કોરોના વાઇરસ : ગુજરાતમાં હવે ઑનલાઇન સળગી રહી છે આંદોલનોની મશાલો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાની મહામારીને કારણે લોકોના જીવનવ્યવહાર સમૂળગાં બદલાઈ ગયાં છે. કોરોનાના ચેપની બીકને કારણે લોકો એકબીજા પાસે જતાં ડરે છે. આ સંજોગોમાં રસ્તા પર ઊતરીને થતાં આંદોલનોનું સ્વરૂપ પણ બદલાયું છે. લાંબા ગાળાથી જે પડતર પ્રશ્નો અને સમસ્યા હતી તે મુદ્દે જે આંદોલનો ગાંધીનગરને આંગણે તેમજ જાહેરમાં થતાં હતા તે હવે સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થયા છે.

કોરોના અગાઉનાં દરેક આંદોલનો ટ્વિટર, ફેસબુક, યૂટ્યૂબ, વૉટ્સઍપ વગેરે સોશિયલ મીડિયા માધ્યમો પર હાઇલાઇટ થતાં જ હતાં, આંદોલનના જુવાળ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો જ હતો, પરંતુ હવે કોરોનાને કારણે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એ આંદોલનોનું મુખ્ય માધ્યમ જ સોશિયલ મીડિયા બની રહ્યું છે.

હવે આંદોલનોની રણનીતિ સોશિયલ મીડિયા આધારિત રહે છે.

છેલ્લા એક-દોઢ દાયકાથી મોબાઈલ-ઇન્ટરનેટ વ્યાપક જીવનનો હિસ્સો બની ગયા છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં એ વાત પણ નોંધવી રહી કે એ મોબાઈલ-ઇન્ટરનેટનો વપરાશ ખૂબ વધી રહ્યો છે અને જીવનનો હિસ્સો બની ગયા હોવા છતાં આંદોલનોમાં તેમની સક્રિય ભૂમિકા મર્યાદિત હતી.

ગુજરાતભરના લોકો સુધી આંદોલનને સમાચાર તરીકે પહોંચાડવામાં મોબાઇલ-ઇન્ટરનેટનો ઉપયોગ ખાસ્સો રહ્યો છે, પણ આંદોલનના પ્રમુખ માધ્યમ તરીકે એનો એટલો ઉપયોગ જોવા મળ્યો નથી.

માત્ર કોરોનાના સમયમાં જ આંદોલનોના મુખ્ય માધ્યમ મોબાઇલ-ઇન્ટરનેટ બન્યાં છે.

જાણીએ સામ્પ્રત સમયમાં ક્યાંક્યાં આંદોલનોમાં સોશિયલ મીડિયા ચાલકબળ પુરવાર થયું અને હૅશટેગ ટ્રૅન્ડ થયા.

line

#2800gujaratpolice

શિક્ષકના આંદોલનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, શિક્ષકના આંદોલનની પ્રતીકાત્મક તસવીર

#2800gujaratpolice આ હૅશટેગ સાથે પોલીસકર્મીઓ તેમજ અન્ય સમર્થકોએ ટ્વિટર પર ટ્રૅન્ડ શરૂ કર્યો હતો. જેમાં તેમની માગ હતી કે કૉન્સ્ટેબલના ગ્રેડ પે 1800 રૂપિયા છે તે વધારીને 2800 કરી આપવામાં આવે.

પગારવધારા માટેનો આ હૅશટેગ જોતજોતામાં ટ્વિટર પર ટ્રૅન્ડ થવા માંડ્યો હતો. એ પછી રાજ્યનું પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગની આચારસંહિતા દર્શાવતો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ 21 જુલાઈએ એક પ્રેસ કૉન્ફરન્સમાં આંદોલન કરનારાઓને તાકીદ કરી હતી કે સોશિયલ મીડિયા પરનું આ આંદોલન નહીં ચલાવી લેવામાં આવે.

તેમણે કહ્યું હતું કે "પોલીસ જવાનોને ખોટી અને ઉશ્કેરણીજનક રીતે ગેરમાર્ગે દોરનારી આવી દોરવણીને ચલાવી લેવામાં આવશે નહીં. પગારવધારાની ગેરવાજબી વાત કરીને પોલીસ કર્મચારીઓમાં અસંતોષ ફેલાવવાનો પ્રયાસ ખાખીની ગરિમા પર હુમલો માનીને આવું કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે. પોલીસ કર્મચારીઓ માટે એ જ સંદેશ કે પોલીસની નોકરી એ સામાન્ય નોકરી નથી સેવા છે. એને અન્ય નોકરી સાથે સરખાવી ન શકાય."

પોલીસનો પરિપત્ર

ઇમેજ સ્રોત, Gujarat Police

"કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા ભોળા પોલીસ કર્મચારીઓને ઉશ્કેરીને તેમને પોલીસખાતા વિરુદ્ધની આવી પ્રવૃત્તિ કરવા માધ્યમ બનાવી રહ્યા છે. આવા કર્મચારીને યાદ અપાવવા માગું છું કે આવી પ્રવૃત્તિ શિસ્ત વિરુદ્ધની ગણાશે અમે તેમાં સામેલ કર્મચારીઓ સામે કડક વલણ રાખીને કાર્યવાહી કરવામાં આવશે. આવી આંદોલનાત્મક અથવા જૂથબંધીમાં જોડાવવું એ ગુનો ગણાશે. ખાખીની એકતા તોડવાના કોઈ પ્રયત્ન હળવાશથી લેવામાં આવશે નહીં. આવી પ્રવૃત્તિ સાથે જે પોલીસકર્મી જોડાશે તેમની સામે ખાતાકીય અને કાયદાકીય એમ બંને પગલાં લેવાશે. પોલીસ કર્મચારી આવી પ્રવૃત્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ન આપે."

ગુજરાત પોલીસે, પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે આચારસંહિતા ઘડી કાઢી છે.

એક પરિપત્ર જાહેર કરીને સૂચના આપવામાં આવી છે કે દરેક સંવર્ગના પોલીસ અધીકારી જ્યારે સત્તાવાર અને ખાનગી ઉપયોગ માટે સોશિયલ મીડિયાનો ભાગ બને છે ત્યારે આ આચારસંહિતા લાગુ પડે છે.

પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે વૉટ્સઍપ, ટ્વિટર, ફેસબુક, યૂટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા માટે આ આચારસંહિતા લાગુ પડે છે.

જેમાં કહેવાયું છે કે 'પોલીસ કર્મચારીઓએ રાજકીય નિવેદન આપવાનું ટાળવું જોઈએ. કોઈ પણ ધર્મ કે જાતિ કે સમાજનાં ચોક્કસ વર્ગના હેતુ માટે થતી ઝુંબેશ કે આંદોલન કરવા માટે રચાયેલા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ કે વૉટ્સઍપના સભ્ય ન હોવા જોઈએ. ફરજના સંબંધમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, પોલીસ વિભાગ અથવા સરકારની ટિકા કરતી કે જાહેર ટિપ્પણી કરતી પોસ્ટ ન કરવી જોઈએ.'

line

#4200gradepay

આંદોલન માટે સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું

સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ સોશિયલ મીડિયા પર 4200 ગ્રેડ પેના હૅશટેગ સાથે એક આંદોલન છેડ્યું હતું.

એ હૅશટેગ ટ્રૅન્ડ જબરો વાઇરલ થયો હતો. પોલીસકર્મીઓએ જે 2800ના ગ્રેડ પે માટે ટ્વિટર પર આંદોલન ચલાવ્યું હતું તે શિક્ષકોના આ આંદોલન પછી શરૂ થયું હતું.

2009માં જે પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી થઈ હતી તેમને 4200 રૂપિયાલેખે ગ્રેડ પે ચૂકવવામાં આવતો હતો, પરંતુ 2010માં જે શિક્ષકોની ભરતી થઈ તેમનો ગ્રેડ પે 4200માંથી ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો.

શિક્ષકોનું કહેવું હતું કે ગ્રેડ પે ઘટતાં શિક્ષકોના માસિક પગારમાં આઠથી નવ હજાર જેટલો ફરક પડ્યો હતો. જેથી તેમણે સોશિયલ મીડિયા પર 4200 ગ્રેડ પે માગ સાથે આંદોલનની આહલેક જગાવી અને જોતજોતામાં ટ્વિટર, ફેસબુક પર 4200 ગ્રેડ પેના હૅશટેગ સાથે આંદોલન ટ્રૅન્ડ થવા લાગ્યું.

ફેસબુક પર 4200 ગ્રેડ પે અમારો અધિકાર નામે એક પેજ પણ બનાવવામાં બનાવ્યું હતું અને તેમાં ગુજરાતભરના શિક્ષકો ફોટો, વીડિયો શૅર કરી રહ્યા હતા.

આંદોલન

ઇમેજ સ્રોત, Social Media

શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે ફેસબુક, ટ્વિટર વગેરે પર અનેક પોસ્ટ શૅર કરી હતી.

શિક્ષકોની 4200 વાજબી ગ્રેડ પેની માગના સમર્થનમાં 'હું શિક્ષક સાથે'ના સૂત્ર સાથે કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પોતાના નિવાસસ્થાને પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા. તેમનું એ સૂત્ર પણ ટ્વિટર પર હૅશટેગ ટ્રૅન્ડ થવા માંડ્યું હતું.

સોશિયલ મીડિયા પર આંદોલનની તીવ્રતા જોતાં સરકારે ગ્રેડ પેનો નિર્ણય મુલત્વી રાખ્યો હતો.

ગુજરાતના શિક્ષકોએ સોશિયલ મીડિયા પર કરેલા વિરોધ પછી સરકારે ગ્રેડ પેનો 25 જૂનનો પરિપત્ર સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હતું કહ્યું કે શિક્ષકોની લાગણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે.

line

#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી

આંદોલન

ઇમેજ સ્રોત, Social Media

આ હૅશટેગ સાથે એક આંદોલન સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાાયું. સાત લાખ દશ હજાર કરતાં વધુ ટ્વીટ એના પર થયા.

રાજ્યમાં બેરોજગાર યુવાનોએ એકઠા થઈને રોજગારી અને ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવા માટે ટ્વિટર પર આ આંદોલન શરૂ કર્યું હતું.

યુવાનોએ એવી માગ કરી હતી કે પહેલા રોજગારી આપો, નહીંતર આવનારી સ્થાનિક સ્વરાજ સહિતની ચૂંટણીઓનો સાગમટે બહિષ્કાર કરવામાં આવશે.

જોતજોતામાં ટ્વિટર પર આ આંદોલન ટ્વીટ-રીટ્વીટ થવા માંડ્યું હતું. 16 જુલાઈએ ગુજરાતમાં તો આ આંદોલન ટ્વિટરમાં ટોચ પર હતું જ, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ટ્વિટર પર ટૉપ ટેન ટ્રૅન્ડમાં હતું.

ફેસબુક પર પણ તેનું હૅશટેગ ટ્રેન્ડ થયું હતું. આ આંદોલન સાથે સંકળાયેલા દિનેશ બાંભણીયાએ એક ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો, જેમાં આ હૅશટેગ આંદોલન રાજ્યભરમાં ટ્વિટર ટ્રૅન્ડમાં ટોચ પર હતું.

આ આંદોલનના સમર્થક તેમજ ટેટ (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ)-ટુ પાસ ઉમેદવારોની ભરતી થાય એ માટે આંદોલન ચલાવી રહેલા હરદેવ વાળાએ બીબીસીને કહ્યું હતું કે "રાજ્યમાં 35000 કરતાં વધુ જગ્યાઓ પર અલગઅલગ તબક્કે ભરતી પ્રક્રિયા અટકેલી છે. ગુજરાતના બેરોજગાર યુવાનો અટવાયેલા છે."

"અમે અગાઉ મંત્રીઓને રજૂઆત કરી ચૂક્યા છીએ. રસ્તા પર ઊતરીને પણ આંદોલન કર્યાં હતાં. આ વખતે કોરોનાને લીધે રસ્તા પર મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ એકઠા ન થઈ શકે, તેથી ટ્વિટર પર આ આંદોલન ચલાવવું એવું નક્કી થયું. ટ્વિટર માટે હૅશટેગ શું નક્કી કરવું એ અમારા વૉટ્સઍપ ગ્રૂપમાં ચર્ચા થઈ હતી."

આંદોલન

ઇમેજ સ્રોત, Social Media

"પહેલાં એવું નક્કી થયું કે 'પહેલાં ભરતી પછી ચૂંટણી' એવું હૅશટેગ રાખીએ. ત્યારબાદ ચર્ચાને અંતે ‘પહેલાં રોજગારી પછી ચૂંટણી’હૅશટેગ નક્કી થયું. અગાઉ જ્યારે અમે જાહેરમાં સાથે આંદોલન કરતાં ત્યારે પણ ટ્વિટર પર એના વિશે વિગતો રજૂ કરતા હતા. પરંતુ ક્યારેય આ રીતે બેરોજગારીનું આંદોલન ટ્વિટર પર પ્રચંડ રીતે ટ્રૅન્ડ નહોતું થયું. આ પહેલી વખત જોવા મળ્યું કે રાજ્યના શિક્ષિત બેરોજગારોએ ડિજિટલી એક થઈને ટ્વિટર પર આંદોલનનો એવો ટ્રૅન્ડ ચલાવ્યો કે એ ટૉપ ટેનમાં સામેલ હતું."

આ જ તરજ પર ટ્વિટર પર #પહેલા_પાકવીમો_પછી_ચૂંટણી હૅશટેગ ટ્રૅન્ડ થયું હતું. જેમાં ગુજરાતનાં ખેડૂતોને પાકવીમો મળે એ માટેની માગ હતી.

ઉપરાંત, #TET_TAT_ભરતી_નહીં તો_ચૂંટણી_બહિષ્કાર વગેરે હૅશટેગ ટ્વિટર પર ટ્રૅન્ડ થયા હતા. 2800 રૂપિયા પગારના ગ્રેડ પે મળે એ માટે આરોગ્યકર્મીઓએ પણ ટ્વિટર પર આંદોલન શરૂ કર્યું હતું અને ટ્રૅન્ડ થયું હતું. એનું ટ્વિટર હેશટેગ #2800gradepay_mphw_fhw_health_gujarat હતું.

line

ટ્રૅન્ડ થાય તો રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય

સોશિયલ મીડિયા પર આ આંદોલનની પ્રસ્તુતતા અને એની અસર વિશે કૉમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ કુમાર મનીષ સાથે વાત કરી.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે "કોરોનાને લીધે લોકોનું એકબીજા સાથે મળવાનું પડકારજનક થઈ ગયું છે. સોશિયલ મીડિયાનું મોબિલાઇઝેશન વધ્યું છે. બીજી તરફ સરકાર પણ ઑનલાઇન સક્રિય છે. તેમણે પણ લોકોની સાથે વાર્તાલાપ કરતા રહેવો છે."

"સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટ્વિટર જેવા માધ્યમ પર કોઈ આંદોલન ટ્રૅન્ડ થાય એટલે સરકાર પર પણ દબાણ ઊભું થાય છે."

"બીજી વાત એ છે કે ટ્વિટર પર કોઈ પ્રધાન કે જે તે સંબંધિત અધિકારીને અનેક લોકો ટેગ કરીને આંદોલનનો મુદ્દો ટ્વીટ કરે તો એની નોંધ લેવાય છે. કોઈ પ્રધાન વારંવાર ટેગ થયા કરે તો એ મુદ્દા સામે તે આંખ આડા કાન ન કરી શકે. એમાંય જો એ મુદ્દો ટ્રૅન્ડ કરવા માંડે તો એ સ્થાનિક મુદ્દો હોય તો પણ રાષ્ટ્રીય સ્તરે એની નોંધ લેવાય છે. આને લીધે તંત્ર પર દબાણ ઊભું થાય છે."

કોરોનાની મહામારી સમાપ્ત થઈ જશે પછી રસ્તા પરના જ આંદોલનનું મહત્ત્વ વધુ રહેશે કે ટ્વિટર પરના હૅશટેગ આંદોલનનું?

આ સવાલના જવાબમાં કુમાર મનીષ કહે છે કે "ટ્વિટર-ફેસબુક, ટેલિગ્રામ, વૉટ્સઍપ વગેરે સોશિયલ મીડિયા માધ્યમો એક નૅરેટિવ બિલ્ડિંગનું કામ કરે છે એટલે કે સમાજમાં એક અભિપ્રાય ઊભો કરવાનું કામ કરે છે."

"સોશિયલ મીડિયાનાં વિવિધ પ્લૅટફૉર્મ્સ આંદોલન માટે પણ અગત્યના ઉદ્દીપક છે એવું જોવા મળ્યું છે. તેથી આંદોલન રસ્તા પર થાય તો પણ આનું મહત્ત્વ તો હવે રહેશે જ. કોરોના નહીં હોય ત્યારે એવું પણ બની શકે કે કોઈએ આંદોલન છેડવું હોય તો તેઓ રસ્તા પર ઊતરવાની પોતાની જે રણનીતિ ઘડે એની સાથેસાથે અસર ઊભી કરી શકે કે સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી પણ આગોતરી ઘડે."

line

અંગ્રેજી નહીં, સ્થાનિક ભાષામાં હૅશટેગ

સામાન્ય રીતે ટ્વિટરના હૅશટેગમાં અંગ્રેજી ભાષાના શબ્દોનો વધુ ઉપયોગ થાય છે, પરંતુ ગુજરાતમાં હાલમાં જે આંદોલનો ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર વધુ ચગ્યા તેના હૅશટેગમાં સ્થાનિક ભાષાનો ઉપયોગ થયો છે.

જેમ કે, #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી તેમજ #TET_TAT_ભરતી_નહીંતો_ચૂંટણી_બહિષ્કાર. જ્યારે સ્થાનિક ભાષાનો ઉપયોગ થાય ત્યારે એની પહોંચ બહોળી બને છે. એની સાથે લોકોનું અનુસંધાન ઝટ ઊભું થાય છે.

કુમાર મનીષ આ વાતને આગળ વધારતાં કહે છે કે "જે લોકો ટ્વિટર કે ફેસબુકનો જે હૅશટેગ ટ્રૅન્ડ છે એનો મોબાઇલ સ્ક્રિનશોટ લઈને વૉટ્સઍપ પર વહેતો મૂકે છે. એને લીધે જે લોકો ટ્વિટર કે ફેસબુક પર ન હોય તેના સુધી પણ વાત તો પહોંચે જ છે. જે કોઈ મુદ્દો કે આંદોલન હોય તો એ વધારે ચર્ચા ટ્વિટર પર જગાવે છે. એના પર જે ટ્વીટ હોય એના રીટ્વીટ થવા માંડે છે."

"સરકારથી લઈને અધિકારીઓથી માંડીને સમાજ પર સોશિયલ મીડિયા થકી અસર કરતાં લોકો (જેને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર કહે છે) ટ્વિ્ટર પર સક્રિય હોય છે. વૉટ્સઍપ તેમજ ટેલિગ્રામ જેવી જે મોબાઇલ ઍપ્લિકેશન્સ છે એ મૅસેન્જર પ્લૅટફૉર્મ એટલે કે સંદેશવાહક મંચ છે. તે જાહેર કરતાં પર્સનલ માધ્યમ વધુ છે."

તેઓ કહે છે, "તેનો ઉપયોગ ટ્વિટરની જેમ જાહેર ચર્ચા માટે નથી થતો પણ મોબીલાઇઝેશન માટે થાય છે. ટ્વિટર એવું માધ્યમ છે કે જેના હૅશટેગ મુદ્દાને રાષ્ટ્રીય પરસ્પેક્ટિવ આપે છે. અનેક લોકો ઠેકઠેકાણેથી જોડાઈ જાય છે."

"ટ્વિટર પર મુદ્દો એમ્પલીફાઈ થઈને તરત ફેલાય છે. ફેસબુક પર પણ હૅશટેગ તો છે, પરંતુ એમાં હૅશટેગ એટલા ટ્રૅન્ડ નથી કરતા જેટલા ટ્વિટર પર કરે છે. કોઈ પણ મુદ્દો વાઈરલ બનતો હોય તો એમાં ટ્વિટરની ભૂમિકા રહેલી હોય છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો