પાકિસ્તાન ન જનારાઓએ ભારત પર કોઈ ઉપકાર નથી કર્યો : યોગી

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દેશના મુસ્લિમ સમુદાય અંગે નિવેદન આપતાં કહ્યું છે કે દેશના વિભાજન વખતે જે મુસ્લિમો ભારતમાં રહી ગયા તેમણે ભારત પર કોઈ ઉપકાર નથી કર્યો.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ માટે ચૂંટણીપ્રચાર કરવા આવેલા ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે બીબીસીના સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ સાથે સંબંધિત વાત કરી હતી.

સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહેલા લઘુમતી સમુદાયના લોકો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં યોગીએ કહ્યું, 'તેમણે કોઈ ઉપકાર નથી કર્યો. તેમણે ભારત પર કોઈ ઉપકાર નહોતો કર્યો. '

યોગીને સવાલ પૂછાયો હતો કે સીએએ અને એનઆરસીનો વિરોધ જે મુસ્લિમો કરી રહ્યા છે, તેઓ એ જ મુસ્લિમો છે, જેમના પરિવારોએ વિભાજન વખતે એક એવા રાષ્ટ્રમાં ન જવાનો નિર્ણય લીધો હતો, જેનો પાયો ધર્મના નામે મૂકાયો હતો.

આ સવાલના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું, "તેમણે કોઈ ઉપકાર નથી કર્યો. તેમણે ભારત પર કોઈ ઉપકાર નહોતો કર્યો. દેશના વિભાજનનો વિરોધ થવો જોઈતો હતો. ભારતના વિભાજનનો વિરોધ થવો જોઈતો હતો. જે વાત ભારતના હિતમાં છે, આપે એનું સ્વાગત કરવું જોઈએ. પણ જે ભારતના વિરોધમાં છે, એમનો વિરોધ કરવો જોઈએ. આ જ અમારી રાષ્ટ્રભક્તિ કહે છે અને આ જ ભારતના દરેક નાગરિકની ફરજ પણ બને છે. "

'વિદેશમાં કામ કરનાર આ ભારતીયોને ઇન્કમટૅક્સ નહીં લાગે'

બજેટમાં બિનનિવાસી ભારતીયો માટે કરવામાં આવેલી ઇન્કમટૅક્સની જોગવાઈઓ સંદર્ભે સી.બી.ડી.ટી.એ સ્પષ્ટતા કરી છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ)ને ટાંકતા લખે છે :

"વિદેશમાં કામ કરતા શ્રમિકો માટે નહીં, પરંતુ ભારતમાં કર ન ભરવો પડે તે માટે અન્ય દેશનું નાગરિકત્વ લેનાર કેટલાક ઉદ્યોગપતિઓ તથા વ્યવસાયિકો દ્વારા છૂટનો ગેરલાભ લેવામાં આવતો હતો."

અહેવાલમાં લખ્યું છે, "વર્ષ 2020ના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે, જે ભારતીય નાગરિક અન્ય કોઈ દેશમાં કર ન ભરતો હોય, તેને ભારતીય નાગરિક ગણી તેની ઉપર કર નાખવાની જોગવાઈ કરવામાં આવી છે."

"આ સિવાય જો કોઈ નાગરિક વર્ષમાં 245 દિવસ (અગાઉ 183 દિવસ કે છ મહિનાની જોગવાઈ) દેશની બહાર રહેશે તો જ તેને બિનનિવાસી ગણવાની જોગવાઈ હતી."

'જાદુઈ કસરત કરો'

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જૂનો વીડિયો ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો હતો.

ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, ગાંધીએ ટ્વિટર પર લખ્યું : "વ્હાલા વડા પ્રધાન, તમારી જાદુઈ કસરતનું રૂટિન થોડી વધુ વખત કરો. કોણ જાણે ક્યારે તેનાથી અર્થતંત્ર ફરી પાટે ચડી જાય."

સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું, તે પછી રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે બજેટમાં કશું નવું નથી. દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે અને યુવાનો પાસે રોજગાર નથી, જે મુખ્ય સમસ્યા છે.

ઍરપૉર્ટમાં ઘૂસ્યો પાગલ

મધ્ય પ્રદેશના ભોપાલમાં કથિત રીતે માનસિક અસ્થિર શખ્સ રાજા ભોજ ઍરપૉર્ટમાં પ્રવેશી ગયો હતો.

એન.ડી.ટી.વી (ન્યૂ દિલ્હી ટેલિવિઝન)ના અહેવાલ પ્રમાણે, આ શખ્સે રાધા સ્વામી સત્સંગ બિયાસના હેલિકૉપ્ટરને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ સ્પાઇસ જેટનું વિમાન ટેક-ઑફ કરવા જઈ રહ્યું હતું, ત્યારે તેની આડે સૂઈ ગયો હતો.

ઍરપૉર્ટની સુરક્ષા માટે જવાબદાર સી.આઈ.એસ.એફ. (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ)ના જવાનોએ શખ્સને અટકમાં લીધો હતો અને ભોપાલ પોલીસને સોંપી દીધો હતો.

લંડનમાં છૂરાબાજી કરનાર શખ્સ ઠાર

લંડનમાં છૂરાબાજી કરીને ત્રણ લોકોને ઘાયલ કરનાર સુદેશ અમાન (ઉંમર વર્ષ 20)ને ઠાર મારવામાં આવ્યા છે.

સુદેશને 'આતંકવાદ' સંબંધિત કેસમાં ત્રણ વર્ષ અને ચાર માસની જેલની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી અડધી સજા ભોગવીને તે ગતસપ્તાહે જ છુટકારો થયો છે.

સુદેશ પોલીસની વૉચ-લિસ્ટમાં હતા.

લંડન પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેય ઈજાગ્રસ્તમાંથી કોઈને ગંભીર ઈજા પહોંચી નથી તથા આ હુમલો 'ઇસ્લામિક-આતંકવાદ' સંદર્ભનો હોઈ શકે છે.

વડા પ્રધાન બોરિસ જૉન્સનનું કહેવું છે કે આતંકવાદના કેસમાં સજા પામનારાઓને લગતી વ્યવસ્થામાં મૂળભૂત ફેરફાર કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો