નરેન્દ્ર મોદી અને શેખ હસીના વચ્ચે આ છે સમાનતા

શેખ હસીના અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

હાલના પાકિસ્તાનમાંથી છુટા પડેલા બાંગ્લાદેશે રાજકીય અસ્થિરતા વચ્ચે પણ આર્થિક હરણફાળ ભરી છે.

ભારત અને પાકિસ્તાનનો જીડીપીનો દર 5થી 6 ટકાના ટકાના દરે વધે છે ત્યારે બાંગ્લાદેશનો જીડીપી લગભગ 7 ટકા જેટલો છે.

જોકે, આર્થિક ક્ષેત્રે અહીં બધું સારું છે એવું નથી અહીં વિકાસની સાથે સાથે પડકારો પણ ઓછા નથી.

એશિયામાં પાકિસ્તાન અને ભારતને કેટલાંક ક્ષેત્રોમાં પાછળ છોડીને આગળ નીકળી ગયેલા બાંગ્લાદેશના ઇતિહાસમાં લાંબા ગાળા સુધી રાજકીય અસ્થિરતા જોવા મળી છે.

બાંગ્લાદેશ એશિયાનો એક એવો દેશ છે જ્યાં મુખ્યધારાના રાજકારણમાં બે દિગ્ગજ મહિલા નેતાઓનો દબદબો રહ્યો છે.

બાંગ્લાદેશ આવામી લીગનાં નેતા શેખ હસીના અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીનાં ખાલિદા ઝિયા એકથી વધુ વખત વડાં પ્રધાન બન્યાં છે.

બંને મહિલા નેતાઓની પાર્ટીઓ વચ્ચે કટ્ટર પ્રતિસ્પર્ધા છે અને બંને નેતાઓ જેલની અંદર બહાર આવતાં જતાં રહ્યાં છે.

આ રાજકીય હરીફાઈમાં હાલ શેખ હસીનાનો હાથ ઉપર છે અને છેલ્લાં 11 વર્ષથી તેઓ સત્તામાં છે.

line

સશક્ત રાજકીય શખ્સિયત

શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

શેખ હસીના ચાર વખત બાંગ્લાદેશનાં વડાં પ્રધાન બન્યાં છે. જાન્યુઆરી 2019માં તેમણે વડાં પ્રધાન તરીકે શપથ લીધા હતા.

આ સાથે તેમણે સળંગ ત્રીજી વખત બાંગ્લાદેશમાં સરકાર બનાવી હતી અને ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ તેઓ એક મજબૂત રાજકીય શખ્સિયત તરીકે શાસન કરી રહ્યાં છે.

1971માં બાંગ્લાદેશની સ્થાપના થઈ તે બાદ અહીં લોકશાહી અને સૈન્ય વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહ્યો.

1975માં બાંગ્લાદેશને આઝાદી અપાવનારા શેખ મુજીબુર રહેમાનની હત્યા અને તખ્તાપલટ બાદ 15 વર્ષ સુધી અહીં સૈન્ય શાસન રહ્યું હતું.

1975માં મુજીબુર રહેમાનની હત્યા બાદ તેમનાં પુત્રી અને હાલનાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પડી હતી.

1981માં બાંગ્લાદેશમાં જનરલ હુસૈન મોહમ્મદ એર્શાદની સૈન્ય સરકાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં ભાગ લેવા તેઓ પરત ફર્યાં હતાં. જોકે, 80ના દાયકામાં તેમનો મોટા ભાગનો સમય જેલમાં અથવા નજરકેદમાં વીત્યો હતો.

બીબીસી બાંગ્લાના સંવાદદાતા શુભજ્યોતિ કહે છે, "શેખ હસીનાના પતિ અને પરિવાર પર હુમલો થયો ત્યાર બાદ તેમણે ભારતમાં શરણ પણ લીધું હતું."

તેઓ ઉમેરે છે, "જોકે 1975માં શેખ મુજીબુર રહેમાનની હત્યા બાદ તેમની પાર્ટી આવામી લીગ સત્તામાંથી 21 વર્ષ સુધી બહાર રહી. એ સમય શેખ હસીના માટે સંઘર્ષનો સમય હતો."

"એ સમયે તેમણે ભારતમાં શરણ લીધું હતું અને તેઓ દિલ્હીના પંડારા રોડ પર એક નાનકડા ફ્લૅટમાં રહેતાં હતાં."

"ઇંદિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં અને તેમણે પ્રણવ મુખરજીને શેખ હસીનાની જવાબદારી સોંપી હતી."

જોકે, 1991માં પહેલી વખત લોકશાહી આવી અને નવી સરકારનું શાસન શરૂ થયું.

જોકે, ત્યારબાદનાં કેટલાંક વર્ષોમાં પણ બાંગ્લાદેશ રાજકીય અરાજકતામાંથી પસાર થયું.

વર્ષ 1991માં ખાલિદા ઝિયાની પાર્ટીને ચૂંટણીમાં જીત મળ્યા બાદ તેઓ વડાં પ્રધાન બન્યાં.

શેખ હસીનાએ 1996ની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો જેને કારણે ખાલિદા ઝિયા ફરી વડાં પ્રધાન બન્યાં પરંતુ તે જ વર્ષે બીજી વખત ચૂંટણી થઈ જેમાં શેખ હસીનાની પાર્ટીનો વિજય થયો અને તેઓ વડાં પ્રધાન બન્યાં.

2001માં ખાલિદા ઝિયા ફરી ચૂંટણી જીત્યાં પરંતુ તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા.

line

2008થી શરૂ થઈ હસીનાની સફર

શેખ હસીના

ઇમેજ સ્રોત, MEA INDIA/ TWITTER

જોકે 2008માં શેખ હસીના ફરી સત્તામાં આવ્યાં અને ત્યારથી તેમનું શાસન બાંગ્લાદેશમાં રહ્યું છે.

ભારતમાં નરેન્દ્ર મોદીની જેમ તેઓ બાંગ્લાદેશમાં હાલ એક એવી રાજકીય શખ્સિયત છે જેમને પડકારવા માટે મજબૂત વિપક્ષ પણ રહ્યો નથી.

બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનનાં પુત્રી શેખ હસીનાને રાજકારણ વારસામાં મળ્યું હતું.

બીબીસી બાંગ્લાના સંવાદદાતા શુભજ્યોતિ ઘોષ કહે છે, "મોદી અને શેખ હસીના વચ્ચે તફાવત એ છે કે શેખ હસીનાને રાજકારણ વારસામાં મળ્યું છે જ્યારે નરેન્દ્ર મોદી જાતમહેનતથી આગળ આવ્યા છે. તેઓ બાંગ્લાદેશના રાજકારણમાં સૌથી શક્તિશાળી પરિવારમાંથી આવે છે."

તેઓ કહે છે, "તેમનો ભારત સાથે એક લગાવ રહ્યો છે. આવામી લીગ પર બાંગ્લાદેશમાં ભારતના દબાણમાં રહેવાના આરોપ પણ લાગ્યા છે. ક્યારેક તે આશીર્વાદરૂપ રહ્યા તો ક્યારેક મુશ્કેલીરૂપ."

શુભજ્યોતિ ઘોષ કહે છે, "મોદી અને શેખ હસીના બંને પોતાના દેશમાં કડક હાથે શાસન કરી રહ્યાં છે."

"નરેન્દ્ર મોદી 2019માં ફરી બહુ મોટી બહુમતી સાથે સત્તામાં આવ્યા તો શેખ હસીના ત્રીજી વખત બહુ મોટી બહુમતી સાથે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન બન્યાં."

તેઓ ઉમેરે છે, "બાંગ્લાદેશમાં 2014 અને 2019ની ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી અને વડાં પ્રધાન તરીકે તેમની નિમણૂક પર પ્રશ્ન ઊભા થયા હતા."

"જોકે આવા પ્રશ્નો નરેન્દ્ર મોદી પર ભારતમાં ઊભા થયા નથી."

line

વિપક્ષ પર આક્રમક

ખાલિદા ઝિયા અને શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

શેખ હસીના છેલ્લાં 11 વર્ષથી સત્તામાં છે અને બાંગ્લાદેશમાં વિપક્ષની સ્થિતિ હાલ ભારતના વિપક્ષ જેવી છે.

2019ની ચૂંટણીમાં ભારતમાં મોદી સરકારને મોટી બહુમતી મળી અને કૉંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ ખૂબ ઓછી બેઠકો સાથે સમેટાઈ ગઈ. બાંગ્લાદેશમાં પણ વિપક્ષ શેખ હસીના સામે ફરી સત્તામાં આવી શક્યો નહીં.

શુભજ્યોતિ કહે છે, "ભારતમાં તો લોકશાહી પ્રક્રિયામાં રહીને વિપક્ષના બેહાલ થયા છે."

"નરેન્દ્ર મોદીના સેનાપતિ અમિત શાહે કહ્યું હતું કે પહેલું કામ છે કૉંગ્રેસ મુક્ત ભારત બનાવવું, તેવી જ રીતે બાંગ્લાદેશમાં આવામી લીગ પાર્ટી બીએનપી મુક્ત બાંગ્લાદેશ બનાવવા માગે છે. "

બાંગ્લાદેશના ઇતિહાસને જોઈએ તો પોતાના અસ્તિત્વનાં 50 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે અને આ ગાળામાં બાંગ્લાદેશે સૈન્ય અને લોકશાહી શાસન જોયું છે.

શુભજ્યોતિ ઘોષ કહે છે, "બાંગ્લાદેશના રાજકારણમાં આવામી લીગ, બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને જમાતે ઇસ્લામી પાર્ટીનું વર્ચસ્વ રહ્યું છે."

"2006 સુધી બીએનપી અને જમાતે ઇસ્લામીની સરકાર હતી. આ સરકાર પર ભ્રષ્ટાચાર અને રાષ્ટ્ર પ્રાયોજિત આતંકવાદના આરોપ લાગ્યા હતા."

બાંગ્લાદેશમાં આ પહેલાં પણ રખેવાળ સરકાર હેઠળ ચૂંટણી યોજાઈ હતી પરંતુ આ વખતે 2006થી 2008 સુધી બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાની પરિસ્થિતિ જોવા મળી હતી.

2008માં સેનાના ટેકા વાળી રખેવાળ સરકાર હેઠળ ચૂંટણી થઈ હતી જેમાં આવામી લીગ મોટી બહુમતી સાથે સત્તામાં પરત આવી.

શેખ હસીના ફરી સરકારમાં આવ્યાં અને તેમણે ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલાં ખાલિદા ઝિયા પર નિશાન સાધ્યું.

ખાલિદા ઝિયાના પુત્ર તારેક રહેમાનને બાંગ્લાદેશ છોડવું પડ્યું અને દસ વર્ષ વીતી ગયા પછી પણ તારેક રહેમાન બાંગ્લાદેશ પરત નથી આવી શક્યા.

શેખ હસીનાએ બાંગ્લાદેશના રાજકારણમાં વિપક્ષ માટે સ્થાન છોડ્યું જ નથી.

શુભજ્યોતિ ઘોષ કહે છે, "બાંગ્લાદેશમાં હડતાલ, રાજકીય હિંસા, બંધ વ્યાપક પ્રમાણે જોવા મળતાં હતાં અને એક અવ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળતી. શેખ હસીનાએ કડક હાથે કામ લીધું અને દેશમાં સ્થિરતા લાવ્યાં."

