરૂ થયું. આ આંદોલન દરમિયાન વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું ઉપનામ મળ્યું. 1930ના દાયકાઓમાં મહાત્મા ગાંધીના આહ્વાન પર ચૌરા-ચૌરીનું આંદોલન થયું.

ગાંધીજીના મેદાનમાં ઊતરવાની સાથે જ ભારતમાં ખેડૂત એકઠા થવા લાગ્યા અને વર્ષ 1936માં સ્વામી સહજાનંદ સરસ્વતીના નેતૃત્વમાં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ અખિલ ભારતીય કિસાન સભાની રચના કરી.

આઝાદી પછી પણ ખેડૂતઆંદોલનો ચાલતાં રહ્યાં. આ વચ્ચે વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના સમયમાં 1965માં હરિત ક્રાંતિ આવી, જેણે ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને પંજાબના ખેડૂતોને આત્મનિર્ભર બનાવ્યા, સાથે જ ભારતનાં ખેતઉત્પાદનોમાં ઘણો વધારો થયો.

શરૂઆતમાં આનો લાભ પંજાબના ખેડૂતોને વધારે મળ્યો. બાદમાં હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોને પણ ફાયદો થયો.

પરંતુ બીજા રાજ્યોમાં ખેડૂતોની સામે અનેક મોટી સમસ્યા આવવા લાગી.

પછી 80ના દાયકામાં આવ્યો ઉદારીકરણનો સમય

વાત છે 1987ની. પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના કર્નૂખેડી ગામમાં વીજળીઘર સળગી ગયું. વિસ્તારના ખેડૂતો પહેલાંથી જ વીજળીના સંકટ સામે લડી રહ્યા હતા અને આને લઈને ઘણી મુશ્કેલી વેઠી રહ્યા હતા.

ખેડૂતોમાંથી મહેન્દ્રસિંહ ટિકૈતે તમામ ખેડૂતોને વીજળીઘરને ઘેરવા આહ્વાન કર્યું. આ દિવસ હતો 1 એપ્રિલ, 1987નો.

ખુદ ટિકૈતને પણ અંદાજો ન હતો કે વીજળીઘરને ઘેરવા જેવા સામાન્ય કેસને લઈને લાખો ખેડૂતો કર્નૂખેડીમાં જમા થઈ જશે. ખેડૂતોના પ્રદર્શનને જોઈને અને તેમની સંખ્યાને જોતા સરકાર ગભરાઈ અને ખેડૂતો માટે વીજળીના ભાવ ઘટાડવા માટે મજબૂર થઈ ગઈ.

અરવિંદ સિંહ કહે છે કે આ ખેડૂતોની મોટી જીત હતી અને ત્યારે તેમને લાગ્યું કે તે પોતાના મુદ્દાને લઈને મોટું આંદોલન કરી શકે છે અને એટલા માટે એ જ વર્ષે ઑક્ટોબર મહિનામાં સિસોલીમાં ખેડૂતપંચાયત બોલાવવામાં આવી, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી વીરબહાદુર સિંહ પણ સામેલ થયા.

ખેડૂતોએ પોતાની એકતાને જાણી લીધી અને મહેન્દ્રસિંહ ટિકૈતના રૂપમાં તેમને એક ખેડૂત નેતા મળી ગયા.

પછી કેટલાક મહિના પછી, એટલે 1988ના જાન્યુઆરી મહિનામાં ખેડૂતોએ પોતાના નવા સંગઠન, 'ભારતીય ખેડૂત યુનિયન'ના ઝંડા હેઠળ મેરઠમાં 25 દિવસ સુધી ધરણાનું આયોજન કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી. આ ધરણામાં આખા ભારતનાં ખેડૂતસંગઠનો અને નેતા સામેલ થયા.

રજકીય પક્ષો સાથે સંઘર્ષ

ખેડૂતોની માગણી હતી કે સરકાર તેમના પાકની કિંમત વર્ષ 1967થી નક્કી કરે. આ આંદોલન પછી મહેન્દ્રસિંહ ટિકૈતે વિદેશપ્રવાસ પણ કર્યા. જોકે તેમણે પોતાનો પક્ષ ન બનાવ્યો, પરંતુ તેમણે જનતા દળના ઉમેદવાર મુફ્તી મહંમદ સઈદને મુઝફ્ફરનગરની બેઠક પર સમર્થન આપ્યું, જ્યાંથી સઈદ લોકસભામાં ચૂંટાઈને ગયા.

આ દરમિયાન તેમનો રાજકીય પક્ષો સાથે સંઘર્ષ થયો અને અને તેમની સામે માયાવતીએ અનુસૂચિત જાતિના શોષણના કાયદા હેઠળ કેસ નોંધાવ્યો, તો વર્ષ 1990માં મુખ્ય મંત્રી મુલાયમસિંહ યાદવે તેમની ધરપકડ કરાવી.

મુલાયમ સિંહને ખ્યાલ ન હતો કે ટિકૈતની ધરપકડ પછી વિધાનસભામાંથી 67 ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે.

ટિકૈત પહેલાં ઉત્તર ભારતમાં સર્વમાન્ય ખેડૂત નેતા તરીકે ચૌધરી ચરણસિંહનું નામ આવે છે, જે છપરૌલી વિધાનસભા સીટ પરથી 40 વર્ષ સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

ચૌધરી દેવીલાલ પણ ખેડૂત નેતા તો છે, પરંતુ તે રાજકીય પક્ષ દ્વારા આંદોલન કરતા હતા, જે મહેન્દ્ર ટિકૈતે ક્યારેય ન કર્યું.

શું ખેડૂતો વોટબૅન્ક નથી?

ભારતમાં આઝાદી પછીથી આજ સુધી ખેડૂતઆંદોલન અથવા સંઘર્ષને જોઈએ તો એ સ્પષ્ટ છે કે ખેડૂતો આંદોલન કરે છે, પરંતુ જ્યારે વાત મતની આવે છે, તો તેમનો વિરોધ અને આંદોલન મતના રૂપમાં પરાવર્તિત થતાં નથી.

ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતઆંદોલન થયું અને પોલીસ ગોળીબારમાં પાંચ ખેડૂતોનાં મૃત્યુ થયાં, ત્યાંથી સત્તા પક્ષના ઉમેદવાર જીતીને આવ્યા જ્યારે ખેડૂતોએ તેમની ઉપર ખેડૂતો પર ધ્યાન નહીં આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ સવાલ મેં ભારતના લગભગ 250 ખેડૂત સંગઠનોની સંસ્થા 'અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ'ના રાષ્ટ્રીય સંયોજક સરદાર વી. એમ. સિંહને પૂછ્યો તો તેમનું કહેવું છે કે જ્યારે 80ના દાયકામાં ખેડૂતઆંદોલન થતાં, ત્યારે ખેડૂત જાતિ અને ધર્મના આધારે વહેંચાયેલા નહોતા.

તેઓ કહે છે, "ખેડૂતોનાં આંદોલનો પછી રાજકીય પક્ષોને ખ્યાલ આવી ગયો કે આ કેટલી મોટી તાકાત છે. આ એકતા તોડવા માટે રાજકીય દળોએ ખેડૂતોની વચ્ચે જાતિ અને ધર્મના નામ પર ફૂટ પાડવાના પ્રયત્નો કર્યા. ખેડૂત આ જાળમાં ફસાઈ ગયા. આ જ કારણ છે કે ખેડૂતોનો અવાજ સંસદ અને વિધાનસભામાં યોગ્ય રીતે ઉઠતો નથી."

કેટલાક ખેડૂતનેતાઓનું કહેવું છે કે ગત વર્ષે જ ખેડૂતોનું દેશવ્યાપી જોરદાર આંદોલન થયું હતું, પરંતુ તેમ છત્તાં મામલો ત્યાંનો ત્યાં જ રહી ગયો. કારણ કે આંદોલન પછી ખેડૂત જ્યારે પરત ફર્યા અને ચૂંટણી થઈ, તો પછી જાતિના આધારે મત આપવા લાગ્યા.

'અખિલ ભારતીય કિસાન સભા'ના વિજૂ કૃષ્ણન કહે છે કે "ખેડૂત જ્યાં સુધી એક રહ્યા, તેમણે સરકારને ઝૂકવા મજબૂર કરી. સરકારોએ તેમનાં આંદોલનોને ગંભીરતાથી પણ લીધા કારણ કે દેશમાં મોટી વસતિ ખેડૂતની છે."

તેમનું કહેવું છે કે ખેડૂતોના નબળા પાસાનો ફાયદો રાજકીય પક્ષ અને ચૂંટણી લડનાર ઉમેદવાર ઉઠાવવાનો પ્રયત્ન કરે છે.

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ટ્રેડ યુનિયનના ઉપાધ્યક્ષ જ્ઞાન શંકર મજૂમદાર કહે છે, "અમે જોયું કે ખેડૂતોમાં એકતા રહે તો મુખ્ય મંત્રી અને કેન્દ્રિય મંત્રી તેમને મળવા જાય છે."

"પરંતુ રાજકીય પક્ષોએ ખેડૂતોને તોડવાનું કામ કર્યું છે જેનાથી તેમની તાકાત ઘટી ગઈ અને સ્થિતિ એવી આવી છે કે હવે મહીનાઓ પણ આંદોલન કરી લો, તેમને મળવા અથવા તેમની માગ વિશે વાતચીત કરવા માટે કોઈ અધિકારી અથવા નેતા આવતા નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો