દેશમાં આજથી મેટ્રો સેવા શરૂ, લૉકડાઉન બાદ કેટલી બદલાઈ મુસાફરી?

દેશમાં અનેક મહિના સુધી બંધ રહ્યા બાદ સોમવારે દેશમાં મેટ્રો સેવા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે.

માર્ચના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન મેટ્રો સેવાને પણ બંધ કરી દેવામાં આવી હતી.

ઑગસ્ટના અંતમાં કેન્દ્ર સરકારે અનલૉકના ચોથા તબક્કાના દિશા-નિર્દેશ જારી કર્યા હતા. જેના અંતર્ગત સરકારે સાત સપ્ટેમ્બર એટલે કે સોમવારથી રાજ્યોમાં તબક્કાવાર રીતે મેટ્રો સેવા ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી હતી.

જોકે, સરકારે મુસાફરો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવા મહત્ત્વના ઉપાયો મામલે ચેતવણી આપી છે.

ઉપરાંત સરકારે યાત્રીઓને પોતાના ફોનમાં આરોગ્ય સેતુ ઍપ ડાઉનલોડ કરવાનું પણ કહ્યું છે.

કેન્દ્રીય શહેરી અને આવાસમંત્રી હરદીપસિંહ પૂરીએ કહ્યું છે કે સાત સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થશે અને 12 સપ્ટેમ્બર સુધીમાં તમામ લાઇનો પર મેટ્રો શરૂ થઈ જશે. જ્યાં 30 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ છે એવા કન્ટેનમૅન્ટ ઝોન વિસ્તારમાં આવતાં મેટ્રો સ્ટેશન બંધ રહેશે.

મેટ્રો શરૂ થાય છે ત્યારે આ 10 વાતો જાણવી જરૂરી છે

  • દિલ્હી મેટ્રોએ કહ્યું છે કે મહામારીના સમયમાં યાત્રીઓ ઓછામાં ઓછી દસ કે પંદર મિનિટ પહેલાં યાત્રા શરૂ કરે.
  • મેટ્રો સ્ટેશનોમાં પ્રવેશદ્વાર પર યાત્રીઓ માટે સૅનિટાઇઝર્સની વ્યવસ્થા હશે. પ્રવેશ પહેલાં તમામ યાત્રીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જે બાદ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. માત્ર લક્ષણ વિનાનાં મુસાફરો જ મેટ્રોમાં મુસાફરી કરી શકશે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગ માટે તમામ સ્ટેશનો અને ટ્રેનની અંદર પણ માર્કિંગ કરવામાં આવશે જેનું યાત્રીઓએ પાલન કરવાનું રહેશે.
  • પોતાની સુરક્ષા માટે મુસાફરોને સીમિત માત્રામાં હૅન્ડ સૅનિટાઇઝર પોતાની પાસે રાખવાની મંજૂરી હશે. દિલ્હી મેટ્રોએ કહ્યું છે કે મુસાફરો 30 મિલીલીટર સૅનિટાઇઝરની બૉટલ પોતાની પાસે રાખી શકે છે.
  • મુસાફરોની સરળતા માટે સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ તેમના માટે નિયમો લગાવેલા હશે. સાથે જ કોરોના મહામારી વિશે જાગૃતિ ફેલાવવા માટે વીડિયો પણ ટીવી સ્ક્રિન પર ચલાવવામાં આવશે.
  • તમામ મુસાફરો અને કર્મચારીઓ માટે સ્ટેશનમાં પ્રવેશથી લઈને બહાર નીકળવા સુધી માસ્ક પહેરવા અનિર્વાય હશે. જેમની પાસે માસ્ક નથી તેમના માટે માસ્ક ખરીદવાની વ્યવસ્થા સ્ટેશનો પર હશે.
  • લિફ્ટમાં એક સાથે વધારેમાં વધારે બે કે ત્રણ લોકોને જ પ્રવેશ કરવાની મંજૂરી હશે. એવી રીતે ઍસ્કલેટર પર પણ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
  • ટ્રેનની અંદર સાથે બેસીને મુસાફરી કરવાની મંજૂરી નહીં હોય, મુસાફરોએ એક સીટ છોડીને બેસવાનું રહેશે. એ માટે સીટો પર સ્ટિકર ચોંટાડવામાં આવશે. મુસાફરી દરમિયાન ઓછામાં ઓછો સામાન અને ધાતુનો કોઈ સામાન લઈ જવાની મંજૂરી નહીં હોય.
  • યાત્રી આરામથી ટ્રેનમાં પ્રવેશ કરી શકે તે માટે સ્ટેશન પર ટ્રેન કેટલીક વધારે સેકન્ડ ઊભી રહેશે. યાત્રીઓ અને કર્મચારીની સુરક્ષા માટે સમય-સમય પર તમામ સ્ટેશનો અને ટ્રેનને ટર્મિનલ સ્ટેશનો પર સૅનિટાઇઝ કરવામાં આવશે.
  • કોઈ સપાટીને સ્પર્શવાથી વાઇરસ ના ફેલાય તે માટે મેટ્રો કૅશલેસ રીતે કામ કરવા પર ભાર મૂકશે. સ્માર્ટ કાર્ડ અને અને ઑનલાઇન લેવડ-દેવડ પર ભાર મૂકવામાં આવશે.

અમદાવાદ મેટ્રો

અમદાવાદની મેટ્રો પણ 7 સપ્ટેમ્બર એટલે કે સોમવારથી શરૂ થઈ રહી છે પરંતુ શરૂઆતના બે દિવસો તે ખૂબ જ મર્યાદિત સમય માટે ચાલશે.

અમદાવાદ મેટ્રો તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે 7 અને 8 સપ્ટેમ્બરના રોજ મેટ્રો સવારે 11થી 12-10 વાગ્યા સુધી અને સાંજે 4-25થી 5-10 વાગ્યા સુધી પોતાની સેવા આપશે.

આ બે દિવસોમાં મેટ્રો સત્તાવાળા કોરોના મહામારી માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ પૂરતી છે અને ધારાધોરણો પ્રમાણે મેટ્રો સેવા કાર્યરત કરી શકાઈ છે કે કેમ તેનું નિરીક્ષણ કરશે.

જે બાદ 9મી સપ્ટેમ્બરથી સવારે 11થી સાંજના 5 વાગ્યા સુધી નિયમિત સેવા શરૂ કરવામાં આવશે.

જોકે, 13 સપ્ટેમ્બરના રોજ નીટની પરીક્ષા હોવાને કારણે મેટ્રો સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.

દિલ્હી મેટ્રો

દિલ્હી મેટ્રો સેવા હાલ પૂરતી સાવરે 7થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી રાતના 8 વાગ્યા સુધી ચાલશે.

દિલ્હીમાં 7 સપ્ટેમ્બરથી યલો લાઇન સાથે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે.

બાદમાં 9 સપ્ટેમ્બરથી બ્લૂ લાઇન સેવા, 10 સપ્ટેમ્બરથી રેડ, ગ્રીન અને પર્પલ લાઇન, 11 સપ્ટેમ્બરથી લાઇન 8 અને 9 ખોલવામાં આવશે.

દિલ્હીમાં 12 સપ્ટેમ્બરથી ઍરપોર્ટ એક્સપ્રેસ લાઇન પણ ખૂલી જશે.

દિલ્હી મેટ્રોમાં મુસાફરો સ્માર્ટ કાર્ડ કે કૅશલેશ રીતે ચૂકવણી કરી શકશે. હાલ પૂરતી ટૉકન વ્યવસ્થા રાખવામાં આવી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો