જામિયા ફાયરિંગ : પોલીસે કહ્યું, કોઈ ગોળી નથી મળી

રવિવારની મોડી રાત્રે દિલ્હીની જાણીતી યુનિવર્સિટી જામિયા મિલિયા ઇસ્લામિયાની બહાર ફરી ગોળીબારની ઘટના ઘટી છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે યુનિવર્સિટીના ગેટ નંબર પાંચ પર ફાયરિંગ થયું.

દિલ્હી પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી કોઈ પણ ગોળી મળી નથી.

મોડી રાત્રે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જામિયાનગર પોલીસસ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને આર્મ્સ એક્ટની કલમ 27 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

છેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં ગોળીબારની આ ત્રીજી ઘટના ઘટી છે.

આ અગાઉ 30 જાન્યુઆરીએ જામિયા પાસે નાગરિકતા સંશોધન કાયદો અને NRC વિરુદ્ધ યોજાયેલા પ્રદર્શન દરમિયાન પણ ગોળીબાર થયો હતો, જેમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.

ત્યારબાદ પહેલી ફેબ્રુઆરીએ જામિયાથી થોડે દૂર આવેલા પ્રદર્શનસ્થળ શાહીનબાગ ખાતે પણ ગોળીબાર થયો હતો.

અગાઉની બંને ઘટનામાં ગોળીબાર કરનાર શખ્સ પકડાઈ ગયા હતા અને પોલીસે કસ્ટડીમાં લીધા છે.

રવિવારે મોડી રાત્રે સમાચાર એજન્સી એએનઆઈ ટ્વીટ કર્યું હતું કે 'જામિયાના ગેટ નં.5 પાસે ફાયરિંગ થયું છે.'

બાદમાં એએનઆઈએ અન્ય એક ટ્વીટ કર્યું : જામિયા કૉ-ઑર્ડિનેશન કમિટીએ ઘટનાની ખરાઈ કરતાં કહ્યું છે, "બે અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો. કોઈને ઈજા થઈ નથી."

આ હુમલો થયો એના એક દિવસ પહેલાં જામિયા યુનિવર્સિટી દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી હતી કે યુનિવર્સિટીની અંદર કોઈ પણ પ્રકારનાં પ્રદર્શન ન કરવાની ચેતવણી આપવામાં આવે છે.

જામિયાના એક વિદ્યાર્થી ઝોએબ અહમદે બીબીસીને કહ્યું, "અચાનક લોકોની બૂમો સંભળાવા લાગી અને અમને ખ્યાલ આવ્યો કે ગેટ નંબર પાંચ તરફ ફાયરિંગ થયું છે."

તેમના કહેવા પ્રમાણે ઓછામાં ઓછા બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. ઝોએબના કહેવા પ્રમાણે આ ઘટના રાત્રે આશરે બાર વાગ્યે ઘટી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો