ગુજરાતમાં કોરોના વાઇરસમાં આવેલો ફેરફાર વધારે મૃત્યુ માટે જવાબદાર?

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતના સંશોધકોએ જનૉમ સિક્વન્સિંગ દ્વારા SARS-CoV-2 વાઇરસના બે મ્યુટેશન (ગુણપરિવર્તન) શોધી કાઢ્યા છે, જે રાજ્યમાં કોરોના વાઇરસને કારણે ઉચ્ચ મૃત્યુદર માટે જવાબદાર હોઈ શકે છે.
સંશોધકોના પ્રાથમિક તારણ પ્રમાણે, કોરોનાનાં બે ગુણપરિવર્તન (mutation)એ ગુજરાતના મૃત દરદીઓમાં વધુ પ્રમાણમાં જોવાં મળ્યાં હતાં.
આ શોધપત્રનું અન્ય વિજ્ઞાનીઓએ નિરીક્ષણ નથી કર્યું તથા હજુ તેનું પ્રકાશન નથી થયું.
ગાંધીનગરસ્થિત ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓ પોતાના ડેટા ઉપરાંત, ગ્લોબલ ઇનિસિયૅટિવ ઑન શૅરિંગ ઑલ ઇન્ફ્લુએન્ઝા ડેટા (GISAID)ની મદદથી અલગ-અલગ ગુણપરિવર્તનોનો અભ્યાસ કર્યો છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે આ બે ગુણપરિવર્તનો મૃતકોમાં વધુ પ્રમાણમાં જોવાં મળી રહ્યાં છે, તેમના અને મૃત્યુદર વચ્ચે 'સીધો સંબંધ' પ્રસ્થાપિત કરવો વહેલું ગણાય, પરંતુ ડેટા તથા આંકડાશાસ્ત્રીય દૃષ્ટિએ તે મહત્ત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે વાઇરસમાં ગુણપરિવર્તનનો મતલબ 'અલગ ઉપજાતિ' એવો નથી.

જિનેટિક બ્લૂ પ્રિન્ટ

ઇમેજ સ્રોત, Getty Images
જિનેટિક કોડમાં રહેલા પુરાવાના આધારે વિજ્ઞાનીઓ વિશ્વભરમાં કોરોના વાઇરસના ચેપના પ્રસારનું પગેરું દાબવામાં મદદ મળે છે. તે વાસ્તવમાં વાઇરસની બ્લૂ પ્રિન્ટ છે.
દરદીઓમાંથી લેવામાં આવેલા નમુનાના આધારે વાઇરસ કોઈ નવું સ્વરુપ ધારણ કરી રહ્યો છે કે કેમ, તેના વિશેની માહિતી પણ મળે છે.
વાઇરસનું સ્વરુપ બદલાવાની સાથે બ્લૂ પ્રિન્ટમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. અલગ-અલગ દરદીઓમાંથી લીધેલા નમુનાના આધારે વાઇરસના પ્રસારનું સર્વાંગી ચિત્ર ઊભું કરવામાં સંશોધકોને મદદ મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાઇરસ અમુક દરદીઓ માટે જીવલેણ નિવડી રહ્યો છે, જ્યારે અન્ય કેટલાક દરદીઓમાં તે આંશિક ઇન્ફૅક્શન જ પહોંચાડે છે.
જીનૉમના અભ્યાસની મદદથી કોવિડ-19નો પ્રતિકાર કેવી રીતે કરવો, કઈ સારવારપદ્ધતિથી કોરોનાની હાનિકારકતા ઘટાડી શકાય, જીવ બચાવી શકાય કે ભવિષ્યમાં આવી મહામારી ન ફેલાય તે સમજવામાં મદદ મળે છે.
પ્રો. ચૈતન્ય જોશીના કહેવા પ્રમાણે, જો આપણે ભારતકેન્દ્રિત રસી બનાવવા માટે પ્રયાસ કરતા હોઈએ અને વાઇરસનાં આ સ્વરુપોને અવગણી દઈએ તો આર.એન.એ. આધારિત વૅક્સિન બિનઅસકારક નિવડવાની શક્યતા રહે.
કોરોના વાઇરસના અગાઉના સ્વરુપ-પરિવર્તનથી કોઈ ખાસ ફેર નહોતો પડતો, પરંતુ Sars-CoV-2એ તાજેતરમાં જ પશુમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો હોય તેનો અભ્યાસ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
જીનૉમ સિક્વન્સિંગની મદદથી વિજ્ઞાનીઓને વાઇરસના પ્રસાર અને સ્રોત અંગેનું ચિત્ર ઊભું કરવામાં મદદ મળે છે.
ગુજરાતમાં જીનૉમ સિક્વન્સિંગનો અભ્યાસ
ગુજરાત બાયૉટેકનૉલૉજી રિસર્ચ સેન્ટર (GBRC)ના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :
"આપણે અલગ-અલગ શહેરના જીનૉમ સિકવન્સનો અભ્યાસ કરીએ તો માલૂમ પડે છે કે પ્રારંભિક તબક્કે મોડાસા કે વડોદરાના આઇસોલેટ્સનો અભ્યાસ કરીએ તો તે એક જ 'કલસ્ટર'ના માલૂમ પડે છે, જે એક જ સ્રોત તરફ અણસાર આપે છે."
"બીજી બાજુ, અમદાવાદના આઇસોલેટ્સના અભ્યાસ પરથી કોઈ 'ક્લસ્ટરિંગ' જોવા નથી મળતું. દેશના અન્ય ભાગોમાંથી વિદેશમાંથી અમદાવાદમાં આવેલા અથવા તો બહાર ગયેલા અમદાવાદીઓને કારણે અલગ સ્ટ્રેન જોવા મળે છે, જે અન્ય સાથે ક્લસ્ટર ઊભું કરે છે."
"જે દર્શાવે છે કે તેનો સ્રોત એક જ નથી. હવે વડોદરાના કે અન્ય શહેરના નમુનામાં પણ અલગ-અલગ ક્લસ્ટરિંગ જોવા મળી રહ્યું છે, જેનો મતલબ કે સ્રોત પણ અલગ-અલગ છે."
સૅમ્પલ અને સરેરાશ

ઇમેજ સ્રોત, Getty Images
GBRCના સંશોધકોની ટીમે 277 કોવિડ પેશન્ટ (100 મહિલા તથા 177 પુરુષ)ના નમુનાનો અભ્યાસ કર્યો હતો. જેઓ એક વર્ષથી માંડીને 86 વર્ષની ઉંમરના હતા અને તેમની સરેરાશ ઉંમર 47.8 વર્ષની હતી. જેમાંથી 43 નમુના કોવિડ-19થી મૃત્યુ પામનારાના છે.
રિસર્ચ પેપર મુજબ ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 18માંથી નમુના એકઠા કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદ (125), સુરત (65), વડોદરા (53), સાબરકાંઠા (18) તથા રાજકોટ (18) લેવામાં આવ્યા હતા.
મંગળવારે ગુજરાતમાં એક જ દિવસમાં સર્વાધિક કેસનો ઉછાળ (1026) જોવા મળ્યો હતો. રાજ્યમાં કોરોનાને કારણે 2200થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં 11 હજાર 760 કેસ ઍક્ટિવ છે, જ્યારે 36 હજાર 423 પેશન્ટ સાજા થઈ ગયા છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે, જૂન મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં 6.2 ટકાનો મૃત્યુદર હતો, એ સમયે રાષ્ટ્રીય સરેરાશ 2.8 ટકા હતી. તા. 20મી જુલાઈની સ્થિતિ પ્રમાણે, મૃત્યુદર ઘટીને 4,4 % ઉપર આવી ગયો છે. આ સમયે રાષ્ટ્રીય સરેરાશ 2.4 ટકાની રહી હતી.
GBRC, જીનૉમ તથા GISAID

ઇમેજ સ્રોત, NEXTSTRAIN
ઉપરની તસવીરમાં વુહાનને રિંગણી રંગના બિંદુ સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે અહીં પહેલી વખત કોવિડ-19ના સંક્રમિતના નાકમાંથી સ્વેબનું વિશ્લેષણ થયું હતું, વૈજ્ઞાનિકોએ આ વાઇરસના જીનૉમનું વિશ્લેષણ કર્યું હતું.
જેમાં કોવિડ-19 વાઇરસના 30 હજાર જિનેટિક અક્ષરોની શૃંખલા હતી અને ફેલાવા માટે વાઇરસે ખુદને બેડાવવાની જરૂર હતી.
પ્રોફેસર યોંગ જેન જાંગની ટીમે જાન્યુઆરી મહિનામાં જ જીનૉમની શોધ કરી લીધી હતી, ત્યારબાદ દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કોવિડ-19ના 55 હજારથી વધુ ચેપગ્રસ્તોના સ્વેબનું વિશ્લેષણ કરીને તેનાં તારણોને ઑપનસૉર્સ ડેટાબેઝ જી.આઈ.એસ.એ.આઈ.ડી. ઉપર અપલોડ કર્યાં.
GBRC દ્વારા 375 જીનૉમનો ડેટા વૈશ્વિક અભ્યાસઅર્થે સાર્વજનિક કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ ઉમેરો થતો રહેશે, ભારતમાં ગુજરાત રાજ્ય દ્વારા જ સર્વાધિક જીનૉમ સિક્વન્સને સાર્વજનિક કરવામાં આવી છે, જે અભ્યાસમાં ભારત ઉપરાંત વિશ્વના વિજ્ઞાનીઓને મદદ કરશે.
હજારો વખત કોવિડ-19 જીનૉમનું સિક્વન્સિંગ કરવાને કારણે તેના જિનેટિક કોડમાં થઈ રહેલાં પરિવર્તનને પકડવામાં વિજ્ઞાનીઓને સફળતા મળી. આ ફેરફારોને આપ અક્ષરોમાં 'ટાઇપિંગ ભૂલ' સાથે સરખાવી શકાય.
વાઇરસે મૂકેલા પુરાવાની જેમ જ તેમાં થઈ રહેલાં પરિવર્તનના ક્રમિક અભ્યાસથી જ અલગ-અલગ દેશમાં તેના ફેલાવાનું કારણ સમજી શકાય છે.
દાખલા તરીકે, જો ન્યૂ યૉર્કમાં ચેપગ્રસ્તોના નમુનાના અભ્યાસ ઉપરથી માલૂમ પડે કે વાઇરસમાં ત્રણ વખત ફેરફાર થયો હતો. આવી જ રીતે વુહાનનાં મોટાં ભાગનાં સૅમ્પલના વાઇરસ જીનૉમમાં ત્રણ વખત ફેરફાર થયો હોવાનું માલૂમ પડે, તો એવી શક્યતા રહે કે બંનેના ચેપનો સ્રોત એક જ હોય.
આવી રીતે ઘટનાઓની સમયશ્રેણીના આધારે નિષ્ણાતોને એ સમજવામાં મદદ મળી કે વાઇરસ વુહાનથી ક્યારે અને કઈ રીતે ન્યૂ યૉર્ક પહોંચ્યો.
જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં દુનિયાનાં 55 હજારથી વધુ સૅમ્પલનું જીનૉમ સિક્વન્સિંગ કરી લેવાયું છે અને એ પછી કોવિડ-19ની ખતરનાક અને વિનાશક પ્રકૃતિ વિશે ઘણી માહિતી મળી છે.
મહામારીનાં વિશેષજ્ઞ ડૉ. એમા હુડક્રૉફ્ટ 'નેકસ્ટસ્ટ્રેન' સાથે કામ કરે છે. નેકસ્ટસ્ટ્રેનએ વૈજ્ઞાનિકો તથા જીનૉમના રહસ્ય ઉકેલતાં નિષ્ણાતોનો સમૂહ છે, જેમણે જી.આઈ. એસ.એ.આઈ.ડી. ઉપર અપલોડ કરવામાં આવેલી હજારો જીનૉમ સિક્વન્સમાંથી મહત્ત્વપૂર્ણ માહિતી મેળવીને ઑપનસૉર્સ મૅપ તૈયાર કર્યો છે.
ડૉ. એમાના કહેવા પ્રમાણે, "લોકો સાથે વાત કરવા કરતાં સારો વિકલ્પ જીનૉમને ટ્રૅક કરવાનો છે. લોકો કદાચ એ ન જણાવી શકે કે ક્યારે અને ક્યાંથી ચેપ લાગ્યો."
"આ સંજોગોમાં જીનૉમ ડેટા વધુ વિશ્વનસનીય છે. વિશેષ કરીને ઈરાન જેવા દેશમાં, જ્યાંથી કોરોના વાઇરસ સંબંધે બહુ થોડી માહિતી મળે છે."
ટૂંક સમયમાં ટેસ્ટકિટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય હેઠળ સ્વતંત્ર રીતે કામ કરતી GBRCએ સસ્તી અને અસરકારક કોવિડ-19 ટેસ્ટકિટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે અને આ દિશામાં નોંધપાત્ર સફળતા પણ મળી છે.
પ્રો. ચૈતન્ય જોશીના કહેવા પ્રમાણે, "ટેસ્ટિંગ માટેની કિટ તૈયાર કરવાની દિશામાં સંસ્થાને નોંધપાત્ર સફળતા મળી છે તથા જુલાઈ મહિનાના અંત ભાગ સુધીમાં તેને મંજૂરી માટે ICMRને મોકલવામાં આવશે."
GBRCએ ટેસ્ટકિટ વિકસાવવા માટે અમદાવાદસ્થિત ન્યૂબર્ગ સુપરાટેક રેફરન્સ લૅબોરેટરી સાથે અનુબંધ કર્ય હતા. ભારતમાં ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)એ બાયૉમેડિકલ રિસર્ચ દેશમાં ટેસ્ટકિટ્સ, દવા તથા રસીને મંજૂરી આપતી સર્વોચ્ચ સંસ્થા છે.
જીનૉમની જરૂર કેમ?
ઇમ્યુનૉલૉજીના પ્રોફેસર ક્રિસ્ટિયાન ઍન્ડરસન કહે છે કે આપણો પહેલો સવાલ હંમેશાં એવો હોય છે કે 'આ શું છે?'
ઍન્ડરસનની લૅબોરેટરી ચેપી રોગોના જીનૉમિક્સના અભ્યાસમાં પારંગત છે. વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં અને બાદમાં આટલા મોટા પાયે કેવી રીતે ફેલાયો, તેને શોધવા માટે તેઓ પ્રયાસરત્ છે.
બીજી બાજુ, ડિસેમ્બર મહિનામાં કોરોના વાઇસનો પહેલો દરદી દાખલ થયો, તેની ગણતરીની કલાકોમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરૉલૉજીના વિજ્ઞાનીએ સ્વેબનું વિશ્લેષણ શરૂ કરી દીધું હતું.
જો જીનૉમને અક્ષરથી બનેલી હાર સ્વરૂપ તરીકે જોઇએ તો માણસનું જીનૉમ લગભગ ત્રણ અબજ જિનેટિક અક્ષરના સંયોજનથી બનેલું છે. સામાન્ય ફ્લૂનો વાઇરસ 15 હજાર જિનેટિક અક્ષરનો બનેલો હોય છે.
આ ચેઇન દ્વારા એ પણ માલૂમ પડે છે કે કોઈ વાઇરસ કેટલી વખત બેવડાય ત્યારે તે બીમારી કે ચેપનું સ્વરૂપ ધારણ કરે છે.
કોઈ વાઇરસનું જીનૉમ નક્કી કરવામાં ઘણી વખત મહિનાઓ કે વર્ષોનો સમય લાગી જાય છે. જોકે, પ્રોફેસર યંગ જેન જૈંગના નેતૃત્વમાં તેમની ટીમે બહુ થોડા સમયમાં જ તા. 10મી જાન્યુઆરીએ કોવિડ-19ની પહેલી જીનૉમિક સિક્વન્સ પ્રકાશિત કરી દીધી. વાઇરસને સમજવા માટેનો આ પહેલો મહત્ત્વપૂર્ણ પ્રયાસ હતો.
પ્રોફેસર ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "અમે પહેલી સિક્વન્સ જોઈ, ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે આ કોરોના વાઈરસનું જ એક સ્વરૂપ છે અને તે સાર્સ સાથે 80 ટકા જેટલી સામ્યતા ધરાવે છે."
વાસ્તવમાં કોરોના વાઇરસ એ વાઇરસોનો મોટો પરિવાર છે, જેમાંથી સેંકડોની ઓળખ થઈ ચૂકી છે. તે ડુક્કર, ઊંટ, ચામાચીડિયાં તથા બિલાડીઓમાં જોવા મળે છે. કોવિડ-19એ કોરોના વાઇરસ સમૂહનું સાતમું સ્વરૂપ છે, જે પ્રાણીઓમાંથી માણસો સુધી પહોંચ્યું છે.
પ્રો. ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "અમારો બીજો સવાલ એ છે કે તેની સારવાર કઈ રીતે કરી શકાય છે. આ માટે પરીક્ષણની પદ્ધતિ તથા વાઇરસના પ્રસારની રીતને સમજવી જરૂરી છે."
ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "અમારી સામે ત્રીજો સવાલ એ છે કે આને માટે વૅક્સિન કેવી રીતે તૈયાર કરી શકાય? આ તમામનો જવાબ વાઇરસના જિનેટિક બ્લૂ પ્રિન્ટમાંથી જ મળે છે."
પ્રોફેસર ઍન્ડરસનના કહેવા પ્રમાણે, એવા અનેક પુરાવા મળ્યા છે, જેનાથી એવું કહી શકાય કે કોરોના વાઇરસની ઉત્પત્તિ ચામાચીડિયાંમાં થઈ હતી.
તેમણે કહ્યું, "આની શરૂઆત ચામાચીડિયાંમાંથી થઈ. આ સંપૂર્ણપણે કુદરતી વાઇરસ છે, કારણ કે ચામાચીડિયાંમાં અનેક પ્રકારના વાઇરસ જોવા મળે છે, પરંતુ તે માણસો સુધી કેવી રીતે પહોંચ્યો, તેના વિશે આપણે કશું નથી જાણતા."
ઍન્ડરસનની ટીમે ચામાચીડિયાંમાં જોવા મળતા અન્ય પ્રકારના કોરોના વાઇરસનો અભ્યાસ કર્યો, જે કોવિડ-19 સાથે 96 ટકા સામ્યતા ધરાવે છે. વૈજ્ઞાનિકોને પૅંગોલિન (કીડીખાઉં)માં જોવા મળતાં કોરોના વાઇરસ સાથે પણ કોવિડ-19 સમાનતા ધરાવે છે. પૅંગોલિનની એશિયામાં ભારે તસ્કરી થયા છે.
તો શું કોવિડ-19 વાઇરસ ચામાચીડિયાંમાંથી કીડિખાઉં સુધી પહોંચ્યો? પૅંગોલિનમાં વધુ પ્રોટિન હાંસલ કરીને તે માનવજાતિમાં પહોંચ્યો કે કેમ તેના વિશે વૈજ્ઞાનિકોએ તપાસ હાથ ધરી છે.
ચીનના વિજ્ઞાની પર કાર્યવાહી
પ્રો. જૈંગે દુનિયાના વૈજ્ઞાનિકો સાથે કોરોના વાઇરસની જિનેટિક સિક્વન્સ શૅર કરી, તેના બે દિવસની અંદર જ સ્થાનિક અધિકારીઓએ તેમની લૅબોરેટરીને બંધ કરાવી દીધી અને તેમનું રિસર્ચ લાઇસન્સ રદ કરી દેવાયું.
ચીની મીડિયાના જણાવ્યા પ્રમાણે, આની પાછળ કોઈ ઔપચારિક કારણ જણાવાયું ન હતું, પરંતુ પ્રોફેસર જૈગ તથા તેમની ટીમે દુનિયાભરના વિજ્ઞાનીઓ માટે અભ્યાસનો રસ્તો ખોલી નાખ્યો.
પ્રો. ઍન્ડરસનના કહેવા પ્રમાણે, "કોવિડ-19ના પહેલા જીનૉમ સિકવન્સ વગર અમે અભ્યાસ શરૂ ન કરી શક્યા હોત. તેના માટે અકલ્પનીય ઝડપભેર દુનિયાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડનાર વિજ્ઞાનીઓનો આભાર માનવો ઘટે."
દુનિયાના અન્ય ભાગોમાં પણ વાઇરસનો પ્રસાર સતત વધી રહ્યો હતો, વૈજ્ઞાનિકો તેને દેશના આધારે નહીં, પરંતુ ખંડના સ્તર ઉપર ટ્રૅક કરી રહ્યા હતા. વાઇરસની સમસ્યાનો જવાબ તેના જીનૉમમાં છૂપાયેલો છે.
પરંતુ તેના જિનેટિક કોડ દ્વારા કોવિડ-19 વાઇરસ કેટલા સમયમાં બેવડાય છે અને આટલો ઝડપથી કઈ રીતે ફેલાયો, તે વિશે કોઈ જવાબ નથી મળતો.
રહસ્યમય કડીઓ

જાન્યુઆરી મહિનાના અંત ભાગમાં ડૉ. એમા તથા 'નેકસ્ટસ્ટ્રેન'ની ટીમનું ધ્યાન અમુક સૅમ્પલ ઉપર પડ્યું, તેના જીનૉમ મહદંશે સમાન હતા, એટલું જ નહીં, જીનૉમમાં થનારું પરિવર્તન પણ સમાન પ્રકારનું હતું.
પરંતુ આ સૅમ્પલ દુનિયાના આઠ અલગ-અલગ દેશ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, બ્રિટન, જર્મની, અમેરિકા, ચીન અને નૅધરલૅન્ડ જેવા દેશોમાંથી લેવાયાં હતાં.
પ્રથમ નજરે ટીમને માલૂમ ન પડ્યું કે લાલ રંગવાળા સૅમ્પલ ક્યાંથી આવ્યા હતા.
ડૉ. એમાના કહેવા પ્રમાણે, "આ સૅમ્પલ એક જ વૃક્ષની ડાળીઓ જેવાં જણાતાં હતાં. આ બાબત અચરજ પમાડનારી હતી, કારણ કે જે લોકોના સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, તેમની વચ્ચે કોઈ સમાનતા ન હતી."
"ત્યાર બાદ અમને માલૂમ પડ્યું કે જે ઑસ્ટ્રેલિયન નાગરિકોનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, તેમણે ઈરાનની મુલાકાત લીધી હતી."
"આ એક મહત્ત્વપૂર્ણ પુરાવો હતો, કારણ કે અત્યાર સુધી અમારી પાસે ઈરાનનાં કોઈ સૅમ્પલ ન હતાં, પરંતુ આ વિશે માલૂમ થયા બાદ અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે તમામ લોકોને કાં તો ઈરાનમાં ચેપ લાગ્યો અથવા તો તાજેતરમાં ઈરાનથી પરત ફરેલાઓ સાથે સંપર્કમાં આવવાથી લાગ્યો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
કોવિડ-19ના જીનૉમ ઉપર નજર રાખવીએ મહત્ત્વપૂર્ણ બાબત સાબિત થઈ, કારણ કે વાઇરસ અપેક્ષા કરતાં વધુ ઝડપભેર બદલાઈ રહ્યો હતો.
જીનૉમને ટ્રૅક કરીને જ વિજ્ઞાનીઓ માટે અમુક સૅમ્પલની મદદથી સમગ્ર વિસ્તારમાં સંક્રમણ ફેલાવાના કારણોને સમજવું સરળ બન્યું.
ઈરાનનાં સૅમ્પલ, એક જ વૃક્ષની શાખા સમાન જણાતાં હતાં. આ સૅમ્પલ દ્વારા 'નેક્સ્ટસ્ટ્રેન'ની ટીમને માલૂમ પડ્યું કે આ બધાં ચેપનો એકમાત્ર સ્રોત ઈરાન છે, એટલું જ નહીં ઈરાનમાં પણ કોઈ એક જ સ્રોતમાંથી ફેલાયો હોવાની જાણ થઈ.
ઈરાનમાં કૉન્ટેક્ટ ટ્રૅસિંગ કરનારાઓને માલૂમ પડ્યું કે આ ચેપ પવિત્ર શહેર ક્યૂમમાંથી ફેલાયો હતો.
ક્યૂમમાં દરરોજ હજારો ધાર્મિક શ્રદ્ધાળુ આવતા અને બે અઠવાડિયાંની અંદર જ કોરોના વાઇરસ ક્યૂમમાંથી ઈરાનના દરે પ્રાંત સુધી પહોંચી ગયો.
કૉન્ટેક્ટ તથા જૂનૉમ ટ્રૅસિંગ દ્વારા વિજ્ઞાનીઓને દુનિયાભરમાં કોવિડ-19 ફેલાવાની ગતિ તથા તેના માધ્યમો વિશે માહિતી મળી.
છ મહિનાની સઘન શોધખોળ છતાં કોરોનાના નિષ્ણાતો એક ડગલું પાછળ જ છે - તેઓ હજુ સુધી એ જણાવી શકવા માટે સક્ષમ નથી કે કોરોના વાઇરસનો આગામી હુમલો ક્યારે અને ક્યાં થશે.
કોવિડ-19ની હજુ એક મોટી સમસ્યા એ છે કે એકબીજાના સંપર્કમાં આવવાથી આ બીમારી ફેલાય છે અને જોતજોતામાં આ ચેપ ઘાતક બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે, પરંતુ ઘણી વખત ચેપગ્રસ્તોમાં સામાન્ય કે નહીં જેવા લક્ષણ હોય છે.
લક્ષણ વગરના (અસિમ્પ્ટોમૅટિક) ચેપગ્રસ્તો દ્વારા કોવિડ-19નો ચેલ લાગવાની તપાસ ખૂબ જ મુશ્કેલ છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