તેઓ આગળ ઉમેરે છે, શેખ હસીનાએ બાંગ્લાદેશમાં આર્થિક વાતાવરણને મજબૂત બનાવવા, સ્થિરતા અને વિકાસની વાત કરી. બાંગ્લાદેશના લોકોને પણ ભારતના લોકોની જેમ જ આવી આકાંક્ષાઓ છે એટલે શેખ હસીના સતત ત્રણ વખત ત્યાં ચૂંટણી જીત્યાં છે."

2008માં જીત બાદ આવામી લીગની સરકારે બાંગ્લાદેશને સ્થિરતા આપી અને પછી 2014 અને 2019ની ચૂંટણીમાં તેમણે ફરી સરકાર બનાવી.

line

બાંગ્લાદેશ આર્થિક શક્તિ

શેખ હસીના

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન બાંગ્લાદેશ કરતાં પાંચ ગણું મોટું છે પરંતુ વિદેશી મુદ્રા બાંગ્લાદેશ કરતાં પાકિસ્તાન પાસે પાંચ ગણી ઓછી છે.

બાંગ્લાદેશનો આર્થિક વૃદ્ધિ દર આઠ ટકા છે જ્યારે ભારતનો આર્થિક વૃદ્ધિ દર આશરે પાંચ ટકા છે. પાકિસ્તાનું અર્થતંત્ર પણ વૃદ્ધિ દરમાં પાંચથી છ ટકા વચ્ચે રહે છે.

બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ દેવું 434 ડૉલર છે ત્યારે પાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ દેવું 974 ડૉલર છે.

વર્લ્ડ ઇકૉનોમિક ફોરમમાં બાંગ્લાદેશના આઈટી મંત્રીના દાવા પ્રમાણે બાંગ્લાદેશની 120થી વધારે કંપનીઓ એક અબજ ડૉલરથી વધારેની દુનિયાના 35 દેશોમાં નિકાસ કરે છે.

આ દાવા પ્રમાણે એક અબજની આ રકમ 2021 સુધી પાંચ અબજ ડૉલર સુધી પહોંચી જશે.

શુભજ્યોતિ ઘોષ કહે છે, બાંગ્લાદેશ ભારત કરતાં સોશિયલ ડેવલપમૅન્ટ ઇન્ડેક્સમાં આગળ રહ્યું છે. શિક્ષણ, મહિલા સશક્તિકરણ, ગરીબી હટાવવા જેવા મામલાઓમાં આગળ છે.

તેઓ કહે છે, મિલેનિયલ ગોલ્સમાં પણ બાંગ્લાદેશ બહુ આગળ નીકળી ગયું છે, શૌચાલયોનું નિર્માણ હોય, મહિલાઓને સેનેટરી પૅડનું વિતરણ હોય કે પછી મહિલા સાક્ષરતા પર કામ કરવાનું હોય શેખ હસીનાના નેતૃત્વ હેઠળ આ થઈ રહ્યું છે.

શેખ હસીનાએ 2009માં ડિજિટલ બાંગ્લાદેશ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. જેની હેઠળ માત્ર સરકારી સેવાઓને ડિજિટલ પ્લેટફૉર્મ પર લાવવામાં આવી સાથે સાથે ઇન્ફૉર્મેશન ટૅક્નૉલૉજીનો પણ વિસ્તાર કરવામાં આવ્યો છે.

બાંગ્લાદેશમાં બનાવેલા કપડાનો નિકાસ 15થી 17 ટકાના દરથી પ્રતિવર્ષ વધી રહ્યો છે.

2018માં જૂન મહિના સુધી કપડાનો નિકાસ 36.7 અરબ ડૉલર સુધી પહોંચી ગયો હતો.

શુભજ્યોતિ કહે છે, "આ બધી નીતિઓનું પરિણામ છે કે સંયુક્ત રાષ્ટ્રે પણ માન્યું છે કે ઓછા વિકસિત દેશના દરજ્જાથી આગળ વધીને બાંગ્લાદેશ હવે વિકાસશીલ દેશોમાં સામેલ થઈ ગયું છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો