કોરોના વાઇરસ : એ શાકભાજીનું બજાર જેણે આખા શહેરમાં ચેપ ફેલાવી દીધો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અપર્ણા અલ્લુરી
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
પાંચમી મેના રોજ દક્ષિણ ભારતના જિલ્લા કલેક્ટર ભરત ગુપ્તાને જાણ થઈ કે ચેન્નાઈ શહેરમાં આવેલું કોયામબેડુ બજાર અસ્થાયી રૂપે બંધ થઈ રહ્યું છે.
કારણ : બજારમાં ઘણા વેપારીઓ અને મજૂરોનો કોરોના વાઇરસ પૉઝિટિવ આવ્યો હતો. તેઓને ચેન્નાઈ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સંક્રમણ ફેલાવવાના રૂપમાં જોવામાં આવતા હતા.
ભરત ગુપ્તાને બજારની જાણકારી હતી, કેમ કે તેમના જિલ્લા ચિત્તૂર (આંધ્ર પ્રદેશ)થી ખેડૂતો રોજ ટામેટાંથી ભરેલી ટ્રકો કોયામબેડુમાં મોકલતા હતા. તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ પડોશી રાજ્યા છે, આથી તેની વચ્ચે નિયમિત રીતે શાકભાજીને વેપાર ચાલે છે.
જિલ્લાધિકારી ભરત ગુપ્તાને એ વાતની ચિંતાની કે આ ટ્રકો સ્થાનિકો દ્વારા ચલાવવામાં આવે છે અને તેમની સાથે અન્ય લોકો પણ હોય છે, જેમ કે સહાયક અથવા ક્લિનર. જે માલ ભરે છે અને ખાલી કરે છે. કેટલીક વાર ખેડૂતો વતી તેમના પૈસા એકઠા કરે છે. આ લોકો દરરોજ રાત્રે સાત વાગ્યે ચિત્તુરથી ઊપડે છે અને બીજા દિવસે બપોર સુધી પરત આવે છે.
6 મેના રોજ ચિત્તુરના અધિકારીઓએ 20 એપ્રિલ કે તે બાદ બજારમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. કોયામબેડુમાં શાકભાજી સપ્લાય કરનારા આંધ્ર પ્રદેશના અન્ય જિલ્લાઓએ પણ આમ કર્યું હતું.
બુધવાર સુધીમાં ચિત્તુરમાં 43 નવા કેસ નોંધાયા હતા, જેનો સંબંધ કોયાયબેડુ સાથે હોઈ શકે છે.

બજાર બન્યું સુપર સ્પ્રેડર્સ

ઇમેજ સ્રોત, Getty Images
દરમિયાન સમગ્ર તામિલનાડુમાં સક્રિય કેસના ત્રીજા ભાગ કરતાં થોડા વધુ એટલે કે 2,000થી વધુ નવા કેસને બજાર સાથે સાંકળીને જોવામાં આવે છે.
ભારતમાં કોવિડ-19ના 85,000 કેસ છે. છેલ્લા બે મહિનાથી દેશવ્યાપી લૉકડાઉન છે. જોકે 'જરૂરી સેવા'ના રૂપમાં કરિયાણાની દુકાન, ફળો અને ખાદ્યબજારોને આંશિક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હવે આ બજારોમાંનું એક બજાર ભારતનું સૌથી મોટું સક્રિય ક્લસ્ટરનું સ્રોત બની ગયું છે.
કોયામબેડુથી સંક્રમણના કેસ એટલા વધી ગયા છે કે હવે તેનાથી દેશની ખાદ્ય આપૂર્તિની કડીને અસર થાય તેવો ખતરો છે.
એ કહેવાની જરૂર નથી કે આ આખી ઘટનાથી લોકોનો ગુસ્સો ભડક્યો છે અને 'દોષી' કોણ એના પર ચર્ચા શરૂ થઈ છે. પરંતુ તેનાથી એ પણ સ્પષ્ટ થયું કે ભારતમાં ભીડભાડવાળી બજારોને નિયંત્રિત કરવું કેટલું મુશ્કેલ છે. ખાસ કરીને ફળો અને શાકભાજીની બજારોમાં તો ફિઝિકલ ડિસ્ટન્સિંગ એક કલ્પના સમાન છે.

કોણે કોને ચેપ લગાડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નાઈની મધ્યમાં 65 એકરમાં ફેલાયેલું કોયામબેડુ બજાર એશિયાના સૌથી મોટા બજારમાંનું એક છે.
અહીં અનાજ, ફળ, શાકભાજી અને ફૂલો વેચતાં હોલસેલ અને રિટેલ દુકાનમાં દરરોજ હજારો ખરીદદારો આવે છે. તેમાં દુકાનમાલિકો, ટ્રક ડ્રાઇવરો અને દહાડી મજૂરોને ઉમેરીએ તો સરેરાશ એક લાખ લોકો થાય છે.
ચેન્નાઈ સિટી કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારી ડી કાર્તિકેયન કહે છે, "અમે પૂરતી સાવધાની રાખીએ છીએ, પરંતુ જ્યારે રોગચાળો ફેલાય છે ત્યારે તે શહેરમાં દરેક જગ્યાએ ફેલાય છે."
પોતાના પ્રયાસોની વાત કરતાં તેઓ ઉમેરે છે બજારમાં પહેલા 24 સંક્રમણના કેસ 24 એપ્રિલે સામે આવ્યા હતા. એટલે કે લૉકડાઉન શરૂ થયાના એક મહિના પછી.
સૌથી પહેલા 54 વર્ષીય એક શાકભાજીનાં વેપારી સંક્રમિત થયાં હતાં જે ગીચ વસતીવાળા પુલિયન્તોપમાં રહેતાં હતાં. આ વિસ્તાર ચેન્નાઈનો હૉટસ્પૉટ છે.
ડી. કાર્તિકેયને જણાવ્યું હતું કે એ અસ્પષ્ટ છે કે મહિલાએ બજારમાં આવતા લોકોને સંક્રમિત કર્યા કે તેઓને લોકોને ચેપ લાગ્યો. આ મરઘી અને ઈંડાંની વાર્તા જેવું છે. પહેલાં કોણ?

સંક્રમણની લાંબી કડી

ઇમેજ સ્રોત, Getty Images
કાર્તિકેયન કહે છે, "મહિલાને કારણે તેઓ 45 કેસ સુધી પહોંચી શક્યા, જે કોરોના પૉઝિટિવ હતા. જેમાંથી ચાર લોકો આ બજારમાં કામ કરતા હતા. પછી માર્કેટની બહાર સલૂન ચલાવતી વ્યક્તિનો કેસ પૉઝિટિવ આવ્યો હતો. તેણે 100થી વધુ લોકોના વાળ કાપ્યા હતા, તેમાંના 25નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. અને તેમાંથી 20 લોકો એવા મજૂરો હતા જે આ બજારમાં કામ કરતા હતા."
કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગના બીજા તબક્કામાં ટ્રક ડ્રાઇવર્સ, રોજમદારો જેવા લોકોના નમૂના લેવામાં આવ્યા. જેઓ ફળો, શાકભાજી અને ફૂલોના ફેરિયાઓના સંપર્કમાં આવે છે અને માલસામાનની હેરફેર અને વાહનોમાં ચડાવવા-ઉતારવા જેવી કામગીરી સાથે જોડાયેલા છે. આ લોકો ઑટોરિક્ષા કે બસમાં મુસાફરી કરતા હોય છે.
કોયામબેડુથી સંક્રમણના કેસ આવ્યા બાદ તામિલનાડુ અને ચેન્નાઈમાં સંક્રમણના કેસ વધ્યા છે.
દરમિયાન ચેન્નાઈ સાથે જોડાયેલા ચેંગલપટ્ટુ અને થિરુવલ્લુર જિલ્લામાં સેંકડો કેસ નોંધાયા છે.
200 કિલોમિટર દૂર આવેલા કુડ્ડાલોર જિલ્લામાં એક જ દિવસમાં 114 લોકોના રિપોર્ટ પૉઝિટિવ મળી આવ્યા કે જેમણે આ મંડીમાં કામ કર્યું હતું.
અન્ય એક જિલ્લા અરિયાલુરમાં નોંધાયેલા 348 કેસ પૈકી 80 ટકા કેસ એવા હતા કે જેઓ એ બજાર સાથે સંકળાયેલા હતા. એ પૈકી મોટા ભાગના રોજમદાર હતા.
આંધ્ર પ્રદેશમાં સાત જિલ્લાના 28 લોકો કે જેમણે આ બજારની મુલાકાત લીધી હતી, તેમના પણ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.
આઠ મેના રોજ તામિલનાડુ અધિકારીઓએ કહ્યું કે રાજ્યમાં 1,589 પૉઝિટિવ કેસ કોયામબેડુ બજાર સાથે જોડાયેલા છે. અને બીજા દિવસે એ સંખ્યા 1,867 પર પહોંચી ગઈ હતી.
હાલમાં 10 હજારથી વધુ પૉઝિટિવ કેસ સાથે તામિલનાડુ દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને છે.
દરેકના મનમાં સવાલ એ છે કે બજાર બંધ કેમ ન કર્યું?

આખરે દોષ કોનો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ મામલે કાર્તિકેયન કહે છે કે તેનાથી ઘણા બધા ખેડૂતોની આજીવિકાને અસર થાય તેમ હતું.
તેઓ કહે છે, "આ ચેન્નાઈ અને તેના ઉપનગરોની એકમાત્ર (ખાદ્ય) આર્પૂતિની કડી છે. પ્રતિદિન 5,000 ટન ફળો અને શાકભાજીનો વેપાર થાય છે અને દરરોજ 400 ટ્રક શાકભાજી આવે છે."
એટલે સ્પષ્ટ જોખમ હોવા છતાં એ ખુલ્લું રહ્યું.
તેમનું કહેવું છે કે તેઓએ ભીડને ઓછી કરવા ઘણા પ્રયત્નો કર્યા. ઘણી દુકાનને શહેરના અન્ય ભાગોમાં સ્થળાંતર કરવાની ઑફર કરી, પરંતુ વેપારીઓએ ના પાડી.
દરમિયાન તામિસનાડુએ એપ્રિલના અંતમાં ત્રણ દિવસ માટે સંપૂર્ણ અને વધુ કડક લૉકડાઉનની ઘોષણા કરી. અને લોકો સ્ટૉક કરવા માટે ઊમટ્યા હતા.
કોયામબેડુના વેપારીએ બીબીસી તમિળને જણાવ્યું હતું કે 25 એપ્રિલના રોજ હજારો લોકો બજારમાં આવ્યા હતા અને "આગળ વધવાની જગ્યા નહોતી."
28 એપ્રિલે સરકારે રિટેલ દુકાનો બંધ કરાવી, અને ફળો અને ફૂલોના બજારને શહેરમાં અન્યત્ર ખસેડ્યું. ફક્ત જથ્થાબંધ દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપી. પણ 30 એપ્રિલે ત્રણ દિવસનું લૉકડાઉન ખતમ થયું અને પાછી બજારમાં ભીડ જોવા મળી હતી.
કાર્તિકેયન કહે છે કે, સતત કેસ વધતાં હોવાથી વેપારીઓ નાખુશ હોવા છતાં પણ "બળપૂર્વક" બજાર બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ
બજારોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ એટલે સપનું

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારબાદ વેપારીઓને અન્ય માર્કેટમાં દુકાનો ફાળવવામાં આવી, પરંતુ તેઓ માગ કરી રહ્યા છે કે કોયામબેડુ ફરી ખોલવામાં આવે, કેમ કે નવા માર્કેટમાં માત્ર સો દુકાનો સમાઈ શકે તેટલી જગ્યા હતી.
કોયામબેડુ શાકભાજી વેચાણ સંઘના પ્રમુખ જીડી રાજસેકરે બીબીસીને જણાવ્યું, "લૉકડાઉન દરમિયાન છેલ્લા 40 દિવસમાં બજારને ચાલુ રાખવી એક ભૂલ હતી."
તેઓએ કહ્યું કે તેમણે અનેક સૂચનો કર્યાં હતાં, પણ અધિકારીઓએ તેને સાંભળવાનો ઇન્કાર કર્યો હતો.
જોકે રાજ્યના મુખ્ય મંત્રીએ વેપારીઓને દોષી ઠેરવતાં આક્ષેપ કર્યો છે કે તેઓ વાઇરસ ફેલાવતા રોકવા માટેના નિયમોનું પાલન નથી કરતા.
જોકે વેપારીઓનું કહેવું છે કે આ શહેરમાં જગ્યાઓના દામ ઊંચા છે અને એટલે જ કદાચ આ મોટાં બજારો સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ડિઝાઇન કરાયેલાં નથી.
દિલ્હીસ્થિત આઝાદપુર મંડીના વેપારીમંડળના મંત્રી રાજકુમાર ભાટિયાનું કહેવું છે કે "આ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય નથી."


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














