You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં કોરોનાના વિસ્ફોટ પાછળ રત્નકલાકારો જવાબદાર?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
"લૉકડાઉનમાં આટલો સમય ઘરે બેસી રહ્યા બાદ માંડ કારખાનું ચાલુ થતાં કામે વળગ્યો હતો. એક મહિનો કામ ચાલ્યું અને શેઠે ફરીથી કારખાનું બંધ કરવાની જાહેરાત કરી દીધી. દસ દિવસથી ઘરે બેઠો છું."
"હવે ઘર ચલાવવું ભારે પડવા લાગ્યું છે. આવી રીતે જીવવા કરતાં તો અમારા જેવા બધા રત્નકલાકારો કોરોનામાં મરી જાય તો સારું, જવાબદારીમાંથી તો છૂટા થઈએ."
કોરોનાકાળમાં સુરતના 28 વર્ષીય રત્નકલાકાર વિકાસ મંગુકિયાની હતાશ મનોદશા અને તેમના જીવનમાં ચાલી રહેલી તકલીફોનું પ્રતિબિંબ તેમના ઉપરોક્ત શબ્દોમાં વરતાઈ આવે છે.
વિકાસ પોતાનું દુ:ખ ઠાલવતાં આગળ જણાવે છે કે, "હું અને મારા જેવા હીરાઉદ્યોગના રત્નકલાકારો ઘણા સમયથી ઘરે જ બેઠા છીએ."
"લૉકડાઉન બાદ સરકારી નિયમો અને શરતોની આંટીઘૂટીઓને કારણે માલિકો યુનિટ બંધ કરી રહ્યા છે, કારીગરો બેકાર બન્યા છે અને ઉપરથી સરકાર પણ સુરતમાં કોરોનાના પ્રસાર માટે રત્નકલાકારોને જ જવાબદાર ગણાવી રહી છે, એ ખૂબ જ આઘાતજનક બાબત છે."
સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજીની સુનાવણી વખતે રાજ્ય સરકારે પોતાની રજૂઆતમાં સુરતમાં વણસી રહેલી કોરોનાની પરિસ્થિતિ માટે રત્નકલાકારોને જવાબદાર ગણાવ્યા હતા.
જાહેર હિતની અરજીમાં સુરત શહેરમાં પાછલાં કેટલાંક અઠવાડિયાંમાં કોરોનાની પરિસ્થિતિ વધુ બગડી હોવાની વાત કરાઈ હતી. તેમજ આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા વધુ કડક કાર્યવાહી કરાય તેવી માગ કરાઈ હતી.
સરકારના આ નિવેદન બાદ હીરાના વેપારીઓ, રત્નકલાકારોનાં સંગઠનો અને રત્નકલાકારોમાં વિરોધની લાગણી જોવા મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે પાછલાં અમુક અઠવાડિયાંથી સતત રાજ્યમાં સૌથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સુરતમાં મળી રહ્યા છે.
સોમવારે પણ ગુજરાતમાં નોંધાયેલા કુલ 1033 નવા કેસ પૈકી સૌથી વધુ 243 નવા કેસ સુરતમાંથી મળી આવ્યા હતા.
બીબીસી ગુજરાતીએ આ અંગે વધુ માહિતી મેળવવા માટે કેટલાક નિષ્ણાતો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
શું હતો સમગ્ર મામલો?
સુરત સિટિઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ નામના એક NGO મારફતે કરાયેલી જાહેર હિતની અરજીમાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદ કરાઈ હતી.
આ સાથે જ સુરતમાં બગડી રહેલી કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ પગલાં લેવા માટે સરકાર અને તંત્રને નિર્દેશ આપવા માટેની દાદ માગવામાં આવી હતી.
ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અરજીની સુનાવણી દરમિયાન સરકારતરફી રજૂઆતોમાં દાવો કરાયો હતો કે પાછલા અમુક સમયથી સુરતમાં કોરોનાની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.
સાથે જ સુરતમાં વધી રહેલા કેસો માટે સુરતની ઓળખસમા હીરાઉદ્યોગના કામદારો દ્વારા કામના સ્થળે કોરોનાની સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતાં હોવાની વાત જણાવાઈ હતી.
અમદાવાદ મિરરના એક અહેવાલ અનુસાર સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બૅન્ચે પણ નોંધ્યું હતું , "અમુક લોકોને તેમના જીવની પરવા નથી અને તેઓ પરિસ્થિતિની ગંભીરતાને નથી સમજી રહ્યા."
અહીં નોંધનીય છે કે અગાઉ હાઈકોર્ટે પોતાના એક અવલોકનમાં સુરતમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા કરાયેલા વિલંબને જવાબદાર ગણાવ્યો હતો.
'કોરોના નથી ફેલાવ્યો, રોજગારી સર્જી છે'
જૅમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ કાઉન્સિલના ગુજરાત પ્રદેશના ચૅરમૅન દિનેશ નાવડિયા સરકાર દ્વારા રત્નકલાકારો અંગે અપાયેલ નિવેદનને પાયાવિહોણું ગણાવી વખોડી કાઢે છે.
તેઓ કહે છે કે, "સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરાયેલા જવાબમાં રત્નકલાકારોને કારણે સુરતમાં કોરોનાનો પ્રકોપ વધ્યો હોવાની વાતને અમે વખોડીએ છીએ."
"હીરાઉદ્યોગનાં કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં સ્વાભાવિકપણે રત્નકલાકારો વધુ રહેતા હોય છે."
"આવા વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ મળી આવે તેનો અર્થ એ નથી કે સરકાર આખા ઉદ્યોગને કોરોનાની પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવી શકે."
તેઓ સુરતના હીરાઉદ્યોગની મહત્તા વિશે વાત કરતાં કહે છે, "ગુજરાત સમગ્ર વિશ્વમાં સુરતના હીરાઉદ્યોગના કારણે જાણીતું બન્યું છે. અત્યારે પણ કોઈ પણ જાતની સરકારી મદદ વગર સૌથી વધુ રોજગારી પેદા કરતા ઉદ્યોગો પૈકી એક હીરાઉદ્યોગ છે."
"હીરાઉદ્યોગે સુરતમાં કોરોના નથી ફેલાવ્યો, પરંતુ સરકારને આવક રળી આપવામાં અને રોજગારીના સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી."
'રત્નકલાકારોની દરિદ્રતાની મજાક ઉડાવાઈ'
સુરત રત્નકલાકાર વિકાસસંઘના પ્રમુખ જયસુખ ગજેરા, સરકારના આ નિવેદનને રત્નકલાકારોની દરિદ્રતાના મજાક સમાન ગણાવે છે.
તેઓ કહે છે કે, "લૉકડાઉન પછી રત્નકલાકારો સામે પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો પડકાર ઊભો હતો. તેથી કામ પર પાછું ફરવું એ રત્નકલાકારોની મજબૂરી હતી."
"સુરતમાં રત્નકલાકારોમાં સંક્રમણના વધુ પ્રમાણનું કારણ એ છે કે શરૂઆતમાં જ્યારે હીરાઉદ્યોગમાં યુનિટો શરૂ કરાયા ત્યારે માલિકો દ્વારા ત્યાં સરકારના કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નહોતું કરાતું."
" ઘણા યુનિટોમાં કર્મચારીઓ માટે સૅનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેવી વ્યવસ્થાઓ નહોતી કરાઈ."
આમ, તેઓ મોટી સંખ્યામાં રત્નકલાકારોમાં કોરોનાના કેસો આવ્યા એ માટે હીરાઉદ્યોગના કારખાનામાલિકોની બેદરકારીને જવાબદાર ગણે છે.
60 વર્ષીય રત્નકલાકાર ગોબરભાઈ કાથરવટીયા સુરતમાં રત્નકલાકારોને કારણે કોરોના વધ્યો હોવાની વાત સાથે અસંમતિ વ્યક્ત કરે છે.
તેઓ કહે છે કે, "જો રત્નકલાકારોને કારણે જ કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તો દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાં કેમ આટલા બધા કેસો છે, ત્યાં તો રત્નકલાકારો નથી. તેથી સરકારની આ વાત સાવ પાયાવિહોણી છે."
તેઓ લૉકડાઉન સમયની પરિસ્થિતિને યાદ કરતાં જણાવે છે કે, "જ્યારે લૉકડાઉન શરૂ થયું ત્યારે સુરતમાં રત્નકલાકારોની બહુમતીવાળા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ નહોતું, પરંતુ અનલૉક બાદ આ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ આવવા લાગ્યા."
રત્નકલાકારોમાં વધી રહેલા કોરોનાના કેસો માટે હીરાના યુનિટોના માલિકોની બેદરકારીને કારણભૂત માનતાં તેઓ કહે છે કે, "હીરાનાં કારખાનાંના માલિકોને જ સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તેમાં રસ નથી. તેમને પોતાના કારીગરોની સલામતીની ફિકર હોતી નથી."
"કારખાનાંના માલિકો દ્વારા ઝીરો ટચ કાર્યપદ્ધતિ વિકસાવવામાં નથી આવી. તેમજ કોરોનાના સંક્રમણને રોકવા માટે જરૂરી માસ્ક અને સૅનિટાઇઝર કામદારોને પૂરતી સંખ્યામાં અને પૂરતા પ્રમાણમાં અપાતાં નથી."
"સોશિયલ ડિસ્ટન્સિંગની જાળવણી બાબતે પણ ઘણા કારખાનાંમાં કોઈ ધ્યાન અપાતું નથી. આવી પરિસ્થિતિમાં રત્નકલાકારોને કોરોનાનું સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે."
'સુરતની પ્રગતિ રત્નકલાકારોને આભારી'
સુરતમાં ડાયમંડનું યુનિટ ચલાવતા મિતેષ જસાણી સુરતમાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાના કેસો વધ્યા એ માટે હીરાઉદ્યોગના યુનિટોના માલિકો અને રત્નકલાકારો બંનેને જવાબદાર નથી માનતા.
તેઓ કહે છે કે, "સરકારના નક્કી કરાયેલા નિયમો પ્રમાણે જ હીરાઉદ્યોગના યુનિટોમાં કામ થઈ રહ્યું છે. ક્યાંક અમુક પ્રમાણમાં નિયમો ન જળવાયા હોય તો તેના માટે સરકારે સંપૂર્ણ ઉદ્યોગ અને તેના કામદારો પર આક્ષેપ ન કરવો જોઈએ."
તેઓ હીરાઉદ્યોગનો વિકાસનો શ્રેય રત્નકલાકારોને આપતાં જણાવે છે કે, "સુરતની ઓળખ સમાન હીરાઉદ્યોગની ચમક રત્નકલાકારોની મહેનતને જ આભારી છે."
"તેથી સરકારે રત્નકલાકારોને અને હીરાઉદ્યોગને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ. જેથી સુરતની આંતરરાષ્ટ્રીય છબિ જળવાઈ રહે."
સ્થાનિક તંત્રની બેદરકારી
જયસુખ ગજેરા સરકારના આ નિવેદનને રત્નકલાકારોને બદનામ કરવા માટેનું ષડ્યંત્ર ગણાવતાં કહે છે કે, "સરકારને રત્નકલાકારોની કોઈ પડી નથી. સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રત્નકલાકારોના કોરોના ટેસ્ટ પૂરતા પ્રમાણમાં નથી કરાતા."
"જેને કારણે અમારી સાથે કામ કરી રહેલા અસંખ્ય રત્નકલાકારો અત્યાર સુધી મોતને ભેટી ચૂક્યા છે."
"ઉપરથી સરકાર આવાં નિવેદનો આપીને રત્નકલાકારોને બદનામ કરવાની કોશિશ કરી રહી છે."
રત્નકલાકારોને વળતર ચૂકવવાની માગ ઉઠાવતાં તેઓ કહે છે કે "ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ પીને લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર લોકોને સરકાર સહાય કરે છે, પરંતુ કોરોના સામે જીવનની જંગ હારી ગયેલા રત્નકલાકારોને સહાય નથી જાહેર કરાઈ, આ હકીકત જ તંત્રના મનની વાત કહી દે છે."
રત્નકલાકાર ગોબરભાઈ કાથરવટીયા જણાવે છે, "સુરતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દર મહિને કુલ આઠ લાખ રત્નકલાકારો પાસેથી 200 રૂપિયા લેખે પ્રૉફેશનલ ટૅક્સ વસૂલે છે, તેમ છતાં કારખાનાંના માલિકો દ્વારા રત્નકલાકારોને પૂરતી સુવિધાઓ અપાઈ રહી છે કે કેમ તેની તપાસ માટે કોઈ અધિકારી આવતા નથી."
"ઉપરાંત રત્નકલાકારોની વસાહતોમાં પણ ટેસ્ટિંગની કામગીરી પૂરતા પ્રમાણમાં નથી કરાઈ."
આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરતાં દિનેશ નાવડીયા જણાવે છે કે, "કોરોનાનું સંક્રમણ નિયંત્રણમાં રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી નાગરિકોની સાથે-સાથે સરકારની પણ છે."
"સરકાર પહેલાં પણ હીરાઉદ્યોગમાં કામ કરતા લોકોનાં ઍન્ટિજન ટેસ્ટ કરાવી શકી હોત."
"જો સરકાર તરફથી આ પગલું પહેલાંથી જ લેવાયું હોત તો પરિસ્થિતિ આવી ન હોત. તેથી રત્નકલાકારો પર કોરોનાની ખરાબ પરિસ્થિતિનું આળ મૂકવું એ વાજબી નથી."
50 ટકા ક્ષમતા સાથે ચાલી રહ્યા છે યુનિટો
મિતેષ જસાણી કોરોનાને કારણે સર્જાયેલી મુશ્કેલી અંગે વાત કરતાં જણાવે છે, "હાલ હીરાઉદ્યોગમાં પહેલાંની સરખામણીએ 50 ટકા કારીગરો જ કામ કરી રહ્યા છે."
"જે કારણે સુરતનો હીરાઉદ્યોગ પોતાની ક્ષમતા કરતાં અડધી ક્ષમતાએ જ ચાલી રહ્યો છે."
"તેમ છતાં સરકારે આપેલાં તમામ સૂચનોનું પાલન થાય એ હીરાઉદ્યોગના યુનિટોના માલિકો સુનિશ્ચિત કરી રહ્યા છે."
"ઘણા કારખાનાં માલિકોએ તો માત્ર પોતાના કારીગરોને રોજગારી મળી રહે એ હેતુથી પોતાના કારખાનું ચાલુ રાખ્યું છે, તેમ છતાં સરકાર દ્વારા આવાં નિવેદનો કરાય એ યોગ્ય નથી."
તેઓ સરકારનાનિવેદનને પાયાવિહોણું ગણાવતાં કહે છે કે, "જૂનમાં લૉકડાઉન ખૂલ્યા બાદ હીરાઉદ્યોગના યુનિટો શરૂ થયાં, ત્યાર બાદ માત્ર બે દિવસ માર્કેટ ચાલુ રહ્યું અને હીરાઉદ્યોગનાં તમામ યુનિટો દ્વારા સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો."
"તેમ છતાં એ દિવસો દરમિયાન પણ સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા ઘટી નહોતી."
"તેથી સરકાર માત્ર હીરાઉદ્યોગને અને તેના કામદારોને કોરોનાના ફેલાવા માટે જવાબદાર ગણાવે એ અયોગ્ય કહેવાય."
'માત્ર હીરાઉદ્યોગ જ નહીં, અન્ય ઉદ્યોગો પણ ચાલુ છે'
હીરાઉદ્યોગને જવાબદાર માનવાની વાતને નકારતાં મિતેષ જસાણી જણાવે છે કે, "સુરતમાં માત્ર હીરાઉદ્યોગનાં કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારોમાંથી જ નહીં, પરંતુ અન્ય ઘણા ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે."
"ઉપરાંત હીરાઉદ્યોગ સિવાય પણ અન્ય ઉદ્યોગોનાં કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસો રોજ સામે આવી રહ્યા છે."
"તેથી સરકારે આ વાત કોઈ ગણતરી પ્રમાણે રજૂ કરી હોય એવું નથી લાગતું. સુરતમાં હીરાઉદ્યોગના કામદારોને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું એ નિવેદન તર્કસંગત હોય એવું હું નથી માનતો."
મિતેષ જસાણીની આ વાત સાથે જયસુખ ગજેરા સંમત થાય છે.
તેઓ કહે છે કે, "માત્ર હીરાઉદ્યોગ જ નહીં, પરંતુ ટેક્સ્ટાઇલઉદ્યોગ અને અન્ય પણ ઘણા ઉદ્યોગો સાથે સંકળાયેલા કામદારો કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે."
"પરંતુ સરકાર દ્વારા સુરતમાં કોરોનાના પ્રસાર માટે માત્ર હીરાઉદ્યોગને અને તેના કામદારોને જવાબદાર ઠેરવવામાં આવે એ યોગ્ય નથી."
આ અંગે વાત કરતાં રત્નકલાકાર વિકાસ મંગુકિયા જણાવે છે, "સુરતમાં હીરાઉદ્યોગ કે રત્નકલાકારોને કારણે કોરોના નથી ફેલાયો. કારણ કે હીરાઉદ્યોગ સિવાય પણ અન્ય ઘણા ઉદ્યોગો હાલ પહેલાંની જેમ જ ધમધમી રહ્યા છે."
"તમામ બજારો પણ ચાલુ છે. તો કોરોનાની વણસતી પરિસ્થિતિ માટે માત્ર રત્નકલાકારોને કઈ રીતે જવાબદાર ગણાવી શકાય? આ નિવેદન બિલકુલ અસંવેદનશીલ અને અર્થહીન છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો