ઈરાનના જનરલ સુલેમાનીને અમેરિકાએ કઈ રીતે નિશાન બનાવ્યા?

ઇમેજ સ્રોત, fars
અમેરિકાએ 3 જાન્યુઆરીએ બગદાદ ઍરપૉર્ટ પાસે ડ્રોનથી હવાઈ હુમલો કરીને ઈરાને અલ-કુદ્સ ફોર્સના પ્રમુખ કાસિમ સુલેમાનીને મારી નાખ્યા હતા.
લગભગ એક પખવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં, તેમની હત્યા વિશેની થિયરીઓ તથા અટકળો અટકવાનું નામ નથી લેતી.
ગુપ્તચર સૂત્રોએ અમેરિકન મીડિયાને જણાવ્યું કે આ અભિયાનને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અંજામ અપાયું હતું અને આ માટે સંપૂર્ણ તૈયારી પણ કરાઈ હતી.
જાણવા મળી રહ્યું છે કે સુલેમાની થોડા સમય પહેલાં જ ઇરાક પહોંચ્યા હતા અને બે ગાડીના કાફલામાં મુસાફરી કરી રહ્યા હતા. ઈરાન સમર્થિત ઇરાકી સૈન્યના લોકો પણ એ ગાડીઓમાં સવાર હતા.
બીબીસીની મીડિયા મૉનિટરિંગ સર્વિસ 'બીબીસી મૉનિટરિંગ' અનુસાર પ્રારંભમાં ઈરાની ટીવી ચેનલોએ એવા સમાચાર ચલાવ્યા હતા કે અમેરિકન સૈન્યે હેલિકૉપ્ટર થકી ઇરાકમાં આ હુમલો કર્યો હતો.

ડ્રોનથી હુમલો કરાયો

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
જોકે, અમેરિકન મીડિયાનું કહેવું છે કે આ હુમલો માનવરહિત ઍરક્રાફ્ટ એમક્યુ-9 રૅપર થકી કરાયો હતો. આ એક ડ્રોન છે, જે મહત્તમ કલાકે 480 કિલોમિટરની ઝડપથી ઊડી શકે છે.
અમેરિકાએ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક આ ડિવાઇસના ઉપયોગ અને આ વિસ્તારમાં ઍર ટ્રાફિકના સંભવિત જોખમને લઈને હજુ સુધી કંઈ જણાવ્યું નથી.
'ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ' દ્વારા સરકારી સૂત્રોને ટાંકીને લખ્યું છે કે ડ્રોને બે કાર પર મિસાઇલો છોડી હતી. ઍરપૉર્ટના કાર્ગો ટર્મિનલની નજીક લક્ષ્ય પર આ મિસાઇલો તાકવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરબી ટેલિવિઝન 'અલ-અરેબિયા'એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હેલફાયર આર9ઍક્સ મિસાઇલ દ્વારા આ હુમલો કરાયો હતો.
આ મિસાઇલને નિન્જા પણ કહેવામાં આવે છે. હવામાંથી ધરતી પર પ્રહાર કરનારી આ મિસાઇલને ટૅન્કને તોડી પાડવા માટે બનાવાઈ છે. આ મિસાઇલ હેલિકૉપ્ટર કે વિમાન દ્વારા છોડી શકાય છે.
રિપોર્ટ અનુસાર મધ્ય-પૂર્વમાં અમેરિકાએ કોઈ અભિયાન દરમિયાન નવમી વખત આ મિસાઇલનો ઉપયોગ કર્યો છે.

ઇરાકમાં અમેરિકન ઠેકાણા પરથી હુમલો

હુમલાના થોડા સમય બાદ તેને ઇરાકમાં એક અમેરિકન ઠેકાણેથી કોઑર્ડિનેટ કરાયો હતો.
શિયા મિલિશિયા સમૂહો તરફથી શેર કરાઈ રહેલા એક વીડિયોમાં એ કારના અવશેષ બળતા દેખાય છે, જેમાં સુલેમાની મુસાફરી કરી રહ્યા હતા.
અન્ય એક તસવીરમાં લોહીમાં રંગાયેલો સુલેમાનીનો હાથ દેખાયો, જેમાં તેમણે પોતાની મનપસંદ લાલ અંગૂઠી પહેરેલી દેખાય છે.
ઇરાકી આર્મી જૉઇન્ટ ઑપરેશન ફૉર્સના મીડિયા ઑફિસે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર કેટલીક તસવીરો જાહેર કરી, જેમાં બગદાદ હવાઈમથકના નિકાસ-ગેટ પાસે સડક પર બળતી એક કાર દેખાય છે.

મરનાર વિશે શું ખબર છે?

ઇમેજ સ્રોત, Getty Images
હમલાના અનેક દિવસો બાદ પણ હુમલાનો શિકાર બનેલા લોકોની ઓળખાણ અને તેની સંખ્યાને લઈને આધિકારિક જાહેરાત નથી કરાઈ. અમેરિકા અને આરબ મીડિયાના સૂત્રોના હવાલાથી દાવો કર્યો હતો કે ઘટનામાં છ થી સાત લોકોને નુકસાન થયું છે.
જનરલ સુલેમાની સાથે જ ઈરાને ઇરાકના સૈન્ય કમાંડર અબુ મહદી અલ મહાંદિસના મૃત્યુની પણ પુષ્ટિ કરી. તેઓ ઈરાન સમર્થિત મોબિલાઇઝેશન ફોર્સીસ ઑફ ઇરાકના ડેપ્યુટી હેડ હતા.
ઈરાનના સરકારી ટીવી ચેનલ પ્રમાણે હુમલામાં મૃત્યુ પામેલા 3 સૈનિકો રેવોલ્યુશનરી ગાર્ડનો ભાગ હતા, જ્યારે ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ પ્રમાણે ઈરાની સૈનિકો સાથે સુરક્ષા માટે ઇરાકી સેનાના સભ્યો પણ હતા.
અલ-અરબિયાનો દાવો છે કે સુલેમાની સાથે લેબેનન હિજબુલ્લાહના અધિકારી પણ હતા.
સુલેમાની અને અન્ય લોકોની અન્યાયી હત્યાને લઈને સંયુક્ત રાષ્ટ્રના દૂત એગ્નેસ કલ્લામાર્ડે સવાલ ઉઠાવ્યા છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "કાસિમ સુલેમાની અને અબૂ મહદી અલ મહાંદિસની હત્યા ગેરકાયદેસર છે અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓનું ઉલ્લંઘન છે."
"કોઈ પણ વ્યક્તિને વીણીને ઠાર કરવા માટે આ પ્રકારે ડ્રોન કે બીજી વસ્તુનો ઉપયોગ કરવો વાજબી ન કહી શકાય."
"પેન્ટાગનના નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ નથી કે સુલેમાની સિવાય અન્ય કોણ મૃત્યુ પામ્યું છે."
અમેરિકન સરકાર પ્રમાણે આ ઑપરેશન એ કાવતરાંનો જવાબ છે જેમાં "સક્રિયપણે ઇરાકમાં અમેરિકન રાજકારણીઓ અને આ ક્ષેત્રમાં બીજા સભ્યો પર હુમલા કરવાની યોજના બનાવાઈ રહી હતી." જો કે, તેમણે આના સમર્થનમાં કોઈ પણ પુરાવ આપ્યા નથી.

હુમલાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇરાકમાં અમેરિકા દ્વારા આ હુમલો હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ થયો છે.
ગયા અઠવાડિયે ઇરાકના કિરકુકમાં થયેલા હુમલામાં એક અમેરિકન કૉન્ટેક્ટરનું મોત નીપજ્યું હતું અને ચાર સૈનિકો ઘાયલ થયા હતા, આ હુમલા માટે અમેરિકાએ ઈરાન અને સુલેમાનીને જવાબદાર ઠેરવ્યા હતા.
ધ વોશિંગટન પોસ્ટ પ્રમાણે, આ ઘટના પણ હુમલા માટેનું એક કારણ છે, પરંતુ થોડાક દિવસ બાદ 31 ડિસેમ્બરની સાંજે ઈરાન સમર્થિત સેનાના સભ્યોએ બગદાદમાં અમેરિકન દૂતાવાસને ઘેરી લીધો હતો.
અમેરિકન મીડિયાનું કહેવું છે કે આ ઘટનાથી અમેરિકા ન માત્ર આ ક્ષેત્રમાં સૈનિકોની સંખ્યા વધારવાની વાતને લઈને ગંભીર થયું છે બલકે પલટવારની પણ યોજના બનાવી રહ્યું છે.
વર્ષ 2018માં જ્યારે ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની પરમાણુ સમજૂતી રદ કરી અને ઈરાન પર અસંખ્ય પ્રતિબંધ લાદી દીધા, જે કારણે ઈરાનનું અર્થતંત્ર હચમચી ગયું છે, ત્યારથી બંને દેશોના સંબંધો બગડતા રહ્યા છે.
ગયા વર્ષે જૂનમાં ઈરાને અમેરિકન ડ્રોનને તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. જે બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હવાઈ હુમલાની તૈયારી કરી લીધી,પરંતુ બાદમાં આ કાર્યવાહી કરવાનું ટાળી દીધું.
હાર્મૂઝ સામુદ્રધુનીમાં ઘણાં જહાજો પર થયેલા ધમાકાઓ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધી ગયો. ત્યાર બાદ સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકોના મહત્વનાં ઠેકાણાં પર હુમલા કરવાનો આરોપ પણ ઈરાન પર લગાવાયા.

સુલેમાનીનું મોત ઈરાન માટે કેટલો મોટો ફટકો?

જનરલ કાસિમ ન માત્ર ઈરાનના સૌથી તાકતવર સૈન્ય ચહેરા હતા બલકે દેશના સૌથી પ્રભાવશાળી લોકોમાં પણ સામેલ હતા. તેઓ આયતોલ્લાહ ખામનેઈ બાદ બીજા ક્રમે હતા, જેમને તેઓ ડાયરેક્ટલી રિપોર્ટ કરતા હતા.
મધ્ય-પૂર્વમાં ઈરાનની સૈન્ય તાકાત અને રણનીતિ માટે જ નહીં, પરંતુ યુદ્ધ અને શાંતિના મુદ્દા પર ઈરાનના ખરા ચાન્સેલર પણ હતા.
ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ પ્રમાણે, સુલેમાનીનું મહત્ત્વ એટલું વધારે હતું કે તેમની હત્યા કરવાનો વિચાર બરાક ઓબામા અને જ્યૉર્જ ડબ્લ્યૂ બુશની સરકારોના સમયગાળા દરમિયાન પણ કરાયો હતો. પરંતુ આ બંને ગાળા દરમિયાના ઈરાન સાથેનું યુદ્ધ ટાળવા માટે આ વિચાર માંડી વળાયો હતો.
62 વર્ષીય સુલેમાની 1980ના દાયકામાં ઇરાક સાથે થયેલા યુદ્ધમાં ભાગ લીધા બાદ ઈરાનના રાજકારણમાં આવ્યા હતા. તેઓ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડત અને બીજા અસરદાર નેટવર્ક બનાવનાર મુખ્ય રણનીતિકાર રહ્યા હતા.
જનરલ સુલેમાનીને એ રણનીતિ તૈયાર કરવાનો શ્રેય અપાય છે જેને રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સીરિયામાં વિદ્રોહી તાકાતો વિરુદ્ધ યુદ્ધની રીત બદલવાની, ઇરાકમાં શિયા મિલિશિયાને નિયંત્રણમાં લાવવા દરમિયાન ઈરાન પાસેથી સમર્થન અને પ્રશિક્ષણ મળ્યું.
જોકે, બીબીસીના રક્ષા અને કૂટનીતિક મામલાઓના સંવાદદાતા પ્રમાણે એ કહેવું અશક્ય છે કે ઈરાન તરફથી આ મામલે કોઈ જ કડક પ્રતિક્રિયા નથી આવી, પછી ભલે તેમની પ્રતિક્રિયા તાત્કાલિક હોય કે ના હોય.
માર્કસ પ્રમાણે, ઇરાકમાં અમેરિકાના પાંચ હજાર કરતાં વધારે સૈનિકો તહેનાત છે. સાથે જ મધ્ય-પૂર્વમાં ઘણા રાજકીય પ્રતિનિધિઓ પણ છે, જેઓ વિદ્રોહીઓ માટે લક્ષ્ય સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું, "ઈરાનની પ્રતિક્રિયા આ ક્ષેત્રમાં અમેરિકન સેનાના હિતો વિરુદ્ધ હોઈ શકે છે, પરંતુ તે અમેરિકાને લગતા અન્ય કોઈ હેતુ સાથે સંબંધિત પણ હોઈ શકે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












