You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોધરામાં આદિવાસી મહિલાની અંતિમવિધિ માટે પોલીસ કેમ બોલાવવી પડી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે આદિવાસી સમાજનાં મહિલાની અંતિમક્રિયા રોકવા મામલે પોલીસ ફરિયાદ થઈ છે.
મોરડુંગરા નવી વસાહત ખાતે રહેતા ભારતસિંહ શનાભાઈ નાયકાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં સ્મશાનમાં બોલાચાલી મામલે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ અનુસાર, નાયક સમાજમાં એક કુટુંબમાં મરણ થયું હોઈ તેઓ અંતિમવિધિ માટે ગયા હતા. સ્મશાન કોતરમાં આવેલું છે અને વરસાદ હોવાથી તેઓએ સ્મશાન માટેનાં લાકડાં આરોપીઓના ખેતરના શેઢે રાખ્યાં હતાં.
ફરિયાદ અનુસાર, લાકડાં મૂકતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નાયક સમાજના લોકોને જાતિવિષયક શબ્દો કહ્યા હતા.
તેમજ હાથમાં લાકડી અને કુહાડી જેવાં હથિયારો લઈને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદી ભારતસિંહે બાદરભાઈ પારસિંગભાઈ, તેમનાં પત્ની, ઉદેસિંહ પારસિંહભાઈ, જોધાભાઈ હીરાભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.
તો સામે પક્ષે પણ ભારતસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે.
શેઢે લાકડાં મૂકતાં વિવાદ થયો...
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતસિંહ શનાભાઈ નાયકા નવી વસાહત મોરડુંગરા ખાતે રહે છે અને ખેતી કરે છે.
સાકરીબહેન નાયકાનું કુદરતી મૃત્યુ થયું હતું અને તેઓ ભારતસિંહનાં માસી થતાં હતાં.
સાકરીબહેનની અંતિમવિધિ માટે તેઓ પ્રથમ સ્મશાનમાં લાકડાં મૂકવાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
મોરડુંગરા ગામે આદિવાસી સમાજના લોકો કોતરમાં ખરાબાની જગ્યામાં વર્ષોથી અંતિમવિધિ કરે છે.
ભારતસિંહ બીબીસી સાથે વાત કરતાં કહે છે, "કોતરમાં પાણી ભરાયેલું હોવાથી અમે લાકડાં કોરી જગ્યાએ મૂક્યાં હતાં. ત્યારે એ લોકોએ કહ્યું કે અહીં લાકડાં કેમ મૂક્યાં. પણ અમે બાળવાનાં લાકડાં પાણીમાં કેવી રીતે મૂકી શકીએ. અમે કહ્યું હતું કે પછી અમે લાકડાં લઈ લેશું."
તેઓ કહે છે, "કોતરની જગ્યા એ ખરાબાની જગ્યા છે. અમારા કુટુંબમાં કોઈનું મરણ થાય ત્યારે અમે ત્યાં બાળવા માટે જઈએ છીએ."
તેઓ કહે છે કે અગાઉ થયેલાં ત્રણ મરણમાં પણ તેમને મારવા આવ્યા હતા અને તેમને અપમાનિત કરવામાં આવ્યા હતા.
ભારતસિંહ કહે છે કે તેઓ લાકડાં નાખવા ગયા ત્યારે બાદરભાઈનાં પત્ની લાકડી અને કુહાડી લઈને આવ્યાં હતાં અને કપડાં ઉતારીને તેમને અપમાનિત કર્યા હતા.
તેઓ કહે છે કે બાદમાં તાત્કાલિક પોલીસ બોલાવીને પોલીસરક્ષણ હેઠળ અંતિમવિધિ કરી હતી.
પીડિત પરિવાર પાનમ ડેમનો વિસ્થાપિત
તો જેમની સામે ફરિયાદ નોંધાઈ છે એવા બાદરભાઈએ બીબીસી સાથે વાત કરી હતી.
તેમનું કહેવું છે કે તેમની માલિકીની સર્વે નંબરવાળી જમીનમાં એ લોકો લાકડાં નાખીને મૃતદેહ બાળવાની કોશિશ કરતા હતા. "આથી અમે તેમને કહ્યું હતું કે આ અમારી જમીન છે, અહીં લાકડાં ન નાખો. તો એ લોકોએ લાકડાં લઈને હુમલો કર્યો હતો."
બાદરભાઈ કહે છે, "અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવ્યા હતા. પોલીસે અમને પકડી લીધા છે. અમારી સામે ઍટ્રોસિટીની ફરિયાદ નોંધી છે."
બાદરભાઈને હાલમાં કોરોના વાઇરસના ટેસ્ટ માટે ધોળાકુવા સંશોધન કેન્દ્રમાં ચાર દિવસથી રાખ્યા છે.
મોરડુંગરા ગામની ગામની વસતી અંદાજે 3600 લોકોની અને ગામમાં મોટા ભાગના લોકો આદિવાસી સમાજના છે.
મોરડુંગરા ગામે પાનમ ડેમના વિસ્થાપિતો છેલ્લાં 47- 48 વર્ષથી ગામમાં રહે છે. પીડિત પરિવાર પણ તેમાંનો એક છે.
ગામના સરપંચ હેમંતભાઈ કહે છે કે એ લોકો જે વિધિ કરે છે એ ગામની પંચાયતની જગ્યા છે. એ લોકો (નાયક સમાજ) કોતરમાં વર્ષોથી અંતિમવિધિ કરે છે.
અંતિમવિધિ માટે પોલીસ બોલાવવી પડી
સામાજિક કાર્યકર અને વકીલ નરેન્દ્ર પરમાર બીબીસી સાથે વાત કરતાં કહે છે, "11 ઑગસ્ટ, 2020ના રોજ સાકરીબહેન નામનાં આદિવાસી મહિલાનું અવસાન થયું હતું. તેમની અંતિમવિધિ કરવા માટે ગામની સરકારી પડતર જગ્યા પર અંતિમવિધિ કરવા આવ્યા હતા."
"અંતિમવિધિની તૈયાર શરૂ કરવામાં આવી ત્યારે એમને (મૃતકના પરિવારજનો) બક્ષીપંચ સમાજના લોકો દ્વારા અટકાવવામાં આવ્યા. એ કોતર છે, જાહેર જગ્યા છે, કોઈનો સર્વે નંબર નથી, કોઈની માલિકીની જગ્યા નથી. તેમ છતાં તેમને રોકવામાં આવ્યા."
અંતિમવિધિ માટે રોકવામાં આવતાં ગામના અને સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને છેવટે પોલીસ બોલાવી હતી.
નરેન્દ્ર પરમારનું કહેવું છે કે પોલીસ આવી પણ એ એક-દોઢ કિલોમીટર દૂર ઊભી રહી હતી.
તેઓ કહે છે કે "પોલીસ પણ અંતિમવિધિ કરતાં અટકાવતા લોકોને મદદ કરતી હતી. પોલીસ તેમને મદદ કરતી હતી અને અમારા લોકોને ધમકાવતી હતી. છેવટે પોલીસ સાથે પણ વાદવિવાદ કર્યા પછી અંતિમવિધિ થઈ હતી."
'ચોથી વાર અંતિમવિધિ માટે પોલીસ બોલાવવી પડી'
મોરડુંગરા ગામમાં આવું પહેલી વાર થયું નથી. અગાઉ પણ ત્રણ વાર થયું છે.
નરેન્દ્ર પરમાર કહે છે, "અગાઉ પણ ત્રણ મરણ સમયે અંતિમવિધિ નહોતી કરવા દીધી અને પોલીસની હાજરીમાં વિધિ કરવી પડી હતી. જે તે સમયે પણ પોલીસે એટ્રોસિટી ઍક્ટનો ગુનો નોંધ્યો નહોતો."
એસ. ડી. રાઠોડ એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધીક્ષક છે અને એટ્રોસિટી અંગેની તપાસ તેમના હાથમાં છે.
બીબીસી સાથે વાત કરતાં એસ.ડી. રાઠોડે કહ્યું કે આરોપીઓને પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા છે. જો તેમનો કોરોનાનો ટેસ્ટ નૅગેટિવ આવે તો તેમની અટક કરવામાં આવશે.
તેમણે કહ્યું કે "આ મામલે ક્રૉસ ફરિયાદ થઈ છે અને ઍટ્રોસિટીની ફરિયાદ મારી પાસે છે. ચાર આરોપીઓ છે અને ત્રણને કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. જો તેમનો રિપોર્ટ નૅગેટિવ આવશે તો તેમને અટકમાં લઈશું અને પૉઝિટિવ આવે તો હૉસ્પિટલમાં દાખલ કરીશું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો