સુમૂલ : 4500 કરોડની એ ડેરી જેની સત્તા માટે ભાજપના બે જૂથો સામસામે આવી ગયા

નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સાથે રાજુ પાઠક

ઇમેજ સ્રોત, Kaushal Pandya

    • લેેખક, રિષી બેનર્જી
    • પદ, બીબીસી ગુજરાતી

રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બનેલી દક્ષિણ ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા સુમૂલની ચૂંટણીનાં પરિણામોમાં રાજુ પાઠક અને માનસિંહ પટેલની પૅનલને આઠ-આઠ બેઠકો મળી છે.

ભાજપનાંઆ બન્ને જૂથો વચ્ચે સુમૂલની સત્તા મેળવવા માટે લડાઈ ચાલી રહી છે.

4,500 કરોડનું બજેટ ધરાવતી સુમૂલ ડેરીની ચૂંટણીનું પરિણામ રવિવારે જાહેર થયા બાદ એવી સંભાવના છે કે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને પાર્ટી હાઈકમાન્ડ સુમૂલ ડેરીના નવા પ્રમુખનુ નામ જાહેર કરે.

line

સત્તાની સાઠમારી

માનસિંહ પટેલ

ઇમેજ સ્રોત, Kaushal Pandya

ઇમેજ કૅપ્શન, માનસિંહ પટેલ

ભાજપનાં બે જૂથો સુમૂલની સત્તા માટે કેમ સંઘર્ષ કરી રહ્યાં છે, તેના જવાબમાં ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ લડાઈ માત્ર અને માત્ર સુમૂલ ડેરીના 4,500 કરોડ રૂપિયાના વહીવટ માટે છે. દૂધઉત્પાદક અથવા સુમૂલ ડેરીના વિકાસ માટેની આ લડાઈ નથી. બીજું કારણ રાજકીય વર્ચસ્વ વધારવાનું છે."

"જે જૂથ સુમૂલ ડેરીની ચૂંટણીમાં જીતે તેનું સુરત અને તાપી જિલ્લામાં વર્ચસ્વ ઊભું થઈ જાય. પ્રદેશ ભાજપમાં રાજકીય રીતે આ જૂથ વધારે મજબૂત પુરવાર થાય. માનસિંહ પટેલ જ્યારે સુમૂલના ચૅરમૅન હતા ત્યારે તેમનો દક્ષિણ ગુજરાત અને પ્રદેશ ભાજપમાં ખાસ્સો દબદબો હતો."

દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રના હસુભાઈ ભક્ત કહે છે કે પહેલાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં જે પૅનલ બનતી તેમાં દરેક રાજકીય પક્ષના લોકો રહેતા. હવે એક જ પક્ષના સભ્યોની પેનલ બને છે અને તે સારી વાત નથી.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરી કહે છે, "આજે સુમૂલ ડેરીના બોર્ડ ઑફ ડિરેકટર્સમાં મોટા ભાગના સભ્યોને દૂધઉત્પાદન સાથે કોઈ નિસબત નથી. છતાં તેઓ ચૂંટણીમાં ઝંપલાવે છે."

"દક્ષિણ ગુજરાતની દરેક સહકારી સંસ્થામાં ભાજપના નેતાઓએ દખલગીરી કરીને સત્તા મેળવી છે. સંસ્થાઓનું ફંડનો પોતાના રાજકીય હેતુઓ સિદ્ધ કરવામાં ઉપયોગ થાય છે અને આ વાત ઘણી વાર જાહેર થઈ ચૂકી છે."

સુરત જિલ્લામાં 15 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલા અને સુમૂલ ડેરીનું વર્ષોથી રિપોર્ટિંગ કરનાર હરેન્દ્રસિંહ બારડ જણાવે છે , "ડેરી થકી સુરત અને તાપી જિલ્લામાં રાજકીય પ્રવૃત્તિને વેગ આપી શકાય છે."

"દરેક ગામમાં દૂધમંડળી હોય છે, જેનો ગ્રામજનો ઉપર ખાસ્સો પ્રભાવ હોય છે. મંડળીના પ્રમુખ જે રાજકીય પક્ષને ટેકો આપે, એ પક્ષને દરેક ચૂંટણીમાં લાભ થાય છે. આદિવાસી ક્ષેત્રોમાં જે ચૂંટણીઓ થઈ છે, તેમાં આ વાત પુરવાર થઈ છે. "

"સુરત અને તાપી જિલ્લાનાં આદિવાસી ક્ષેત્રોમાં 2017ની વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં દૂધમંડળીઓની બહુ સક્રિય ભૂમિકા હતી. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાને દૂધ મંડળીઓના પ્રમુખોએ સમર્થન આપવાની વાત કરી હતી."

"સુમૂલ ડેરીના સથવારે ક્ષેત્રની બીજી સહકારી સંસ્થાઓમાં પણ પ્રવેશ કરી શકાય છે. દાખલા તરીકે સુરત જિલ્લા સહકારી બૅન્ક, સુગર મિલો અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ."

આ કઈ રીતે? તો એના જવાબમાં બારડ કહે છે, "બીજી સંસ્થાઓની ચૂંટણીમાં સુમૂલ ડેરીની ગુડવીલનો ઉપયોગ કરીને. જો પક્ષ સુમૂલમાં સત્તા ઉપર હોય તો બીજી સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં આ મોટું ફૅકટર બની જાય છે અને પક્ષને લાભ થાય છે."

line

સુમૂલના બોર્ડ ઑફ ડિરેકટરમાં 16 સભ્યો છે

તુષાર ચૌધરી

ઇમેજ સ્રોત, Facebook Tushar Chudhari

ઇમેજ કૅપ્શન, તુષાર ચૌધરી

સુમૂલ ડેરીનાં બોર્ડ ઑફ ડિરેકટરમાં 16 સભ્યો છે. બે સભ્યો બિન-હરીફ જાહેર થતાં 14 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં, એમાં ભાજપને 10 બેઠકો મળી અને 4 બેઠકો કૉંગ્રેસનાં ફાળે ગઈ છે. ભાજપનાં બે જૂથોની વાત કરીએ તો માનસિંહ જૂથને 7 બેઠકો મળી છે અને રાજુ પાઠકનાં જૂથને 3 બેઠક મળી છે.

આમાંથી કૉંગ્રેસના એક સભ્યે માનસિંહને ટેકો જાહેર કર્યો છે. બાકીના ત્રણ સભ્યોએ રાજુ પાઠકને ટેકો જાહેર કર્યો છે. આ ઉપરાંત પણ બે સભ્યોએ તેમને ટેકો જાહેર કરતા બન્ને પૅનલના ભાગે આઠ-આઠ બેઠકો આવી છે.

સંદીપ દેસાઈ

ઇમેજ સ્રોત, Facebook/SandeepDesai

ઇમેજ કૅપ્શન, સંદીપ દેસાઈ

જયેશ પટેલ કહે છે, "કૉંગ્રેસના જે ચાર સભ્યો ચૂંટાયા છે, તેમાંથી એક સભ્યે માનસિંહને ટેકો જાહેર કર્યો છે અને રાજુ પાઠકને ત્રણ સભ્યોનું સમર્થન છે. બન્ને બિન-હરીફ સભ્યોએ રાજુ પાઠકને ટેકો જાહેર કર્યો છે, પરતું તેઓ પોતાનો નિર્ણય બદલી પણ શકે છે."

તુષાર ચૌધરી કહે છે, "જ્યાં સુધી મને ખબર છે, માનસિંહ પટેલ અને રાજુ પાઠક જૂથ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને પ્રદેશ ભાજપ ટૂંક સમયમાં નવા પ્રમુખ અને બીજા સભ્ચોનું નામ જાહેર કરશે."

અત્યાર સુધી સુમૂલની ચૂંટણી જે મોટા ગજાના નેતાઓ લડી ચૂક્યા છે, તેમાં ગુજરાતના કૅબિનેટ મંત્રી ગણપત વસાવાના ભત્રીજા રિતેશ વસાવા, તાજેતરમાં ભાજપમાં જોડાનાર ખેડૂત સમાજના પૂર્વ અધ્યક્ષ જયેશ દેલાડ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી સંદીપ દેસાઈ અને સુરત જિલ્લા સહકારી બૅન્કના પ્રમુખ નરેશ પટેલ સામેલ છે.

line

રાજકીય જૂથબંધીની ડેરી ઉપર શું અસર થઈ રહી છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઘણા લોકો માને છે કે હાલ ચાલી રહેલી રાજકીય જૂથબંધીની અસર સુમૂલ ડેરી ઉપર પણ પડી રહી છે.

હસુભાઈ ભક્ત કહે છે, "રાજકીય દખલગીરી વધવાના કારણે સુમૂલની સ્વાયત્તતા ધીમે-ધીમે ખતમ થઈ રહી છે અને આ દુઃખદ છે. જે હેતુ માટે સુમૂલની સ્થાપના થઈ હતી, તે હવે ભૂલાઈ રહ્યો છે અને હાલની ચૂંટણીમાં તે દેખાઈ આવે છે. રાજકીય લોકો વહીવટ કરતા થઈ જાય તો સુમૂલ માત્ર નામની સહકારી સંસ્થા રહી જશે."

"સ્વાભાવિક છે કે સુમૂલ, રાજકીય દબાણ હેઠળ નિર્ણય લેતી થઈ જશે અને આ એક સહકારી સંસ્થા માટે સારી વાત નહી ગણાય. સહકારી સંસ્થામાં સભાસદો બોર્ડનું કાર્ય જોઈને વોટ આપે છે, પરતું રાજકીય પાર્ટી જો ચૂંટણીમાં ઝંપલાવે તો ચૂંટણીના મુદ્દાઓ બદલાઈ જાય છે."

સુમૂલની બૅલેન્સશીટનો હવાલો આપીને જયેશ પટેલ કહે છે કે, સુમૂલ ડેરી અનેક સમસ્યાઓથી ધેરાયલી છે.

છેલ્લાં પાંચ-સાત વર્ષમાં સુમૂલ ડેરીનો દૂધ ઉત્પાદનનો ખર્ચ બમણો થઈ ગયો છે.

"સુમૂલ ડેરી જે દૂધ 56 રૂપિયા પ્રતિલિટર વેચે છે, એ દૂધ દક્ષિણ ગુજરાતની બીજી ડેરીઓ 54 રુપિયા લિટરમાં વેચે છે. આના ઉપરથી સુમૂલના વહીવટનો ખ્યાલ આવે છે."

તેઓ કહે છે, "સુમૂલ ડેરી ઉપર 250 કરોડ રુપિયાનો ઑવરડ્રાફટ અને 650 કરોડ રુપિયાની લૉન છે. પરતું આ વિશે બન્ને જૂથ કોઈ ચર્ચા કરતા નથી. ડેરીમાં મોટા-મોટા પ્રૉજેક્ટ કોઈ પણ નાણાકીય આયોજન વગર શરુ કરવામાં આવ્યા છે, જે આગળ જતા મુશ્કેલી ઊભી કરશે."

હરેન્દ્ર બારડ કહે છે, "આજે પણ દૂધઉત્પાદકોને નજીવો નફો મળી રહ્યો છે, જેના કારણે તેમની સ્થિતિમાં ખાસ કોઈ ફેર આવ્યો નથી. સુમૂલ ડેરીમાં સુરત અને તાપી જિલ્લાના 15 લાખથી વધુ સભાસદો છે, જેમની ઘણી સમસ્યાઓ છે, પરતું રાજકીય મહત્ત્વાકાંક્ષામાં આ બધુ કોરણે મૂકાઈ જાય છે."

તુષાર ચૌધરી કહે છે, "અમે ઘણા વખતથી સુમૂલ ડેરીના ગેરવહીવટ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છીએ. માનસિંહ પટેલ આજે રાજુ પાઠક સામે ભષ્ટ્રાચારનો આરોપ લગાવી રહયા છે પરતું હકીકત એ છે કે માનસિંહ પટેલ બોર્ડના સભ્ય હતા અને બધા નિર્ણયોમાં તેમની સહમતી હતી."

રાજુ પાઠકે આરોપ નકાર્યો

રાજુ પાઠક

ઇમેજ સ્રોત, Kushal Pandya

ઇમેજ કૅપ્શન, રાજુ પાઠક

સુમુલનાં પ્રમુખ રાજુ પાઠકે જણાવ્યું કે 650 કરોડ રૂપિયાની લૉન વર્કિંગ કૅપિટલ તરીકે લીધી છે. ડેરી પાસે 650 કરોડ રુપિયાનો દૂધ પાવડર અને માખણ છે, જેની સામે લૉન લેવામાં આવી છે.

"દેશી બધી ડેરીઓ વર્કિંગ કૅપિટલ માટે લૉન લે છે. દુધ ઉત્પાદકોને પૈસા આપવા માટે વર્કિંગ કૅપિટલની જરૂર પડે છે, જેની સગવડ કરવા માટે અમે લૉન લીધી છે. સ્ટૉક વેચાશે ત્યારે અમે લૉન ચૂકવી નાખીશું.

પોતાના ઉપર ગેરવહીવટનો આરોપ વિશે વાત પાઠકે કહ્યું કે બધા નિર્ણયો બોર્ડની મંજુરી બાદ લેવામાં આવ્યા છે. માનસિંહ પટેલ અને બીજા સભ્યોને દરેક નિર્ણયની પૂરતી માહિતી આપવામાં આવી છે.

રાજુ પાઠકે એમ પણ કહ્યુ કે, "હું કોઈ પણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. મારી પેનલને ચૂંટણીમાં જીત મળી છે, તેનાથી એ પુરવાર થાય છે કે મારા પર જે આરોપ મૂકવામાં આવ્યા તે ખોટા હતા."

line

સુમૂલનો ઇતિહાસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સ્થાપના 22 ઑગસ્ટ 1951માં થઈ હતી. 17 માર્ચ 1968માં સુમુલ ડેરીના પૅશ્ચુરાઝેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

એજ વર્ષે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિમિટેડનું નામ સુમૂલ રાખવામાં આવ્યું. 1970માં સુમૂલનો પ્રથમ કૅટલ ફીડ પ્લાન્ટ શરુ કરવામાં આવ્યો અને 1975માં 30,000 લિટર પ્રતિદિનની ક્ષમતા વાળો ચિલિંગ પ્લાન્ટ સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બાજીપુરા ખાતે શરુ કરવામાં આવ્યો.

આજે સુમૂલ પાસે 3 ચિલિંગ પ્લાન્ટ છે. સુમૂલ ડેરીએ પૅકડ ફૂડ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે.

સુમૂલનાં બૉર્ડ ઑફ ડિરેકટરમાં 16 સભ્યો છે, જે સુરત જિલ્લાના 9 તાલુકા અને તાપી જિલ્લાનાં 7 તાલુકાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક તાલુકામાંથી સભ્યપદ માટે ચૂંટણી યોજાય છે. દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે.

બીબીસીએ સુમુલનાં માનસિંહ પટેલનો પક્ષ જાણવા માટે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરતું સંપર્ક થઈ શકયો નથી.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો