બીબીસી ઇન્વેસ્ટિગેશન : કેટલાક મૌલવીઓ કરે છે છોકરીઓની દલાલી, મુસ્લિમોના પવિત્ર ધર્મસ્થળોએ 'નિકાહ મુતા'ની અંધારી દુનિયા

- લેેખક, નવલ અલ-મગફી
- પદ, બીબીસી ન્યૂઝ અરબી
બીબીસીએ અંડરકવર રહીને કરેલા ઇન્વેસ્ટિગેશનમાં એવી વાત બહાર આવી છે કે ઇરાકના પવિત્ર ગણાતા બગદાદ અને કરબલામાં કેટલાક મૌલવીઓ કિશોરીઓ અને યુવતીઓના જાતીય શોષણની એક અંધારી દુનિયા ચલાવી રહ્યા છે.
મૌલવીઓ મજબૂર કિશોરીઓને આ ધંધા માટે તૈયાર કરે છે. બાદમાં શિયા મુસ્લિમોની એક વિવાદાસ્પદ ધાર્મિક પ્રથાને બહાને તેમની દલાલી કરીને 'પ્લેઝર મેરેજ' એટલે કે 'નિકાહ મુતા' કરાવી આપે છે. ઇરાકમાં જોકે આવી શાદી ગેરકાયદે ગણાય છે.
આ રિપોર્ટની કેટલીક બાબતો આપને વિચલિત કરી શકે છે.
આ ધાર્મિક પ્રથા હેઠળ શિયા મુસલમાનો પૈસા ખર્ચીને અસ્થાયી પત્ની રાખી શકે છે. આ પ્રથા ઇરાકમાં પ્રતિબંધિત છે તેમ છતાં કેટલાક મૌલવીઓ તેનો ફાયદો ઉઠાવીને સ્ત્રીઓ અને સગીરાઓનું શોષણ કરી રહ્યા છે.
આ પવિત્ર નગરોમાં કેટલાક મૌલવીઓ પોતાના શાદી કેન્દ્રો ખોલીને બેસી ગયા છે.
આવા કેન્દ્રોમાં બીબીસીએ અંડરકવર જઈને તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે મોટા ભાગના મૌલવીઓ નિકાહ મુતા કરાવવા માટે તૈયાર હોય છે.
એટલે કે માત્ર મજા ખાતરની શાદી ગણતરીના દિવસો માટે જ કરી આપવા માટે છોકરીઓ સપ્લાય કરવા માટે તત્પર હોય છે.
ક્યારેક તો માત્ર એક કલાક માટે શાદી કરાવી આપે છે, જેનો અર્થ સેક્સ માણવા ખાતરની શાદી જ થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક મૌલવીઓ આવા નિકાહ મુતા માટે નવ વર્ષની સાવ નાની છોકરીઓ મેળવી આપવા પણ તૈયાર હોય છે.
બીબીસીની અંડરકવર તપાસ દરમિયાન ઘણા મૌલવીઓએ કિશોરીઓ અને યુવતીઓ લાવી આવવાની ઓફર પણ કરી હતી.
ડૉક્યુમેન્ટ્રીથી ખ્યાલ આવે છે કે મૌલવીઓ દલાલ તરીકે જ કામ કરી રહ્યા છે અને સગીરાઓને યૌનશોષણની દુનિયામાં ધકેલી દેવાના ગુનામાં રત રહે છે.

મોજ માટેની શાદી એટલે કે નિકાહ મુતા

મજા માટેની શાદી ઉર્ફે નિકાહ મુતા વિવાદાસ્પદ ધાર્મિક પ્રથા છે, જેનો ઉપયોગ શિયા મુસ્લિમો હંગામી શાદી માટે કરે છે.
તેના માટે મહિલાઓને નાણાં ચૂકવવામાં આવે છે. સુન્ની બહુમતી ધરાવતા મુસ્લિમ દેશોમાં પણ મિસ્યાર નિકાહના નામે આવી જ પ્રથા ચાલે છે.
આ એક કોન્ટ્રેક્ટ મૅરેજ જેવું હોય છે. કોઈ મુસ્લિમ લાંબી મુસાફરીએ જાય ત્યારે કોઈ સ્ત્રીને બીબી તરીકે સાથે લઈ જવા માટે આવી પ્રથાની શરૂઆત થઈ હતી તેમ માનવામાં આવે છે. પણ આજે તેનો ઉપયોગ માત્ર સેક્સ માણવા માટે જ થઈ રહ્યો છે.
આ પ્રથા બાબતે મુસ્લિમ વિદ્વાનો એકમત નથી. કેટલાકનું માનવું છે કે આના કારણે વેશ્યાવૃત્તિને ઉત્તેજન મળે છે.
સાથે જ કામચલાઉ શાદી એટલે કેટલા દિવસ માટેની શાદી તેના માટે પણ વિવાદ ચાલ્યા કરે છે.
બીબીસી ઇરાક અને બ્રિટિશ ટીમે 11 મહિના સુધી આ પ્રથા અંગે તપાસ કરી રહી હતી. તે માટે અંડરકવર રહીને મૌલવીઓનું શૂટિંગ કરવામાં આવ્યું.
જેમનું જાતીય શોષણ થયું હતું એવી યુવતીઓની પણ મુલાકાત લેવામાં આવી.
આ ઉપરાંત મૌલવીઓને પૈસા આપીને નિકાહ મુતા કરનારા મુસ્લિમ પુરુષો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.
15 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું તેના કારણે ઇરાકમાં લગભગ 10 લાખ મહિલાઓ વિધવા બની હતી તેવો અંદાજ છે. એનાથી પણ મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા હતા.
બીબીસી ટીમે જોયું કે ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ ગરીબીને કારણે નિકાહ મુતા કરવા માટે મજબૂર બની.

ખુલ્લેઆમ ચાલતો ધંધો

બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ટીમને એવા પુરાવા મળ્યા કે ઇરાકના બે સૌથી પવિત્ર સ્થળોમાં નિકાહ મુતા કરાવી આપવાનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.
દાખલા તરીકે, શિયા મુસ્લિમો માટે પવિત્ર મનાતા સ્થળોમાંના એક બગદાદના ખદીમિયા વિસ્તારમાં બીબીસીની ટીમ નિકાહ કરાવી આપનાર 10 આવા મૌલવીઓને મળી.
એ પૈકી આઠ મૌલવીઓએ કહ્યું કે તેઓ નિકાહ મુતા કરાવે છે. તેમાંથી અડધાએ કહ્યું કે તેઓ આ માટે 12થી 13 વર્ષની છોકરીઓ પણ મેળવી આપી શકે છે.
દુનિયાભરના શિયાઓ માટે પવિત્ર સ્થળ કરબલામાં આ ટીમ ચાર મૌલવીઓને મળી હતી.
ચારેય મૌલવીઓ સાથેની વાતચીત ગુપ્ત કેમેરાથી રેકર્ડ કરી લેવાઈ હતી. તેમાંથી ત્રણ નિકાહ મુતા માટે સ્ત્રીઓ લાવી આપવા તૈયાર હતા.
બે મૌલવીઓએ એવું કહ્યું કે તેઓ નિકાહ મુતા માટે જુવાન છોકરીઓ લાવી આપશે.
બગદાદના એક મૌલવી સૈયદ રાદે બીબીસી અંડરકવર રિપોર્ટરને જણાવ્યું કે શરિયત અનુસાર નિકાહ મુતા માટે કોઈ સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો નથી.
તેઓ કહે છે, "એક પુરુષ ઇચ્છે તેટલી મહિલાઓ સાથે નિકાહ મુતા કરી શકે છે."
તેમણે કહ્યું "તમે એક છોકરી સાથે અડધા કલાક માટે નિકાહ કરી શકો છો. તે સમય પૂરો થાય એટલે તરત બીજી સાથે નિકાહ મુતા કરી શકો છો."

નિકાહ મુતા માટે છોકરી નવ વર્ષથી મોટી જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીની ટીમે સૈયદ રાદને પૂછ્યું કે સગીર બાળા સાથે નિકાહ મુતા સ્વીકાર્ય ગણાય ખરા, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "બસ તમારે કાળજી એટલી રાખવાની કે તે પોતાની વર્જિનિટી ગુમાવે નહિ."
તેઓ કહે છે, "તમે તેની સાથે ફૉરપ્લે કરી શકો છો. ખોટું બોલી શકો છો. તેમના સ્તન અને શરીર પર હાથ ફેરવી શકો છો... પણ સામેથી યૌન સંબંધ બનાવી શકાય નહિ. હા, પ્રકૃતિ વિરુદ્ધ યૌન સંબંધ કરો તો ઠીક છે."
મૌલવીને પૂછ્યું કે છોકરીને ઈજા થઈ ગઈ તો શું, ત્યારે મૌલવીએ પોતાના ખભા ઉછાળીને કહ્યું કે, "તે કેટલી પીડા સહન કરી શકે છે એ તમારી અને એની વચ્ચેની વાત છે."
કરબલાના એક મૌલવી શેખ સલાવીને ગુપ્ત કેમેરા રાખીને પૂછવામાં આવ્યું કે 12 વર્ષની છોકરી નિકાહ મુતા માટે સ્વીકાર્ય છે ખરી, ત્યારે તેમણે કહ્યું, "હા, નવ વર્ષથી છોકરી મોટી હોય તો કોઈ વાંધો નથી. શરિયત પ્રમાણે તેમાં કોઈ બાધ નથી."
સૈયદ રાદની જેમ તેમણે પણ એવી જ વાત કરી કે કિશોરીનું કૌમાર્ય અખંડ રહેવું જોઈએ. ફૉરપ્લે માટેની મંજૂરી છે અને છોકરી સહમતી આપે તો પ્રકૃતિ વિરુદ્ધની ક્રિયા કરી શકાય. આટલું ધ્યાન રાખીને તમારે જે કરવું હોય તે કરી શકો છો."

ફોન પર જ કરાવી દઉ નિકાહ મુતા

મૌલવી સૈયદ રાદ તો છોકરીને મળ્યા વિના માત્ર ફોન પર જ તેની શાદી કરાવી દેવા તૈયાર થઈ ગયા હતા.
અંડરકવર રિપોર્ટર સાથે ટૅક્સીમાં બેઠા બેઠા તેમણે ફોન કરીને સામેની છોકરીને પૂછ્યું કે શું તને આ નિકાહ કબૂલ છે.
તેમણે એક દિવસની શાદી માટે છોકરીને દોઢ લાખ દિનારની રમક ઓફર કરી.
છેલ્લે તેમણે કહ્યું, "હવે તમારા બંનેની શાદી થઈ ગઈ છે એટલે સાથે રહેવું હલાલ (કાયદેસર) છે."
થોડી જ મિનિટોમાં આ નિકાહ મુતા કરાવી આપવા માટે તેમણે અંડરકવર રિપોર્ટર પાસેથી 200 ડૉલર લીધા હતા.
અને આ દરમિયાન જે કાલ્પનિક છોકરીની શાદી તેને મળ્યા વિના જ કરાવી નાખી તેના માટે તેઓ જરા પણ ચિંતિત નહોતા.

ધર્મની આડમાં...

અજાણી યુવતીઓ સાથે સેક્સ માટે નિકાહ મુતાનો ઉપયોગ કરનારા એક શાદીશુદા માણસે બીબીસીને કહ્યું, "12 વર્ષની છોકરી મળવી મૂલ્યવાન હોય છે, કેમ કે તે હજી પણ ફ્રેશ હોય. જોકે તે મોંઘી પડે. 500થી 800 ડૉલર આપવા પડે. આટલી નાની છોકરી સાથે માત્ર મૌલવી જ નિકાહ મુતા કરાવી શકે છે."
આ માટે પોતાને ધાર્મિક અનુમતિ મળેલી છે એમ તેઓ માને છે. તેઓ કહે છે, "ધર્મ સાથે જોડાયેલી એક વ્યક્તિ એવું કહે કે નિકાહ મુતા હલાલ છે તો પછી તે કરવું પાપ માની ના શકાય."
મહિલાઓને આશરો આપવા માટે સંસ્થા ચલાવતાં અને સ્ત્રી અધિકારોની લડત ચલાવતાં કાર્યકર યાનર મોહમ્મદ કહે છે છોકરીઓને મનુષ્ય નહિ, પણ માત્ર 'વેચાણની વસ્તુ' ગણવામાં આવે છે.
તેઓ કહે છે, "આમાં છોકરીઓનો અમુક રીતે ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવે છે. પણ ભવિષ્યમાં મોટી કમાણી થઈ શકે તે માટે તેની વર્જિનિટી બચાવીને રાખવામાં આવે છે, મોટી કમાણીનો અર્થ શાદી છે."
તેઓ કહે છે, "કોઈ છોકરીની વર્જિનિટી ના રહી હોય તો તેને શાદીલાયક ગણવામાં આવતી નથી. એવું પણ જોખમ હોય છે કે તેના કુટુંબીઓ તેને મારી નાખે. ગમે તે હોય ભોગવવાનું છોકરીઓ અને સ્ત્રીઓના ભાગે જ આવે છે."

આ દલાલી નથી તો શું છે?

ગુપ્ત કેમેરાથી મૌલવીઓ સાથે વાતચીત કરીને ડૉક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવી છે. નિકાહ મુતા માટે સગીર બાળાઓ આપવાની મૌલવીઓની તત્પરતા દેખાઈ આવે છે.
એક સગીરાનો ઇન્ટરવ્યૂ પણ છે, જેમાં તેણે એક મૌલવી પર પોતાની દલાલી કરવાનો આક્ષેપ મૂક્યો હતો. એક સાક્ષી તેની વાતને અનુમોદન પણ આપે છે.
ટીમે એક એવા મૌલવીની પણ ફિલ્મ ઉતારી, જેણે 24 કલાકના નિકાહ મુતા માટે એક છોકરી આપવા ઓફર કરી. તેણે કહ્યું કે 24 કલાકના નિકાહ મુતા માટે આ છોકરી ખરીદીને રાખી છે.
સ્પષ્ટ છે કે તે મૌલવી એક દલાલ તરીકે જ આ કામ કરી રહ્યા હતા.
અંડરકવર રિપોર્ટરે નિકાહ મુતાની એ ઓફરમાં આગળ વધવાની ના પાડી ત્યારે મૌલવીએ કહ્યું કે શું તમારે સગીર છોકરી જોઈએ છે?
એમણે બીબીસી અંડરકવરને એવું પણ કહ્યું કે 'હું તમારા માટે નાની છોકરી શોધી આપીશ.'

કોની, કેવી છે પ્રતિક્રિયા?

ઇમેજ સ્રોત, Getty Images
લંડનમાં રહેતા ઇરાકના ભૂતપૂર્વ શિયા ધર્મગુરુ ગૈથ તમીમી, નિકાહ મુતા માટે છોકરીઓનો ઉપયોગ કરવાની વાતની આકરા શબ્દોમાં ટીકા કરે છે.
તેઓ કહે છે, "એ માણસ જે વાત કરી રહ્યો છે તે અપરાધ છે અને તેને કાયદેસર સજા આપવી જોઈએ."
કેટલાક ઇરાકી શિયા ધર્મગુરુઓએ લખ્યું છે કે ઇસ્લામી કાનૂન બાળકો સાથે યૌન ક્રિયાઓ માટેની અનુમતિ આપે છે.
તમીમીએ શિયા નેતાઓને આહવાન કરતાં કહ્યું કે આવી પ્રથાની નિંદા કરવી જોઈએ.
બીબીસી ન્યૂઝ અરબીની ટીમે ગુપ્ત કેમેરાથી જે શિયા મૌલવીઓની ફિલ્મ બનાવી તેમાંથી બે મૌલવીઓએ એવું કહ્યું કે તેઓ શિયાઓના સૌથી મોટા ધર્મગુરુ આયાતોલ્લા સિસ્તાનીના અનુયાયી છે.
જોકે આયાતોલ્લા સિસ્તાનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "તમે કહો છો તે પ્રમાણે જો આવી પ્રથા ચાલતી હોય તો અમે તેને વખોડી કાઢીએ છીએ."
તેઓ કહે છે, "સેક્સ વેચવાના સાધન તરીકે અને જેમાં મહિલાઓની ગરિમા અને માનવીય મૂલ્યોની હાનિ થતી હોય તેવા નિકાહ મુતા માન્ય નથી."
બીજી બાજુ ઇરાકી સરકારના એક પ્રવક્તાએ બીબીસી અરબીને જણાવ્યું કે, "સ્ત્રીઓ આવા મૌલવીઓ સામે ફરિયાદ લઈને પોલીસ પાસે આવતી નથી, તેના કારણે અધિકારીઓ માટે કાર્યવાહી કરવી મુશ્કેલ હોય છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















