ભારત પુરુષો માટેનું સંતતિનિરોધક ઇંજેક્ષન બનાવવાની નજીક, દુનિયાની પહેલી ઘટના હશે

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દુનિયામાં પહેલીવાર પુરુષો માટેનું સંતતિનિરોધક ઇંજેક્ષન બનાવવાની નજીક છે.
આ ઇંજેક્ષનને નસબંધીના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
હિંદુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે આની ક્લિનિકલ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને તેને હવે મંજૂરી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને મોકલવામાં આવ્યું છે.
આ ઇંજેક્ષનની અસર 13 વર્ષ સુધી રહેશે અને તે પછી તે તેની શક્તિ ખોઈ દેશે.
આની ટ્રાયલમાં ભાગ લેનારા વરિષ્ઠ વિજ્ઞાની ડૉક્ટર આરએસ શર્માનું કહેવું છે કે આ ઇંજેક્ષન પૂરી રીતે તૈયાર છે અને ફક્ત ડ્રગ કંટ્રોલરની પરવાનગી જ બાકી છે.
એમણે કહ્યું કે આની ટ્રાયલ 3 તબક્કામાં કરવામાં આવી હતી જેમાં 303 લોકોએ ભાગ લીધો હતો. આ ટ્રાયલમાં સફળતાની ટકાવારી 97.3 જોવા મળી અને ઇંજેક્ષનની કોઈ આડઅસરો નથી દેખાઈ.

નરેન્દ્ર મોદીએ કર્યા શરદ પવારની પાર્ટીના વખાણ

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન તૂટ્યું છે અને સરકાર બનાવવાનું કોકડું ગુંચવાયેલું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરદ પવારની નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના અને બીજુ જનતા દળના વખાણ કર્યા છે.
તેમણે રાજ્યસભાના 250માં સત્રમાં ભારતીય રાજનીતિમાં રાજ્યસભાની ભૂમિકા પર વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસદમાં વિરોધ દર્શાવવા માટે સ્પીકર સામે આસન સુધી ધસી આવી નારેબાજી કરવાના ચલણનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ બીજેડી અને એનસીપી પાસેથી આ અંગે શીખવાની જરૂર છે.
એમણે કહ્યું કે આ બે પક્ષોના સભ્યો આસન સુધી ધસી નથી આવતા. તેઓ નિયમનું પાલન કરે છે તે છતાં તેમનો રાજકીય વિકાસ અટક્યો નથી.
નરેન્દ્ર મોદીએ એ પણ એકરાર કર્યો કે ભાજપ જ્યારે વિરોધ પક્ષ હતો ત્યારે તેમની પાર્ટીના સભ્યો પણ એવું કરતા હતા અને તેમની પાર્ટી તથા અન્ય પક્ષોએ NCP- BJD પાસેથી શીખવું જોઈએ.

સિયાચિનમાં હિમસ્ખલનથી 4 જવાનો અને 2 નાગરિકોના મૃત્યુ

ઇમેજ સ્રોત, PRASHANT PUNJIAR
ઉત્તર સિયાચિન ગ્લેશિયરમાં સોમવારે થયેલા હિમસ્ખલનમાં 4 જવાનો અને 2 નાગરિકો મૃત્યુ પામ્યા છે.
2 નાગરિકો વજન લઈ જવાનું કામ કરતા હતા.
ભારતીય સેનાએ કહ્યું કે સિયાચિન ગ્લેશિયરમાં ઉત્તરી સેક્ટરમાં 19 હજાર ફૂટની ઊંચાઈ પર 8 લોકોનું દળ પ્રેટ્રોલિંગ કરતું હતું.
આ હિમસ્ખલન બપોરે અંદાજે 3 વાગે થયું હતું.
સેનાએ નિવેદનમાં કહ્યું છે કે આ ઘટના પછી તરત જ હિમસ્ખલન બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને 8 લોકોને બરફમાંથી કાઢવામાં આવ્યા.
આ તમામને હેલિકૉપ્ટરની મદદથી હૉસ્પિટલ લઈ જવાયા. જોકે, 7 લોકોની હાલત ગંભીર હતી અને ખૂબ પ્રયત્નો પછી પણ 4 સૈનિકો અને 2 નાગરિકોને બચાવી ન શકાયા.

300થી વધારે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશવા નોંધણી કરાવી

ઇમેજ સ્રોત, AFP
319 મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે નોંધણી કરાવી હતી એવું હોવાનું ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.
અહેવાલ મુજબ આ 319માં 15 વર્ષીય કિશોરીઓથી લઈને 45 વર્ષીય મહિલાઓ સામેલ હતી. જોકે , કેરળ સરકારે તેમની મંદિરમાં દર્શન કરવાની અરજીઓ ફગાવી દીધી.
તેમણે આ નોંધણી કેરળ પોલીસમાં સબરીમાલા મંદિરમાં દર્શન માટે ઑનલાઇન કરાવી હતી.
અહેવાલ એમ પણ કહે છે કે નોંધણી કરાવનાર કોઈ મહિલા કેરળના નથી.
ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશના મુદ્દે સુપ્રીમ કોર્ટે કેસ લાર્જર બેન્ચને ટ્રાન્સફર કર્યો છે પરંતુ મહિલાઓને મંદિરમાં પ્રવેશવાના મુદ્દે કોઈ સ્ટે નથી આપ્યો.
મતલબ, અગાઉના આદેશ મુજબ મહિલાઓ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા જઈ શકે છે.

ઈરાને કહ્યું ભારત અમેરિકા સામે ન ઝુકે

ઇમેજ સ્રોત, Getty Images
ઇરાનના વિદેશ મંત્રી જાવેદ જારિફે કહ્યું કે ભારતે પોતાની કરોડરજ્જૂ વધારે મજબૂત કરવી જોઈએ જેથી તે અમારા પર લાગેલા પ્રતિબંધોને લઈને અમેરિકા સામે ઝૂકવાનો ઇન્કાર કરી શકે.
જારિફે ભારત અને ઇરાન વચ્ચેની સૂફી પરંપરાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકાના પ્રતિબંધો અગાઉ તેમને આશા હતી કે ભારત ઑઇલનો સૌથી મોટો ખરીદદાર બનશે.
એમણે તહેરાનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ભારતે અમેરિકા સામે વધારે પ્રતિરોધ દાખવવો જોઈએ.
એમણે કહ્યું કે ''ઈરાન એ વાત સમજે છે કે ભારત અમારા પર પ્રતિબંધ નથી ઇચ્છતું પરંતુ તે એ જ રીતે અમેરિકાને પણ નારાજ કરવા નથી માગતું.''
''લોકો ઇચ્છે કંઈક અલગ છે અને કરવું અલગ પડે છે. આ વૈશ્વિક રણનીતિની ભૂલ છે. તમે ખોટી બાબતોને આ હદે સ્વીકાર કરશો તો તેનો અંત નહીં આવે અને તે વધતી જ રહેશે."
"ભારત પહેલેથી જ અમેરિકાના દબાણને વશ થઈ ઈરાન પાસેથી ઑઇલ નથી ખરીદી રહ્યું.''
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












