કોરોના સંકટ : સરકાર સામે સવાલ ઉઠાવનાર દલિત ડૉક્ટર મૅન્ટલ હૉસ્પિટલમાં કેમ?

ઇમેજ સ્રોત, UGC
- લેેખક, વી. શંકર
- પદ, બી.બી.સી. ગુજરાતી માટે
વિશાખાપટ્ટનમના આ દલિત ડૉક્ટર કે. સુધાકરના શરીર પર ઉપરના ભાગે કોઈ કપડાં નથી અને એક પોલીસ કૉન્સ્ટેબલ તેમને લાત મારીને જમીન પર પાડી દે છે.
ડૉક્ટરની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓ અને ઑનલાઇન યૂઝર્સ આ મામલે સરકારની આકરી ટીકા કરી રહ્યા છે.
સુધાકર આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લાની નરસીપટ્ટનમ ક્ષેત્રીય સરકારી હૉસ્પિટલમાં ઍનેસ્થિયૉલૉજિસ્ટ તરીકે કામ કરતા હતા.
ગત મહિને તેમને અનુશાસનાત્મક કારણ આગળ કરી સસ્પેન્ડ કરી દીધા હતા. સુધાકરે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ડૉક્ટરોને પૂરતી સંખ્યમાં પી.પી.ઈ. (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) કિટ્સ અને એન-95 માસ્ક અપાતાં નથી.
ડૉક્ટર સુધાકરના હાથ પાછળથી બાંધેલા છે અને એક કૉન્સ્ટેબલ તેમને ખરાબ રીતે મારી રહ્યા છે.
બાદમાં તેમને પકડીને ઑટોરિક્ષામાં નાખ્યા હતા અને પોલીસ-સ્ટેશન લઈ ગયા હતા. આ સમયે લોકો આશ્ચર્ય સાથે આ બધું જોઈ રહ્યા હતા.
વિશાખાપટ્ટનમના પોલીસકમિશનર આર. કે. મીણાએ બાદમાં એલાન કર્યું કે ડૉક્ટર સાથે બેરહમીથી વર્તન કરનાર કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે અને આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ટીડીપીની મહિલા શાખાનાં નેતા વંગલાપુડી અનિતાએ સોમવારે આંધ્ર પ્રદેશની હાઈકોર્ટને એક પત્ર લખીને ડૉક્ટર સુધાકર રાવ સાથે પોલીસના ખરાબ વર્તનની ફરિયાદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ દિવસે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
વિશાખાપટ્ટનમના પોલીસકમિશનર આર. કે. મીણાએ બી.બી.સી. તેલુગુને જણાવ્યું કે:
"પોલીસ કંટ્રોલ રૂમને એક કૉલ મળ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું એક શખ્સ વિશાખાપટ્ટનમના અકય્યાપાલમ વિસ્તારના હાઈવે પર હંગામો કરી રહી છે."
તેમના અનુસાર, 'પોલીસ સ્થળ પર પહોંચી અને જાણ્યું કે આ શખ્સ નરસીપટ્ટનમ સરકારી હૉસ્પિટલમાં એક ડૉક્ટર છે, જે હાલ સસ્પેન્ડ છે.'
"દારૂના નશામાં ડૉક્ટર સુધાકર રાવ હોબાળો કરી રહ્યા હતા. દરમિયાન તેઓએ દારૂની એક બૉટલ પણ રસ્તા પર ફેંકી હતી."
"તેમણે લોકોને ગાળો આપી હતી. બાદમાં સ્થાનિક લોકોએ તેમને પકડી લીધા અને તેમના હાથ બાંધી દીધા અને પોલીસને જાણ કરી."
પોલીસકમિશનર અનુસાર, "તેમણે એક કૉન્સ્ટેબલનો મોબાઇલ છીનવીને ફેંકી દીધો. ડૉક્ટર કોઈ મનોવૈજ્ઞાનિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે."
મીણાએ કહ્યું કે પોલીસે ડૉક્ટર સુધાકરને કસ્ટડીમાં લઈને પોલીસ-સ્ટેશનમાં મોકલી દીધા હતા, જેથી નેશનલ હાઈવે પર કોઈ સમસ્યા ન સર્જાય.
કમિશનરે જણાવ્યું, "અમે મેડિકલ તપાસ માટે તેમને જ્યૉર્જ હૉસ્પિટલ મોકલ્યા હતા. ડૉક્ટરોની સલાહ પ્રમાણે અમે તેમને મૅન્ટલ હૉસ્પિટલ મોકલી દીધા છે."
જોકે હવે આખો મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. વિપક્ષમાં બેસેલી તેલુગુ દેશમ્ પાર્ટીનો આરોપ છે કે સરકાર ડૉક્ટરથી બદલો લઈ રહી છે, કેમ કે તેમણે રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
પાર્ટીએ ડૉક્ટરના સમર્થનમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનનું આયોજન પણ કર્યું હતું.
બીજી તરફ ડૉક્ટરનું કહેવું છે કે તેઓ સંપૂર્ણ ફિટ છે અને તેઓ સરકાર પાસે માગ કરે છે કે તેમનું સસ્પેન્શન ખતમ થાય, જેથી તેઓ ફરી કામ પર આવી શકે.
પોલીસે તેમની સામે હંગામો કરવાનો કેસ દાખલ કર્યો છે. જોકે સરકારી મૅન્ટલ હૉસ્પિટલના ડૉક્ટરોનું કહેવું છે કે તેમને બે અઠવાડિયાં સુધી દેખરેખ હેઠળ રાખવાની જરૂર છે.
કોણ છે ડૉક્ટર સુધાકર અને શું છે વિવાદ?
સુધાકર નરસીપટ્ટનમ એરિયા હૉસ્પિટલમાં ઍનેસ્થિયૉલૉજિસ્ટ તરીકે કામ કરે છે. બે એપ્રિલે નરસીપટ્ટનમમાં કોરોના વાઇરસના ત્રણ કેસ સામે આવ્યા હતા.
આ લોકોને એ જ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સુધાકર કામ કરતા હતા.
એ દિવસે પોલીસઅધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ બેઠક કરીને ચર્ચા કરી હતી કે કોવિડ-19ના દર્દીની સારવાર કેવી રીતે કરવી.
સુધાકરે આ મિટિંગમાં સાધનોના અભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આથી અધિકારીઓએ તેમને બેઠકમાંથી બહાર કાઢી મૂક્યા હતા.

ઇમેજ સ્રોત, UGC
બાદમાં સુધાકરે સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું, "સરકાર કોવિડના દર્દીઓની સારવાર કરતાં ડૉક્ટરો અને સ્ટાફને પૂરતી સંખ્યામાં સુરક્ષાનાં સાધનો અને પી.પી.ઈ. કિટ્સ આપતી નથી."
"અમને એક માસ્ક 15 દિવસ સુધી વાપરવાનું કહેવામાં આવ્યું છે. પોતાનો જીવ જોખમમાં નાખીને અમે કેવી રીતે દર્દીની સારવાર કરી શકીએ."
તેમની આ ટિપ્પણીનો વીડિયો વાઇરલ થતાં જ રાજ્ય સરકારે તેમના આરોપ પર તપાસના આદેશ આપ્યા અને અનુશાસનાત્મક રીતે ડૉ. સુધાકરને સસ્પેન્ડ કરી દીધા.
સરકારે પોતાના નિવેદનમાં કહ્યું કે 'જો કોઈ મુદ્દો હતો તો સુધાકર તેને ઉચ્ચ અધિકારીઓ સામે ઉઠાવી શકતા હતા. તેમના નિવેદનથી સ્વાસ્થ્યકર્મીઓના મનોબળને અસર પહોંચી છે.'
કેટલાક દિવસો પછી સુધાકરે માન્યું કે તેમનાથી ભૂલ થઈ છે અને તેમણે એક વીડિયો સંદેશના માધ્યમથી મુખ્ય મંત્રીની માફી માગીને પોતાનું સસ્પેન્શન ખતમ કરવાની વિનંતી કરી. જોકે સરકારે તેમના પક્ષમાં કોઈ આદેશ આપ્યો નથી.
ડૉક્ટરનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર સુધાકરનું કહેવું છે કે શનિવારે તેઓ પોતાની લૉનનો હપતો બૅન્કમાં જમા કરાવવા આવ્યા હતા.
તેઓએ કહ્યું, "હું 10 લાખ રૂપિયા કૅશ લઈને બૅન્કમાં જતો હતો, જેથી લૉનનો હપ્તો ભરી શકું."
"પહેલાં પોલીસે મને મરીપાલમ જંક્શન પર રોક્યો. બાદમાં મને ફરી પૉર્ટ હૉસ્પિટલ જંક્શન પર રોક્યો. તેમણે મારો ફોન અને પૈસા છીનવી લીધા."
"તેમણે મને માર્યો. છેલ્લા કેટલાક દિવસથી લોકો મને ફોન પર ધમકી આપે છે."
"લોકો મારી ટીકા કરે છે કે હું પાંચ રૂપિયાના માસ્કના વિવાદમાં સસ્પેન્ડ થયો છું. આજે પોલીસે મારા પર હુમલો કર્યો છે."
પોલીસે તેમને અટકાયતમાં લીધા એ પછી તેમણે મીડિયા સાથેની વાતચીતમાં આ વાત કહી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું હતું કે હજુ તેમની નોકરીનાં પાંચ વર્ષ બાકી છે અને તેઓ તેને પૂરી કરવા માગે છે.
જોકે પોલીસે તેમના આરોપોનું ખંડન કર્યું અને કહ્યું કે ડૉક્ટરે જ હાઈવે પર હંગામો શરૂ કર્યો હતો.
હાલમાં સુધાકર સરકારી મૅન્ટલ કૅર હેલ્થ હૉસ્પિટલમાં છે. હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાધા રાણીએ બીબીસીને જણાવ્યું કે તેઓને બે અઠવાડિયાં સુધી દેખરેખ હેઠળ રખાશે.
ડૉ. રાણીએ કહ્યું, "અમારું પ્રાથમિક આકલન છે કે ડૉ. સુધાકર ગંભીર અને ક્ષણિક મનોવિકારથી પીડાઈ રહ્યા છે."
"જોકે અમને તેમની સ્થિતિનો અંદાજ લગાવવા માટે બે અઠવાડિયાંનો સમય જોઈશે. અમે પોલીસને આ અંગે જણાવ્યું છે."
"હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને અમે તેમની સારવાર કરી રહ્યા છીએ."
'મારા દીકરાને ઘરે મોકલી દો'
ડૉક્ટર સુધાકરનાં માતા કાવેરીએ આરોપ લગાવ્યો છે કે જે દિવસથી તેમના દીકરાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા, ત્યારથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.
તેમણે બી.બી.સી. તેલુગુને જણાવ્યું, "એક ડૉક્ટર તરીકે મારા પુત્રનું મોટું નામ છે, પણ ચિંતા વ્યક્ત કર્યા બાદ તેમને અપમાનનો સામનો કરવી પડી રહ્યો છે. મને બહુ ખોટું લાગે છે."
"છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી તે તણાવમાં છે. તેને કોઈ માનસિક બીમારી નથી. હું સરકાર પાસે માગ કરું છું કે તેને ઘરે મોકલી દેવાય અને તેનું સસ્પેન્શન રદ કરાય."

રાજકીય રંગ

ઇમેજ સ્રોત, UGC
રાજ્યમાં ડૉક્ટર સુધાકરના વિવાદે રાજકીય રંગ પકડ્યો છે. ટીડીપી સરકાર પર ડૉક્ટરનો અવાજ દબાવવા અને તેમની સામે બદલો લેવાનો આરોપ લગાવે છે.
જોકે સત્તાધારી વાય.એસ.આર. સી.પી.નું કહેવું છે કે ડૉક્ટર ટીડીપીના ખેલમાં બલિનો બકરો બની ગયા.
સત્તાધારી પાર્ટીના સંસદસભ્ય નંદીગ્રામ સુરેશે કહ્યું, "ડૉક્ટર સુધાકર ટીડીપી માટે કામ કરતા હતા."
"તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં ટીડીપીના ટિકિટ પર ચૂંટણી લડવાની કોશિશ પણ કરી હતી."
"વિપક્ષી પાર્ટી મનોવૈજ્ઞાનિક રીતે અસ્થિર આ દલિત ડૉક્ટરના માધ્યમથી સરકારને મુશ્કેલીમાં નાખવા માગે છે."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












