વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રા પાછળ પાંચ વર્ષમાં રૂ. 446.52 કરોડનો ખર્ચ - TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા પાંચ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા દેશોની યાત્રા કરી છે. આ યાત્રાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. આ અંગેના આંકડા વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયા છે.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીની વિદેશયાત્રા પર 446.52 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં વિદેશરાજ્ય મંત્રી વી. મુરલીધરને કહ્યું કે આ ખર્ચમાં ચાર્ટર્ડ ફ્લાઇટનો ખર્ચ સામેલ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશયાત્રા પર સૌથી વધારે ખર્ચ 2015-16 વચ્ચે થયો હતો. આ સમયગાળા દરમિયાન વિદેશયાત્રા પર 121.85 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ તરફ વર્ષ 2016-17માં 78.52 કરોડ રૂપિયા, 2017-18માં 99.90 કરોડ રૂપિયા અને 2018-19માં 100.02 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
આ આંકડામાં પ્રાપ્ત માહિતી પ્રમાણે, વર્ષ 2019-20માં વડા પ્રધાનની વિદેશયાત્રા પર 46.23 કરોડ રૂપિયા ખર્ચ થયા છે.

વિધાનસભામાં ટૅબ્લેટનો કકળાટ

ઇમેજ સ્રોત, FB/PareshDhanani
ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ટૅબ્લેટના ભાવો અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મૂકેલા આરોપોનો ઉલ્લેખ કરી માફી માગવામાં 'અસમંજસ' નહીં રાખવાની વાત કહી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ત્રિવેદીએ કહ્યું હતું, "વિપક્ષના નેતાનું પદ જવાબદારી ભરેલું હોય છે. આપણે પ્રમાણિક રહેવું ઘટે. કોઈ ધારાસભ્ય જનતાને કે વિધાનગૃહને ગેરમાર્ગે દોરી ન શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધાનાણીએ દાવો કર્યો હતોકે 'નમો' (ન્યૂ ઍવેન્યૂઝ ઑફ મૉર્ડન ઍજ્યુકેશન ટૅબ્લેટ્સ) ઈ-ટૅબ્લેટ્સ ઑનલાઇન માત્ર રૂ. 1408માં ઉપલબ્ધ છે. જેના જવાબમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભ્રષ્ટાચારના આરોપોને નકાર્યા હતા.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહના ચુડાસમાના કહેવા પ્રમાણે, જે ભાવ ટાંકવામાં આવ્યા છે, તે માત્ર ટચસ્ક્રીનના છે અને ટૅબ્લેટના નહીં. રાજ્ય સરકારે રૂ. 6667માં લેનેવો પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ટૅબ્લેટ્સની ખરીદી કરી છે. સરકાર વિદ્યાર્થીઓને માત્ર રૂ.એક હજારમાં આ ટૅબ્લેટ આપી રહી છે.
ચુડાસમાએ ધાનાણીની માફીની માગ કરી હતી.

'દિલ્હી હિંસા પરથી ધ્યાન હટાવવા કોરોના-કોરોના કરાઈ રહ્યું છે'

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં કેર વર્તાવ્યા બાદ કોરોના વાઇરસે ભારતમાં પણ દેખા દીધી છે અને દેશમાં હાહાકાર મચ્યો છે.
બીજી બાજુ, પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમુલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું છે.
ધ ટેલિગ્રાફમાં પ્રસારિત અહેવાલ પ્રમાણે મમતા બેનરજીએ કહ્યું છે કે કોરોના વાઇરસને લઈને ઇરાદાપૂર્વક દેશમાં ડરનો માહોલ ઊભો કરાઈ રહ્યો છે, જેથી દિલ્હીમાં થયેલી હિંસા પરથી ધ્યાન હઠાવી શકાય.
તેમણે કહ્યું, "ઘણા લોકો કોરોના વાઇરસ મામલે ભય ફેલાવી રહ્યા છે. રોગ એક રોગ જ હોય છે. આ મામલે આખી દુનિયા ચિંતામાં છે. પરંતુ લોકોમાં ડર ન ફેલાવો. લોકો દિલ્હીમાં થયેલી હિંસાને ભૂલી જાય એ માટે કોરોના-કોરોના કરવામાં આવી રહ્યું છે."
મમતા બેનરજીના આ નિવેદન પર ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે જનતાના સ્વાસ્થ્યનો મામલો ઉછાળીને મુદ્દાનું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે.

નિર્ભયા કેસના દોષિતોના તમામ કાનૂની વિકલ્પ ખતમ

ઇમેજ સ્રોત, Getty Images
નિર્ભયા કેસના દોષિતોના તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે.
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાષ્ટ્રપતિએ પવનની દયા અરજીને ફગાવી દીધા બાદ તિહાડ જેલ પ્રશાસન ફાંસીની નવી તારીખ માટે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યું હતું.
તિહાડ જેલ પ્રશાસને કોર્ટને કહ્યું છે હવે કોઈ પણ દોષિતની કોઈ પણ અરજી પડતર નથી, એટલે ફાંસી માટે નવું ડેથ વૉરન્ટ જાહેર કરી દેવું જોઈએ.
કોર્ટ ગુરૂવારે બપોરે 2 વાગ્યે આ મામલે સુનાવણી કરશે.
મહત્ત્વનું છે કે નિર્ભયા ગૅંગરેપ અને હત્યા મામલે બધા જ દોષિતોને 3 માર્ચની સવારે ફાંસી અપાવાની હતી, પરંતુ આ સજા ટાળી દેવામાં આવી હતી, કેમ કે એક દોષિત પવન કુમારની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પડતર હતી.

'દરેક મહિલાએ છ બાળકોને જન્મ આપે'

ઇમેજ સ્રોત, Getty Images
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશની ભલાઈ માટે મહિલાઓને આગ્રહ કર્યો છે કે તેઓ છ બાળકોને જન્મ આપે.
એક ટીવી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓએ બાળકોને જન્મ આપવાનું ચાલુ રાખવું જોઈએ.
હાલ વેનેઝુએલા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને દેશમાં ખાદ્યપદાર્થોની પણ કટોકટી ઊભી થઈ છે.
યુનિસેફના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2013થી 2018 વચ્ચે દેશના કુલ બાળકોમાંથી 13% બાળકો કુપોષિત હતા.
માદુરોએ એક ટીવી કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દરેક મહિલાના ઓછામાં ઓછા છ બાળકો હોવા જોઈએ. તેમણે કહ્યું, ઇશ્વર તમને આશીર્વાદ આપે અને તમે છ દીકરા-દીકરીને જન્મ આપી શકો.
આ તરફ વિપક્ષના નેતા ખુઆન ગોઇદોના સમર્થકોએ માદુરાઓના આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.
તેમના એક સમર્થકે કહ્યું, "હૉસ્પિટલમાં સુવિધા નથી. ઇંજેક્શનની કમી છે. મહિલાઓ બાળકોને પોતાનું દૂધ પીવડાવી શકતી નથી, કેમ કે પોતે જ કુપોષિત છે અને બહારથી બેબી-ફૂડ ખરીદવું તેમના માટે મુશ્કેલ છે."
તેમણે કહ્યું, "માદુરો અને તેમના સમર્થક, જેઓ આવું કહી રહ્યા છે, તે સંપૂર્ણપણે અજ્ઞાન દર્શાવે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













