You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: ગુજરાત સરકારે વિજય રૂપાણી માટે 191 કરોડના ખર્ચે નવું વિમાન ખરીદ્યું
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને અન્ય વીઆઈપી પદાધિકારીઓને લાવવા-લઈ જવા માટે 191 કરોડ રુપિયાનું નવું બિઝનેસ જેટ (વિમાન) ખરીદ્યું છે.
અહેવાલમાં કહેવાયું છે કે નવું વિમાન વધારાનાં સુરક્ષા ફીચર્સ સાથેનું છે. આ વિમાન નોનસ્ટૉપ 7.5 કલાક સુધી ઊડી શકે છે તથા તે પેરિસ સુધીની યાત્રા કરી શકે છે.
હાલ સરકાર પાસે જે વિમાન છે તે 20 વર્ષ જૂનું છે અને તેની સ્થિતિ સારી ન હોવાનું કહેવાયું છે.
તે અસુરક્ષિત પણ હોવાથી નવું જેટ ખરીદવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે વૈશ્વિક ધોરણે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને સંપૂર્ણ પ્રક્રિયા બાદ વિમાન ખરીદાયું છે.
ડુંગળીના ભાવ આસમાને
'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ડુંગળીના ભાવોમાં 45 ટકાનો વધારો નોંધાયો છે.
દિલ્હીમાં ડુંગળીનો પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાને સ્પર્શી ગયો છે.
વરસાદને પગલે ડુંગળીના પાકને નુકસાન થતાં ઉત્પાદન ઓછું થવાની ભીતિને કારણે ડુંગળીના ભાવોમાં વધારાની સ્થિતિ સર્જાઈ હોવાનું અહેવાલમાં કારણ અપાયું છે.
વળી કેન્દ્ર સરકારના પ્રયત્નો છતાં ડુંગળીના ભાવ વધી રહ્યા હોવાથી સરકારે તેને અફઘાનિસ્તાન અને તુર્કીમાંથી આયાત કરી સ્થિતિ નિયંત્રણમાં લેવાની તૈયારી પણ દાખવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
થરૂરની અધ્યક્ષતામાં વૉટ્સઍપ જાસૂસીકાંડની તપાસ થશે?
'ધ વાયર' ન્યૂઝ વેબસાઇટના અહેવાલમાં જણાવ્યા અનુસાર વૉટ્સઍપ જાસૂસીકાંડમાં સંસદની સ્ટેડિંગ કમિટી તપાસ શરૂ કરશે. તેની અધ્યક્ષતા શશી થરુર સંભાળશે.
સમિતિ 20 નવેમ્બરે બેઠક કરવાની હોવાનું અહેવાલમાં કહેવાયું છે અને તેઓ તપાસ પણ શરૂ કરશે.
કૉંગ્રેસના નેતાઓની આગેવાનીવાળી બે સંસદીય સમિતિઓએ આ કેસમાં તપાસ કરવાનો નિર્ણય કર્યો છે અને તેઓ સરકારના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વિગતો પણ મંગાવશે. જેમાં ગૃહસચિવ પણ સામેલ છે જેમની પાસેથી વિગતો મંગાવવામાં આવશે.
અંત્રે નોંધવું કે ઇઝરાયલના એક સોફ્ટવેર (સ્પાયવેર)ની મદદથી ફેસબુકની માલિકીવાળી વૉટ્સઍપ દ્વારા ભારતના પત્રકારો અને માનવઅધિકારના કાર્યકર્તાઓની જાસૂસી થઈ હોવાના ઘટસ્ફોટને પગલે મોટો વિવાદ સર્જાયો છે. જેમાં કૉંગ્રેસનો દાવો છે કે પ્રિયંકા ગાંધીની પણ આ રીતે જાસૂસી થઈ છે.
પરાળ નહીં બાળનારા ખેડૂતોને સહાય આપવા સુપ્રીમનો નિર્દેશ
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યના મુખ્ય સચિવોને પાકની લણણી બાદના પરાળ બાળવાની બાબત સામે પૂરતી કાર્યવાહી ન કરવા બદલ ઠપકો આપ્યો છે.
વળી સર્વોચ્ચ અદાલતે તેમને નિર્દેશ પણ આપ્યા છે કે જે ખેડૂતોએ આ પરાળ ન બાળવાનું સારું કામ કર્યું છે તેમને પ્રતિ 100 કિલો 100 રૂપિયા સાત દિવસની અંદર ચૂકવી દેવામાં આવે.
જસ્ટિસ અરુણ મિશ્રા અને દીપક ગુપ્તાની પીઠે આ રાજ્યોને એવો પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ નાના ખેડૂતોને પરાળનો નિકાલ કરવાનાં મશીનો ફ્રીમાં ખરીદી આપે.
કાશ્મીર મુદ્દે રાજીનામુ આપનારા IASને સરકારે ઇમેલ મારફતે ચાર્જશીટ મોકલી
'ઇન્ડિયા ટુડે' ન્યૂઝ વેબસાઈટ અનુસાર કાશ્મીરમાં લૉકાઉન મામલે અવાજ ઉઠાવી રાજીનામું આપી ચૂકેલા આઈએએસ અધિકારી કાનન ગોપીનાથનને દાવો કર્યો છે કે તેમની સામે કાર્યવાહી શરૂ થઈ છે.
અહેવાલ મુજબ અધિકારીનું કહેવું છે કે સરકારી ફરજ દરમિયાન ધીમી પ્રયુક્તિઓ અપનાવવી ઉપરાંત સરકારની આધિનતાની વિરુદ્ધ જવા સહિતનાં કારણો દર્શાવવા સહિતના આધારો આગળ ધરી સરકારે તેમની સામે કાર્યવાહી આરંભી છે.
તેમણે ટ્વીટ મારફતે ચાર્જશીટ પણ પોસ્ટ કરી છે અને ગૃહ મંત્રી અમિત શાહ સામે શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા.
તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમને ચાર્જશીટ ઈ-મેઇલ મારફતે મોકલવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો