કમલાદેવી ચટ્ટોપાધ્યાય : ભારતમાં ચૂંટણી લડનારાં પ્રથમ મહિલાની કહાણી

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ હતું 1930નું. કમલાદેવી ચટ્ટોપાધ્યાયની ઉંમર ત્યારે 27 વર્ષની હતી. તેમને ખબર મળ્યા કે મહાત્મા ગાંધી દાંડીયાત્રા કાઢીને મીઠાનો સત્યાગ્રહ કરશે. તે પછી દેશભરમાં સમુદ્ર કિનારે સૌ લોકો મીઠું બનાવશે.

આ આંદોલનથી મહિલાઓ દૂર રહેશે. મહાત્મા ગાંધીએ આ આંદોલનમાં મહિલાઓની ભૂમિકા ચરખા કાંતવા માટે અને દારૂની દુકાનોની ઘેરાબંધી કરવા માટેની નક્કી કરી હતી. કમલાદેવીને આ વાત ખટકી.

પોતાની આત્મકથા 'ઇનર રિસેસ, આઉટર સ્પેસીઝ'માં કમલાદેવીએ આ મુદ્દાની ચર્ચા કરી છે.

તેમણે લખ્યું છે કે, "મને લાગ્યું કે મહિલાઓની ભાગીદારી નમક સત્યાગ્રહમાં હોવી જોઈએ અને આ બાબતમાં મહાત્મા ગાંધી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો."

મહાત્મા ગાંધી તે વખતે ટ્રેનમાં પ્રવાસમાં હતા અને એટલે કમલાદેવી એ ટ્રેનમાં જ પહોંચી ગયાં.

ટ્રેનમાં જ મહાત્મા મહાત્મા ગાંધી તેમની નાનકડી મુલાકાત થઈ. પણ એ નાની મુલાકાત ઇતિહાસ બનાવવા માટે પૂરતી હતી.

પહેલાં તો મહાત્મા ગાંધીએ તેમને પોતાની વાત મનાવવાની કોશિશ કરી, પણ કમલાદેવીના તર્ક સાંભળ્યા બાદ મહાત્મા ગાંધી નમક સત્યાગ્રહમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન ભૂમિકા આપવા માટે તૈયાર થઈ ગયા. મહાત્મા ગાંધીનો આ ઐતિહાસિક નિર્ણય હતો.

આ નિર્ણય પછી મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી ત્યારે મુંબઈથી નમક સત્યાગ્રાહ માટે સાત સભ્યોની ટુકડી બનાવી હતી. તે ટુકડીમાં કમલાદેવી અને અવંતિકાબાઈ ગોખલેને સમાવવામાં આવ્યાં હતાં.

મહિલાનો સમાવેશ અગત્યનું પગલું

ન્યૂયૉર્ક યુનિવર્સિટીના પ્રોફેસર અને મહિલાઓ માટે કામ કરતી એનજીઓના સ્થાપક રુચિરા ગુપ્તા કહે છે, "આ નિર્ણયથી આઝાદીના આંદોલનમાં મહિલાઓની ભાગીદારી વધી. સંપૂર્ણ દુનિયાએ જોયું કે મીઠાનો કાયદો તોડવા માટે સ્ત્રીઓએ ખભાથી ખભો મિલાવીને કામ કર્યું. ત્યારથી કૉંગ્રેસ પક્ષ, રાજકારણમાં અને આઝાદી પછી પણ સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ ગઈ."

મીઠા સત્યાગ્રહ દરમિયાન બનેલા ઘણા કિસ્સાઓમાં કમલાદેવીનું નામ જોડાયેલું છે. પોલીસ સામે સંઘર્ષ કરીને કમલાદેવી અને તેમના સાથીઓએ મીઠું પકવ્યું અને તેનાં પૅકેટ બનાવીને વેચવાનું પણ શરૂ કર્યું હતું. એક દિવસ તેઓ મુંબઈ શૅરબજારમાં પહોંચી ગયાં અને ત્યાં પણ મીઠાનાં પૅકેટની લીલામી કરી.

શૅરબજારમાં હાજર લોકોએ જોશભેર 'મહાત્મા ગાંધીની જય'ના નારા લગાવ્યા. શકુંતલા નરસિમ્હને પોતાના પુસ્તકમાં 'કમલાદેવી ચટ્ટોપાધ્યાય - ધ રૉમેન્ટિક રિબેલ'માં આ ઘટનાનું વર્ણન કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર લીલામી થયા પછી કમલાદેવીને એક બીજો વિચાર આવ્યો અને તેઓ હાઈકોર્ટમાં પહોંચી ગયાં. હાઈકોર્ટમાં હાજર ન્યાયાધીશને કમલાદેવીએ પૂછ્યું કે શું આપ 'ફ્રીડમ સૉલ્ટ' એટલે કે આઝાદીનું નમક ખરીદવા ઇચ્છશો. ન્યાયાધીશે શું જવાબ આપ્યો હતો તે આપણે જાણતા નથી, પરંતુ આ ઘટનાથી કમલાદેવીની નીડરતાની વાત ફેલાઈ ગઈ હતી.

કમલાદેવીના આવા નીડર વ્યક્તિત્વની પાછળ તેમનાં માતા અને નાનીની મોટી ભૂમિકા હતી. કમલાદેવીનો જન્મ મેંગાલુરુમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા અનંતથૈયા ધારેશ્વર જિલ્લા કલેક્ટર હતા અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. જોકે કમલાદેવીની ઉંમર નાની હતી ત્યારે જ તેમનું અવસાન થયું હતું. આગળ તેમના ઉછેરની જવાબદારી માતા પર આવી પડી હતી.

નાની ઉંમરમાં કમલાદેવીનાં લગ્ન કરાવી દીધાં

19મી સદીમાં કન્યાઓના અભ્યાસ માટે શાળાની વ્યવસ્થા નહોતી, પરંતુ કમલાદેવીનાં માતા ગિરજાબાઈએ ઘરે જ પંડિતોને રોકીને દીકરીને ભણાવી હતી.

પતિના મૃત્યુ બાદ સામાજિક દબાણમાં આવીને ગિરજાબાઈએ કમલાદેવીની ઉંમર 11 વર્ષની થઈ ત્યારે જ લગ્ન કરાવી દીધાં. પરંતુ દોઢેક વર્ષ પછી કમલાદેવીના પતિનું મૃત્યુ થઈ ગયું. દીકરીનાં લગ્ન નાની ઉંમરે દબાણમાં આવીને તેમણે કરાવી નાખ્યાં હતાં, પણ આ વખતે માતાએ કમલાદેવીને વિધવા તરીકે જીવવા મજબૂર ના કરી.

બ્રાહ્મણ સમુદાયમાં વિધવા માટેના રિવાજો હતા તેમણે નકારી કાઢ્યા. કમલાદેવીના વાળ ઉતારી લેવાયા નહોતા, સફેદ સાડી પહેરવાની ફરજ નહોતી પડાઈ કે એક ખૂણે બેસીને માત્ર પૂજાપાઠ માટે ફરજ નહોતી પડાઈ. ગિરજાબાઈએ સમાજની પરવા કર્યા વિના કમલાદેવીને શાળાએ મોકલ્યાં અને તેમને પોતાની રીતે આગળ વધવાનો માર્ગ મોકલી કરી આપ્યો.

ગિરજાબાઈ મહિલા ઍક્ટિવિસ્ટ પંડિત રામબાઈ અને રામબાઈ રાનડેના સમર્થક હતાં. તેમણે કમલાદેવી સામે એની બેસન્ટને રોલ મૉડલ તરીકે રજૂ કર્યાં હતાં. કમલાદેવી પણ આ પ્રભાવશાળી મહિલા નેતાઓમાંથી ઘણું શીખ્યાં હતાં. ચેન્નાઈની ક્વિન્સ મેરી કૉલેજમાં અભ્યાસ કરતી વખતે કમલાદેવીની મુલાકાત સરોજની નાયડુના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે થઈ હતી. હરીન્દ્રનાથ જાણીતા કવિ અને નાટ્યકાર હતા અને 20 વર્ષની ઉંમરે કમલાદેવીએ હરીન્દ્રનાથ સાથે લગ્ન કર્યા.

હરીન્દ્રનાથ સાથેનાં લગ્નથી ફરી રૂઢિચુસ્તોએ ભારે વિરોધ કર્યો હતો. કમલાદેવી વિધવા હતાં અને લગ્ન કરી રહ્યાં હતાં. આગળ જતા વળી તેમણે હરીન્દ્રનાથથી છૂટાછેડા પણ લીધા હતા અને ત્યારે પણ ભારે ઊહાપોહ થયો હતો. આ બધી નિંદાઓની પરવા કર્યા વિના કમલાદેવીએ પોતાનો માર્ગ કર્યો અને મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું.

તે વખતે ફિલ્મોમાં કામ કરવાની વાત સ્ત્રીઓ માટે સારી ગણાતી નહોતી. પરંતુ કમલાદેવીએ કન્નડ ભાષાની પ્રથમ મુંગી ફિલ્મ 'મૃચ્છકટિકા'માં અભિનેત્રી તરીકે કામ કર્યું. આગળ જતા 1943માં હિન્દી ફિલ્મ 'તાનસેન' અને 'શંકર પાર્વતી' તથા 1945માં 'ધન્ના ભગત'માં મહત્ત્વનું પાત્ર ભજવ્યું હતું.

કમલાદેવીએ રાજકારણમાં ઝંપલાવ્યું

આ બધા પહેલાં તેઓ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થયા હતા. 1920ના પ્રારંભથી જ તેમને રાજકારણમાં રસ પડવા લાગ્યો હતો. મહાત્મા ગાંધીએ 1923માં અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે કમલાદેવી તેમના પતિ સાથે લંડનમાં હતાં. લંડનથી તેમણે પરત આવવાનો નિર્ણય કર્યો અને કૉંગ્રેસ સેવાદળમાં તેઓ જોડાઈ ગયાં હતાં.

1926માં તેમની મહત્ત્વની મુલાકાત માર્ગારેટ કઝન્સ સાથે થઈ હતી. માર્ગારેટ કઝન્સ આયરલૅન્ડના નારીવાદી નેતા હતાં. તેમણે ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉંગ્રેસની સ્થાપના કરી હતી અને તેમાં પ્રથમ મહામંત્રી તરીકે કમલાદેવીની નિમણૂક થઈ હતી.

કઝન્સના પ્રોત્સાહનથી કમલાદેવીએ બીજું એક મહત્ત્વનું કાર્ય કર્યું અને ભારતીય રાજનીતિમાં તેમનું અનોખું સ્થાન બની ગયું.

મદ્રાસ અને બૉમ્બે પ્રૅસિડન્સીમાં પ્રથમ વાર સ્ત્રીઓને મતાધિકાર મળ્યો હતો. સ્ત્રીઓને મતદાનનો અધિકાર મળ્યો તેમાં માર્ગારેટ કઝન્સની ભૂમિકા અગત્યની માનવામાં આવે છે. મતદાન માટેનો અધિકાર સ્ત્રીઓને મળ્યો, પરંતુ પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી લડવાનો અધિકાર હજી મળ્યો નહોતો.

1926માં મદ્રાસ પ્રાંતની વિધાનસભા માટેની ચૂંટણી યોજાઈ. ચૂંટણીના થોડા વખત પહેલાં જ મહિલાઓને પણ ચૂંટણી લડવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. કઝન્સના પ્રોત્સાહનને કારણે કમલાદેવીએ ચૂંટણી લડવાનું નક્કી કર્યું.

લેખિકા રીના ચંદાએ પોતાના પુસ્તક, 'કમલાદેવી ચટ્ટોપાધ્યાય અ બાયોગ્રાફી'માં લખ્યું છે કે ચૂંટણીપ્રચાર કરવા માટે તેમને બહુ ઓછો સમય મળ્યો હતો. કમલાદેવીનું નામ પણ હજી મતદાર તરીકે નોંધાયું નહોતું. ચૂંટણી લડવા માટેની તૈયારીઓ બહુ ઝડપથી કરવી પડી હતી. કઝન્સે મહિલા કાર્યકરોનું સંગઠન તૈયાર કર્યું અને જોરદાર પ્રચાર શરૂ કરાયો. પ્રચારમાં કમલાદેવીના પતિ હરીન્દ્રનાથના નાટકો અને દેશભક્તિનાં ગીતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

છેલ્લી ઘડીએ ચૂંટણી લડવા માટે મેદાનમાં ઊતરેલા કમલાદેવી થોડા મતોથી હારી ગયાં. આમ છતાં ચૂંટણી લડવાની પહેલ કરનારાં પ્રથમ મહિલા તરીકે તેમને બહુમાન મળ્યું. કમલાદેવીની આ હિંમતને કારણે રાજકીય હોદ્દાઓ ધારણ કરવા માટેનો મહિલાઓનો માર્ગ પણ મોકળો થયો.

આ ચૂંટણી સાથે કમલાદેવીની રાજકીય યાત્રા શરૂ થઈ હતી. તેઓ જોકે સત્તા કે હોદ્દા માટે નહીં, પણ પરિવર્તન માટે રાજકારણમાં હતાં. 1927-28માં તેમને અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિમાં પણ સભ્ય તરીકે લેવાયાં. તેમણે બાળવિવાહ સામે કાયદો કરાવવામાં, લગ્નની ઉંમર વધારવામાં અને રજવાડાંમાં ચાલતાં આંદોલનોમાં કૉંગ્રેસની ભૂમિકા શું હોય તે બાબતમાં નીતિ નક્કી કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

આઝાદી પછી કમલાદેવી ચટ્ટોપાધ્યાયે કોઈ રાજકીય હોદ્દો સ્વીકાર્યો નહોતો. તે વખતના મદ્રાસ પ્રાંતના મુખ્ય મંત્રી કે. કામરાજ તેમને રાજ્યપાલ બનાવવા માગતા હતા. આ માટેની દરખાસ્ત તેમણે જવાહરલાલ નહેરુને કરી ત્યારે નહેરુએ એટલું જ કહ્યું હતું કે તમે જાતે જ કમલાદેવીને પૂછી લો. તેમની હા હોય તો મને વાંધો નથી. કામરાજ સમજી ગયા કે કમલાદેવી કોઈ સરકારી હોદ્દો સ્વીકારવા તૈયાર નહીં થાય.

શરણાર્થીઓ માટે નવું નગર વસાવ્યું

આઝાદી પછી કમલાદેવીએ પોતાનું ધ્યાન શરણાર્થીઓને થાળે પાડવા પર લગાવ્યું હતું. તેમને સહકારી આંદોલન પર ઘણો વિશ્વાસ હતો.

તેમણે ઇન્ડિયન કો-ઑપરેટિવ યુનિયનની રચના કરી હતી. નાગરિકોની ભાગીદારી સાથે શરણાર્થીઓ માટે શહેર વસાવવાની દરખાસ્ત તેમણે વડા પ્રધાન નહેરુ સામે મૂકી હતી. નહેરુએ કહ્યું કે સરકાર તરફથી કોઈ આર્થિક મદદની અપેક્ષા વિના આ કાર્ય થતું હોય તો કરી શકાય. કમલાદેવી ચટ્ટોપાધ્યાયે ઇન્ડિયન કો-ઑપરેટિવ યુનિયનની મદદથી આ કામ ઉપાડ્યું. ભાગલા પછી પાકિસ્તાનના વાયવ્ય સરહદી પ્રાંતથી આવેલા શરણાર્થી લોકો માટે તેમણે દિલ્હી નજીક નવું નગર વસાવ્યું. એ નગર એટલે આજનું ફરિદાબાદ.

1950 પછી તેમણે ભારતીય લોકપરંપરા અને શાસ્ત્રીય કલાઓને પુનઃજીવિત કરવા માટે કામ કર્યું. ભારતની ભરતગૂંથણ વગેરે જેવી પરંપરાગત કારીગરીને સ્થાપિત કરવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી. આ માટે કમલાદેવીએ સેન્ટ્રલ કૉટેજ ઇન્ડસ્ટ્રીઝ ઍમ્પોરિયમ અને ક્રાફ્ટ્સ કાઉન્સલ ઑફ ઇન્ડિયા જેવી સંસ્થાઓની સ્થાપના કરી હતી.

ભારતીય નાટ્ય પરંપરા તથા લલિત કલાઓને પ્રોત્સાહન આપવા માટે કમલાદેવીએ ઇન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના કરી હતી. આગળ જતા તેમાંથી ભારતનું પ્રસિદ્ધ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા બન્યું.

કમલાદેવીના પ્રયાસોને કારણે સંગીત નાટ્ય અકાદમીની સ્થાપના થઈ, જેનાથી આજે પણ ભારતીય ગીતસંગીત અને નૃત્યના સંવર્ધનનું કામ ચાલી રહ્યું છે.

કમલાદેવીને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને રેમન મેગ્સેસે ઍવૉર્ડ પણ મળ્યો હતો.

29 ઑક્ટોબર 1988ના રોજ 85 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમણે કરેલા પ્રદાનને આજે પણ ભૂલવું મુશ્કેલ છે.

(ચિત્રાંકન ગોપાલ શૂન્ય)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો