કોરોના વાઇરસ : ગુજરાત પોલીસ લૉકડાઉનમાં બળપ્રયોગ કેમ કરે છે?

ગુજરાત પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

* અમદાવાદમાં શાકભાજી લેવા નીકળેલા થલતેજના મહેન્દ્ર શાહને પોલીસે કોઈ દલીલ સાંભળ્યા વગર ડંડા માર્યા

* લીમડીમાં બાઇક પર નીકળેલા કેટલાક લોકોને જાહેરમાં પોલીસે ઊઠકબેઠક કરાવી

* અમદાવાદના ઉજાલા સર્કલ પાસે પોલીસે બહાર નીકળેલા લોકોનાં વાહનોની હવા કાઢી નાખી

* વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં લૉકડાઉનમાં બહાર નીકળેલા લોકોને ડંડા મારવામાં આવ્યા

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત કેસની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં પણ લૉકડાઉન હોવાથી પોલીસ કડક રીતે તેનું પાલન કરાવી રહી છે.

કેટલીક જગ્યાએ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર પણ વહેતા થયા હતા.

આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસને નરમ વલણ દાખવવાની સૂચના પણ ગૃહવિભાગ દ્વારા આપવામાં આવી છે.

line
કોરોના વાઇરસ
line

પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ કેમ થાય છે?

ગુજરાતી પોલીસના આ વલણ પાછળ એમનામાં રહેલી એક ઍન્ઝાયટી અને કામના સતત વધુ કલાકો પણ જવાબદાર હોવાનું પોલીસના સાયકિયાટ્રીસ્ટ ડૉ. ગોપાલ ભાટિયા માને છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભાટિયાએ કહ્યું, "સામાન્ય સંજોગોમાં પોલીસને ખબર હોય છે કે જો કોઈ હિંસાની વારદાત હોય અને કર્ફ્યુ નાખ્યો હોય ત્યારે પોલીસને કઈ તરફથી બચવાનું છે અને હુમલાખોર કોણ હોઈ શકે છે, પણ હાલની પરિસ્થિતિ અત્યંત અલગ છે."

"એમને ખબર નથી કે પોલીસ લાંબા સમય સુધી કામ કરે છે, એમને પણ આ રોગની અસર થઈ શકે છે. કામ કાર્ય પછી એ ઘરે જાય ત્યારે એ સંક્રમિત થયા હશે કે કેમ એની એમને ખબર નથી."

"એમને બૅક ઑફ માઇન્ડ એ ડર પણ હોય છે કે જો એ કોરોના વાઇરસથી સંક્રમિત થશે તો એમના પરિવારને અસર થશે. એટલું જ નહીં આના કારણે એ લોકો ગજબના પ્રેશરમાં રહે છે અને પ્રેશરમાં ક્યારેક ઓવર રીએકટ કરી બેસે છે અને હિંસા પણ થઈ જાય એવું બની શકે, કારણ કે પોતાની ડ્યૂટીનું પ્રેશર અને બહાર નીકળેલો માણસ ખરેખર સંક્રમિત હોય તો શું થઈ શકે એને ધ્યાનમાં લેતા લાંબા ડ્યૂટીમાં આ બની શકે છે."

ડૉ. ગોપાલ ભાટિયા વધુમાં કહે છે, "એમના પર ઘરે બેઠેલા લોકો કરતાં વધુ જોખમ હોય છે. તેમજ તેમના પરિવારજનોના જીવનું જોખમ પણ રહેલું છે."

"પોલીસ પણ સર્વાઇવલ મોડમાં હોય છે કે પોતે કેવી રીતે બચવું? કારણ કે કોરોના વાઇરસને કારણે એ પોતે પણ અસલામત અનુભવે છે. આ પરિસ્થિતિ ક્યારે બંધ થશે એની કોઈને ખબર નથી. પોલીસ પણ માણસ છે એટલે ઓવર રીએક્ટ કરી જાય છે અને બિનજરૂરી ગુસ્સો કરી હિંસક પણ બની જાય છે."

line

'કેટલાક બહાનાં બનાવીને અવારનવાર નીકળે છે'

અમદાવાદમાં ટ્રાફિક પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતાં એસ.કે. શ્રીમાળી પણ ભાટિયાની વાતમાં સૂર પૂરાવે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "અમારાથી આ ડ્યૂટી બજાવતી વખતે ઘણી વાર ગુસ્સે થઈ જવાય છે, કારણ કે અમારી સામે જુઠ્ઠું બોલીને કેટલાક લોકો દવા લેવાના બહાને અથવા શાકભાજી લેવાને બહાને અવારનવાર ઘરની બહાર નીકળે છે."

તેઓ કહે છે, "અમે ડ્યૂટી કરતા હોઈએ એટલે વાહન નંબર અને ચહેરાથી ઓળખી જઈએ છીએ. એમને અનેક વખત સમજાવવા છતાં એ ન માને ત્યારે અચૂક ગુસ્સો આવે છે, પણ એને અમારે કાબૂમાં રાખવો પડે છે."

શ્રીમાળી કહે છે કે પોલીસ પોતાની ફરજ બજાવી રહી હોય ત્યારે ખોટી દલીલ અને પોતાનો હોદ્દો મોટો હોવાનો દાવો કરીને પરેશાન કરે ત્યારે પોલીસને કડક હાથે કામ લેવું પડે છે, પરંતુ અમે બને ત્યાં સુધી શાંતિથી સમજાવીએ છીએ, જેથી ઘર્ષણ ટાળી શકાય.

line

'અમને પણ ડર લાગે છે'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તો ટ્રાફિક કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સી. જે. ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમને નોકરી કરતી વખતે ગુનેગારને પકડવા જતી વખતે ડર નથી લાગતો પણ રસ્તે નીકળતા લોકોમાં અમને હરતોફરતો બૉમ્બ દેખાય છે."

ચાવડા કહે છે, "મનમાં એ ડર પણ રહે છે કે કોઈ કોરોના પીડિતના કાગળો ચકાસતાં અમને તો ચેપ નહીં લાગે ને. સૅનિટાઇઝર, ગ્લૉઝ અને માસ્ક પહેરીને કામ કરીએ છીએ. પણ લોકોના કાગળિયા તપાસતા ચેપ નહીં લાગે એ ભય તો અમારા મનમાં રહે જ છે."

તેઓ વધુમાં કહે છે, "એટલું જ નહીં ઘણા લોકો એવી દલીલ કરે છે કે આ કર્ફ્યુ નથી પણ લૉકડાઉન છે અમને રોકી ન શકો. દિવસભર આવા લોકો મળે ત્યારે અમે એમને સમજાવીએ છીએ કે આ એમના ભલા માટે છે."

ચાવડા કહે છે કે લોકો ઘર્ષણ કરે ત્યારે ગુસ્સો આવે છે, કારણ કે અમે જાન જોખમમાં મૂકીને કામ કરતાં હોઈએ તો લોકો પણ સમજવું જોઈએ. અમે શાંતિ રાખીએ છીએ પણ લોકોની પરેશાનીથી કંટાળી ક્યારેક અમારાથી ગુસ્સો થઈ જાય છે પણ અમે બને એટલો કાબૂ રાખીએ છીએ.

line

'કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસે કડક થવું પડે'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તો ભૂતપૂર્વ આઈ.પી.એસ. ઑફિસર રાહુલ શર્મા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "આવી મહામારી સમયે લૉકડાઉન હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસને ક્યારેક બળપ્રયોગ કરવો પડે એમાં ખોટું નથી."

તેઓ વધુમાં કહે છે, "તમે જોયું હશે કે એક દિવસના જનતા કર્ફ્યુ પછી લોકો રોડ પર આવીને ગરબા ગાતાં હોય ત્યારે પોલીસને કડક થવું પડે છે. અમને અનુભવ છે કે જ્યારે અમુક વિસ્તારમાં લોકો પોલીસના કાબૂમાં ન રહે ત્યારે બીજા લોકો પર દાખલો બેસાડવા માટે પણ પોલીસને જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કયારેક ક્યારેક લાઠીચાર્જ કરવો પડે કે જાહેરમાં ઊઠબેસ કરાવવી પડે."

"આવું કરવામાં આવે તો લોકો ડરના માર્યા બહાર ન નીકળે. પોલીસ આ પ્રકારે એક દાખલો બેસાડવા માગતી હોય છે. આ પોલીસને મળેલી સત્તાના ભાગમાં આવે છે."

જોકે રાહુલ શર્મા એમ પણ કહે છે કે એનું પ્રમાણ વધવું ન જોઈએ.

પોલીસની સુરક્ષા અને તેમની સગવડ અંગે વાત કરતાં રાહુલ શર્મા કહે છે, "એમના મનમાં કોરોના જેવી મહામારી સમયે ગુસ્સાની લાગણી પણ ધરબાયેલી હોય છે. આવા સમયે સરકારે વધુ વાહનો ભાડે લેવાં જોઈએ. જે રીતે ચૂંટણી સમયે જેમ ખાનગી વાહનો ડિટેન કરી સરકારી કામકાજમાં લેવાય છે."

"આમ કરવાથી પોલીસ એકબીજાથી દૂર બેસીને હરીફરી શકે. પોલીસના હાઇજિન માટે એમને સૅનેટાઇઝર, પાણી અને પોલીસ સ્ટેશનમાં નાહવા-ધોવાની વ્યવસ્થા હોય તો સુરક્ષાની ભાવના આવે અને એમનો ધરબાયેલો ગુસ્સો બહાર ન નીકળે, જેથી કર્ફ્યુ નહીં હોવા છતાં પોલીસ બળપ્રયોગ ન કરે."

આ સમગ્ર પરિસ્થિતિ અંગે જ્યારે બીબીસીએ રાજ્યના પોલીસવડા ડી.જી.પી. શિવાનંદ ઝાનો સંપર્ક કરતા એમને આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

તેમણે એટલું કહ્યું કે લોકો લૉકડાઉનમાં સહકાર આપી રહ્યા છે અને જાહેરનામું ભંગ કરનાર સામે કાનૂની પગલાં લેવાય છે.

line

'પોલીસને નરમ વલણ દાખવવા કહ્યું છે'

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

પોલીસના આવા વલણને નરમ કરવા માટે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાસ આદેશ પણ આપ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે "ગુજરાતમાં લૉકડાઉન વખતે કેટલાંક સ્થળોએ પોલીસે કડક હાથે કામ કર્યાની અમારી પાસે ફરિયાદ આવી હતી, પણ અમે લોકોને લૉકડાઉનમાં દરેકને સહકાર આપવાની અપીલ કરી છે. જોડેજોડે પોલીસને પણ નરમ વલણ રાખવાનું કહ્યું છે."

પ્રદીપસિંહે કહ્યું કે પોલીસને અમે કહ્યું છે કે જ્યાં ભીડભાડ થતી હોય ત્યાં પહેલાં લાઉડસ્પીકરથી જાહેરાત કરીને લોકોને દૂર રહેવા માટે સૂચના આપવી. ઉપરાંત દવા કે શાકભાજી લેવા જતા લોકોની સાથે નરમ વલણ રાખવાના આદેશ આપી દીધા છે.

તેમણે કહ્યું કે "ઘર્ષણ થવાનાં જે મુખ્ય કારણો હતાં એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને લઈને હતા. ઘર્ષણ ન થાય એટલા માટે કેટલાક જિલ્લામાં એકલા રહેતા સિનિયર સિટીઝનને દવા અને મેડિકલ સુવિધા પૂરી પાડવાના આદેશ આપ્યા છે, જેથી પોલીસ અને જનતા વચ્ચે એક સેતુ રચાય."

તેમણે એમ પણ કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નહીં અનુસરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.

અમદાવાદથી રાજસ્થાન જતાં મજૂરો અંગે પ્રદીપસિંહે કહ્યું કે "અમારા ધ્યાનમાં આવ્યું કે અમુક શ્રમિકો વાહનની વ્યવસ્થા ન હોવાથી ચાલતા પોતાના વતન જવા નીકળ્યા છે. તો આવા પરિવારોને પોલીસ દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા ઉપરાંત એ લોકોને ચેપ ન લાગે એ રીતે ગુજરાત બહાર જવાની વ્યવસ્થા પણ કરી આપી છે."

તેમણે અંતે ઉમેર્યું કે પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ સધાય. આવનારા દિવસોમાં લાંબા સમય ચાલનારા આ લૉકડાઉનમાં પોલીસ નરમ વલણ અપનાવે તેવી સૂચના પણ અપાઈ છે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો