કોરોના વાઇરસ : મોદી સરકારે નાગરિકોની મદદ માટેના આર્થિક પેકેજમાં કંજૂસાઈ કરી? - દૃષ્ટિકોણ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, નીતિન સેઠી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે જાહેર કરેલા દેશવ્યાપી લૉકડાઉનને લીધે થનારા અનિવાર્ય આર્થિક નુકસાનને પહોંચી વળવા કેન્દ્ર સરકારે 25 માર્ચે એક નાણાકીય સહાયતા પૅકેજની જાહેરાત કરી હતી.

આ પૅકેજ નિરાશાજનક અને અપૂરતું છે. આગામી મહિનાઓમાં જેમને આર્થિક મદદની જરૂર પડવાની છે એમને આ પૅકેજથી ખાસ કોઈ મદદ મળશે નહીં. સરકારે કંજૂસાઈ કરી છે.

મુદ્દો એ છે કે આ તબક્કે સરકારી ટેકાની સૌથી વધારે જરૂર કોને છે?

line
કોરોના વાઇરસ
line

અનૌપચારિક અર્થતંત્રમાં કામ કરતા 90 ટકા ભારતીયોની આજીવિકાના સાધન પરના નિયંત્રણ સંબંધી કોઈ કાયદા નથી અને સરકાર તેમને રક્ષણ આપતી નથી. તેમાં લાખો ગ્રામ્ય અને શહેરી કામદારોનો સમાવેશ થાય છે.

તેઓ અત્યંત ગરીબ છે અને આર્થિક ઊથલપાથલની સૌથી માઠી અસર તેમને થાય છે. તેમને દૈનિક, સાપ્તાહિક કે માસિક ધોરણે મહેનતાણું મળતું હોય છે અને આવકનો સ્રોત સુકાઈ જાય ત્યારે ટકી રહેવા માટે તેમની પાસે બચત નહિવત્ હોય છે અથવા કશું હોતું જ નથી.

દીર્ઘકાલીન લૉકડાઉનને કારણે લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિ થંભી જવાની છે, જેની તેમને સૌથી માઠી અસર થશે. આ નાગરિકો માટે બુદ્ધિશાળી સરકારે કોવિડ લૉકડાઉનની જાહેરાત કરતાં પહેલાં જ સુયોજિત આર્થિક પૅકેજ તૈયાર કરવાની અને તેના અમલની વ્યવસ્થા કરવાની જરૂર હતી.

કેન્દ્રમાંની ભારતીય જનતા પક્ષની સરકારે ઘોર બેદરકારી દાખવી છે અને એવું કર્યું નથી. અવ્યવસ્થા અને તકલીફોના પ્રારંભિક પુરાવા લૉકડાઉન અમલી બન્યાના પહેલાં 48 કલાકમાં જ બહાર આવી ગયા છે, જે થોડા દિવસોમાં જ ભૂખમરા અને વિપદાની કહાણીમાં પરિવર્તિત થઈ શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાહત પગલાંના પૅકેજની જાહેરાત કરશે એવા સમાચાર ગુરુવારે આવ્યા ત્યારે ઘણાને આશા હતી કે સરકાર આપદાના સંકેતોને પામી ગઈ છે અને તેનો પૂરતો પ્રતિસાદ આપવા તૈયાર છે. જોકે,નાણામંત્રીએ બધાને નિરાશ કર્યા.

આ તારણ પર પહોંચવાના પુરાવા આ રહ્યા

પોતે 1.7 લાખ કરોડ રૂપિયાનું રાહતપૅકેજ જાહેર કર્યાનો દાવો સરકારે કર્યો હતો. એ ભારતના 2019-2020ના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના સુધારિત અંદાજના 0.83 ટકા થાય છે. અન્ય દેશોએ (તેમના અર્થતંત્રના કદના સંદર્ભમાં) ઘણાં મોટાં પૅકેજ જાહેર કર્યાં છે. ભારત સરકારનો આ પ્રયાસ વાસ્તવિક હોય તો પણ અત્યંત નાનો છે.

કોરના વાઇરસને પગલે શ્રમિકો વતન તરફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરના વાઇરસને પગલે શ્રમિકો વતન તરફ

અલબત્ત, આ પ્રયાસ વાસ્તવિક નથી.

સરકારે તેની અખબારી યાદીમાં જ ખોટું વિવરણ આપ્યું હતું. મનરેગા હેઠળનું મહેનતાણું વધારવા સહિતના પૅકેજના પ્રત્યેક ઘટક માટે દર્શાવવામાં આવેલી રકમનો સરવાળો આશરે એક લાખ કરોડ રૂપિયા થયો હતો.

આ બાબતે સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું કે તરત જ સરકારે તેની અખબારી યાદીમાં જરૂરી ફેરફાર કર્યો હતો અને નાણાકીય વિગતનો ઉલ્લેખ કાઢી નાખ્યો હતો.

હવે સરકારે જાહેર કરેલા રાહતપૅકેજના કેટલાક ઘટકો પર ઝીણી નજર કરીએ.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

પહેલું પગલું- મનરેગા હેઠળના કામદારો માટેના દૈનિક વેતનમાં 20 રૂપિયાનો વધારો. રૂ. 5,600 કરોડની જોગવાઈ.

નિર્મલા સીતારમન

ઇમેજ સ્રોત, Getty Images

વેતનદરમાં અસરકારક મોટા વધારાને સરકારે હજુ બે દિવસ પહેલાં મંજૂરી આપી હતી. એ દર વર્ષે કરવામાં આવે છે, પણ લૉકડાઉનના અને સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂરિયાતના સંદર્ભમાં ગરીબો માટે વેતનદરમાં વધારો લગભગ અર્થહીન છે.

મનરેગા એ લાભ માટે કામની યોજના છે. કામ નહીં તો પગાર નહીં. પાછલા વર્ષના સમાન મહિનાની સરખામણીએ આ વર્ષે માર્ચમાં માનવ રોજગાર દિવસમાં આશરે છથી સાત કરોડ ઘટાડો નોંધાવાની ધારણા છે. (તેના ફાઈનલ આંકડા આગામી મહિનાની શરૂઆતમાં બહાર આવશે) તેમાં આગામી દિવસોમાં વધારે ઘટાડો થઈ શકે છે.

અત્યાર સુધીમાં કરાયેલા કામ પેટે કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 1,856 કરોડ ચૂકવવાના બાકી છે. કેન્દ્ર સરકાર એ ચુકવણી કરી શકતી નથી, કારણ કે તેની મહેસૂલી આવકમાં વર્તમાન નાણાકીય વર્ષમાં દયાજનક ઘટાડો થયો છે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

બીજું પગલું- 80 કરોડ લોકો માટે ત્રણ મહિનનું વધારાનું રૅશન મફત. પ્રત્યેક પરિવાર માટે એક કિલો કઠોળ, ત્રણ મહિના સુધી. રૂ. 40,000 કરોડની જોગવાઈ.

શાકભાજી

ઇમેજ સ્રોત, Getty Images

આ અત્યંત ઓછું છે. જથ્થાબંધ બજારો બંધ છે અને છૂટક ભાવ વધી રહ્યા છે ત્યારે ગરીબોને મીઠું, તેલ અને ખાંડ ખરીદવા માટે મદદની જરૂર છે. સપ્લાય ચેઇન ભાંગી પડી છે અને ખાસ કરીને પરપ્રાંતીય મજૂરો તથા ગ્રામ્ય પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો સહજપ્રાપ્ત નથી ત્યારે વધારાના ઘઉં તથા ચોખાથી આ મુશ્કેલ સમયમાં લોકોને ખાસ રાહત મળવાની નથી.

સરકાર વર્ષભરની ફૂડ સબસિડીની સંપૂર્ણ બોજ પોતાના પર લઈ શકે તેમ નથી અને તે આ બોજના મોટા હિસ્સાનું વહન કરવાની ફરજ ફૂડ કોર્પૉરેશન ઑફ ઇન્ડિયાને પાડી રહી છે. આ બોજનો ઉલ્લેખ પણ સરકારની બૅલેન્સ શીટમાં ન કરવામાં આવે અને નવા નાણાકીય વર્ષની બૅલેન્સ શીટમાં ફેરફાર બાદ તેમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે એ શક્ય છે.

line

ત્રીજું પગલું- સૅલ્ફ હેલ્પ ગ્રુપ્સ માટેની લૉનમર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ

લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images

આ લોન છે, કૅશ ટ્રાન્સફર્સ નથી. આ યોજના હેઠળ સૅલ્ફ હેલ્પ ગ્રૂપ્સને આ વર્ષે આશરે રૂ. 1,500 કરોડ આપવામાં આવ્યા હોવાનું સરકારી રેકર્ડ દર્શાવે છે.

માત્ર રૂ. 3 લાખ સુધીની લોન જ ઘટાડેલા વ્યાજદર સાથેની હોય છે. તેની ઉપરની રકમની લોન માટે સેલ્ફ હૅલ્પ ગ્રૂપ્સે વ્યાજનો સ્ટાન્ડર્ડ બૅન્ક રેટ ચૂકવવો પડે છે.

આવકમાં અચાનક મોટા ઘટાડો થાય ત્યારે ટકી રહેવા પરિવારો માટે રોકડ ઉપલબ્ધ હોય એ જરૂરી છે. લોન લેવી હોય ત્યારે સૅલ્ફ હેલ્પ ગ્રૂપ્સે મધ્યસ્થીઓ અને બૅન્કો સાથે મળીને કામ કરવું જરૂરી હોય છે. એ ઉપરાંત લોન મળવામાં લાંબો સમય લાગે છે.

line

ચોથું પગલું- 20.40 કરોડ મહિલાઓનાં ખાતાંમાં ત્રણ મહિનામાં રૂ. 1500 જમા થશે. રૂ. 30,000 કરોડની જોગવાઈ.

બાંધકામ મજૂરો

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર મહિલાઓના જ નહીં, તમામ જનધન ખાતાંઓમાં મોટા પ્રમાણમાં રોકડ આસાનીથી જમા કરાવી શકાઈ હોત.

મોટા ભાગના કૌશલ્યપ્રાપ્ત શ્રમિકોનું દૈનિક મહેનતાણું રૂ. 500થી વધારે છે અને સામાન્ય મજૂર એટલી કમાણી બે દિવસમાં કરે છે ત્યારે મહિલાનાં ખાતાંમાં મહિને રૂ. 500 જમા કરાવવા એ અત્યંત અપૂરતું છે.

કામ અને રોજગારની તકો અદૃશ્ય થઈ ગઈ છે ત્યારે જીવનજરૂરી ચીજોના ભાવમાં વધારો થયો છે અને તેમાં ઘટાડો થવાનો નથી. પરિણામે જીવનખર્ચ વધશે.

line

પાંચમું પગલું- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 8.7 કરોડ ખેડૂતોને એપ્રિલમાં રૂ. 2000ની આર્થિક સહાય આપવામાં આવશે. રૂ. 16,000 કરોડની જોગવાઈ.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ નાણાં તો પોતાની જમીન ધરાવતા 8.7 કરોડ ખેડૂતોને એપ્રિલમાં આપવાના જ હતા. એ વધારાની સહાય નથી.

જમીનમાલિક ન હોય તેવા ખેડૂતો અને ખેતમજૂરોને સૌથી વધુ ટેકાની જરૂર છે, પણ આ યોજનામાં તેમને ગણતરીમાં લેવાતા નથી.

line

છઠ્ઠું પગલું- 60થી વધુ વર્ષની વયનાં લોકો અને વિધવાઓને ત્રણ મહિનામાં રૂ. 1,000ની સહાય. રૂ. 3,000 કરોડની જોગવાઈ.

વૃદ્ધો અને વિધવા પેન્શન માટે કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દર મહિને રૂ. 200થી રૂ. 500નું યોગદાન રાજ્યોને આપે છે. ઘણા કિસ્સામાં રાજ્યો અપૂરતો લાભ આપવા માટે હાથચાલાકી કરે છે. હાલના નાનકડા ભંડોળમાં કેન્દ્ર સરકાર તરફથી દર મહિને વધારાના રૂ. 333ના ઉમેરાથી ખાસ કંઈ લાભ થવાનો નથી.

line

સાતમું પગલું- આઠ કરોડ ઉજ્જ્વલા પરિવારોને રાંધણગૅસનાં સિલિન્ડર મફત અપાશે. રૂ. 13,000 કરોડની જોગવાઈ.

સિલિન્ડર

ઇમેજ સ્રોત, Getty Images

મફત સિલિન્ડરો પૂરાં પાડવાનો ખર્ચ સરકારને 2019-20ના દરે પ્રતિ રીફિલ રૂ. 681ના હિસાબે થશે.

ગ્રાહકોને રૂ. 500ના ભાવે સિલિન્ડર મળતું હતું. પરિવારદીઠ વાર્ષિક ચાર સિલિન્ડરનો વપરાશ. તેઓને વધુ સિલિન્ડર ખરીદવાનું પોસાતું નથી. ઊંચી આવક ધરાવતા પરિવારોમાં વાર્ષિક સાત સિલિન્ડરનો વપરાશ થાય છે.

હવે એ ગરીબો માટે મફત હશે ત્યારે તેનો ઉપાડ બે રીફિલ્સ સુધી વધવાની આશા રાખી શકાય. એવી આશાવાદી પરિસ્થિતિમાં પણ સરકારી તિજોરીને તે માટે રૂ. 10,000 કરોડનો જ ખર્ચ થશે.

line

આઠમું પગલું- 100થી ઓછા કર્મચારીઓવાળા બિઝનેસના માલિકો તથા કર્મચારીઓ પાસેથી સરકાર ઍમ્પ્લૉઈ પ્રોવિડન્ટ ફંડ(ઈપીએફ)માં યોગદાન લે છે. એ પૈકીના 90 ટકા કર્મચારીઓનો માસિક પગાર રૂ. 15,000થી ઓછો હોય છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

નાણામંત્રીએ જે કહ્યું અને સરકારી અખબારી યાદીમાં જે જણાવાયું હતું તેમાં વિસંગતતા છે. સરકારી યાદીમાં જણાવાયું હતું કે રૂ. 15,000થી ઓછો માસિક પગાર ધરાવતા અને 100થી ઓછા કર્મચારીઓ ધરાવતા તમામ બિઝનેસિસને આ લાભ મળશે. બિઝનેસ સ્ટાન્ડર્ડમાં સોમેશ ઝાએ લખ્યું હતું, "ફૉર્મલ સૅક્ટરમાં આવું સામાજિક સલામતી કવચ ધરાવતા મોટા ભાગના શ્રમિકોને પીએફ યોગદાનના આ પગલાંનો લાભ નહીં મળે. હકીકતમાં કુલ પૈકીના લગભગ 16 ટકા ઈપીએફ સબસ્ક્રાઇબર્સ તથા ભારતના કુલ 47.10 કરોડ કર્મચારીઓ પૈકીના 1.6 ટકાને જ તેનો લાભ મળશે."

સરકારે જાહેર કરેલાં તમામ પગલાંને ઝીણવટપૂર્વક તપાસીએ તો તેમાં તેની કંજૂસાઈ જોવા મળે છે. હકીકતમાં સરકારે ઉદારતાભર્યો અભિગમ દાખવવાની જરૂર હતી.

જોકે, આ લાગણી કે હેતુની વાત નથી. આ વાત બુદ્ધિપૂર્વકની યોજનાની છે. જગતભરમાં કોવિડની ચેતવણીના ઘંટ વાગવા શરૂ થયા હતા ત્યારે જ અર્થતંત્રના બચાવનું પૅકેજ ઘડવાની કવાયત હાથ ધરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

અણઘડ રીતે જાહેર કરાયેલા અને ખરાબ રીતે અમલી બનાવવામાં આવેલા લૉકડાઉનની આડઅસરને સ્વીકારવાનું સરકારે શરૂ કર્યું છે ત્યારે લેવાનારાં શ્રેણીબદ્ધ પગલાંઓ પૈકીનું આ પહેલું પગલું છે.

નોટબંધી વખતે અને પછી જીએસટીને અમલ વખતે પણ સરકારે મોડેમોડે આવું કર્યું હતું.

સરકારનું કામ નક્કી થઈ ગયું છે. તેણે ઘણું મોટું આર્થિક પૅકેજ ઘડવું અને આપવું પડશે. જેમને સૌથી વધારે જરૂર હોય એવા નાગરિકોને જરૂરી ટેકો આપી શકાય એ માટે સરકારે 'સંપર્કકેન્દ્રો' શોધવાં અને તેને કાર્યરત કરવાં પડશે.

અર્થતંત્ર નવા જ પ્રકારના યુદ્ધનો સામનો કરી રહ્યું છે એવું માનીને નવા નાણાકીય વર્ષ માટેની અંદાજપત્રીય જોગવાઈઓને નવેસરથી ઘડવી પડશે. લૉકડાઉન લાંબા ગાળાનું હોય તો પણ જરૂરી સ્રોતોના પુરવઠા માટે ચુસ્ત વ્યવસ્થા બનાવવી પડશે.

સરકાર રોગચાળાના જોખમ બાબતે મોડી જાગી હતી. તેથી કોરોના વાઇરસનો પ્રસાર ધીમો પાડવાના હેતુસરનું લૉકડાઉન અનિવાર્ય બન્યું હતું.

જોકે, હવે સરકારને ઊંઘતા રહેવું પરવડશે નહીં. એવું થશે તો ગરીબોએ રોગચાળાની આકરી કિંમત ચૂકવવી પડશે.

(નીતિન સેઠી સ્વતંત્ર લેખક છે. તેમનું ટ્વિટર હેન્ડલ @nit_set છે.લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો