કોરોના વાઇરસ : હૉસ્પિટલ જ વેરણ બને તો પછી દરદી બિચારો શું કરે? - બેહાલ બિહારનો ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, નીરજ પ્રિયદર્શી
    • પદ, બીબીસી ગુજરાતી માટે, પટનાથી

બિહારની રાજધાની પટનામાં પાછલા દિવસોમાં એક પત્રકાર અમિત જયસ્વાલની તબિયત બગડી ગઈ. કોરોના વાઇરસનાં લક્ષણ હતાં. એક જુલાઈએ તેમણે પરીક્ષણ કરાવ્યું હતું.

પરીક્ષણ કેન્દ્ર પર કહેવામાં આવ્યું કે રિપોર્ટની સૂચના ફોન પર આપી દેવામાં આવશે. અમિત હોમ આઇસોલેશનમાં રહેવા લાગ્યા. આ દરમિયાન ફોન પર જ પરીક્ષણ કેન્દ્રના કર્મચારીઓ પાસેથી ટેસ્ટ રિપોર્ટ વિશે તપાસ કરતા રહ્યા.

અમિતના અનુસાર "મને કહેવાયું કે રિપોર્ટ પૉઝિટિવ આવે છે તો જ ફોન પર સૂચના અપાય છે અથવા રિપોર્ટની હાર્ડ કૉપી પણ આવે છે. ફોન નથી આવ્યો મતલબ એમ સમજો કે રિપોર્ટ નૅગેટિવ છે."

આ દરમિયાન અમિતે હોમ આઇસોલેશનમાં રહી ફોન પર ડૉકટરોની સલાહથી દવાઓ લીધી. પોતાની સારવાર કરી અને સ્વસ્થ પણ થઈ ગયા. 6 જુલાઈથી કામ શરૂ કરી દીધું. ઑફિસ પણ જવા લાગ્યા. 10 જુલાઈએ પટના પોલીસની એક પ્રેસ કૉન્ફરન્સમાં પણ ગયા.

અમિત જણાવે છે, "11 જુલાઈએ મને ફોન કરીને જણાવ્યું કે તમારો રિપોર્ટ પૉઝિટિવ છે. હું તરત દોડીને કેન્દ્ર પર પહોંચ્યો, પરંતુ ત્યાં એમ કહી દેવાયું કે ICMRની ગાઇડલાઇન અનુસાર તમે દસ દિવસનો સમય પૂર્ણ કરી લીધો છે. આથી હવે તમે નૅગેટિવ થઈ ગયા છો. ફરીથી તપાસ નહીં થાય."

અમિતના જણાવ્યા અનુસાર પોતાનો રિપોર્ટ પૉઝિટિવ હોવાની જાણકારી મળતા તકેદારી રૂપે તેમણે પોતાના પરિવારના સભ્યોના પણ ટેસ્ટ કરાવ્યા છે, પરંતુ પાંચ દિવસ વીત્યા પછી પણ હજુ સુધી રિપોર્ટ નથી આવ્યા.

આ મુદ્દો ફક્ત અમિતનો જ નથી. પરીક્ષણ કરાવવા માટે હજારો લોકો એક હૉસ્પિટલથી બીજી હૉસ્પિટલ ભટકી રહ્યા છે. રજિસ્ટ્રેશનના ચારથી પાંચ દિવસ પછી સૅમ્પલ આપવા માટેનો વારો આવી રહ્યો છે. રિપોર્ટ આવવામાં આઠથી દસ દિવસ લાગી રહ્યા છે.

અત્યારે જે પ્રકારે તપાસ થઈ રહી છે અને જે સંખ્યા જણાવાઈ રહી છે એના પર શંકા પણ ઊભી થાય છે.

શંકા એટલા માટે કે મીડિયા રિપોર્ટ પ્રમાણે બેગુસરાય અને રોહતાસમાં એવા પૉઝિટિવ કેસ આવ્યા છે કે જે દર્દીનું નામ ટેસ્ટ રિપોર્ટમાં છે, એમણે પરીક્ષણ કરાવ્યું જ નથી. બંને જગ્યાએ બે-બે આવા કેસ છે.

શું છે પરિસ્થિતિ?

બિહારમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ ઘણા ઝડપથી વધી રહ્યા છે. અંદાજ આ તથ્યો પરથી લગાવી શકાય છે.

રાજ્યમાં પહેલો પૉઝિટિવ કેસ 22 માર્ચે આવ્યો હતો. 3મેના રોજ 500 પૉઝિટિવ કેસ થયા.

31મે સુધી સંખ્યા 3807 હતી અને જૂન પૂરો થતાં સુધીમાં 9744 પર પહોંચી ગઈ.

પરંતુ એ પછી જે ઝડપે અહીંયાં સંક્રમણનો પગપેસારો થયો છે એનાથી બિહાર દેશભરની ચિંતા બની ગયું છે.

જુલાઈના પહેલા 18 દિવસની અંદર પ્રદેશમાં 15223 નવા કેસ મળ્યા છે. સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 24,967 થઈ ગઈ છે. મરણાંક 177 છે.

રાજ્યના રિકવરી રેટમાં પણ અણધાર્યો ઘટાડો થયો છે. જે 30 જૂને 77 ટકા હતો, તે 18 જુલાઈએ ઘટીને 63.17 ટકા પર આવી ગયો છે.

ખબર નથી ક્યારે વધશે તપાસ?

સૌથી ચિંતાજનક છે બિહારમાં અત્યાર સુધી ફક્ત 3 લાખ 68 હજાર 232 પરીક્ષણ જ થવું. જે વસતીના પ્રમાણમાં ફક્ત ત્રણ ટકા છે.

કહેવા માટે બિહાર સરકારે પટના શહેરી વિસ્તારના 25 સ્વાસ્થ્યકેન્દ્રો ઉપર રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ શરૂ કરી દીધો છે, પરંતુ દરેક કેન્દ્ર પર પરીક્ષણ માટે લાંબી લાઇન લાગી છે.

રાજ્યના સ્વાસ્થ્યમંત્રી મંગલ પાંડેનું કહેવું છે, "441 સેન્ટર કાર્યરત છે. ચાર મેડિકલ કૉલેજોને સમર્પિત હૉસ્પિટલ બનાવાઈ છે. કોરોના સૅમ્પલ હવે અનુમંડળ હૉસ્પિટલોમાં પણ લેવાઈ રહ્યા છે. રાજ્યની હૉસ્પિટલોમાં 40,000 રેપિડ ઍન્ટિજેન ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે. યુદ્ધ સ્તરે કોરોનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે."

પરંતુ જે દિવસે મંગલ પાંડેએ આ કહ્યું તે દિવસે સમગ્ર રાજ્યમાં ફક્ત 10,502 પરીક્ષણ જ થયાં. જ્યાં સુધી રોજ થતાં પરીક્ષણની વાત છે તો મુખ્ય મંત્રી નીતીશકુમારે 13મેએ કહ્યું હતું કે પરીક્ષણનો દર વધારીને દૈનિક ઓછામાં ઓછો 10,000 કરવામાં આવે, પરંતુ આ લક્ષ્ય મેળવવામાં એક મહિનાથી પણ વધુનો સમય (15 જુલાઈ) લાગ્યો.

હવે જેમતેમ કરીને પરીક્ષણ વધી રહ્યું છે, તો સંક્રમિતોની સંખ્યા પણ એ જ રીતે અથવા એનાથી પણ વધુ ઝડપે વધી રહી છે.

મુખ્ય મંત્રી હવે કેટલાક સપ્તાહથી એમ કહી રહ્યા છે કે તપાસનો દર વધારીને દૈનિક 20 હજાર કરવામાં આવે. જો પહેલાંની જેમ જ ચાલ્યું તો આ લક્ષ્ય સુધી પહોંચવામાં હજુ અનેક મહિના લાગશે.

હૉસ્પિટલમાં દાખલ થવું જંગ જીતવા જેવું?

કોરોના પૉઝિટિવ કેસોની સારવારને લઈને બિહાર સરકારે એક નવો નિયમ બનાવ્યો છે કે જે દર્દીઓને ચેપ તો લાગ્યો હોય, પણ લક્ષણ નથી, તેઓ પોતાના ઘરે જ આઇસોલેશનમાં રહે.

સવાલ એ છે કે તેઓ કઈ રીતે પોતાના ઘરમાં આઇસોલેશનમાં રહી શકશે કે જેઓ એક ઓરડાના ઘરમાં આખા પરિવાર સાથે રહે છે? એવા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.

"કોઈની તબિયત બગડવા પર અને કોરોનાનાં લક્ષણ હોવા છતાં કોઈ બિહારમાં તાત્કાલિક પરીક્ષણ કરાવી લે અથવા હૉસ્પિટલમાં દાખલ થઈ જાય એ ફક્ત એવા લોકો માટે જ શક્ય છે જેમને પાસે પહોંચ છે, પાવર છે અને પૈસા છે. આપણા જેવા લોકો માટે હૉસ્પિટલમાં ભરતી થવું એક જંગ જીતવા જેવું છે."

એવું કેમ? આ પૂછવા પર બિહારની સૌથી પહેલી કોરોના હૉસ્પિટલ એનએમસીએચમાં એક દર્દીનાં પત્નીએ કહ્યું.

તેઓ જણાવે છે "પતિ રાજાબજારમાં શાકભાજી વેચવાનું કામ કરતા હતા. ત્રણ-ચાર દિવસથી તાવ આવ્યો છે. શરીરમાં નબળાઈ છે. જ્યારે શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી તો નજીકના ક્લિનિકમાં બતાવવા ગયા, પરંતુ કોરોના વાઇરસને કારણે ત્યાં તપાસવાનો ઇન્કાર કરી દીધો. પીએમસીએચ મોકલી અપાયા. ત્યાં ગયા તો કહેવાયું કે એનએમસીએચ જાઓ. અહીં આવ્યા તો અહીં આ લોકો કહી રહ્યા છે કે સાંજે અમારો નંબર આવશે ત્યારે તપાસ થશે."

દર્દીનાં પત્ની જ્યારે આ બધું જણાવી રહ્યાં હતાં તે સમયે દર્દી તરફડી રહ્યા હતા. ખાંસી રહ્યા હતા. જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. હાલ પૂછતા ફક્ત એટલું જ કહી શક્યા "ઘણી તકલીફ છે" અને ફરી ખાંસવા લાગ્યા.

ત્યાં હાજર ડૉક્ટરોને દર્દીને ભરતી નહીં કરવાનું કારણ પૂછયું તો એમણે બિહાર સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા એક કોરિજેન્ડમનો હવાલો આપતા કહ્યું, "પટનાના દર્દીઓ માટે પીએમસીએચમાં વ્યવસ્થા છે. પણ ત્યાં પ્રશાસને પોતાના હાથ ઊંચા કરી દીધા છે એટલે અમારે નાછૂટકે બધા લોકોને ભરતી કરવા પડે છે. એમાં મોડું થઈ રહ્યું છે."

ઘણા આગ્રહ પર ડૉક્ટરોએ દર્દીને ભરતી તો કરી લીધા પરંતુ ત્યાં સુધી પરિસરની અંદર ચારથી પાંચ દર્દીઓ વધુ આવી ચૂક્યા હતા. આ એ લોકો હતા જેનો રિપોર્ટ પૉઝિટિવ હતો. જિલ્લા હૉસ્પિટલોએ રિફર કર્યા હતા. તેમ છતાં હૉસ્પિટલમાં ભરતી થઈ શકતા ન હતા, કારણ કે કથિતરૂપે કાગળની પ્રક્રિયા બાકી હતી.

શું સંક્રમણને રોકવામાં નથી આવી રહ્યું?

હૉસ્પિટલ પરિસરની હાલત ભયાવહ હતી. દર્દીઓના પરિવારજનો આ કાઉન્ટરથી પેલા કાઉન્ટરના ચક્કર લગાવી રહ્યા હતા. દર્દી બહાર ખુલ્લા તડકામાં તડપી રહ્યા હતા. કોઈ કૅન્સરના રોગી હતા, કોઈને બ્લડપ્રેશરની બીમારી હતી.

પરિસરમાં આમ તેમ જ્યાં-ત્યાં ઉપયોગમાં લેવાયેલા પીપીઈ કીટ, માસ્ક, ગ્લવ્ઝ વગેરે ફેંકાયેલાં હતાં. અમારી સામે જ એક મેડિકલ સ્ટાફ વૉર્ડની અંદરથી પીપીઈ કિટ પહેરીને નીકળી. ગેટ પાસે ઊભાં રહી તેને ઉતારી અને બાજુમાં પડેલી કચરાપેટીમાં ફેંકી દીધી. જે પહેલેથી ભરેલી હતી. એની ચારે તરફ પહેલેથી ફેલાયેલી કિટો પડેલી હતી.

ફક્ત મેડિકલ સ્ટાફ નહીં અનેક વાર વૉર્ડની અંદરથી સામાન્ય લોકો પણ નીકળ્યા. કોઈના હાથમાં ગ્લવ્ઝ ન હતાં. બધાના માસ્ક ગળા પર લટકી રહ્યા હતા. ગેટ ઉપર ગાર્ડ તો હતા, પરંતુ કોઈ રોક-ટોક થતી નહીં.

કોરોના હૉસ્પિટલના પરિસરની હાલત જોઈને લાગ્યું કે જે પ્રકારની વ્યવસ્થા છે, જો સંક્રમણ ફેલાવવાનું હશે તો ફક્ત પરિસરમાં પ્રવેશ કરી લેવાથી પણ ફેલાઈ જશે.

બધું જ WHO અને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇનથી ઊલટું થઈ રહ્યું હતું.

એનએમસીએચના ઇમરજન્સી વૉર્ડની અંદરની હાલત વધુ ડરાવનારી હતી. ચારે બાજુએ ગંદકી જ ગંદકી હતી. ક્યાંક ખાવાનું ફેંક્યું હતું તો ક્યાંક પાણી પ્રસરી રહ્યું હતું.

ભેજવાળા ઓરડાઓની અંદર પંખા નામના જ ચાલી રહ્યા હતા. કોઈ પણ ઓરડામાં જોવાથી દર્દી એવી નજરોથી જોતા જાણે કે ઘણી અપેક્ષાઓ રાખીને બેઠા હોય.

એક ઓરડાની અંદર આઠ પથારીઓ હતી. અમુક જ ખાલી દેખાતી હતી. મોટા ભાગના પર દર્દી હતા. પથારીઓ એ રીતે ગોઠવી હતી કે બે પથારી વચ્ચે બે મીટરનું અંતર પણ મુશ્કેલીથી નજર આવતું હતું.

એક રૂમની અંદર દર્દીઓ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે વૉર્ડમાં ડૉકટરો ક્યારેય પણ આવતા જ નથી. ફક્ત નર્સો જ આવે છે. એ પણ ઘણી આજીજી વિનંતી પછી. જ્યારે કોઈ દર્દીની તબિયત બગડવા લાગે ત્યારે.

દરભંગાના ડીએમસીએચથી રીફર કરાયેલા એક દર્દી જે 7 જુલાઈએ ભરતી થયા હતા. તેઓ કહે છે, "જ્યારથી હું ભરતી થયો છું, ત્યારથી બસ પહેલી વાર ભરતી થવાના સમયે અમે ડોક્ટરને જોયા હતા. એ પછી ડોક્ટર ફક્ત ફોન પર વાત કરે છે. નર્સો દવાઓ આપી જાય છે. એ પણ ખુલ્લી, જેને ખાવાનો વિશ્વાસ થાય નહીં. અમે લોકો બહારથી દવાઓ મંગાવીને લેવા મજબૂર છીએ."

એક દર્દી જે પટનાના બિહટાથી હતા અને 10 જુલાઈની રાતે ભરતી થયા હતા. તેઓ કહે છે, "પહેલી જ રાતે મને ડર લાગ્યો. વૉર્ડની અંદર કૂતરાં ફરી રહ્યાં હતાં. આખી રાત કોઈ પૂછવા ન આવ્યું. કૉમન બાથરૂમના દરવાજા પાસે કોણ જાણે ક્યારથી બૅગમાં પૅક કરીને મૃતદેહ રખાયેલો હતો, જે મારા આવ્યાના બે દિવસ પછી હઠાવાયો. મને લાગે છે કે જો કોઈ દર્દી 10% બીમાર હશે તો હૉસ્પિટલ આવીને 100% થઈ જશે. મારી સાથે પણ એવું જ થયું છે. શરૂઆતમાં મને કોઈ તકલીફ નહોતી. હવે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. ખાંસી થવા લાગી છે."

આધાર વિના ચાલતી હૉસ્પિટલ

એનએમસીએચ, જે બિહારની કોરોના હૉસ્પિટલ છે, તેના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન વધુ ચોંકાવનારી બાબતો સામે આવી છે.

બિહારની એકમાત્ર કોરોના હૉસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો નથી, ઝડપી ગતિએ ફેફસાંમાં ઓક્સિજન પહોંચાડી શકે એવાં સાધનો નથી અને મૃતદેહનો નિકાલ કરવા માટે નથી સંસાધનો કે નથી માણસો.

તાજેતરમાં જ આ હૉસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં એક દર્દીના પરિજને બતાવ્યું હતું કે કઈ રીતે આઈસીયુ વૉર્ડની અંદર પથારી પર મૃતદેહો મૂકવામાં આવ્યા છે. કથિત રીતે કોઈ પણ મૃતદેહોને જોવા માટે વૉર્ડમાં આવ્યા નથી. જોકે, બાદમાં બિહાર સરકારે કહ્યું કે વીડિયો ખોટો છે.

હૉસ્પિટલની અંદર આવી સિસ્ટમ જોઈને અમે અધીક્ષક નિર્મલકુમાર સિંહાની સવાલ કર્યા.

તેઓ કહે છે, "વીડિયોમાં એવું કંઈ પણ નહોતું કે જેનાથી ખબર પડે કે વીડિયો એનએમસીએચનો છે. લાશોનો નિકાલ કરવા માટે અમારી પાસે એક જ ટીમ છે અને તે પણ વિનવણી બાદ કામ કરી રહી છે. મૃતદેહનો નિકાલ કરવામાં પાંચથી છ કલાકની લાંબી પ્રક્રિયા છે અને એટલે વિલંબ થાય છે. અમે મૃતદેહોને ફક્ત રાત્રે જ સ્મશાનગૃહો અથવા કબ્રસ્તાન લઈ જઈએ છીએ કારણ કે દિવસમાં જવાથી વ્યવસ્થાઓ બગડી શકે છે. વધારાની શબવાહિની અને ડિસ્પોઝલ ટીમ માટે ઘણી વખત વિભાગને જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કઈ થયું નથી.

જ્યારે અધિક્ષકને પૂછવામાં આવ્યું કે, તમારી પાસે બીજું શું નથી?

તો તેમને જણાવ્યું, "એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં ઓછામાં ઓછા 25 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરો હોવા જોઈએ. કારણ કે તેમની આઈસીયુમાં સૌથી વધુ જરૂર છે. તેઓ જ આ લડતનો આધાર છે. પરંતુ અમારી પાસે એક પણ સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર નથી. અમે સહાયક પ્રોફેસર સાથે કામ કરીએ છીએ, જે પૂરતું નથી. "

સુપરિન્ટેન્ડન્ટ નિર્મલ સિંહા હજુ બીજા વૅન્ટિલેટરની માગ કરે છે. કારણ કે હોસ્પિટલમાં પથારીની સંખ્યા 447 છે, પરંતુ વૅન્ટિલેટર ફક્ત 58 છે.

તેઓ કહે છે, "આ રોગનો ઇલાજ કરવાનો સૌથી અસરકારક રસ્તો એ છે કે ઝડપી રીતે નાક દ્વારા ઓક્સિજન આપવું. આ ફક્ત વૅન્ટિલેટરથી શક્ય નથી. આ માટે જરૂર છે હાઈ ફ્રિક્વેનસી કેન્યુલાની, જે આપણી પાસે એક પણ નથી. "

મ્સમાં ભરતી મુશ્કેલ, પીએમસીએચમાં કોઈ વ્યવસ્થા નહીં

રાજ્ય સરકાર મુજબ કોવિડ-19થી સારવાર માટે પટણાની વધુ બે મોટી હૉસ્પિટલોમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક છે એઇમ્સ અને બીજી પીએમસીએચ.

એઇમ્સમાં પથારીની સંખ્યા 600 જેટલી નજીક છે. 400થી વધુ દર્દીઓ દાખલ થયા છે. પરંતુ પીએમસીએચના અધિક્ષકના જણાવ્યા મુજબ હાલમાં એક પણ દર્દી દાખલ નથી, કેમ કે હજી સુધી કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. રાજેન્દ્ર સર્જિકલ વોર્ડને વિશેષ કોરોના વોર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આવનારા સમયમાં અહીં સારવારની સુવિધા ઊભી થઇ જશે.

જોકે અગાઉ પીએમસીએચમાં કોવિડ-19ના દર્દીઓ રાખવામાં આવતા હતા, પરંતુ પીએમસીએચના ડઝનબંધ ડૉકટરો અને મેડિકલ સ્ટાફને ચેપ લગતા અને ચેપના કારણે એક વરિષ્ઠ ડૉક્ટરનું મોત નીપજતાં દર્દીઓને એનએમએચએચ અથવા એઈમ્સ ખસેડવામાં આવ્યા છે.

15 જુલાઈની રાત્રે, પીએમસીએચ હૉસ્પિટલમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી.

જ્યાં સુધી એઇમ્સની વાત છે, તો તેને હવે ડેડિકેટેડ કોરોના હૉસ્પિટલ બનાવવામાં આવી છે. પરંતુ અન્ય હૉસ્પિટલ અધિક્ષક દ્વારા રિફર કરવામાં આવ્યા હોય, માત્ર તેવા દર્દીઓને દાખલ કરવામાં આવે છે.

એનએમસીએચ અને પીએમસીએચની ખામીને લીધે, લોકો એઇમ્સમાં સારવાર માટે આવી રહ્યા છે, પરંતુ એઇમ્સ મૅનેજમૅન્ટ દરેક દર્દીને વોર્ડમાં દાખલ કરી રહ્યું નથી.

16 જુલાઇની બપોરે, એઇમ્સની અંદર જ્યાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ રાખવામાં આવે છે તે વોર્ડની બહાર લોકો જોવા મળ્યા. વાતચીતમાં, એવું જાણવા મળ્યું કે તેમાંથી ઘણાને ચેપ લાગ્યો છે અને વોર્ડમાં દાખલ થવાની રાહ જોઈ રહ્યા છે.

એક વ્યક્તિ ખૂબ જ મોટેથી ઉધરસ લેતી હતી અને ઝડપી શ્વાસ લઈ રહી હતી. તેમના પત્ની હૉસ્પિટલના આરોગ્ય કર્મચારીને વિનંતીઓ કરી રહ્યાં હતાં જેથી પતિને વોર્ડમાં દાખલ કરવામાં આવે.

પી.પી.ઈ. કિટ પહેરેલા આરોગ્ય કર્મચારીએ ખૂબ જ ગુસ્સેથી કહ્યું, "અમારા હાથમાં કંઈ નથી. જ્યારે ઉપરથી આદેશ આવશે ત્યારે દાખલ કરીશું. તમારો કાગળ ગયો છે, હવે ઓર્ડરની રાહ જુઓ."

આરોગ્ય કર્મચારીઓ બધા લોકોને આ એક જ વાત કહેતા હતા. તેમાંથી ઘણાની હાલત ગંભીર હતી. એક વૃદ્ધ દર્દી બે કલાકથી ઍમ્બ્યુલન્સમાં બેઠાં હતા, તેમનાં પત્ની પણ આરોગ્ય કર્મચારીઓ સામે તે જ રીતે વિનંતી કરી રહ્યાં હતાં અને તેમને પણ એ જ જવાબ મળ્યો.

આ અગાઉ, એઈમ્સનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં બિહાર સરકારના પૂર્વ સચિવનાં પત્ની પતિને હૉસ્પિટલમાં દાખલ કરાવવા હૉસ્પિટલના કર્મચારીઓને વિનંતી કરતા જોવાં મળ્યાં હતાં. બાદમાં તેમના પતિનું અવસાન થયું. દીકરાએ મૃત્યુનું કારણ જણાવતા કહ્યું કે કોરોના ચેપના કારણે નહિ પરંતુ સમયસર સારવાર નહીં મળવાથી મૃત્યુ થયું છે.

અમે હૉસ્પિટલના ડિરેક્ટર પ્રભાતકુમારને એઈમ્સ દાખલ કરવા અંગેનો પ્રશ્ન પૂછ્યો. તેઓ કહે છે, "જે દર્દીઓમાં લક્ષણો નથી, તેઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. જો શક્ય હોય તો, ઘરે આઇસોલેટ થઈ શકે છે અથવા નજીકના આઇસોલેશન સેન્ટરમાં જઈ શકે છે. દર્દીઓને આઇસોલેટ કરવાની જવાબદારી હૉસ્પિટલની નથી. અહીં ફક્ત તેવા દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જેમને બીજેથી રિફર કરવામાં આવે છે અથવા ગંભીર હાલતમાં છે.

એઈમ્સના ડિરેક્ટર કહે છે, "અમારી પાસે સારવાર માટે 600 જેટલા બૅડ છે. 400થી વધુ બૅડ ભરાઈ ગયા છે. જો બધા દર્દીઓ અમારી પાસે સારવાર માટે આવે તો અમે બધાને ક્યાં રાખીશું? માટે એ જરૂરી છે અન્ય સ્થળોએ પણ સારવારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે."

હૉસ્પિટલોમાં પથારીઓ અંગે, આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ 15 જુલાઈએ કહ્યું હતું કે રાજ્યની તમામ છ મેડિકલ કૉલેજો-હૉસ્પિટલોમાં 100-100 પથારી કોરોના દર્દીઓ માટે રાખવામાં આવી છે. તેમના કહેવા મુજબ રાજ્યમાં કુલ 39,517 આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

હવે પહેલો સવાલ એ છે કે શું હૉસ્પિટલમાં માત્ર 100 પથારી પૂરતી છે? કારણ કે બિહારમાં જિલ્લાઓમાંથી એવો એક પણ જિલ્લો નથી, જ્યાં 100થી ઓછા કોરોના વાઇરસના દર્દીઓ હોય.

બીજો સવાલ એ છે કે જ્યારે દર્દીઓને દાખલ કરવામાં હૉસ્પિટલો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને સરકારે પણ લક્ષણ વગરના દર્દીઓને હૉમ આઇસોલેશન માટે કહ્યું છે ત્યારે 39,517 આઇસોલેશન બૅડની વ્યવસ્થા કેમ કરવામાં આવી છે.

આ પ્રશ્નોના જવાબ જાણવા માટે, અમે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે સહિત રાજ્યના આરોગ્ય વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં. પ્રશ્નો પૂછવા પર ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો અને ઍપઇન્ટમેન્ટ માટે પૂછતા કોઈ જવાબ ન મળ્યો.

કોરોના વાઇરસ ચેપના મામલામાં બિહારની હાલની સ્થિતિ જોઈને એવું કહેવામાં કંઈ ખોટું નથી કે જો અહીંની સિસ્ટમ જો આ જ રીતે પોતાની જવાબદારીઓથી પાછળ હઠી જશે તો રાજ્યને વૈશ્વિક હૉટસ્પોટ બનતા કોઈ રોકી નહીં શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો