સુરતના 'રત્નકલાકાર વિકાસ સંઘ'ના પ્રમુખ જયસુખ ગજેરાએ આપઘાત કેમ કર્યો?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

સુરતસ્થિત રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાનો મૃતદેહ ગુરુવાર સવારે 10 વાગ્યે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામથી મળી આવ્યો હતો.

કામરેજ પોલીસ અને ફાયર-બિગ્રેડના જવાનોએ તેમનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢયો હતો.

કઠોરની સરકારી હૉસ્પિટલમાં તેમનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું અને બાદમાં મૃતદેહ પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યો હતો.

જયસુખ ગજેરાના મિત્ર અને 'જૅમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપૉર્ટ પ્રોમેશન કાઉન્સિલ' (જીજેપીઈસી) સુરતના ડિરેકટર દિનેશ નાવડિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "બુધવાર રાત્રે 8:15 વાગ્યે તેમને છેલ્લી વાર પરિવાર સાથે વાત કરી હતી અને 8:30 વાગ્યે તેમનો મોબાઇલ સ્વિચ ઑફ થઈ ગયો હતો."

પરિવારનો સભ્યોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક થઈ ન શકયો. તપાસ કરતા તેમનું છેલ્લું લોકેશન કામરેજ પાસે તાપી નદીના પુલ નજીક હતું. આ પુલ મુંબઈ-દિલ્હી હાઇવે પર આવેલો છે.

તેઓ વધુમાં જણાવે છે, "જ્યારે પરિવારના સભ્યો પુલ પર પહોંચ્યા ત્યારે જયસુખ ગજેરાની મોટરસાઇકલ બ્રિજની ઉપર પાર્ક કરેલી હતી અને તેમનાં પગરખાં નીચે પડેલાં હતાં."

53 વર્ષીય જયસુખ ગજેરાના પારિવારિક મિત્ર બાલુભાઈ વેકરિયાએ બીબીસીને જણાવ્યું કે "બુધવાર રાત્રે જ પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ રાત્રે નદીમાં શોધખોળ શક્ય ન હોઈ પોલીસે સવારે કાર્યવાહી કરીશું એવું જણાવ્યું હતું."

"સવારે ફાયર બિગ્રેડના જવાનોએ બ્રિજ પાસેથી તપાસ કરવાની શરૂઆત કરી અને કઠોર ગામથી તેમનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની ઓળખ થઈ ગયા બાદ અમે પરિવારના સભ્યોને જાણ કરી દીધી."

35 વર્ષ પહેલાં સુરત આવ્યા હતા

જયસુખ ગજેરાના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. દીકરી ધોરણ 7મા ભણે છે અને દીકરો બારમા ધોરણમાં છે.

મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામના જયસુખ ગજેરા 35 વર્ષ પહેલાં સુરત આવ્યા હતા અને શરૂઆતમાં રત્નકલાકાર તરીકે કામ કર્યું હતું.

તેઓ વાલજીભાઈ કેસીભાઈ નામની હીરાની ઘંટીમાં કામ કરતા હતા. ત્યારબાદ તેમણે વરાછાના ઘનશ્યામનગરમાં હીરા ઘસવાની ઘંટી શરૂ કરી.

વેકરિયા કહે છે, "2005 સુધી જયસુખ ગજેરાએ હીરાનું કારખાનું ચલાવ્યું અને ત્યારબાદ તેઓએ હીરાદલાલીનું કામ શરૂ કર્યું. પાંચ વર્ષ સુધી હીરાદલાલ તરીકે કામ કર્યા બાદ 2010માં તેમણે રત્નકલાકાર વિકાસ સંઘની સ્થાપના કરી હતી."

જયસુખ ગજેરાના સંબંધી મિતેશ ગજેરાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે "રત્નકલાકાર વિકાસ સંઘમાં કાર્યરત રહેવાની સાથે તેમને ઍમ્બ્રૉઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું. ભત્રીજા સાથે તેઓ કારખાનું ચલાવતા હતા, પણ ત્રણ વર્ષ પહેલાં તેમણે કારખાનું બંધ કરી દીધું."

"જે બાદ તેઓ પૂર્ણ રીતે રત્નકલાકાર વિકાસ સંઘ માટે કામ કરતા હતા. તેઓ 10 વર્ષથી સંઘના પ્રમુખ હતા અને રત્નકલાકારોના પ્રશ્નો માટે લડત આપતા હતા."

શું જયસુખ ગજેરા આર્થિક સંકડામણ અનુભવતા હતા?

કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જયદીપસિંહ વનારે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આત્મહત્યા પાછળનું ચોકક્સ કારણ હજી બહાર આવ્યું નથી અને તપાસ ચાલી રહી છે.

તેમણે કહ્યું, "પ્રાથમિક તપાસમાં આર્થિક સંકાળમણના કારણે આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. અમે જયસુખ ગજેરાના પરિવારના સભ્યો અને મિત્રોનાં નિવેદનો લઈ રહ્યાં છીએ."

વેકરિયા કહે છે કે છેલ્લી વાર જ્યારે તેમની સાથે ફોન પર વાત થઈ ત્યારે બહુ સારી રીતે વાત કરી હતી. આર્થિક સંકડામણ વિશે કોઈ ચર્ચા થઈ ન હતી.

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું, "જયસુખ ગજેરાની આવક સારી હતી અને એટલા માટે આર્થિક સંકડામણની વાતમાં તથ્ય નથી."

"તેમનું વરાછાના યોગી ચોકમાં પોતાનું મકાન છે અને બાળકો સારી સ્કૂલમાં ભણે છે. પરિવારનો સભ્યો પણ જણાવે છે કે તેમના માથે કોઈ દેવું નહોતું."

રત્નકલાકારોના પ્રશ્નો માટે રત્નકલાકાર સંઘ બનાવ્યો

'ડાયમંડ હબ' તરીકે જાણીતા સુરતમાં 2010 સુધી હીરા કારખાનેદારોનું સંગઠન હતું, પણ રત્નકલાકારો માટે કોઈ સંગઠન નહોતું.

રત્નકલાકારોના હકની લડાઈ લડવા માટે કોઈ આગળ આવતું ન હતું.

2008ની મંદીમાં રત્નકલાકારોની હાલત બહુ કફોડી થઈ ગઈ હતી અને ઘણા પાસે ખાવાના પૈસા પણ નહોતા.

રત્નકલાકારોના પગાર, ઓવરટાઇમ, કામના સ્થળે સુવિધાઓ સહિતના વિવિધ પ્રશ્નો હતા, જે માટે જયસુખ ગજેરા લડત આપતા હતા.

હીરાકારખાનાંના માલિકો પણ તેમને માન આપતા અને તેમની રજૂઆત પર તરત અમલ કરતા.

'રત્નકલાકારોને નોકરી પાછી અપાવતા'

તેમના મિત્ર મહેન્દ્ર ક્યાડા મુજબ જયસુખ ગજેરા એક લડવૈયા હતા.

રત્નકલાકારોના હક્કની વાત હોય ત્યારે પરિણામ નહીં આવે ત્યાં સુધી લડત આપતા હતા.

માર્ચ 2020માં લૉકડાઉન જાહેર થયું ત્યારે ઘણા રત્નકલાકારોની નોકરી જતી રહી. જયસુખ ગજેરાએ કારખાનેદારો સાથે મિટિંગો કરીને રત્નકલાકોરોને પગાર અને બાકી નાણાં અપાવ્યાં હતાં.

જો કોઈ રત્નકલાકાર ફરિયાદ લઈને આવે કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તો જયસુખ ગજેરા તરત એ કંપનીમાં દોડી જાય અને પૂરતા પ્રયાસો કરે કે જેથી રત્નકલાકારોને નોકરી પાછી મળી જાય.

તેઓ કહે છે કે "એવા તો કેટલા દાખલા છે, જ્યાં તેમની લડત બાદ રત્નકલાકારોને ફરીથી કામ પર રાખી લેવામાં આવ્યા હોય."

હીરા કારખાનેદારોને પણ ખબર હતી કે જયસુખ ગજેરા માત્ર રત્નકલાકારોના હક્ક માટે લડી રહ્યા છે અને એટલા માટે તેઓ ક્યારેય તેમની વાત ટાળી શકતા નહોતા.

સરિતા ચૌહાણ એક રત્નકલાકાર છે અને માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર થયું ત્યારે તેમની નોકરી જતી રહી હતી.

તેઓ જણાવે છે કે જયસુખ ગજેરાએ કારખાનામાં વાત કરી જે બાદ તેમને પગાર અને બીજી ચુકવણી કરાઈ હતી.

"તેઓ રત્નકલાકાર સંઘના ચહેરો હતા અને સતત રત્નકલાકારો માટે કામ કરતા હતા. મહિલા રત્નકલાકારો માટે તેમણે ઘણું કામ કર્યું છે. તેમનું મૃત્યુ અમારા માટે બહુ મોટી ખોટ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો