You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠામાં દલિત યુવકની હત્યા, ‘સાંજે અપહરણ કરાયું, સવારે મૃતદેહ મળ્યો’
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બનાસકાંઠા જિલ્લાના રવિ ગામ ખાતે દલિત યુવકનો મૃતદેહ નિર્વસ્ત્ર અવસ્થામાં મળી આવ્યો છે, પરિવારજનોનો આરોપ છે કે ઉચ્ચ-જ્ઞાતિના લોકોએ તેની હત્યા નિપજાવી છે.
પોલીસ ફરિયાદ પ્રમાણે, ગુરુવારે રાત્રે મૃતક પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરાયું હતું અને શુક્રવારે સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે છ આરોપી સામે નામજોગ એફ.આઈ.આર. દાખલ કરી છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે અને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે.
વિપક્ષ કૉંગ્રેસ તથા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠાવ્યા છે.
નિર્વસ્ત્ર અવસ્થામાં મળ્યો મૃતદેહ
મૃતકના નાનાભાઈ સંજય કેવાભાઈ ગલચરે નોંધાવેલી એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) મુજબ, 'રવિ મોટી ગામ ખાતે રહેતા છ શખ્સો ગુરુવારે રાત્રે આઠ વાગ્યા આજુબાજુ તેમના મોટાભાઈ પિન્ટુ ગલચરનું ગાળાગાળી કરીને અપહરણ કરી ગયા હતા.'
'શુક્રવારે સવારે રવિ ગામના બસસ્ટેન્ડ પાસેથી નિર્વસ્ત્ર અવસ્થામાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમને ગોંધી રાખીને માર મારવામાં આવ્યો હતો.'
યુવકની ઉંમર 27 વર્ષની હતી અને તેઓ છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, તેઓ પિતા તથા ભાઈબહેન સાથે રહેતા હતા.
એફ.આઈ.આર.માં આરોપી તરીકે ગામમાં રહેતા હંસરાજ પુરોહિત, ચેતન પુરોહિત, રામાભાઈ બ. પુરોહિત, રામાભાઈ ક. પુરોહિત, કીર્તિભાઈ પુરોહિત તથા ગૌતમ પુરોહિત સામે ફરિયાદ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે ફરિયાદના આધારે છ શખ્સોની ધરપકડ કરી છે.
બનાસકાંઠાના એસ.પી. (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) તરુણ કુમાર દુગ્ગલે બી. બી. સી. ગુજરાતીના સંવાદદાતા જયદીપ વસંત સાથે વાત કરતાં જણાવ્યું:
"પોલીસે ફરિયાદના આધારે તમામ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હત્યાના કારણો અંગે પૂછપરછ હાથ ધરી છે."
"આરોપીઓના કોવિડ-19 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યે અદાલતી કાર્યવાહી હાથ ધરવામાં આવશે."
પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડસંહિતા (ઇન્ડિયન પીનલ કોડ, આઈ.પી.સી.)ની કલમ 302, 364, 143, 294 (બી), તથા શિડ્યુલ્ડ કાસ્ટ ઍન્ડ શિડ્યુલ્ડ ટ્રાઇબ (પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટની કલમો લગાડી છે.
'ઝંપીને નહીં બેસીએ'
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને આ હત્યાની સરખામણી મધ્યપ્રદેશમાં દલિત દમનની ઘટના સાથે કરી હતી.
મેવાણીએ ટ્વિટર ઉપર લખ્યું, "ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રવિ ગામ ખાતે પિન્ટુ ગલચર નામના યુવકની ગતરાત્રે હત્યા કરી દેવાઈ હતી. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હત્યા બાદ તેમને નિર્વસ્ત્ર કરીને ઢસડવામાં આવ્યા છે. જ્યાર સુધી તમામ દોષિતોની ધરપકડ નહીં થાય ત્યાર સુધી અમે ઝંપીને નહીં બેસીએ."
મેવાણી બનાસકાંઠા જિલ્લા હેઠળ આવતી વડગામ વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વીટ કર્યું, "ભાજપના શાસનમાં જંગલરાજ. ગુજરાતના બનાસકાંઠાના રવિ ગામ ખાતે પિન્ટુ ગલચર નામના યુવકની રાત્રે હત્યા કરી દેવામાં આવી અને તેમને નિર્વસ્ત્ર ઢસડવામાં આવ્યા. વિજય રૂપાણીના શાસનમાં અપરાધીઓને કાયદા અને તંત્રનો કોઈ ભય ન હોય એવી ઘટનાઓ ઘટી રહી છે."
ચાવડાએ વિજય રૂપાણી, ગુજરાતના ડી.જી.પી. (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) તથા રાજ્યના રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા કૉંગ્રેસની દલિત પાંખના ચૅરમૅન નીતિન રાઉતને પણ ટૅગ કર્યા હતા.
ગુજરાત ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ બીબીસી સાથે વાત કરતા ઘટનાને વખોડી અને કહ્યું, "રાજ્ય સરકાર મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના ધરાવે છે અને ન્યાય અપાવવામાં તેમની સાથે છે. પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીને ઝડપી લીધા છે."
"કાયદો કાયદાનું કામ કરશે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો