નિત્યાનંદ આશ્રમ વિવાદ : બે આરોપી મહિલાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયા હોવાના અને યુવતી લાપતા હોવાના વિવાદમાં નવો વળાંક આવ્યો છે.
આ વિવાદમાં પોલીસે આશ્રમના સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્ત્વપ્રિયાની ધરપકડ કરી છે.
બુધવારે સાંજે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાં કોર્ટે તેમનાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ વિવાદની શરૂઆત અમદાવાદ સ્થિત આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના આક્ષેપ સાથે થઈ હતી.
બેંગુલુરુમાં એક સમયે નિત્યાનંદના સાથી રહી ચૂકેલા જનાર્દન શર્માનો આરોપ છે કે એમનાં ચાર બાળકો આશ્રમમાં હતાં અને તેમને અચાનક અમદાવાદ લઈ આવવામાં આવ્યાં છે.
જનાર્દન શર્માનું એવું પણ કહેવું છે કે બાળકોને ગોંધી રાખીને તેમની પાસે મજૂરી કરાવવામાં આવે છે.
બીજી તરફ, આશ્રમના સંચાલકોનો દાવો છે કે તેમણે કોઈને ગોંધીને રાખ્યા નથી.
નિત્યાનંદે એક જાહેર પ્રવચન દરમિયાન ગુજરાતની ઘટનાનો ઉલ્લેખ કરીને ખુલાસો આપવાનો પ્રયાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રિમાન્ડની અરજીનો આધાર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોલીસે બુધવારે સાંજે આરોપી પ્રાણપ્રિયા તથા તત્વપ્રિયાને કોર્ટમાં રજૂ કર્યાં હતાં.
પોલીસે આશ્રમના વહીવટ તથા વહીવટકર્તા અંગેની માહિતી મેળવવા, બાળકોને ગોંધી રાખવા, તેમની ઉપર અત્યાચાર ગુજારવા સહિતની વિગતો મેળવવાના હેતુસર રિમાન્ડ માંગ્યા હતા.
આ સિવાય નાણાકીય હેરફેર, ભય બતાવીને દાન મેળવવી વગેરે જેવી દલીલો રજૂ કરી હતી. જેને સાંભળીને નીચલી અદાલતે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હાઈકોર્ટમાં સુનાવણી

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત હાઈકોર્ટે બાળકોને હાજર કરવા માટેની 'હેબિયેસ કોર્પસ'ની અરજી સ્વીકારી હતી, જેની ઉપર 26મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે.
હાઈકોર્ટે ઢીલી કામગીરી બદલ ગુજરાત પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
અમદાવાદ ગ્રામીણના ડીવાયએસપી કે. ટી. કમરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે :
'બેઉની ધરપકડ બાળકોને ગોંધી રાખવા, બાળમજૂરી કરાવવી અને ધમકી આપવાના કેસમાં કરવામાં આવી છે. ચાર બાળકને ચાઇલ્ડ વેલ્ફેર કમિટિને સોંપવામાં આવ્યા છે.'
આ દરમિયાન ગુજરાત બાળ સંરક્ષણ પંચના વડાં જાગૃતિ પંડ્યાએ કહ્યું કે આશ્રમમાં 18 વર્ષની નીચેના તમામ બાળકોની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવશે અને તેમનાં નિવેદનો લેવામાં આવશે.

આશ્રમનો કરાર રદ થશે

ઇમેજ સ્રોત, Bhargav Parikh
અમદાવાદથી ડાકોર જવાના રસ્તે આવેલા હાથીજણ ગામ પાસે જ હીરાપુર ગામ છે. અહીં દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે દસેક મહિના પહેલાં એક આશ્રમ શરૂ કર્યો.
આ આશ્રમમાં દેશના અલગ-અલગ હિસ્સામાંથી આવેલાં બાળકોને સનાતન હિંદુ ધર્મનું શિક્ષણ આપવા ઉપરાંત આશ્રમને અડીને આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું હતું.
આ આશ્રમમાં 40 જેટલાં બાળકો ભણે છે, આશ્રમમાં ડોમ જેવાં બનાવેલાં મકાનોમાં સાધુ-સાધ્વીઓ સાથે બાળકો રહે છે પરંતુ એમને મળવાની મનાઈ છે.
બીજી બાજુ, વિવાદ વકરતા દિલ્હી પબ્લિક સ્કૂલે આશ્રમ સાથેનો CSR (કૉર્પોરેટ સોશિયલ રિસ્પૉન્સિબ્લિટી કૉન્ટ્રાક્ટ રદ કરી દેવાની જાહેરાત કરી હતી.

વિવાદની પૃષ્ઠભૂમિ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ બાળકોમાં બેંગલુરુના એકસમયના સ્વામી નિત્યાનંદના સાથી જનાર્દન શર્માનાં ચાર બાળકો પણ છે.
શર્મા છેલ્લા કેટલાક દિવસથી બાળકોને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે 'મારી દીકરીને મળવા દેતા નથી અને એને ગોંધી રાખવામાં આવી છે.'
તેમણે એવું પણ કહ્યું કે મળવા માટે જઈએ તો વીડિયો-કૉલિંગથી વાત કરાવે છે પણ મળવા દેતા નથી.
શર્માએ આક્ષેપ કર્યો છે કે જો તેઓ આ મામલો વધુ ચગાવીશ તેમને આશ્રમના આર્થિક ગુનાઓમાં સંડોવવાની ધમકી આપે છે અને જો તેઓ કોઈ ખુલાસા કરશે તો તેમના સંતાનોની સલામતી ઉપર જોખમ ઊભું થઈ શકે તેમ છે.
જનાર્દનના વકીલ પ્રિતેશ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ દીકરીઓને ગોંધી રાખવામાં આવી છે, અમે આશ્રમની સામે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયેસ કોર્પસ પિટિશન પણ કરીશું.
આ મામલે આશ્રમ જઈ દેખાવો કરનાર કરણી સેનાના અગ્રણી રાજ શેખાવતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અહીં બાળકોને ગોંધી રખાય છે, જેની અમે તપાસ કરી હતી.
તેઓ કહે છે, "પુષ્પક સિટીના બંગલામાંથી મળેલી ત્રણ છોકરી પૈકીની સગીર છોકરીએ કહ્યું છે કે એમને ટાર્ગેટ આપીને ડોનેશન ઉઘરાવવાનું કહેવાતું અને બાળમજૂરી કરાવવામાં આવતી હતી."

પોલીસ શું કહે છે?
અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ એસ. ડી. શરદાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે આ અંગે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સામે ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન ઍન્ડ રેગ્યુલેશન ઍક્ટ 1986 મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસનું એવું પણ કહેવું છે કે જનાર્દન શર્માની દીકરી સાથે વીડિયો-કૉલિંગથી વાત થઈ છે અને તે 1 નવેમ્બરથી પોતાની મરજીથી બહારગામ ગયેલી છે, એ ક્યાં છે એ જણાવતી નથી અને આ અંગે પોલીસ તપાસ ચાલુ હોવાથી વધુ કઈ કહી શકાય એમ નથી.

'હું મારી ઇચ્છાથી ગઈ છું'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આશ્રમમાં જનાર્દન શર્માની દીકરીની વીડિયો-કૉલિંગથી પત્રકારો સાથે વાત કરાવી ત્યારે તેમણે કહ્યું કે તેઓ તેમની મરજીથી ગયાં છે અને તેમની પર કોઈનું દબાણ નથી.
તેમણે એવું પણ કહ્યું કે એમના પિતાએ આશ્રમના આર્થિક વહીવટમાં ગોટાળા કર્યા છે એટલે આશ્રમને બદનામ કરવા માટે આવું કરી રહ્યા છે.
જનાર્દન શર્માની દીકરીએ કહ્યું, "હું તમામ કાનૂની કાર્યવાહીમાં મદદરૂપ થઈશ, હું મારી ઇચ્છાથી ગઈ છું, પરંતુ મારાં માતાપિતા મને પરેશાન ન કરે એટલે હું અત્યારે મારું સરનામું બતાવવા તૈયાર નથી."
જેમની સામે ગુનો નોંધાયો છે તે આશ્રમનાં સંચાલિકા પ્રાણપ્રિયા સાથે પણ બીબીસીએ વાતચીત કરી.
પ્રાણપ્રિયાએ કહ્યું, "આ છોકરી એની મરજીથી ગઈ છે, અમારા આશ્રમમાં કોઈને ગોંધી રાખવામાં આવ્યા નથી."
"જેમનાં માતાપિતા એમનાં બાળકોને લઈ જવા માગતા હોય તો એમને અમે રોકતાં નથી, જનાર્દન શર્મા પણ 1 નવેમ્બરે એમના બાળકને લઈ ગયા હતા, એની સહી પણ છે."

ઇમેજ સ્રોત, Bhargav Parikh
પ્રાણપ્રિયા કહે છે, "આ જનાર્દન શર્મા અને એમની દીકરીનો ઘરેલુ ઝઘડો છે, જેમાં આશ્રમને બદનામ કરવામાં આવી રહ્યો છે. અહીં કોઈ બાળમજૂરી કરાવવામાં આવતી નથી. આશ્રમમાં સનાતન હિંદુ ધર્મ શીખવવામાં આવે છે."
તો આશ્રમના વકીલ નીતિન ગાંધીએ કહ્યું, "હજુ સુધી કોર્ટમાંથી હેબિયેસ કોર્પસની કોઈ નોટિસ આશ્રમને મળી નથી."
"જનાર્દન શર્માએ આશ્રમમાં કરેલા આર્થિક ગોટાળા અંગે અમે કાનૂની કાર્યવાહી કરીશું, એટલું જ નહીં આશ્રમને બદનામ કરવા બાદલ એમની સામે બદનક્ષીનો દાવો પણ કરવામાં આવશે.
પોતાની દીકરીને પરત મેળવવા માટે જનાર્દન શર્માએ હાઈ કોર્ટના શરણે જવાની તૈયારી બતાવી છે ત્યારે આશ્રમ દ્વારા કાનૂની લડાઈનો મોરચો માંડવામાં આવી રહ્યો છે.
જેના કારણે સમગ્ર મામલો વધુ રહસ્યમય બનતો જાય છે.

નિત્યાનંદ : ઝૂકાવવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Youtube
નિત્યાનંદે તેમના સત્સંગમાં ગુજરાતમાં ઘટી રહેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો.
નિત્યાનંદે કહ્યું, "તેઓ જાણે છે કે મારા શ્રદ્ધાળુઓ ઉપર પ્રહાર થશે એટલે હું ઝૂકી જઇશ અને સમાધાન કરવા તૈયાર થઈ જઇશ. એટલે કેટલાક લોકોએ મારી વિરુદ્ધ વ્યૂહરચના અપનાવી છે."
જોકે કોણ તેમની સામે કાવતરું કરી રહ્યું છે, તેનો ખુલાસો નિત્યાનંદે નહોતો કર્યો.
એજ વીડિયોમાં નિત્યાનંદ ઉમેરે છે કે ગુજરાતના શ્રદ્ધાળુઓ 'સૌથી વધુ સમર્પિત' છે અને વિવાદ થવા છતાં સાથે રહેવા બદલ શ્રદ્ધાળુઓનો આભાર માન્યો હતો.
અમદાવાદ મિરરના એક અહેવાલ પ્રમાણે, સ્વામી નિત્યાનંદ ઉપર દુષ્કર્મના આરોપ લાગ્યા હતા અને દક્ષિણ ભારતના અભિનેત્રી સાથે તેમની સેક્સટૅપને કારણે વિવાદ ઊભો થયો હતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














