કોરોના વાઇરસ કેસ : ગુજરાત હાઈકોર્ટ વિજય રૂપાણીની સરકારથી આટલી નારાજ કેમ થઈ?

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે મૃત્યુ સતત વધી રહ્યાં છે ત્યારે રાજ્યમાં કોરોનાની કામગીરીને લઈને હાઈકોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી છે.

ગુજરાત હાઈકોર્ટે કડક નિરીક્ષણ કરતા કહ્યુ છે કે, સરકારી હૉસ્પિટલોમાં ગરીબ લોકો સારવાર કરાવવા આવે છે એટલે એમની જિંદગીની કોઈ કિંમત નથી એમ ન સમજવું જોઈએ. સરકારે વધારે તકેદારી લેવાની જરૂર છે. સરકારી હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ઊંચો મૃત્યુ આંક ચિંતાનો વિષય છે.

ગુજરાત હાઈકોર્ટે એમ પણ કહ્યું કે સરકારે તમામ સુવિધાઓ યુદ્ધને ધોરણે પૂરી પાડવી પડશે. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે કડક અસંતોષ રજૂ કર્યો એની પાછળ એક રેસિડેન્ટ ડૉકટરે લખેલો પત્ર પણ કારણ ગણાવવામાં આવ્યો છે.

કોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન પછી ગુજરાત સરકારે આ અંગે લીધેલા પગલાંની તાત્કાલિક જાણ કરવા માટે સમય માગ્યો હતો.

જેના સંદર્ભમાં ગુજરાત સરકાર વતી સરકારી વકિલ મનીષા શાહે કોર્ટને કહ્યું હતું કે, અમદાવાદમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને છઠ્ઠી મેથી યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. સરકારે કુલ 42 હૉસ્પિટલમાં 50 બેડ ટકા કોરોના માટે ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા સરકારે 23 હૉસ્પિટલ સાથે જે એમઓયુ કર્યા હતાં તેને એક્સ્ટેન્ડ કર્યા છે. ચારના એમઓયુ બાકી છે અને આઠ હોસ્પિટલ એવી છે કે જેને સરકાર સાથે એમઓયુ કરવામાં રસ નથી.

line

સિવિલના એક ડૉકટરનો એ પત્ર

ગુજરાત હાઈ કોર્ટ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

અમદાવાદ સિવિલ હૉસ્પિટલની દયનીય સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે સરકારની આકરી ઝાટકણી કાઢી એમાં સિવિલ હૉસ્પિટલમાં કામ કરતા રેસિડેન્ટ ડૉક્ટરે લખેલાં એક પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોમાં કડક વલણ અપનાવ્યું તે બદલ અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે આ પત્રને જવાબદાર ગણ્યો છે.

આ પત્રમાં ડૉકટરે સિવિલ હૉસ્પિટલના ગેરવહીવટ વિશે વિગતે લખ્યું છે.

આ પત્રમાં ડૉક્ટરે દાવો કર્યો છે કે હૉસ્પિટલ મૅનેજમેન્ટને એ વાતની ચિંતા છે કે જો રેસિડેન્ટ ડૉક્ટર પૉઝિટિવ આવશે તો કોણ કામ કરશે?

એમણે એમ પણ કહ્યું કે, કોઈ સિનિયર ડૉક્ટર ઇમરજન્સી કે રાઉન્ડમાં આવતા નથી. તમામ દરદીઓની સારવાર જુનિયર ડૉક્ટરો દ્વારા કરવામાં આવી રહી છે અને તે છતાં સિનિયર ડૉક્ટરો અમને ડરપોક અને કામચોર કહે છે અને મૅનેજમેન્ટ દ્વારા રેસિડેન્ટ માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

પત્રમાં લખવામાં આવ્યું છે કે અમારા વિભાગના આઠ ડૉક્ટરો અને મારા જ યુનિટના પાંચ રેસિડેન્ટ ડૉક્ટરો કોરોના વાઇરસના પૉઝિટિવ આવ્યા, અમે ટેસ્ટ કરાવ્યો તે બદલ અમારી ટીકા કરવામાં આવી હતી.

પાંચ દિવસથી અમે 30થી પણ વધારે રેસિડેન્ટ ડૉક્ટર મેરિઍટ હૉટલમાં સારવાર લઈ રહ્યા છીએ પણ હૉસ્પિટલના મૅનેજમેન્ટમાંથી કોઈએ પણ અમારી સ્થિતિ જાણવા ફોન કર્યો નથી.

ડૉક્ટર લખે છે કે હું જ્યારે કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યો ત્યારે હું કોરોના વાઇરસ સિવાયની ડ્યૂટી પર લાગ્યો હતો. એ એવો સમય હતો જ્યારે એલજી હૉસ્પિટલ અને અમદાવાદની અન્ય 90 ટકા હૉસ્પિટલો બંધ હતી અને અમારા પર દરદીઓનો લોડ ખૂબ જ હતો. આમ છત્તા પણ અમને પીપીઈ કિટ અથવા એન-95 માસ્ક આપવામાં આવ્યા ન હતા. સામાન્ય ડિલિવરી કરાવવા માટે અમારી પાસે યોગ્ય હાથમોજા પણ ન હતા. તેઓ બહાના કરતા કે આ પ્રકારનું તમામ મટિરિયલ 1200 બેડની હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

એમણે કહ્યું કે મૅનેજમૅન્ટ એ સમજી જ નથી રહ્યું કે કોરોના વાઇરસના પૉઝિટિવ વ્યક્તિ જો નોન કોવિડ ડ્યૂટી પર દરદી સાથે કામ કરે છે તો દરદી પણ સાજા થવાની જગ્યાએ કોરોના વાઇરસની ઝપેટમાં આવી શકે છે.

ડૉક્ટરે પત્રમાં લખ્યું છે કે, જે દિવસે મારો કોરોનાનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો તે દિવસે મેં ત્રણ મહિલાઓની સામાન્ય ડિલિવરી કરી હતી અને એક સી-સેક્શન કર્યું હતું. આમ, હું 20 જેટલાં દરદીઓ અને નવજાત બાળકોનાં સીધા સંપર્કમાં આવ્યો હતો. હાલ સુધી તેનું કોઈ કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું નથી. કોઈ ઑથોરિટીએ તેની તપાસ પણ કરી નથી.

સરકારી હૉસ્પિટલની સ્થિતિ સુધરશે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર સરકારી હૉસ્પિટલમાં ગરીબોને સેવા આપવામાં ઊણી ઊતરી છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં અપાતી સેવાઓ કથળેલી સ્થિતિમાં છે. સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધામાં વધારો કરવો જોઈએ.

હાઈકોર્ટે કહ્યું કે, આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. સરકાર આટલો મોટો મોતનો આંકડો હોવા છતાં કડક રીતે વર્તી રહી નથી, જે ડૉક્ટર આવા કપરી સ્થિતિમાં સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવવા આવ્યા નથી એમની તાત્કાલિક બદલી કરવી જોઈએ. મોટા ભાગનું કામ સિનિયર ડૉક્ટરોના બદલે રૅસિડેન્ટ ડૉક્ટરોના હાથમાં નાંખી દેવામાં આવે છે તે યોગ્ય નથી.

સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા વધારવી જોઈએ અને પ્રાઇવેટ લૅબમાં પણ જે લોકોનો ટેસ્ટ થાય તેના પૈસા સરકારે આપવા જોઈએ. જે દર્દીઓને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે તેમના ટેસ્ટ પણ ફરજિયાત કરાવવા જોઈએ એમ હાઈકોર્ટે કહ્યું.

હાઈકોર્ટે કહ્યું કે, ડૉક્ટર નર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓને N-95 માસ્ક અને પીપીઈ કિટ જેવા સાધનો તાત્કાલિક અસરથી મળવા જોઈએ. જે ખાનગી હૉસ્પિટલો કોરોનાના દર્દીઓ માટે બેડ આપવાની ના પાડે તેમની સામે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવો જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, સૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં ડૉક્ટરો અને દરદીઓને પડી રહેલી હાલાકી દૂર કરવામાં સરકાર નિષ્ફળ જશે તો હાઈકોર્ટ ખુદ વીડિયો કૉન્ફરન્સિંગથી ડૉક્ટરો સાથે વાત કરશે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ પોતાના અવલોકનોમાં એ પણ નોંધ્યું છે કે, અમદાવાદની ઍપોલો, ઝાયડસ, ગ્લોબલ હૉસ્પિટલ, આનંદ સર્જિકલ અને યુ.એન મહેતા જેવી હૉસ્પિટલના બેડ શા માટે લેવામાં નથી આવતા એનો પણ સરકાર ખુલાસો કરે.

line

સરકાર હરકતમાં આવી

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગુજરાત હાઈકોર્ટના અવલોકન પછી ગુજરાત સરકાર હરકતમાં આવી છે.

ગુજરાત સરકારે હવે કોરોના માટે યુ.એન મહેતામાં 1200 બેડની કોવિડ હૉસ્પિટલ તાત્કાલિક ખોલવાનો નિર્ણય કરી દીધો છે.

આ અંગે અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ. એમ પ્રભાકરે બી.બી.સી સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે અહીં ડૉક્ટરોને પૂરતી સુવિધાઓ આપી રહ્યા છીએ. ગુજરાત હાઈકોર્ટના જે આદેશો અને અવલોકનો છે તેનું સંપૂર્ણ રીતે પાલન કરીએ છીએ. હાઈકોર્ટે નવી જે ગાઇડલાઇન આપી છે તેને પણ અનુસરીશું અને તેના 25 મેથી 1200 બેડની યુ.એન મહેતા હૉસ્પિટલમાં કોવિડ હૉસ્પિટલ શરૂ કરાશે.

સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મૃત્યુદર છે તેવા હાઈકોર્ટના અવલોકન પર તેમણે ડૉ. પ્રભાકરે કહ્યું કે, અહીં આવતા મોટા ભાગના દરદીઓ છેલ્લા સ્ટેજમાં હોય છે. આ ઉપરાંત અન્ય હૉસ્પિટલોની સરખામણીમાં અહીં દરદીઓની સંખ્યા બમણી છે એટલે આંકડાની દૃષ્ટિએ મૃત્યુ આંક ઊંચો દેખાઇ રહ્યો છે.

ડૉ. પ્રભાકરે દાવો કર્યો કે વાસ્તવમાં સાજા થનારાઓનો આંકડો ઘણો મોટો છે.

એમણે કહ્યું કે, અહીં અમે મહેનત કરીને કોરોનાગ્રસ્ત સગર્ભાઓની સફળ પ્રસૂતિઓ કરાવી છે અને જે સાધનોની કમી છે એ અંગે સરકારને જાણ કરી છે અને સરકાર નજીકના દિવસોમાં આ સાધનો પૂરા પાડશે જેથી મૃત્યુ આંક આના કરતાં પણ ઓછો આવશે.

line

શું કહેવું છે સરકારનું?

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

જોકે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જંયતી રવિએ ગુજરાત હાઈકોર્ટના અવલોકનો બાબતે મેટર સબજ્યુડિસ ગણાવી ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો. એમણે કહ્યું કે, અમે કોરોનાને અટકાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ. મેટર સબજ્યુડિસ હોવાથી હાઈકોર્ટના અવલોકન પર હું કોઈ ટિપ્પણી કરી નહીં શકું.

ગુજરાતના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, સરકાર કોરોનાના બાબતે કોઈ સ્વતંત્ર નિર્ણય લઈ શકતી નથી. આઇસીએમઆરની ગાઇડલાઇન પ્રમાણે જ અમારે કામ કરવું પડે છે અને અમે એ ગાઇડલાઇન પ્રમાણે કામ કરી રહ્યા છીએ.

નીતિન પટેલે પણ દાવો કર્યો કે, સિવિલ હૉસ્પિટલમાં તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અમે ગુજરાતમાં કોરોનાના દરદીઓ માટે 21 હજાર પથારીઓ ઊભી કરી છે. હાઈકોર્ટે કેટલીક હૉસ્પિટલનો સમાવેશ કેમ નથી કર્યો એવા સવાલો ઊભા કર્યા છે તો અમે આ હૉસ્પિટલોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ. અમે આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં કામગીરીનો જવાબ રજૂ કરીશું.

line

કૉંગ્રેસનો આરોપ

શક્તિસિંહ ગોહિલ

ઇમેજ સ્રોત, ShaktiSinh Gohil Social Media

ઇમેજ કૅપ્શન, શક્તિસિંહ ગોહિલ

કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, ગુજરાત સરકાર કોરોનાને નાથવા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. એમનો કોઇ ઍક્શન પ્લાન નથી. જેના કારણે અનેક લોકોનાં મોત થઇ રહ્યા છે અને સરકારની નિષ્ફળતાને જો હાઈકોર્ટ જોઇ શકતી હોય તો તે પોતે કેમ જોઈ શકતા નથી.

line

ખાનગી હૉસ્પિટલો શું કહે છે

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઈકોર્ટે ખાનગી હૉસ્પિટલોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઍપોલો હૉસ્પિટલનો સંપર્ક સાધતા ઍપોલોના પી.આર.ઓ સંદીપ જોષીએ કહ્યું કે, ભૌગોલિક રીતે ઍપોલો હૉસ્પિટલ ભાટ ગામમાં આવેલી છે અને તે ગાંધીનગર જિલ્લામાં આવે છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અહીં કોરોના હૉસ્પિટલ માટે અલગ બેડની માગણી થઈ છે અને અમે બેડ ફાળવી છે. હાલ, અમારે ત્યાં કોરોનાની સારવાર ચાલે છે.

ઝાયડસ હૉસ્પિટલના બિઝનેસ હેડ ડૉ. વી.એન શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે કોરોનાના દરદીઓ માટે બેડ ફાળવવાની ના પાડી જ નથી. આવી મહામારીમાં અમે અમારી તમામ સુવિધાઓ આપવા તૈયાર છીએ. સરકારનો આદેશ મળતા જ કોરોના માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો