સુરત : કોરોનાની કેદમાં હીરાની ચમક, પહેલી વાર આવી મંદી દેખાઈ

    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ડાયમંડ વર્કર સુરતના નિવાસી અલ્પેશ સાવલિયા પર સાત લોકોના પરિવારને ચલાવવાની જવાબદારી પણ છે.

હીરાને પારખીને તેને ચમકાવવા તેમની મહારત છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે લાગુ લૉકડાઉન દરમિયાન અલ્પેશને ત્રણ મહિનાથી પગાર મળ્યો નથી.

ફૅક્ટરીમાં કામ બંધ છે અને જ્યારથી શરૂ થયું ત્યારથી નોકરીની અડધા પગારે ચાલી રહી છે. અલ્પેશને લાગે છે કે હવે તેમની પાસે કામ કરવાનો બીજો કોઈ વિકલ્પ પણ નથી.

તેઓએ જણાવ્યું, "ગામમાં ખેતી કરતા હતા. તેમાં વરસાદ-પૂરની સમસ્યા રહેતી હતી, આથી ગામ છોડીને શહેરમાં આવ્યા."

"હવે અહીંથી ક્યાં જઈશું? આ સમયે બીજું કયું કામ કરીશું? અમારા ધંધાની સમસ્યા એ છે કે વિદેશથી હીરાની આયાત નથી થતી. વેપારીઓ પાસે કાચો માલ પણ ઓછો છે."

ભારતમાં કોરોના વાઇરસે ન માત્ર લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઝપેટમાં લીધા છે, પરંતુ હીરા અને ઝવેરાતના વેપારીઓને પણ મોટી અસર થઈ છે.

હીરાને પરખવા અને પૉલિશ કરવામાં ભારતનું દુનિયામાં પહેલું સ્થાન છે અને લૉકડાઉનની ઘોષણના સમય સુધી દેશમાં અંદાજે 45 લાખ લોકોનો રોજગાર તેનાથી જોડાયેલો હતો.

સરકારી આંકડાઓ અનુસાર દુનિયામાં વેચાતા 75 ટકા હીરાની પૉલિશ ભારતમાં થાય છે, જે બાદ તેને હૉંગકૉંગ, એન્ટવર્પ અને અમેરિકા જેવી બજારોમાં મોકલાય છે.

વર્ષો બાદ હીરાના બજારમાં આવી મંદી

વર્ષોથી આ બજારોમાં કામ કરતાં લોકોએ પહેલી વાર આવી મંદી જોઈ છે.

ગુજરાતના રહેવાસી મયૂર ગબાણી આશરે સાત વર્ષ પહેલાં હૉંગકૉંગની ડાયમંડ બજારમાં નોકરી કરવા ગયા હતા અને થોડાં વર્ષોમાં તેઓએ ત્યાં પોતાનો ધંધો શરૂ કરી દીધો.

બીબીસીને આપેલા એક ઑનલાઇન વીડિયો ઇન્ટરવ્યૂમાં મયૂરે માન્યું કે કોવિડ-19 બાદ દુનિયાભરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી વર્ષો પાછળ ધકેલાઈ ગઈ છે.

તેઓએ કહ્યું, "ટ્રાવેલ પર પ્રતિબંધ છે અને ભારતમાં મોટા ભાગના હીરા હૉંગકૉંગથી આવે છે. છેલ્લા પાંચ મહિનાથી તો અહીં માત્ર હૉંગકૉંગના મૂળનિવાસી જ ઍલાઉડ છે. અહીં ટૂરિઝમ બંધ છે. જે ગ્રાહકો ચીન, તાઇવાન, કોરિયા અને વિયેતનામથી હીરાની ખરીદી માટે આવે છે, તેઓ આવી શકતા નથી."

ભારતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર કોરોના વાઇરસની વિપરીત અસરનો સીધો પ્રભાવ દુનિયાની મોટી બજારો અને જાણીતી કંપનીઓ પર પડે છે.

હીરાની સફાઈ, કટિંગ અને પૉલિશનું સૌથી મોટું કેન્દ્ર ભારત છે, માટે જે દેશોમાં કોરોના બાદ થયેલા લૉકડાઉનમાં છૂટ મળી છે, ત્યાં પણ હીરાનું ખરીદ-વેચાણ વધ્યું નથી.

કદાય એટલા માટે જ ડી બિયર્સ અને અલરોસા જેવી જાણીતી કંપનીઓએ હીરાના ભાવમાં 10 ટકા સુધીની છૂટ આપવા પર વિચાર શરૂ કરી દીધો છે.

દરેક અર્થવ્યવસ્થાની જેમ ભારત પણ કોવિડ-19નો માર સહન કરી રહ્યું છે. ધંધા પર ઊંડી અસર છે અને લૉકડાઉન દરમિયાન અને બાદમાં પણ લગ્નોમાં ધામધૂમ અને તહેવારોમાં રોનક જેવા મળતી નથી.

કોરોનાસંકટ દરમિયાન લાખો લોકોની નોકરી જવાથી અને લાખોના પગારોમાં કપાત થવાથી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ (ખરીદ-વેચાણને લઈને ગ્રાહકોના નિર્ણયો)માં પણ જબરજસ્ત ઘટાડો થયો છે અને સામાન્ય લોકોનું વલણ બચત તરફ વળ્યું છે.

જોકે ભારતમાં ડાયમંડ કારોબારની નીતિઓ સાથે જોડાયેલા લોકોને આશા પણ છે.

ભારતનાં રત્ન અને આભૂષણ નિકાસ સંવર્ધન પરિષદ (GJEPC)ના ગુજરાત એકમના ક્ષેત્રીય નિદેશક દિનેશ નવાડિયા અનુસાર, "આજે કોઈની માગ હોય તો અમે માલ પણ મોકલી શકતા નથી. હું બિલકુલ માનું છું કે નુકસાન થયું છે, પરંતુ આખી દુનિયામાં આ સ્થિતિ હતી. આપણે તેને એક બિઝનેસ લૉસમાં ગણી શકીએ. આજની તારીખે લૉકડાઉન ખતમ થયા બાદ ધીરેધીરે માર્કેટ પણ શરૂ થઈ રહ્યાં છે અને એક્સપૉર્ટ પણ વધી રહ્યું છે."

હીરા પર ભારતની નજર

જો વાત હીરા સાથે જોડાયેલા વેપારના હિસ્સાની હોય તો ગત કેટલાક દશકોમાં ભારત તેનું સૌથી મોટું કેન્દ્ર બનીને ઊભર્યું છે.

ભારત સરકારની પહેલ પર ગઠિત કરાયેલા ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપૉર્ટ ઑર્ગેનાઇઝેશન (FIEO)ના અધ્યક્ષ શરદકુમાર સરાફે આ વર્ચસ્વનું કારણ જણાવ્યું.

તેઓએ કહ્યું, "હીરા મામલે ભારતીય મૅનપાવર સ્કિલ દુનિયાભરમાં સૌથી ઉત્તમ માનવામાં આવે છે."

"સાથે જ ભારતના ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો કારીગરોનું મહેનતાણું દુનિયામાં સૌથી ઓછું છે, જેની સીધી અસર કોઈ પણ પ્રોડક્ટના ભાવ પર પડે છે."

"ત્રીજી વાત, બિઝનેસ દરમિયાન ભારતીય ડાયમંડ ટ્રેડર્સના રિસ્ક લેવાની ક્ષમતા વધારે છે અને વૈશ્વિક વેપારમાં તેમના માલની શાખ બંધાઈ ગઈ છે."

હવે દુનિયાભરમાં હીરાનો વાર્ષિક વેપાર અબજો રૂપિયાનો થાય છે, આથી ઘણા અન્ય દેશો પણ છે, જેઓ પોતાના વર્તમાન ઉદ્યોગોની શ્રેણીમાં તેને સામેલ કરવા માગે છે.

આ દરમિયાન અમેરિકા સિન્થેટિક ડાયમંડ્સ ઉદ્યોગનું મોટું કેન્દ્ર બનીને ઉભર્યું હતું, જેને હવે ચીનથી મોટો પડકાર મળી રહ્યો છે.

સ્વાભાવિક છે કે પોતાની વસતી અને હીરાની વધતી માગને કારણે ચીનને આ સમયે દુનિયામાં હીરાનું સૌથી મોટું ગ્રાહક માનવામાં આવે છે.

સવાલ ઊઠે કે શું કોરોનાસંકટ દરમિયાન મંદ પડેલા કારોબાર અને હૉંગકૉંગ જેવું હીરાનું મોટું કેન્દ્ર પડોશમાં હોવા છતાં ચીન ભારતીય ડાયમંડ કારોબારમાં પણ વધુ રસ લઈ શકે છે.

હૉંગકૉંગસ્થિત ડાયમંડ વેપારી મયૂર ગબાણી આ વાતનો ઇન્કાર કરતાં કહે છે, "ભારતથી કટિંગ થતા અને પૉલિશ થઈને આવતા હીરા પર ન માત્ર વેપારીઓને ભરોસો છે, પરંતુ પૂર્વ-એશિયા અને યુરોપીય ખરીદદારોને પણ એટલો ભરોસો છે."

જોકે એ પણ સાચું છે કે મહિનાઓ પછી ડાયમંડ ટ્રેડે થોડી ગતિ પકડી છે, તો તેમાં ચીન અને વિદેશોની ભૂમિકા ભારત કરતાં ઘણી વધારે છે.

શરદકુમાર સરાફ કહે છે, "ઇઝરાયલ, થાઇલૅન્ડ અને એન્ટવર્પ જેવાં સેન્ટર જરૂર વિચારશે કે આ એક મોકો હોઈ શકે છે હીરાના કારોબારમાં પોતપોતાની ટકાવારી વધારવાનો." ૉ

"ચીનને લઈને મને વિશ્વાસ છે કે એ એવું નહીં વિચારતું હોય, કેમ કે ત્યાં એ ચીજ સારી અને સસ્તી બને છે, જેનું માસ પ્રોડક્શન થઈ શકે. ડાયમંડ એ શ્રેણીમાં આવતા જ નથી."

કારોબારી શબ્દોમાં હીરાની ગણતરી લક્ઝરી આઇટમમાં થાય છે. પણ ભારતના ડાયમંડ ઉદ્યોગમાંથી બનીને નીકળતી આ લક્ઝરી આઇટમ સાથે જોડાયેલી લાખો જિંદગીઓ માટે કોરોના એક મહામારીથી વધુ સાબિત થયો છે.

રહ્યો સવાલ ચીજોને ઉત્તમ બનાવવાનો, તો શરદકુમાર સરાફ અનુસાર, "કહી શકાય કે માર્ચ 2021 સુધી ડાયમંડ આયાત-નિકાસની સ્થિતિ એવી થઈ જશે જેવી કોરોના આવ્યા પહેલાં હતી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો