મહાગુજરાત: જ્યારે અમદાવાદમાં સતત 226 દિવસ ચાલ્યો ખાંભી માટેનો સત્યાગ્રહ

    • લેેખક, જીગર ભટ્ટ
    • પદ, બીબીસી ગુજરાતી

“8-8-1958ની દિવસ ઊગતાં જ અમદાવાદમાં જડબેસલાક હડતાલ પડી ચૂકી હતી. તમામ શાળા-કૉલેજો, વેપારી મહાજનો, નાની-મોટી દુકાનો અને ગલ્લા બધું બંધ હતું.”

“સવારથી વાતાવરણમાં ભારે અજંપો હતો. અમદાવાદમાં ઠેર-ઠેર હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને એસ.આર.પી.ના થાણા તેમજ નાકાબંધી થઈ ચૂકી હતી.”

“હું પોતાના ઘરેથી નીકળીને મણિલાલ મૅન્શન પહોંચ્યો. ત્યાં ચાર પૈડાંની લારીમાં સ્મારક માટેની તૈયાર ખાંભીઓ ગોઠવેલી જ હતી. હજારોની જનમેદની પણ ત્યાં ઉપસ્થિત હતી.”

‘લે કે રહેંગે મહાગુજરાત’ પુસ્તકમાં બ્રહ્મકુમાર ભટ્ટ આ વાત લખે છે.

આ ખાંભીઓ હતી 8 ઑગસ્ટ, 1956ના રોજ પોલીસે કરેલાં અંધાધૂધ ગોળીબારમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની અને ત્યારબાદ ફાટી નીકળેલાં તોફાનોમાં પોલીસની ગોળીથી મૃત્યુ પામેલા લોકોની.

ગોળી એક જુવાનની ખોપરીને પાર કરી ગઈ

6 ઑગસ્ટ, 1956ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ હતી. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો.

આથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કૉંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા. તેમણે સંતોષકારક જવાબ ન આપતાં વિદ્યાર્થીઓએ હડતાળનું એલાન આપ્યું.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો.

8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં ભદ્ર ખાતે કૉંગ્રેસભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કરી રહ્યા હતા ત્યારે પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં.

ઉમાશંકર જોશી સંસ્કૃતિ સામયિકના 1956ના સપ્ટેમ્બર માસના અંકમાં આ ઘટના અંગે લખે છે, "8મીએ વિદ્યાર્થીઓનાં ટોળાં, એક પછી એક, કૉંગ્રેસહાઉસ પર જવા માંડ્યાં અને નવા નિર્ણય અંગે વિરોધ પ્રગટ કરવા લાગ્યાં.”

“...પથ્થરમારો શરૂ થયો; કાયદો અને વ્યવસ્થા જાળવવા તે સ્થળે આવી પહોંચેલી પોલીસને હાથે ગોળીબાર થતાં એક જુવાનની ખોપરી ઊડી ગઈ અને બીજા મરણ થયાં. હિંસા-પ્રતિહિંસાનું દુષ્ચક્ર આ કમનસીબ પ્રસંગ પછી મોટા પાયા ઉપર શરૂ થયું."

મહાગુજરાત આંદોલનની ચળવળમાં કુલ 24 યુવાનોનાં મૃત્યુ થયાં. 8 ઑગસ્ટને મહાગુજરાત આંદોલનના નેતાઓ શહીદ દિવસ તરીકે ઉજવતા હતા.

બે વર્ષથી ભદ્ર પાસેના કૉંગ્રેસભવનના ચાર રસ્તે શહીદ સ્મારક બનાવવાની વાતો ચાલી રહી હતી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન ત્યાં બનાવવા તૈયાર ન હતું.

ઉમાશંકર જોશી 1958ના સંસ્કૃતિ સામયિકના સપ્ટેમ્બર માસના અંકમાં લખે છે, "જનતા પરિષદે, અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશનમાં પહેલેથી સ્મારક અંગેના પોતાના અભિપ્રાયનું વર્ચસ્વ હતું તે છતાં કૉર્પોરેશને સ્મારક માટે રજા ન આપી તે સંજોગોમાં પોતાના હાથમાં કાયદો લેવાનું ઠીક ધાર્યું"

“આ વખતે ગોળીબાર કે ટીયરગૅસ ફૂટે તો પણ ખાંભી રચાશે”

“ગાંધીજીની વાતો કરનારા, ગોળીબારની વાતો ભૂલી જાય છે, પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી. શહીદ સ્મારક રચાઈને જ રહેશે. તા 8-8-58ના રોજ આપણે ખાંભી રચીશું. આ વખતે ગોળીબાર કે ટીયરગૅસ ફૂટે તો પણ ખાંભી રચાશે અને તેને માટે જનતાપરિષદ બલિદાન આપશે”

ઇન્દુલાલ યાજ્ઞિકે 1 ઑગસ્ટ, 1958ના રોજ નડિયાદમાં મળેલી જનતાપરિષદની કારોબારી અને પાર્લામેન્ટરી બૉર્ડની બેઠકમાં ઉપરોક્ત વાત કરી હતી. જે વાત બ્રહ્મકુમાર ભટ્ટે પોતાના પુસ્તકમાં નોંધી છે.

અમદાવાદના માણેકચોકના તિલક મેદાનમાં 7 ઑગસ્ટે મળેલી જાહેર સભામાં એક ખાંભી કૉંગ્રેસ હાઉસ સામેના ટ્રાફિક ચક્કર ઉપર અને બીજી ફૂટપાથના કિનારા પાસે મૂકવાની જાહેરાત થઈ.

જનતાપરિષદના લોકોને હતું કે ખાંભી સત્યાગ્રહ વખતે તેમની ધરપકડ થશે માટે તેમણે એક ટુકડી બનાવી હતી.

પ્રથમ ટુકડીમાં ઇન્દુલાલ યાજ્ઞિક, બ્રહ્મકુમાર ભટ્ટ, કરશનદાસ પરમાર, નલિનીબહેન મહેતા, બુલાખી નવલખા, ગોરધન પટેલ અને અબ્દુલ રઝાક શેખ હતા, જેમનાં નામ આઠમી ઑગસ્ટના અખબારમાં છપાયાં હતાં.

બ્રહ્મકુમાર ભટ્ટ નોંધે છે, “મણિલાલ મૅન્શનથી નીકળેલી પહેલી ટુકડી સાથે હજારો લોકો જોડાયા છે અને ગુજરાત ક્લબ પાસે પહોંચી ત્યારે પોલીસ અધિકારી રેનિશને પૂછ્યું “કાયદાનો ભંગ થાય છે તમારી પાસે પરમિટ છે ત્યારે જયંતી દલાલે કહ્યું, “અમારી પાસે પ્રભુના દરબાર સુધીની પરમિટ છે.”

તેઓ આગળ લખે છે, “અમને એમ લાગતું હતું કે ખાંભી મૂકીશું તે વખતે ભયંકર ઘર્ષણ થશે, પરંતુ પરિસ્થિતિ પારખી જઈને અને સંભવ છે કે લોહીને વહેતું અટકાવવા પોલીસ અધિકારીઓ પ્રેક્ષક બનીને જ રહ્યા.”

પહેલી ખાંભી કૉંગ્રેસભવન પાસેના સર્કલ પર ઇન્દુલાલ યાજ્ઞિકે મૂકી અને બીજી ખાંભી સામેના ફૂટપાથ પર મુકાઈ.

પોલીસે 12 તારીખે ખાંભીઓ ઉઠાવી લીધી, અમદાવાદમાંતોફાનો શરૂ

સરકાર ખાંભી ઉપાડી જશે તેવો ડર હોવાના કારણે પરિષદે 24 કલાક ધ્યાન રાખવા માટે 100 જેટલા સ્વયંસેવકોની નિમણૂક કરી હતી.

12 તારીખે પોલીસે સ્વયંસેવકોની ધરપકડ કરી અને ખાંભીઓને ઉઠાવી લીધી. આખા અમદાવાદમાં તોફાનો થયાં અને કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો.

ઉમાશંકર જોશી પોતાના સંસ્કૃતિ સામયિકના સપ્ટેમ્બર માસના અંકમાં લખે છે, “જનતાપરિષદે બે વર્ષ પહેલાં દ્વિભાષી રાજ્યની જાહેરાતથી જાગેલા આંદોલનમાં પોલીસ ગોળીબારથી માર્યા ગયેલાઓની યાદમાં ખાંભીઓ રચવાનો કાર્યક્રમ યોજ્યો. એ ગેરકાયદેસર કૃત્ય છે એમ સરકાર ચેતવણી આપતી રહી પણ એ થતું અટકાવ્યું નહીં. પછી 11મી રાતે સરકારે ખાંભીઓ ખસેડી. 12મીએ કેટલાક કલાક અરાજકતા રહી આગલૂંટ ચાલ્યા. એને શમાવવા ગોળીઓ શરૂ થઈ. 144 કલમ લાગી અને સ્થિતિ થાળે પડી.”

“થોડા દિવસ પછી ખાંભી સત્યાગ્રહ શરૂ કર્યો અને ચાલે છે.”

શરૂ થયો 226 દિવસ લાંબો શહીદ સ્મારક સત્યાગ્રહ

શહેરમાં થયેલાં ગંભીર તોફાનો પછી જનતાપરિષદના સભ્યોએ મહાગુજરાતની ચળવળ લાંબી ચલાવવા માટે ખાંભી આંદોલન સાથે જોડવાનું વિચાર્યું.

બ્રહ્મકુમાર ભટ્ટ લખે છે, “ગુજરાતનાં ગામેગામથી જેટલા બને તેટલા કાર્યકરો સામેલ થઈ શકે તેવો કાર્યક્રમ આપવો.... જે માત્ર જેલ ભરવાનો જ હોઈ શકે.”

“તેની જ અસર જનમાનસ પર પડશે, એટલું જ નહીં પણ મુંબઈ રાજ્યની અને ભારતની સરકારને તેમજ ખાસ કરીને દિલ્હીની કૉંગ્રેસની નેતાગીરીને ખાતરી થશે કે મહાગુજરાતનું આંદોલન જીવતું જાગતું છે”

16-8-1958ના રોજ દરિયાપુરમાં ઇન્દુલાલ યાજ્ઞિકે “શહીદ સ્મારક સત્યાગ્રહ”ની જાહેરાત કરી.

સભામાં જણાવવામાં આવ્યુ કે, “પ્રતિબંધ હુકમોનો ભંગ કરીને આ ટુકડીઓ શહીદ સ્મારક પાસે જશે અને જો ત્યાં ધરપકડ થશે તો સ્વેચ્છાએ વહોરી લેશે. કોર્ટમાં રજૂ કરાશે ત્યારે સ્મારક સત્યાગ્રહમાં ભાગ લેવા માટે પોતે પ્રતિબંધિત હુકમોનો ભંગ સમજીને કરેલો છે તેવું નિવેદન દરેક સત્યાગ્રહી કોર્ટમાં કરશે અને પરિણામે જે સજા કોર્ટ ફરમાવશે તે સ્વીકારી લેશે.”

શહીદ સ્મારક સત્યાગ્રહની જવાબદારી જયંતી દલાલને સોપાંઈ હતી.

બ્રહ્મકુમાર ભટ્ટ નોંધે છે, “17 ઑગસ્ટે પહેલી ટુકડી રવાના થઈ તેનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. અનેક લોકોએ અમારા ફૂલહાર કર્યા અને બહેનોનાં કપાળે કુમકુમના તિલક કરી વિદાય આપી, સૌ જાણતા હતા જેલભરોના શ્રીગણેશ થશે”

ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે લેખક બ્રહ્મકુમાર ભટ્ટ સહિત છ લોકો હતા.

“લડાઈનું મેદાન હોય તેવું દૃશ્ય ઊભું થયું”

બ્રહ્મકુમાર લખે છે, “પાનકોરનાકાથી આગળથી રસ્તાનો પોલીસે કબજો કર્યો હતો. જાણે લડાઈનું મેદાન હોય તેવું દૃશ્ય ઊભું થયું હતું.”

“પાનકોરનાકાથી આગળ રસ્તા પર એક ધોળો પટ્ટો ચીતરેલો હતો ત્યાંથી સત્યાગ્રહી ટુકડી સિવાય કોઈ આગળ નહીં જાય. અને અમારી ટુકડી સાથે હજારો લોકો આવ્યા અને ટુકડીના સભ્યોએ ધોળો પટ્ટો ઓળંગીને આગે કૂચ કરી. બાકીના લોકો ત્યાં અટકાઈ ગયા.”

પોલીસ અધિકારી ઇન્દુલાલ યાજ્ઞિકને કહ્યું, તમે કલમ 144 અને કર્ફ્યૂનો ભંગ કરો છો. ઇન્દુલાલ યાજ્ઞિકે કહ્યું અમે ભંગ કરવા જ જઈએ છીએ. ત્યારબાદ ઇન્દુલાલ યાજ્ઞિકની ધરપકડ કરાઈ અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા.

તે તમામે કોર્ટમાં ગુનો કબૂલ્યો અને તેમને 6 અઠવાડિયાં સુધી જેલમાં મોકલવામાં આવ્યા.

બ્રહ્મકુમાર ભટ્ટ નોંધે છે, “બીજા દિવસે દિનકર મહેતાની ટુકડી, ત્રીજે દિવસે અહેમદમિયાં શેખની ટુકડી, ચોથા દિવસે હરિહર ખંભોળજાની ટુકડી, પાંચમા દિવસે રંજનબહેન દલાલની 21 બહેનોની ટુકડી. આ પ્રમાણે 226 દિવસ સુધી ટુકડી નીકળતી અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અને તેમને સજા થતી.”

“આ સત્યાગ્રહી ટુકડીઓની ખરી ખાસિયત તો એ હતી કે, તેમાં પ્રથમ પંક્તિના વકીલો, ડૉક્ટરો, શિક્ષકો, સુધરાઈ પ્રમુખો, હિંદુ-મુસ્લિમ બંને કોમનાં ભાઈબહેનો, ખેડૂતો, કામદારો, અગ્રણી વેપારીઓ એમ તમામ લોકો હતા.”

શહીદ સ્મારક સત્યાગ્રહમાં ભાગ લેવા મહારાષ્ટ્રથી બહેનો આવ્યાં

અમદાવાદના શહીદ સ્મારક સત્યાગ્રહમાં ભાગ લેવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અનેક લોકો આવતા હતા.

લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકમાં 226 દિવસ સુધી જે જે ટુકડીઓ આંદોલન કરવા માટે ગઈ તે તમામ ટુકડીઓના લોકોનાં નામની યાદી આપવામાં આવી છે.

આ ટુકડીઓમાં સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, પંચમહાલ, દહેગામ, વીરમગામ, સૌરાષ્ટ્ર-કચ્છ, સુરત, ભરૂચ, જામનગર વગેરે શહેરોમાંથી લોકો આવ્યા હતા.

સત્યાગ્રહની 189મી ટુકડીમાં ભાગ લેવા કલોલથી બાલકૃષ્ણ બારોટ આવ્યા હતા. જેઓ ઉંમરમાં નાના હોવાથી પોલીસે તેમની ધરપકડ થતા કોર્ટે તેમને સિવિલ હૉસ્પિટલની પાછળ આવેલા ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલ્યા હતા. જ્યારે કેટલાક નાની ઉંમરના વિદ્યાર્થીઓને ચેતવણી આપીને પણ છોડી મૂકવામાં આવ્યા હતા.

શહીદ સ્મારક સત્યાગ્રહમાં ભાગ લેવા માટે મહારાષ્ટ્રથી 24 મહિલાઓની ટુકડી આવી હતી, જેમણે 29 ઑગસ્ટ, 1958એ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.

આખરે સ્મારક બન્યું

સત્યાગ્રહમાં એક દિવસ પાનકોરનાકા પાસે ધોરેલો સફેદ પટ્ટો મેદનીએ વટાવી દીધો આ પહેલી વાર બન્યું હતું. આંદોલનના સંયોજક જયંતી દલાલ ફરીથી આવું ન બને તેના ખૂબ જ આગ્રહી હતા અને તેમણે આ બનાવ અંગે ત્રણ દિવસના ઉપવાસ પણ જાહેર કર્યા.

શહીદ સ્મારક સત્યાગ્રહ ચાલુ હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર દબાણ વધી ગયું અને તેમણે વિક્ટોરિયા ગાર્ડનમાં સ્મારક બનાવવા નક્કી કર્યું. છેવટે 26 સપ્ટેમ્બર, 1958ના રોજ મ્યુનિસિપલ કૉર્પોરેશને કોઈ પણ પ્રકારની ઔપચારિક વિધિ કે કાર્યક્રમ વિના ખુલ્લું મૂકી દીધું.

આ શહીદ સ્મારક સત્યાગ્રહ 1 એપ્રિલ, 1959 સુધી ચાલ્યો હતો. સ્મારક તો કૉંગ્રેસભવનની સામે બન્યું ન હતું.

શહીદ સ્મારક સત્યાગ્રહે મહાગુજરાતના આંદોલનને ટકાવી રાખવામાં અને વેગવંતુ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન ખાંભી સત્યાગ્રહ પછી થયેલા ગોળીબારની તપાસ કરવા કોટવાલ તપાસપંચની નીમણૂક થઈ હતી.

1959ના વર્ષમાં ફરીથી 8 ઑગસ્ટ શહીદ દિવસે સ્વૈચ્છિક હડતાલ, સભા-સરઘસ અને શહીદોને પુષ્પાંજલિના કાર્યક્રમ યોજાયા. બીજી તરફ કૉંગ્રેસમાં પણ ગુજરાતના બે ભાગ કરવાની ચર્ચા પ્રબળ બનવા લાગી હતી.

છેવટે 6 ડિસેમ્બર, 1959ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કૉંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી.

બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ.

3 ઑગસ્ટ, 1967ના રોજ કૉંગ્રેસ હાઉસની સામે સરદાર સ્મારક ફૂટપાથ ઉપર તેની કમાન્ડ વૉલ પર અડીને કરવું, તે વાતનો મુખ્ય મંત્રી હિતેન્દ્ર દેસાઈ અને સ્મારક સમિતિએ સ્વીકાર્ય કર્યો.

બ્રહ્મકુમાર ભટ્ટ નોંધે છે કે 19 સપ્ટેમ્બર, 1968ના દિવસે મહાગુજરાતના શહીદોના સ્મારકનું ઉદ્દઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે કરવામાં આવ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો