ગુલામ દુલહન : ભારતની એ યુવતીઓ જેમને લગ્ન કરી ગુલામ બનાવાય છે
તેલગણાંની રાજધાની હૈદરાબાદમાં અનેક યુવતીઓ ગુલામ દુલહન બની ચૂકી છે.
'ગુલામ દુલહન' એટલે એવી યુવતીઓ જેમની સાથે શ્રીમંતો લગ્ન કરે છે અને ત્યારબાદ તેમનું શોષણ કરે છે.
આવી યુવતીઓને લગ્ન બાદ પણ કોઈ અધિકારો મળતા નથી અને તેમનું શારિરીક અને માનસિક શોષણ થાય છે.
હૈદરાબાદમાં ખાડીના દેશોના શ્રીમંતો દલાલો સાથે મળીને મુસ્લિમ યુવતીઓ સાથે લગ્ન કરે છે અને જેમાં અનેક કિસ્સાઓમાં યુવતીઓનું શોષણ થવાની ઘટનાઓ સામે આવી છે. આવા શ્રીમંતો માટે સગીરા પહેલી પસંદ હોય છે.
આવાં લગ્નોમાં પરિવારને 300થી 7000 ડૉલર મળતા હોય છે. નાની ઉંમરની ગોરી છોકરીઓ માટે વધારે નાણાં આપવામાં આવે છે.
મોટા ભાગે દલાલો આવાં લગ્નો માટે ગરીબ પરિવારની છોકરીઓ શોધતા હોય છે.
બહારથી આવનાર વ્યક્તિને દુલહનની પસંદગી કરાવવા માટે મુલાકાત પણ કરાવવામાં આવે છે.
જોકે, આવાં લગ્નોના બહાને છોકરીઓનું શોષણ કરવામાં આવે છે અને બાદમાં તેમને તરછોડી દેવામાં આવે છે.
કેટલાક એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે તેમના પતિઓ આવી ગુલામ દુલહનોને દેહવેપારના ધંધામાં પણ ધકેલી દે છે.
આવાં લગ્નોને 'શેખ નમ્મા' કહેવામાં આવે છે અને ભારતમાં તે ગેરકાયદે ગણાય છે.
આ મામલે કામ કરતા સામાજિક કાર્યકરોનો દાવો છે કે ગત વર્ષ એટલે કે 2018માં આવાં એક હજાર જેટલાં લગ્નો થયાં હતાં.

શું કહે છે પીડિતા?

આવા જ લગ્નમાં ફસાઈને શોષણનો ભોગ બનેલાં એક મહિલાએ બીબીસીને તેમની દુખની દાસ્તાન વર્ણવી હતી.
તેઓ કહે છે, "એ દિવસે મોટી ગાડી અમારા ઘરે આવી હતી, સારું ભોજન બન્યું હતું. મારા માટે સારાં કપડાં લાવ્યા હતા. ચમકીલાં"
"નવાં કપડાં પહેરીને બધાં ખુશ થાય છે તો હું પણ એ પહેરીને ખુશ થઈ. મારી ઉંમર એ સમયે 13 વર્ષની હતી."
"જોકે, જ્યારે નિકાહ થઈ ગયા ત્યારે મને એ ખબર પણ ન હતી કે મારા નિકાહ થઈ ગયા છે."
"પછી હું ગાડીમાં બેસી ગઈ અને તેમની સાથે જતી રહી. મને તેઓ હોટલ પર લઈ ગયા."
"હોટલમાં ગયા બાદ મને ખબર પડી કે મારી શાદી થઈ ગઈ છે અને આ મારા શૌહર છે. ત્યારે હું હોટલમાં ખૂબ રડવા લાગી."
"પછી ત્રણ મહિના બાદ મને જાણ થઈ કે હું પ્રૅગનન્ટ છું. મારી માતાએ મને રૂમમાં બેસાડી દીધી."
"હું અનેક વર્ષો સુધી ઘરની બહાર ના નીકળી, મારી દીકરી ચાર-પાંચ વર્ષની થઈ ત્યાં સુધી હું ઘરમાં જ રહી."
"મારા પતિનું કોઈ સરનામું ન હતું, તેઓ ક્યારેય ફોન પણ કરતા ન હતા. મારા સાથે વાત પણ કરતા ન હતા. "
આવી જ અન્ય મહિલાની આપવીતિ માટે જુઓ વીડિયો...
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો