You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિંદુસ્તાનમાં હિંસા થાય ત્યારે દુનિયામાં દેશની આબરૂને ઠેસ પહોંચે છે- રાહુલ ગાંધી
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં થયેલી હિંસાના વિસ્તારની મુલાકાત લીધી હતી.
મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ હિંસાથી હિંદુસ્તાનને કોઈ ફાયદો થવાનો નથી.
તેમણે કહ્યું, "અહીં એક સ્કૂલ છે, જેમાં દેશનું ભવિષ્ય છે. અહીં હિંસા અને નફરતે તેને સળગાવી છે, ખતમ કરી છે. તેનાથી કોઈને ફાયદો નથી થયો. હિંસા અને નફરત પ્રગતિના દુશ્મન છે. હિંદુસ્તાનને ભાગલા પડાઈ રહ્યા છે. દેશને સળગાવાઈ રહ્યો છે, તેનાથી હિંદુસ્તાનની ભારતમાતાને કોઈ ફાયદો થવાનો નથી."
તેઓ વધુમાં કહ્યું, "જ્યારે હિંદુસ્તાનમાં હિંસા થાય છે, જ્યારે રાજધાનીમાં હિંસા થાય છે. તેનાથી દુનિયામાં ભારતની જે આબરૂ છે તેને ઠેસ પહોંચે છે. આપણી જે મજબૂતી હતી- ભાઈચારો, એકતા તેને સળગાવી છે, નષ્ટ કરાઈ છે. આ હિંસાથી માત્ર સ્કૂલને નુકસાન નથી પહોંચ્યું પણ હિંદુસ્તાન અને ભારતમાતાને નુકસાન થયું છે."
રાહુલ ગાંધીએ કહ્યું કે હિંદુસ્તાનને જોડીને આગળ વધારવું જોઈએ અને બધાએ પ્રેમથી કામ કરવું પડશે.
કુલદીપસિંહ સેંગર હત્યાકેસમાં પણ દોષી
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના ભાઈ અતુલસિંહ સેંગરને ઉન્નાવ રેપપીડિતાના પિતાની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવ્યા છે.
દિલ્હીની એક કોર્ટે કુલદીપ સેંગરને અકારણ હત્યાના દોષી માન્યા છે.
કુલદીપ સેંગરને ઉન્નાવની યુવતી પર બળાત્કાર મામલે અગાઉ જ દોષી ઠેરવ્યા છે. રેપપીડિતાની વય એ સમયે 15 વર્ષ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેપપીડિતાના પિતાનું મૃત્યુ 2018માં ઉન્નાવની એક હૉસ્પિટલમાં થયું હતું. એ સમયે સેંગર આર્મ્સ ઍક્ટના એક કેસમાં પોલીસ કસ્ટડીમાં હતા.
પેટમાં દુખાવાની ફરિયાદ બાદ રેપપીડિતા 55 વર્ષીય પિતાને હૉસ્પિટલમાં ભરતી કરાયા હતા.
પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે પીડિતાના પિતાને ગંભીર ઈજા થઈ હતી.
તાહિર હુસૈન મુદ્દેના નિવેદનથી પોલીસ પલટી
દિલ્હીના હુલ્લડ અંગે આરોપી તાહિર હુસૈન અંગે આપેલા નિવેદન પરથી દિલ્હી પોલીસ ફરી ગઈ છે.
પહેલાં દિલ્હી પોલીસે એવું નિવેદન આપ્યું હતું કે હુસૈનને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જોકે બાદમાં પૂર્વોત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે આ વાતને નકારી કાઢી છે.
ત્રણ ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું કે તા. 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે તેઓ ઘરે જ હતા. તા. 26મી ફેબ્રુઆરીએ ઇન્ટેલિજન્સ બ્યૂરોના કર્મચારી અંકિત શર્માની હત્યાના કેસમાં તેમને આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી બાજુ, તાહિર હુસૈને દિલ્હીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના એડિશનલ કમિશનર ઑફ પોલીસ અજિત કુમાર શિંગલાએ કહ્યું હતું કે તા. 24-25ની મધ્યરાત્રિ દરમિયાન કેટલાક લોકોએ અમને જણાવ્યું હતું કે કૉર્પોરેટર તાહિર હુસૈન ફસાઈ ગયા છે અને અસલામતી અનુભવે છે, ત્યારે તેમને લેનમાંથી બચાવવામાં આવ્યા હતા.
ગુજરાતના 85% ડૉક્ટરોએ ગ્રામીણ વિસ્તારમાં સેવા ન આપી
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારની મદદથી મેડિકલ કૉલેજમાંથી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરનારા આશરે 85% ડૉક્ટર એવા છે, જેમણે ગ્રામીણ વિસ્તારમાં તબીબી સેવા આપવાથી પીછેહઠ કરી છે.
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, આ આંકડો મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
નિયમ પ્રમાણે જે વિદ્યાર્થીઓ સરકારની મદદથી સરકારી કૉલેજમાંથી MBBSની ડિગ્રી પ્રાપ્ત કરે છે, તેમણે ગ્રામીણ વિસ્તારમાં સેવા આપવી ફરજિયાત હોય છે. અને આમ ન કરે તો તેમણે 20 લાખ રૂપિયાનો દંડ ભરવો પડે છે.
વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કૉંગ્રેસ MLAના સવાલના જવાબમાં સ્વાસ્થ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું, રાજ્યના 2,228 ડૉક્ટરોને 2018-19 દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારમાં નિમવામાં આવ્યા હતા.
પરંતુ માત્ર 321 ડૉક્ટરોએ જ સેવા પુરી પાડી છે.
સરકારે અત્યાર સુધી નિયમ ભંગ કરવા બદલ 7.21 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી લીધી છે, જોકે રૂ. 62.07 કરોડની વસૂલાત કરવાનું હજુ સુધી બાકી છે.
નીતિન પટેલે કહ્યું છે કે જે ડૉક્ટર દંડ ચૂકવી શક્યા નથી, સરકારે તેમની મિલકત કબજે કરી તેને વેચવાનું શરૂ કરી દીધું છે.
મહત્ત્વનું છે કે આ કાયદો એ વિદ્યાર્થીઓ પર લાગુ થતો નથી, જેમણે સરકારની સહાય વગર કૉલેજમાં ઍડમિશન મેળવ્યું હોય.
સ્વાસ્થ્યમંત્રીએ જાણકારી આપી હતી કે MBBSના વિદ્યાર્થીઓએ ભણવા માટે માત્ર છ હજાર રૂપિયા ફી ભરવી પડે છે, જ્યારે સરકારે રૂ. 25 લાખનો ખર્ચ ભોગવવો પડે છે.
અધીર ચૌધરીની કચેરી પર હુમલો
લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું કહેવું છેકે મંગળવારે સાંજે કેટલાક શખ્સો નવી દિલ્હી ખાતેની તેમની કચેરીએ પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી સાથે જ તેમના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી.
ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. (એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ)ના રિપોર્ટ મુજબ આ ઘટના મંગળવારે સાંજે સાડા પાંચ કલાક આજુબાજુ ઘટી હતી.
કૉંગ્રેસે સમગ્ર ઘટનાની નિંદા કરી છે અને તત્કાળ કાર્યવાહી કરવા દિલ્હી પોલીસ સમક્ષ માગ કરી છે.
પોલીસનું કહેવું છે કે ચાર લોકો ઇચ્છતા હતા કે ચૌધરીનો સ્ટાફ તેમની સાથે ફોન ઉપર વાત કરાવી દે, પરંતુ કર્મચારીઓએ એમ કરવાનો ઇન્કાર કરતા તેઓ ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરી હતી. અમે આ અંગે તપાસ હાથ ધરી છે.
ટળી શકે છે ઑલિમ્પિક
ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કોરોના વાઇરસના કારણે ટળી શકે છે.
આ વર્ષે ઑલિમ્પિક ગૅમ્સનું આયોજન જાપાનના ટોક્યોમાં થઈ રહ્યું છે. હાલ ઑલિમ્પિક માટે 24 જુલાઈથી 9 ઑગસ્ટ સુધીની તારીખ નક્કી કરવામાં આવી છે.
જાપાનના ઑલિમ્પિક મંત્રીનું કહેવું છે કે ટોક્યો 2020 ગેમ્સની તારીખ આગળ વધી શકે છે. એવું બની શકે છે કે આ ગેમ્સ ઉનાળામાં ન યોજાય, વર્ષના અંતમાં યોજાય.
તેમણે સ્પષ્ટતા આપી છે કે કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી શકે છે.
જાપાનની સંસદમાં એક સવાલનો જવાબ આપતા સીકો હાશીમોતોએ કહ્યું છે કે અમે પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છીએ કે ઑલિમ્પિક નક્કી કરાયેલા સમયે જ યોજાય, પરંતુ કોરોના વાઇરસના ખતરાને પણ નકારી શકાય નહીં.