You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત કોરોના વાઇરસના 1 લાખ કેસ સુધી કેવી રીતે પહોંચ્યું?
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે અને રાજ્યમાં હવે ફરીથી કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં પહેલો કેસ આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોરોના વાઇરસે વ્યવસ્થાતંત્રથી લઈને લોકોની જીવનશૈલી પણ કેટલેક અંશે બદલી નાખી છે.
હાલમાં મોટા ભાગના લોકો માસ્ક પહેરીને પોતાને અન્યથી દૂર રાખતા જોઈ શકાય છે. જોકે ક્યાંક સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું પાલન ન થતું હોવાનું પણ જોવા મળે છે.
ઑનલાઇન શિક્ષણથી માંડીને અનેક પ્રવૃત્તિઓ પર ડિજિટલ માધ્યમ પર ભાર મૂકવામાં આવે છે.
તબીબો કહે છે કે હવે કોરોના સાથે જીવતા શીખી લેવું જોઈએ અને લોકો પણ ધીમેધીમે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝર, સ્વચ્છતા વગેરે તરફ ઢળતાં જોઈ શકાય છે.
ગુજરાતમાં કોરોના વાઇરસને ચેપ જાણીતા લોકો અને નેતાઓ પણ લાગ્યો હતો.
પહેલી વાર ખાડિયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના થયો હતો અને બાદમાં તેઓ સાજા થઈ ગયા હતા.
તો કૉંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ભાજપના ઘણા ધારાસભ્યોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદના કૉંગ્રેસના કૉર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાઇરસને લીધે મૃત્યુ થયું હતું.
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી છે.
તેમજ અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસને કારણે કુલ 3064 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.
તો આટલા દિવસોમાં ગુજરાતમાં શું-શું બદલાયું, સરકારે કોરોનાને અટકાવવા માટે કેવાંકેવાં પગલાં લીધાં, કયા વિવાદ થયા એ પણ જાણવું જોઈએ.
ગુજરાતમાં કોરોનાની તબક્કા વાર સ્થિતિ
કોરોના વાઇરસનો પહેલા કેસ રાજકોટ અને સુરત જિલ્લામાં માર્ચ મહિનામાં નોંધાયો હતો. જે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો તેઓ વિદેશથી આવી હતી.
ગુજરાતમાં 17 એપ્રિલ સુધીમાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 હતી. બાદમાં તેમાં સમયાંતરે વધારો થયો હતો.
તારીખ 29-6-2020ની ગુજરાતની સરકારી અખબારી યાદી પ્રમાણે, કોરોના વાઇરસના રાજ્યમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી 6 હજારથી વધુ કેસ ઍક્ટિવ હતા. જ્યારે કુલ મૃત્યુઆંક 1800ને પાર હતો.
તો 22 જુલાઈ, 2020 સુધીમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા, અને તેમાં 12 હજારથી વધુ ઍક્ટિવ કેસ હતા. આ તારીખ સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2200ને પાર હતો.
તો 13 ઑગસ્ટ, 2020ના ગુજરાત સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાની કેસની સંખ્યા 75 હજારને પાર પહોંચી હતી.
3 સપ્ટેમ્બર, 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમિતોના કેસનો આંકડો 1 લાખને પાર કરી ગયો. એટલે કે આશરે 20 દિવસ જેટલા ગાળામાં રાજ્યમાં કોરોના વાઇરસના 25,000 નવા કેસ આવ્યા.
શરૂઆતમાં કોરોનાના ટેસ્ટ મામલે વિપક્ષ દ્વારા વિવિધ આરોપો પણ થયા હતા અને ટેસ્ટિંગ ન થતું હોવાના મીડિયામાં અહેવાલો પણ આવ્યા હતા.
જોકે બાદમાં ગુજરાત સરકારે ટેસ્ટિંગમાં વધારો કર્યો હતો. 30 જૂન, 2020 સુધી રાજ્યમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે 30 ઑગસ્ટ સુધીમાં રાજ્યમાં કોરોનાના ટેસ્ટની સંખ્યા વધી 22,65,473 સુધી પહોંચી હતી.
આંકડાઓ પર નજર નાખતા એ સ્પષ્ટતા મળે છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા પણ મૃત્યુઆંક એટલો વધ્યો નથી.
જ્યારે અમદાવાદ બન્યું હૉટસ્પૉટ
રાજકોટ જિલ્લામાં પહેલો કેસ નોંધાયો હતો, પરંતુ રાજકોટ જિલ્લામાં શરૂઆતમાં કોરોનાનું સંક્રમણ એટલું ન ફેલાયું, જેટલું અમદાવાદમાં ફેલાયું હતું.
અમદાવાદ શહેર ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે પોળ વિસ્તારમાં કોરોનાએ પગપેસારો કર્યો.
તો દાણીલીમડા, જમાલપુર, ખાડિયા, બહેરામપુરા, કાલુપુર વગેરે ગીચ વિસ્તારોમાં ઝડપથી કોરોના ફેલાયો હતો અને અહીં કરફ્યુ નાખવાની ફરજ પડી.
શરૂઆતમાં પોળ વિસ્તારમાં કેસની સંખ્યા વધી હતી અને બાદમાં કોરોના પશ્ચિમ અમદાવાદમાં પણ ફેલાયો હતો.
સમય જતાં અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કેસ જોવા મળતા હતા. અમદાવાદ એ સમયે કોરોનાનું હૉટસ્પૉટ બન્યું હતું.
ગુજરાતમાં 17 એપ્રિલ સુધીમાં કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા 1021 હતી, જે પૈકી અમદાવાદમાં 590 કેસ હતા.
એટલે કે રાજ્યના પચાસ ટકાથી પણ વધુ એટલે કે અડધોઅડધ કરતાં વધુ કેસ માત્ર અમદાવાદમાં હતા.
જોકે ધીમેધીમે સરકારી આંકડા જોતાં ખ્યાલ આવે કે અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટતી ગઈ અને સુરત રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત થયું.
સુરત જિલ્લામાં કોરોનાનો કેર
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા શહેરમાં શરૂઆતમાં કોરોનાની ગતિ ધીમી હતી, પણ સમય જતાં તેમાં વધારો થયો.
સમય જતાં કોરોનાની સ્થિતિને લઈને જે ધ્યાન અમદાવાદ પર અપાતું હતું એ હવે સુરત તરફ વળ્યું હતું.
સુરતમાં લૉકડાઉન બાદ શરૂઆતમાં હીરાનાં કારખાનાંઓ શરૂ કરવામાં આવ્યાં હતાં, પણ સંક્રમણ વધતાં ફરી કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.
તો ગુજરાત હાઈકોર્ટે પણ સુરતની સ્થિતિને કહ્યું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે, મશીનરીને ગતિ આપવાની જરૂર છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, હુકમમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોંધ્યું છે કે રાજ્ય દ્વારા સુરતની કોવિડ-19 પરિસ્થિતિના અહેવાલમાં "પ્રોત્સાહક" વલણ દર્શાવવામાં આવ્યું હતું.
જોકે ગુજરાતમાં તારીખ પ્રમાણેની પરિસ્થિતિઓ અનુસાર જે ચિત્ર ઊભરે છે તે ભયાનક છે.
રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ સ્વાસ્થ્ય સંબંધિત તપાસ માટે સુરતની મુલાકાત લીધી હતી.
કોરોના પર ગુજરાતમાં રાજકારણ
અમદાવાદ, સુરત, વડોદરા, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ વગેરે જિલ્લાઓમાં શરૂઆતમાં કોરોનાની વધુ અસર થઈ હતી.
જોકે, ત્યાં સુધી સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં કોરોનાના ઓછા કેસ જોવા મળતા હતા.
દરમિયાન વચ્ચે પાટણ, અરવલ્લી, આણંદ, ભરૂચ, ગાંધીનગર, સાબરકાંઠા વગેરે જિલ્લાઓમાં નોંધપાત્ર કેસ જોવા મળ્યા હતા.
જોકે વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતું જોઈ શકાય છે.
રાજકોટ સહિત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહેલાં કરતાં વધુ જોવા મળી રહ્યું છે.
સ્થિતિને ગંભીરતાને જોતાં અગાઉ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટની મુલાકાત લીધી હતી.
ગુજરાત કોરોના વાઇરસના કેસની બાબતમાં અગાઉ દેશમાં ત્રીજા સ્થાને હતું.
ગુજરાતના પરિવાર અને કલ્યાણ વિભાગના જુલાઈ મહિનાના અંત સુધીના આંકડા અનુસાર, એક દિવસમાં નોંધાતા કેસમાં ગુજરાત દેશમાં 10મા ક્રમે આવી ગયું છે.
અને 31 ઑગસ્ટ, 2020 સુધીમાં એક દિવસમાં નોંધાતા કેસમાં ગુજરાત દેશમાં 19મા ક્રમે આવી ગયું છે.
કોરોનાસંકટ દરમિયાન કૉંગ્રેસના નેતાઓએ અમદાવાદની સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
કૉંગ્રેસે આરોપ મૂક્યો હતો કે ટેસ્ટિંગ ઘટાડવાને કારણે મરણાંક વધ્યો છે અને ધમણ-1 દ્વારા કેટલા દરદીને સારવાર આપવામાં આવી, તે અંગે સ્ટાફ પાસે કોઈ વિગત નથી.
તો ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાના કહેવા પ્રમાણે, કૉંગ્રેસના પ્રતિનિધિમંડળની મુલાકાત 'રાજકીય સ્ટન્ટ' છે.
તેમણે પરેશ ધાનાણી ઉપર અધૂરી માહિતી દ્વારા ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો હતો.
પરેશ ધાનાણીએ 866 ધમણ વૅન્ટિલેટરને ચાલુ રાખવા સરકાર નંગદીઠ રૂ. બે લાખ 92 હજાર જેટલો ખર્ચ કરશે, તેવો આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં પંડ્યાએ કહ્યું હતું કે 'ક્વૉટેશન રજૂ કરે અન્યથા પાયાવિહોણાં આક્ષેપ બંધ કરે.'
ધમણ-1 વૅન્ટિલેટરનો વિવાદ
ગુજરાતની જ્યોતિ સીએનસીએ કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 5 એપ્રિલ 2020ના રોજ વપરાશ માટે ખુલ્લું મૂક્યું હતું.
વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતના સ્થાનિક ઉદ્યોગપતિઓને 10 દિવસમાં વૅન્ટિલેટર બનાવવામાં સફળતા મળી છે.
કોરોના વાઇરસના કેર વચ્ચે રાજકોટની કંપનીએ બનાવેલું ધમણ-1 વૅન્ટિલેટર ધાર્યું પરિણામ મેળવી શકતું ન હોવાનું તબીબોના ધ્યાને આવ્યું હતું.
અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તબીબી અધીક્ષકે જીએમએસસીએલને એક પત્ર લખીને આ મામલે જાણ કરી હતી.
આ મુદ્દે કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ સરકાર સામે અનેક સવાલો મૂક્યા હતા.
ગુજરાત સરકારનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ પત્રકારપરિષદ યોજી ધમણ-1 વૅન્ટિલેટરને લઈને કેટલીક સ્પષ્ટતા કરી હતી.
જંયતી રવિએ કહ્યું હતું કે કંપનીએ મદદ માટે 18 એપ્રિલે પ્રથમ દસ વૅન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં અને આ વૅન્ટિલેટર માટે ડ્રગ-કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન અનુસાર વૅન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના લાઇસન્સની જરૂર નથી.
એમણે કહ્યું હતું કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનના માપદંડ હેઠળ વૅન્ટિલેટર તૈયાર કરવામાં આવેલું છે અને સ્વાસ્થ્ય વિભાગના નૉટિફિકેશનમાં એ 37 વસ્તુની યાદી અપાઈ છે, જેને લાઇસન્સની જરૂર છે, તેમાં વૅન્ટિલેટરનો ઉલ્લેખ નથી. એ રીતે ધમણ-1ને કોઈ લાઇસન્સની જરૂર નહોતી.
જયંતી રવિએ એમ પણ જણાવ્યું કે ધમણ-1એ તમામ પર્ફૉર્મન્સ-ટેસ્ટ પૂર્ણ કર્યા હતા અને કુત્રિમ ફેફસાં પર ધમણે 8 કલાક સુધી પરીક્ષણ કર્યું હતું.
ટેસ્ટિંગ મામલે હાઈકોર્ટની ટિપ્પણી
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોના સંક્રમણ માટે ટેસ્ટિંગને લઈને ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની બાબતમાં ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચને પક્ષકાર તરીકે જોડાવાના આદેશ કર્યા હતા.
રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું કે રાજ્યમાં કોરોના દરદીઓના ટેસ્ટિંગ આઈસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે.
ગુજરાત હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે ખાનગી લૅબમાં કોવિડ-19ના ટેસ્ટ કેમ નથી થઈ રહ્યા.
હાઈકોર્ટે સરકારને વધારેમાં વધારે ટેસ્ટિંગ કિટ્સ ખરીદીને ખાનગી અને સરકારી લૅબમાં ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકારે હાઈકોર્ટ પાસેથી આ અંગે જવાબ આપવા માટે સમય માગ્યો હતો.
બીજી તરફ ખાનગી હૉસ્પિટલોના ડૉક્ટરોએ ટેસ્ટિંગ નીતિની સમીક્ષાની માગણી કરી હતી.
અમદાવાદ હૉસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ ઍસોસિયેશને આ અંગે ગુજરાત સરકારને પત્ર લખીને કહ્યું હતું કે કોરોના સંક્રમણના ટેસ્ટ થવામાં ત્રણથી ચાર દિવસ લાગી જતા દરદીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ગુજરાત સરકાર દ્વારા આપવા આવેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ જે બી પારડીવાલાની બૅન્ચ સમક્ષ રાજ્ય સકાર સામે થયેલી સુઓમોટો અરજી અંગે હાઈકોર્ટે નોંધ્યું કે અમદાવાદમાં કોવિડ-19 સિવિલ હૉસ્પિટલના સંદર્ભમાં રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્દશોનું પાલન કર્યું છે.
વર્તમાનમાં કોરોનોની સ્થિતિ અને સરકારના પ્રયાસો
વર્તમાન સમયમાં ગુજરાતમાં અનલૉક-4માં ઘણુંબધું ખૂલી ગયું છે અને સખત પ્રતિબંધો પણ હળવા કરાયા છે.
કેસની સંખ્યા વધી રહી છે અને ગુજરાતમાં કોરોનાને કારણે થતો મૃત્યુઆંક એટલો વધતો દેખાતો નથી.
ડૉ. દિલીપ માવળંકર બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગુજરાતમાં કોરોનાની સંખ્યા વધી રહી છે, પણ મૃત્યુનું પ્રમાણ એટલું નથી. મૃત્યુની પ્રમાણ ઘટી રહ્યું છે. વાઇરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ તેની સારવાર ઘણી સુધરી છે. ગામડાંઓમાં વાઇરસ ફેલાય છે, પણ ત્યાં એટલાં બધાં મૃત્યુ થતાં નથી."
અમદાવાદ, સુરત, વડોદરાનું વગેરેનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે, "અલગઅલગ વિસ્તારોમાં વાઇરસ ફેલાઈ રહ્યો છે, પણ જે જગ્યાએ ફેલાય છે ત્યાં તેની સંખ્યા પણ ઘટવા લાગી છે. ટેસ્ટિંગ પણ વધ્યું છે, પહેલાં પાંચ હજાર ટેસ્ટ થતાં હતા અને હવે પચાસ હજારથી વધુ ટેસ્ટ થાય છે."
કોરોના વાઇરસને વધતો અટકાવવા માટે સરકારે અલગઅલગ શહેરોમાં કોવિડ-19 હૉસ્પિટલો ઊભી કરી હતી અને તેમાં પથારીની સંખ્યા પણ વધારી હતી.
તો અમદાવાદમાં 1200 બેડની કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા ઉકાળાનું વિતરણ પણ કરાયું હતું. તો સ્વસ્થ ગુજરાતના મંત્રને સાર્થક કરવા ગુજરાત સરકારે 'ધન્વંતરિ આરોગ્ય રથ' પણ શરૂ કર્યા છે.
અમદાવાદ બાદ ગુજરાતનાં અન્ય શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આ રથની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર અનુસાર, રાજ્યમાં કુલ 1250થી વધુ ધન્વંતરિ રથ શરૂ કરવામાં આવ્યા છે.
3 સપ્ટેમ્બરની ગુજરાત આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
તેમજ રાજ્યનો દર્દીઓના સાજા થવાનો દર પણ 80.88 ટકા થયો છે.
રાજ્યના અલગઅલગ જિલ્લાઓમાં કુલ 5,54,774 વ્યક્તિઓને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,54,247 વ્યક્તિઓ હોમ ક્વોરૅન્ટીન છે.
રાજ્યમાં પ્રથમ નોંધાયેલા કેસથી માંડીને અત્યાર આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે.
રાજ્ય અને દેશમાં અનલૉક શરૂ થઈ ગયું છે, પણ કોરોના વાઇરસ હજુ ગયો નથી અને તેની સામેની લડત ચાલુ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો