કોરોના વાઇરસ બાદ બાળકોમાં જોવા મળતી આ વિચિત્ર બીમારી શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, YVAN COHEN

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બેંગ્લુરુથી, બીબીસી ગુજરાતી માટે

અત્યાર સુધીમાં તો એવું જ માનવામાં આવતું હતું કે બાળકોમાં કોરોના વાઇરસનાં ગંભીર લક્ષણો નથી જોવા મળતાં, પરંતુ ચેન્નઈમાં આઠ વર્ષના એક બાળકમાં કોરોના વાઇરસનું એક ગંભીર લક્ષણ એટલે હાઇપર ઇન્ફ્લેમેટરી સિંડ્રોમ જોવા મળ્યું છે.

હાઇપર ઇન્ફ્લેમેટરી સિંડ્રોમના કેસમાં જો તાત્કાલિક ધોરણે સારવાર ન મળે તો શરીરનાં ઘણાં અંગો કામ કરવાનું બંધ કરી શકે છે.

આનાં ઘણાં લક્ષણો કાવાસાકી બીમારી જેવાં હોય છે જેમાં રક્તવાહિનીઓ પર સોજો ચઢી જાય છે.

ચેન્નઈની કાચી કમાકોટી ચાઇલ્ડ્સ ટ્રસ્ટ હૉસ્પિટલના ડિરેક્ટર ડૉક્ટર એસ.બાલાસુબ્રમણ્યમે બીબીસીને જણાવ્યું કે, "જ્યારે વાઇરસ શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીરની રક્ષા કરનાર તમામ હથિયાર તેની સામે લડવા તૈયાર થઈ જાય છે."

વીડિયો કૅપ્શન, Coronavirus દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?

"જો કોઈ વ્યક્તિનું શરીર તેની સામે તીવ્ર પ્રતિક્રિયા આપે તો તેના શરીરમાં મોટા પ્રમાણમાં પ્રોટીન ઉત્પન્ન થાય છે જે સંક્રમણ સામે લડવા માટે જરૂરી છે. પરંતુ આ પરિસ્થિતિમાં તે શરીરને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારે ટોક્સિક શૉક સિંડ્રોમની બાળકો પર અસર થાય છે."

ડૉક્ટર બાલાસુબ્રમણ્યમના સાથી ડૉક્ટર બાલા રામચંદ્રન કહે છે, "બાળકને સતત તાવ હતો, ગળું અને જીભ પર સોજો હતો, હોઠ ફાટી રહ્યા હતા અને તે ખૂબ જ બીમાર દેખાતું હતું."

"પહેલાં હૉસ્પિટલે તેનો કોવિડ-19નો ટેસ્ટ કર્યો હતો, પરંતુ તેમાં તે બાળકનો ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો. ત્યાર બાદ ચાર દિવસ સુધી તેને તાવ રહ્યો. નવમા દિવસે તે જ લૅબના રિપોર્ટમાં તે બાળક કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું."

ડૉક્ટરોનું કહેવું છે કે બાળકની સારવાર કરવામાં આવી અને તેને 15 દિવસ પછી રજા આપવામાં આવી.

line

અમેરિકા-યુરોપમાં આવી ગયા છે આવા કેસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

નોંધનીય છે કે આ પ્રકારના કેસ યુરોપ અને અમેરિકામાં બાળરોગના નિષ્ણાતોને પરેશાન કરતા રહે છે.

મેડિકલ જનરલ લાંસેટના 7 મેના અંકમાં છપાયેલા એક અહેવાલ અનુસાર, એપ્રિલના મધ્યમાં લંડનની સાઉથ ટેમ્સ રિટ્રાઇલ સર્વિસમાં આઠ બાળકોમાં આવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. જેમાં કોરોના વાઇરસની સાથે સાથે અન્ય બીમારીના લક્ષણ જોવા મળ્યાં હતાં.

ડૉક્ટર રામચંદ્રન કહે છે, "અમે તેના જેવા કેસોને તપાસી રહ્યા છીએ."

કાવાસાકી બીમારીમાં રોગપ્રતિકારક શક્તિ પર હુમલો થતો હોય છે. આવું કયા કારણે થાય છે તે હજુ સ્પષ્ટ નથી.

પરંતુ તે શરીરનાં તમામ અંગોને અસર પહોંચાડે છે અને તેની શરૂઆત હૃદયથી થાય છે.

ટોક્સિક શૉક સિંડ્રોમ એક પ્રકારનું બૅક્ટેરિયલ સંક્રમણ છે જેની સારવાર એન્ટિબાયોટિકથી થઈ શકે છે.

ડૉક્ટર રામચંદ્રન કહે છે કે બંને એક-બીજામાં સમાઈ જાય છે.

line

પરિવારના સભ્યોએ શું કાળજી રાખવી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર બાલાસુબ્રમણ્યન કહે છે, "આમાં તાવનું લક્ષણ ચિંતાજનક નથી, પરંતુ જો બાળક અસામાન્ય રીતે માંદું હોય, ખૂબ જ થાકેલું, કાંઈ ખાઈ ના શકતું હોય, ઓછો પેશાબ આવી રહ્યો હોય, વધુ પરસેવો, શરીર પર ફોલ્લીઓ, જીભ અને આંખનું લાલ થવું આ સિવાય પેટમાં દુખાવો હોય તો પરિવારના સભ્યોએ આવાં લક્ષણોથી પીડાતા બાળકને તરત દવાખાને લઈ જવું જોઈએ."

આવા બાળકની સારવાર વખતે ડૉક્ટર એ જુએ છે કે બાળક સામાન્ય રીતે કેટલો શ્વાસ લઈ રહ્યું છે અને તેનાં લોહીનું પરિભ્રમણ કેટલું સામાન્ય છે.

ડૉક્ટર બાલાસુબ્રમણ્યન કહે છે, "કોરોનાની જેમ જ હાઇપર ઇન્ફેલેમેટરી સિંડ્રોમનો પણ ઇલાજ નથી. તેમાં બાળકને યોગ્ય સારવારની જરૂર હોય છે, તેને વધારે પ્રવાહી ખોરાકની જરૂરિયાત હોય છે જેથી બ્લડ પ્રેશર ઘટી જવાથી હૃદય સુધી લોહીનો પ્રવાહ ઘટી જાય છે."

line

ભારતમાં કોવિડ-19 પોતાની પીક પર પહોંચ્યો છે?

કોરોના વાઇરસના સંક્રમણના કેસ શું ભારતમાં પોતાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી ગયા છે?

આ સવાલ એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે કારણ કે 19 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આ બીમારી ત્યારે જોવા મળે છે જ્યારે કોવિડ-19ના કેસની સંખ્યા પીક પર પહોંચી જાય છે.

ડૉક્ટર બાલાસુબ્રમણ્યન આ વિશે જણાવે છે કે,"અમને નથી લાગતું કે ભારત હજુ સુધી આ મહામારીની સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. પરંતુ મને લાગે છે કે આવનારા મહીનામાં બાળકોમાં આવા પ્રકારના કેસોની સંખ્યા વધશે.

અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જે પણ બાળકોને પેટમાં દુખે છે તેને એપેન્ડિસાઇટિસની સારવાર ન આપવામાં આવે કારણ કે વિદેશોમાં અમુક જગ્યાએ આવું થઈ ચૂક્યું છે."

આ બાબત અંગે વિશ્વ સ્વાસ્થય સંગઠને જણાવ્યું હતું કે, "કોરોના પૉઝિટિવ 345 બાળકોની સ્વાસ્થ્યસંબંધી સંપૂર્ણ જાણકારી સામે આવતાં માલૂમ પડ્યું હતું કે, તે પૈકી 23 ટકા બાળકો પહલાંથી જ ફેફસાં અને હૃદયની બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં."

વિશ્વ સ્વાસ્થય સંગઠનનું કહેવું છે કે યુરોપ અને અમેરિકામાં જે કેસ સામે આવ્યા છે તે સ્થિતિ આખી દુનિયામાં થાય તે પહેલાં પ્રમાણિત ડેટાને એકઠો કરવો અતિ આવશ્યક છે.

સંગઠને સમગ્ર વિશ્વમાં એક કાર્યકારી સમૂહનું ગઠન કર્યું છે જેમાં એઇમ્સના બાળરોગ વિભાગના ડૉક્ટર રાકેશ લોઢાનો પણ સમાવેશ કરાયો છે.

line
કોરોના વાઇરસ
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો