RCEPમાંથી પાછળ હઠી જવાથી ભારતને શો ફાયદો થશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મને આનો વિશ્વાસ હતો. તારીખ 3 નવેમ્બર 2019ના રોજ બીબીસી ગુજરાતી ડિજિટલમાં પ્રસિદ્ધ થયેલી પોસ્ટમાં મે આ વિશ્વાસ વ્યક્ત કરતાં લખ્યું હતું કે "સરકાર પોતાની રીતે દેશના હિતમાં તેમજ દેશના ઉત્પાદકો અને વપરાશકારોના હિતમાં જે કોઈ હશે તેનું રક્ષણ કરવાનો પૂરતો પ્રયાસ કરશે અને એમાં શંકા રાખવાનું કોઈ કારણ નથી.

આમ છતાંય RCEP સંલગ્ન ઘણી બધી બાબતો એવી છે કે જેમાં 2019ના નવેમ્બર માસમાં વડા પ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ કક્ષાની લીડરશીપ લેવલ સમિટમાં એને આખરી ઓપ અપાય તેવી જે અપેક્ષા છે તે અત્યારે તો ઘણી મહત્વકાંક્ષી લાગે છે.

આ માટે હજુ કેટલો સમય લાગશે અને RCEPની આખરી દરખાસ્ત કેવી હશે તે થોભો અને રાહ જુઓ તે તરફ અત્યારે તો જઈ રહ્યું હોય તેમ લાગે છે."

ભારતના લઘુ ઉદ્યોગો, ખેડૂતો અને ડેરીઉદ્યોગ સમેત ઘણા બધાને વડા પ્રધાન બૅંગકૉક-વાર્તામાં પોતાના દેશના હિતની વાત મક્કમતાપૂર્વક કરીને ઊભા થઈ ગયા એનો આનંદ હશે. ભારત સરકાર અને વડા પ્રધાનને આ માટે અભિનંદન આપીએ.

પરિસ્થિતિ હવે શું થશે એની વાત આગળની વ્યુહરચનાના ભાગરૂપે આ દેશે વિચારવાની આવે.

ભારત RCEPમાંથી બહાર થઈ ગયું એનું પહેલું પરિણામ એ આવશે કે એશિયાના આ ૧૬ દેશો જે આ મુક્ત વ્યાપાર ઝોનની રચના માટે સંમત થવાના હતા અને એકબીજાના દેશનાં ઉત્પાદનો લગભગ શૂન્ય કસ્ટમ ડ્યૂટી સાથે બાકીના 15 દેશોમાં વેચી શકાય એવી જે સંધિ થવાની હતી.

તેમાંથી લગભગ ચીનના જેટલી જ વસતિ ધરાવતો અને 2025 સુધીમાં વિશ્વનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ થનાર ભારત બહાર નીકળી જશે એટલે આશરે 16થી 17 ટકા વસતિ આમાંથી બહાર.

ચીન મહાસત્તા બની જશે તેવો ભય હતો?

આપણે નિકાસ વેપારમાં બહુ ઉકાળ્યું નથી. વિશ્વવેપારમાં આપણો હિસ્સો 2 ટકાની આજુબાજુ રમ્યા કરે છે એટલે નિકાસના મોરચે આપણને કોઈ મોટો માર પડી જાય તેવી શક્યતા નથી.

આમ જે કંઈ નિકાસ ભારત આ બાકીના પંદર દેશોમાં કરતું હશે એની વધતી-ઓછી અસર પડશે એમાં કોઈ શંકાનું કારણ નથી.

આથી ઊલટું પોતાના સપ્લાય ચેઈન નેટવર્ક અને એશીયાન દેશો સાથેની લીંકને કારણે ચીન એશિયામાં એક મોટી આર્થિક મહાસત્તા બની જશે.

ભારત છેલ્લી ઘડીએ આમાંથી નીકળી ગયું એને કારણે બાકીના 15 દેશો સાથેના સંબંધોને પણ અસર પડશે.

કાર્નેગી ઍન્ડોમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસના ફેન બામના અભિપ્રાય મુજબ હવે વિશ્વમાં બે મોટા ઇન્વેસ્ટમેન્ટ બ્લોક ઊભા થશે.

પહેલો ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશીપ અને બીજો રીજીયોનલ કૉમ્પ્રેહેંસિવ ઇકૉનૉમિક પાર્ટનરશીપ. આ બેમાંથી એકેમાં અમેરિકા અને ભારત સામેલ નથી.

ભારત આમાંથી કેમ નીકળી ગયું?

વડા પ્રધાને કહ્યું તે મુજબ ભારતના હિતોને લગતા પાયાના મુદ્દાઓ આ સમજૂતીમાં લેવામાં આવ્યા નહોતા. ભારત આમાંથી નીકળી ગયું તે માટે મહદંશે નીચેનાં કારણો જવાબદાર છે

1) ભારતનાં બજારો ચાઈનીઝ માલસામાનથી અને ડેરીઉત્પાદનો ન્યૂઝીલૅન્ડ કે ઑસ્ટ્રેલિયા તરફથી માલ આયાત થવાથી ઉભરાઈ જશે તેવી દહેશત

2) આ અટકાવવા અને ભારતને પણ સાથી તરીકે સમાવીને RCEP 16 દેશો વચ્ચે રહે તે માટે પાયાનાં વર્ષને 2014થી આગળ લાવી વધુ નજીકના વરસે લઈ આવવા માટે બીજા દેશોની માનસિકતાનો અભાવ.

3) ડમ્પિંગ સામે કોઈ સલામતી માટેની જોગવાઈઓ નથી

4) નૉન-ટેરિફ બૅરિયર્સ સામે રક્ષણ અને અન્ય કોઈ વિશ્વાસપાત્ર ખાતરીનો અભાવ

5) સેવાક્ષેત્રને અપૂરતી અગત્યતા.

ભારત હવે RCEPનો ભાગ નહીં હોય. ટૂંક સમયમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપારસમજૂતી થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. તે જ રીતે ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ માર્કોન 4થી નવેમ્બરે ચીન પહોંચ્યા છે.

અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર મતભેદો અથવા સમજૂતીને કારણે કોઈ આંચકો યુરોપને ન લાગે તે દિશામાં તેમનો પ્રયત્ન રહેશે.

એમની સાથે યુરોપિયન યુનિયનના કમિશનર ફિલ રોગન ચીનના પ્રમુખ શી જિનપિંગને મળવાના છે જે ચર્ચાઓમાં મુખ્ય મુદ્દો યુરોપિયન યુનિયન બિઝનેસ માટે ચીનના બજારમાં ઉપલબ્ધ તકોને વિસ્તારવાનો રહેશે.

અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધનો પોતે (યુરોપ) ભોગ ન બને અને ચીન અને યુરોપિયન યુનિયન વચ્ચે દ્વિપક્ષી ચર્ચામાંથી એકબીજાના હિતોની વાત આગળ ચલાવાય એ દિશામાં પ્રયત્ન છે.

તાજેતરમાં અમેરિકા અને જાપાને વેપારસમજૂતી કરી છે જે મુજબ જાપાન અમેરિકાથી વધુ કૃષિ ઉત્પાદનો પોતાના દેશમાં આયાત કરશે અને તેના બદલામાં અમેરિકા જાપાનીસ કારની આયાત ઉપર કોઈ ડ્યૂટી નહીં વધારે.

ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર સમજૂતી દ્વિપક્ષી ધોરણે થાય તેના હિમાયતી છે અને આ કારણથી RCEP કે TPP જેવા મોટા પ્લૅટફૉર્મની વાત અમેરિકા સ્વીકારતું નથી.

અમેરિકાની વાતમાં વજૂદ એટલા માટે લાગે છે કે નાના-મોટા દરેક દેશને એકબીજા સાથેના વેપારી હિત પણ હોય છે અને હિતોના ટકરાવની સમસ્યા પણ હોય છે.

આ કારણથી જ RCEP, જેમાં 16 દેશો ભાગીદાર બનવાના હોય, તેમાં વિઘ્નો આવે એનું તાદ્દશ ઉદાહરણ તાજેતરમાં ભારત આ સમજૂતીમાંથી બહાર નીકળી ગયું તેના પરથી આપણે જોયું છે.

ભારતની આયાત-નિકાસ

ચીનની અમેરિકામાં થતી નિકાસ 16 ટકા ઘટી છે તેની સીધી અસર અમેરિકાની ચીનમાં નિકાસ પર પણ પડે જ.

આની સરખામણીમાં યુરોપિયન યુનિયનના દેશોએ ચીનને વધુ સ્વીકૃતિ આપવાનું વલણ અપનાવ્યું છે. ફ્રાન્સના મેક્રોન અને જર્મનીનાં એન્જેલ માર્કેલ યુરોપિયન યુનિયન ચીન સાથે વધુ સહકારભર્યા સંબંધો સ્થાપીને વરતવાં માગે છે તેવી વાત ચીન સામે મૂકશે. જેથી ભવિષ્યમાં પણ અમેરિકા અને ચીન વચ્ચે વેપારસમજૂતી થાય તો યુરોપિયન યુનિયનના વેપારી હિતોને કોઈ વાંધો ન આવે.

ભારત RCEPમાંથી બહાર નીકળી ગયું તે માટે એની મજબૂરીઓ અથવા મર્યાદાઓ હતી. સાથોસાથ ભારત બાકી રહેતા ચીન સિવાયના 14 દેશોમાં ચીન સંપૂર્ણપણે હાવી થઈ જાય તે સ્થિતિ પણ સ્વીકારી શકે નહીં.

ઊભી થયેલી આ નવી પરિસ્થિતિમાં જ્યારે એશિયન બ્લૉકમાં તેમજ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સાથેના વેપારમાં ચીન ખુબ પ્રભાવી બનીને ઊભરવાનું છે. ત્યારે આ દેશો સાથેની આયાત-નિકાસ અને સંરક્ષણની દ્રષ્ટિએ પણ જેટલી વ્યૂહાત્મક ભાગીદારી ભારતે બહુ ચતુરાઈપૂર્વક ઊભી કરવી પડે.

ચીન સિવાય RCEPના 14 દેશો સાથે 2017-18ના વર્ષ દરમિયાન ભારતની આયાત/નિકાસની વિગતો નીચે આપી છે.

સંદર્ભ : મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી

ઉપરોક્ત વિગતો પરથી જોઈ શકાય છે કે આ 14 દેશોમાંથી 2017-18ના વરસમાં આપણે 91.9 અબજ ડૉલરની આયાત કરી તે સામે 47.1 અબજ ડૉલરની નિકાસ કરી. આમ વેપાર ખાધ 41.9 અબજ ડૉલર રહી હતી.

ચીનને છંછેડવું ભારે પડશે?

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભારતે પણ વ્યૂહાત્મક વેપારનીતિ નક્કી કરવી પડશે.

આવું ન થાય તો અત્યારે ભારતે ઘર આંગણે ભલે પોતાના પ્રશ્નોને શાંત કર્યા હોય આવનાર વર્ષમાં વિદેશી વેપારનીતિ તેમ જ વિદેશનીતિ એ બંને ક્ષેત્રે એણે RCEPમાં નહીં જોડાવાને કારણે ચીનને છંછેડવાનું કામ કર્યું છે તેને ઠારવું પડશે.

વડા પ્રધાન મોદી અને ચીનના પ્રમુખ ઝી પિંગ વચ્ચેના સંબંધો વ્યક્તિગત ધોરણે ખૂબ સારા છે તેનો લાભ એક હદથી વધારે છંછેડાઈ અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતના વિરોધીઓ સાથે ન જોડાય એ સંદર્ભમાં રાખવો પડશે. આ કામ સહેલું નહીં હોય.

છેવટે એ પણ સમજી લેવું જોઈએ કે પોતાનાં ઘરઆંગણાનાં કારણો અને મર્યાદાઓને લઈને ભારતે રિજીઓનલ કૉમ્પ્રેહેનસિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP) ઍગ્રીમેન્ટમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું છે પણ એ અલગથી બીજા દેશો સાથે ઉભય પક્ષને અનુરૂપ એવી વેપાર સંધિઓ ચોક્કસ કરશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત કોઈ પણ દેશ સાથે વ્યાપાર માટે તૈયાર છે પણ એ માટેની શરતો એની પોતાની હશે.

આ વાતને આગળ વધારતાં પહેલી વેપાર સંધિ કદાચ મૉરેશિયસ સાથે થશે. તેને કારણે ભારતને પણ જ્યાં ચીને ખાસ્સી તાકાત ઊભી કરી છે એવા આફ્રિકન બજારમાં પગ મૂકવાની તક મળશે.

RCEPમાંથી બહાર નીકળી ભારતે આપ્યો કડક સંદેશ

આજ રીતે યુરોપીયન યુનિયન સાથે પણ વેપારસંધિ કરવા માટે ભારતે ખાસ્સી મથામણ કરી છે પણ આનો આખરી અધ્યાય તો બ્રેકઝિટ મુદ્દે સ્પષ્ટતા ઊભી થયા પછી જ થશે.

ટેક્સ્ટાઈલ અને ગાર્મેન્ટ તેમજ ભારતમાં ઉત્પાદિત કેળાં જેવાં ઉત્પાદનો ઉપર હળવી ડ્યૂટી સાથે યુરોપીયન યુનિયનના બજારમાં ભારત દાખલ થઈ શકે છે.

આ જ રીતે બ્રેકઝિટને લગતી સ્પષ્ટતા થઈ જાય તો બ્રિટન સાથે પણ વેપાર સંધિ માટેનો માર્ગ ખુલ્લો થશે. ઑસ્ટ્રેલીયા સાથે પરસ્પર હિતનો વેપારની તકો ઉજાગર કરવા માટે ૨૦૧૦માં એક અભ્યાસ જૂથની રચના કરવામાં આવી હતી.

આને પગલે ભારત ઓસ્ટ્રેલીયા સાથે કૉમ્પ્રેહેનસિવ ઇકૉનૉમિક ઍગ્રીમેન્ટ કરવા માગતું હતું પણ RCEPને કારણે આ દ્વિપક્ષી વેપારસંધિ રોકાઈ ગઈ. જે ફરી પાછો જીવિત થાય, ખાસ કરીને જો ઑસ્ટ્રેલીયામાં ભારતીય પ્રોફેશનને સરળ અને ઝડપી વિઝા સવલતો આપવા માગે તો.

ન્યુઝી લૅન્ડ સાથે પણ અલગથી વાત થઈ શકે છે. RCEPમાંથી મક્કમતાપૂર્વક બહાર નીકળી જઈને ભારતે એની સાથે વેપાર કરવા માગતા દેશોને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે એમની શરતો ઉપર ઘૂંટણીયે નહીં પડે પણ આમ છતાં ઉભય પક્ષને અનુકૂળ આવે તેવી શરતોએ ભારત ધંધો કરવા તૈયાર છે.

ચીન જેવા જે દેશો સાથે ખાસ કરીને મોટી વેપાર ખાધ છે તેમની સાથે પોતાની અનુકૂળતાઓ ધ્યાનમાં રાખીને ભારત વેપારવાર્તા આગળ ચલાવશે.

ભારત દુનિયાનું સૌથી મોટું મુક્ત બજાર છે. આ દેશમાં દરેક ક્વૉલિટી તેમજ દરેક કિંમત માટે ગ્રાહક છે. આ કારણથી વિશ્વના દેશોને ભારતીય બજારમાં દાખલ થવું ખૂબ આકર્ષક લાગે તે સ્વાભાવિક છે.

RCEPમાંથી નીકળી જઈને ભારતે એવો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે માત્ર એક તરફી ભારતીય બજારોને નિચોવીને વિદેશી માલસામાન ડ્યૂટી ફ્રી કરાવીને ભારતમાં પ્રવેશી આપણા ઉત્પાદકોનો કચ્ચરઘાણ વાળી નાખે અને બીજી ભારતીય ઉત્પાદનો એમના દેશમાં સરળતાથી પગપેસારો ન કરી શકે એ શક્ય નહીં બને.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો