You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરાની SSG હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગ, સ્ટાફે ખભે ઊંચકીને સંક્રમિતોને બચાવ્યા
વડોદરાની એસએસજી હૉસ્પિટલના કોવિડ વૉર્ડમાં આગ લાગી છે.
વડોદરાના ચીફ ફાયર ઑફિસર પાર્થ બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "હૉસ્પિટલના આઈસીયૂ વૉર્ડના વૅન્ટિલેટરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી."
"અમને માહિતી મળતા ચાર ફાયરબ્રિગેડની ગાડીઓ અને 35-40 જેટલા ફાયરમૅન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લીધી હતી."
તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામં તમામ દર્દીઓ અને સ્ટાફનો આબાદ બચાવ કરવામાં સફળતા હાંસલ થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું, "થોડા જ દિવસો પહેલાં સ્ટાફને ફાયર વિભાગ દ્વારા મૉક ડ્રીલ યોજીને આગ લાગે તો શું કરવું એની તાલીમ આપવામાં આવી હતી."
"જેના પગલે આગને કાબૂમાં લેવામાં વધારે મુશ્કેલી ન સર્જાઈ અને વધારે નુકસાનને ટાળવામાં સફળતા મળી શકી."
ઘટનાસ્થળે હાજર વડોદરાના સ્થાનિક પત્રકાર બાદલ દરજીએ જણાવ્યું કે સાંજે 7.20 વાગ્યે પહેલા માળે ICU-1માં આગ લાગી હતી, આગને હાલ કાબૂમાં લઈ લેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું, "આગ લાગી એ વૉર્ડમાં 15 જેટલા દર્દી હતા, જેમને રેસ્ક્યૂ કરાયા બાદ ગોત્રીસ્થિત જીએમઈઆરએસ હૉસ્પિટલ સહિતની અન્ય હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આગ લાગતાં સિક્યૉરિટી કર્મચારીઓ અને હૉસ્પિટલના અન્ય સ્ટાફે ખભે ઊંચકીને દર્દીઓને વૉર્ડમાંથી બહાર કાઢ્યા હતા, એ પછી તેમને અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી."
અન્ય સ્થળે ખસેડતાં પૂર્વે દર્દીઓને વૉર્ડમાંથી બહાર કાઢીને હૉસ્પિટલના પ્રાંગણમાં જ સારવાર આપવામાં આવી હતી.
રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે છ માળની ઇમારતમાં આગ લાગી હતી. આઈસીયૂ વૉર્ડની અંદર આગ લાગી હતી. આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે.
વીએમએસએસના વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ અગાઉ અમદાવાદમાં પણ આગ લાગી હતી અને ફરી વડોદરામાં આવું થયું છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે. તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે, કોઈ જાનહાનિ થઈ નથી.
સગાં-સંબંધી ધસી આવ્યા
VTV ગુજરાતી સાથે વાત કરતી વેળાએ એક બચાવકર્મીએ જણાવ્યું, "એસ.એસ.જી. (સર સયાજીરાવ ગાયકવાડ) હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગની ઇમારતના આઇસોલૅશન વૉર્ડ આવેલો હતો, જેના એક સ્ક્રિનમાં આગ લાગી હતી."
"આગની સ્થિતિ અંગેની મૉક ડ્રીલ (બનાવટી કવાયત) થયેલી હોય સ્ટાફે તરત દર્દીઓને સલામત રીતે ખસેડી લીધા હતા. અગ્નિશમન સાધનો દ્વારા આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી."
આગની ઘટના બાદ ડૉક્ટરો, નર્સ, વૉર્ડબૉય સહિતના સ્ટાફે દર્દીને સલામત ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
35થી વધુ દર્દીને નીચેના વૉર્ડમાં તથા અન્યત્ર સલામતસ્થળે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ રહેવા પામી હતી.
આગ લાગવાનું પ્રાથમિક કારણ ઔપચારિક રીતે બહાર નથી આવ્યું, પરંતુ શોર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, આગને ફેલાતી અટકાવવા માટે ઇમારતનો વીજપુરવઠો અટકાવી દેવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલા તંત્રના ઉચ્ચ અધિકારીઓના કહેવા પ્રમાણે, તેમની પ્રાથમિકતા દર્દીઓની સારવાર પૂર્વવત્ કરવી છે અને પછીના તબક્કે ક્યાં કચાશ રહી ગઈ તથા આ ઘટના ન બને તે માટે તપાસ અને વિચારણા હાથ ધરવામાં આવશે.
વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના અગ્નિશમન દળનાં વાહનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી.
આગ અંગેના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં એસ.એસ.જી. હૉસ્પિટલમાં દાખલ દરદીના સગાં-સંબંધી પણ ધસી ગયા હતા.
વડોદરાની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય રંજનબહેન ભટ્ટે પત્રકારો સાથેની વાત દરમિયાન આગની ઘટના પાછળ તંત્રની બેદરકારીની વાતને નકારી કાઢી હતી. સાથે જ ઉમેર્યું હતું કે વૉર્ડમાં સારવાર લઈ રહેલાંઓની સારવાર અન્યત્ર ચાલુ કરી દેવામાં આવી છે.
કોવિડ-19 વોર્ડમાં આગની ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં વહેલી સવારે આઈ.સી.યુ.માં આગ લાગી હતી, જેમાં પાંચ પુરુષ તથા ત્રણ મહિલા સહિત આઠ દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
આ ખાનગી હૉસ્પિટલમાં તેઓ કોવિડ-19ની સારવાર લેવા માટે દાખલ થયા હતા. સારવાર લઈ રહેલા 40 જેટલા અન્ય દર્દીને સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
12મી ઑગસ્ટે છોટા ઉદેપુરની બોડેલી ધોકલિયા હૉસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં આગ લાગી હતી. જેમાં કોઈ દર્દીને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
દર્દીને પહેલાં હૉસ્પિટલના અન્ય ભાગમાં તથા બાદમાં અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્વીચબોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
તા. 25મી ઑગસ્ટે વહેલી સવારે જામનગરની સૌથી મોટી સરકારી હૉસ્પિટલ ગુરુ ગોવિંદસિંઘ હૉસ્પિટલના આઈ.સી.યુ. (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ)માં આગ ફાટી નીકળી હતી.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી તથા દર્દીઓને અન્ય ઇમારતમાં ખસેડવામાં આવ્યા હતા. આઈ.સી.યુ.માં કોવિડ-19 સિવાયની બીમારીઓથી પીડાતા દરદી દાખલ હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો