GDP : ભારતના જીડીપીના દરમાં 23.9 ટકાનો ધરખમ ઘટાડો, તમને શું અસર થશે?

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે એપ્રિલ-જૂન એમ ત્રણ મહિનાના ગાળામાં ભારતના જીડીપીના દરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારત સરકારની મિનિસ્ટ્રી ઑફ સ્ટેટેસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમૅન્ટેશન દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 3.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જે આઠ વર્ષમાં સૌથી ઓછી હતી.

જીડીપીના આંકડા દર્શાવે છે કે માર્ચ ત્રિમાસિકમાં ગ્રાહકખર્ચ ધીમો થયો, ખાનગી રોકાણ અને નિકાસ ઓછી થઈ. તો ગત વર્ષે આ જૂન ત્રિમાસિકનો દર 5.2 ટકા હતો.

જીડીપીના આ આંકડાને વર્ષ 1996 બાદ ઐતિહાસિક રીતે સૌથી મોટો ઘટાડો ગણાવવામાં આવ્યો છે.

આ આંકડા પર મંત્રાલયે કહ્યું કે કોરોના વાઇરસ મહામારીને કારણે આર્થિક ગતિવિધિઓ સિવાય આંકડા એકઠા કરવાના તંત્ર પર પણ અસર થઈ છે. મંત્રાલયે કહ્યું કે 25 માર્ચથી દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જે બાદ આર્થિક ગતિવિધિઓ પર રોક લાગી ગઈ.

કેન્દ્ર સરકારના સાંખ્યિકી મંત્રાલય અનુસાર, 2020-21 નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન વચ્ચે વિકાસદરમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસ મહામારી અને દેશવ્યાપી લૉકડાઉનને કારણે ભારતના જીડીપીનો દર પહેલા ત્રિમાસિકમાં 18 ટકા ઘટી શકે છે.

તો દેશની સૌથી મોટી સરકારી બૅન્ક એસબીઆઈનું અનુમાન હતું કે આ દર 16.5 ટકા સુધી ઘટી શકે છે, પરંતુ વર્તમાન આંકડા ચોંકાવનારા છે.

ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે કહ્યું, "એપ્રિલ-જૂનના ક્વાર્ટરનું આર્થિક પ્રદર્શન કોરોના વાઇસના કારણે દુનિયામાં સર્જાયેલી સ્થિતિને કારણે છે."

"જેના પરિણામે દુનિયા આખીમાં એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં લૉકડાઉન થયું. ભારતમાં પણ પહેલા ક્વાર્ટરમાં લૉકડાઉન થયું હતું."

આ વર્ષે એપ્રિલ-જૂન માસ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન લાદી દેવાયું હતું.

આજે જાહેર થયેલા આંકડા ભારતમાં સર્જાયેલી આર્થિક મંદીની સત્તાવાર પુષ્ટિ થાય છે.

GDP ખરેખર શું છે તેની સમજ મેળવીને આ આખો મુદ્દો સમજવાનો પ્રયાસ કરીએ.

GDPએટલે શું?

કુલ ઘરેલુ ઉત્પાદન એટલે એક ચોક્કસ વર્ષમાં સમગ્ર દેશમાં ઉત્પાદિત થયેલ માલ અને સેવાનું કુલ મૂલ્ય.

રિસર્ચ અને રેટિંગ ફર્મ કૅર રેટિંગ્સના અર્થશાસ્ત્રી સુશાંત હેગડે જણાવે છે કે GDP એ 'એક વિદ્યાર્થીના ગુણપત્રક જેવી છે.'

જેમ એક વિદ્યાર્થીનું ગુણપત્રક તેની પકડવાળા વિષયોમાં તેમણે મેળવેલા ગુણ જણાવે છે, તેમ GDP આર્થિક પ્રવૃત્તિઓના સ્તર અને તેના માટે જવાબદાર સેક્ટરો વિશે જણાવે છે.

ગુણપત્રક જણાવે છે કે જે-તે અર્થતંત્રે વર્ષમાં કેટલું સારું કે ખરાબ પ્રદર્શન કર્યું છે.

જો GDPમાં ઘટાડો નોંધાય તો તેનો અર્થ એ થયો કે ગત વર્ષની સરખામણીએ દેશનું અર્થતંત્ર ધીમું પડી ગયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ દેશમાં પૂરતાં માલસામાન અને સેવાઓનું ઉત્પાદન નથી થયું.

ભારતમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (CSO) વર્ષમાં ચાર વખત GDPની ગણતરી કરે છે.

આ સંસ્થા દ્વારા દર વર્ષે GDPનો વાર્ષિક વૃદ્ધિદર પણ બહાર પાડવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભારત જેવા નીચી અને મધ્યમ આવકવાળા દેશો માટે પોતાની વધતી જતી વસતિની જરૂરિયાતો સંતોષવા માટે વાર્ષિક ધોરણે GDPમાં સતત વધારો થતો રહે એ અત્યંત જરૂરી છે.

ટૂંકમાં GDP એક ચોક્કસ સમય માટે દેશ અને તેના અર્થતંત્રની પ્રગતિને વ્યાખ્યાયિત કરે છે.

GDPનું મહત્ત્વ કેમ?

સરકાર અને સામાન્ય જનતા માટે નિર્ણયઘડતર માટે GDP એક મહત્ત્વનું પરિબળ છે.

જો GDPમાં વધારો થઈ રહ્યો હોય તો તેનો અર્થ એ થયો કે દેશ આર્થિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેમજ સરકારની નીતિઓ પ્રાથમિક સ્તર પર કારગત નીવડી રહી છે અને સાચી દિશામાં જઈ રહી છે.

જો GDPમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તેનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં જરૂરી સુધારા લાવવા માટે સરકારે તેની નીતિઓ પર કામ કરવાની જરૂર છે.

સરકાર સિવાય, ધંધાદારી, સ્ટૉક માર્કેટના રોકાણકારો અને અન્ય નીતિ ઘડનારાઓ માહિતીસભર નિર્ણય લેવા માટે GDP ડેટાનો ઉપયોગ કરે છે.

જ્યારે અર્થતંત્ર સારી રીતે કામ કરે છે ત્યારે ધંધાદારીઓ વધુ રોકાણ કરીને ઉત્પાદન વધારે છે, જેથી ભવિષ્ય વધુ આશાસ્પદ બને છે.

પરંતુ જ્યારે GDPના ડેટા નિરાશાજનક હોય છે ત્યારે બધા રોકાણકારો ઓછો ખર્ચ અને રોકાણ કરવાનો નિર્ણય લે છે, જે કારણે અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધુ ઘટાડો નોંધાય છે.

આવી પરિસ્થિતિમાં જ સરકાર દ્વારા ધંધા-વેપાર અને લોકોને રાહત આપવા માટે વધુ નાણાં ખર્ચવામાં આવે તેવી અપેક્ષા રખાય છે. જેથી ખર્ચમાં વધારાને વેગ આપી અપેક્ષિત વૃદ્ધિ દર હાંસલ કરી શકાય.

આવી જ રીતે GDP અંગેની માહિતી નીતિ ઘડનારાઓ માટે અર્થતંત્રને મદદ કરવા માટેની નીતિ ઘડવા માટે મદદરૂપ બને છે. તે ભવિષ્યની યોજનાઓ માટેના માપદંડ તરીકે કાર્ય કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો