You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રદૂષણ : એ વિકરાળ સમસ્યા જેના કારણે વર્ષે કરોડો લોકો બીમાર પડે છે
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી-20 ક્રિકેટ મૅચ ત્રીજી નવેમ્બરે દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાઈ. બરાબર તે જ સમયે દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી.
હજુ તો શિયાળાની શરૂઆત જ છે ત્યાં તો રાજધાની દિલ્હીમાં પ્રદુષણ એટલું વકર્યું છે કે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.
પહેલી નવેમ્બરે ગ્રાઉન્ડ પર ફિલ્ડિંગ પ્રેક્ટિસ દરમિયાન બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ અને ડેનિયલ વેટ્ટોરી જેવા કોચ માસ્ક પહેરીને ઊતર્યા હતા.
જોકે બાંગ્લાદેશના કોચે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં પણ પ્રદૂષણની સમસ્યા છે તેના મતે પ્રદૂષણથી કોઈ મરી જવાનું નથી.
માત્ર સવારના શરૂઆતના ત્રણ કલાક આ સમસ્યા રહેશે જેની કોઈ ચિંતા કર્યા વગર ખેલાડીઓ આ મૅચ રમશે.
દિલ્હી સરકારે દિલ્હીની હવા ઝેરી બની છે તે સામે જાહેર આરોગ્યની કટોકટી (ઇમર્જન્સી) જાહેર કરતી એડવાઇઝરી ઇસ્યુ કરી છે.
ઍન્વાયરમૅન્ટલ પૉલ્યુશન કંટ્રોલ એજન્સીએ દિલ્હી અને એનસીઆરમાં 5મી સપ્ટેમ્બર સુધી બાંધકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત શિયાળામાં ફટાકડા ફોડવા પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 5મી નવેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવા માટેનો આદેશ જાહેર કર્યો છે.
ઍન્વાયરમૅન્ટલ પૉલ્યુશન કંટ્રોલ એજન્સીએ સ્વીકાર્યું છે કે હવાનું પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે ઊંચું ગયું છે અને નાગરિકોને સલાહ આપી છે કે જ્યાં સુધી પ્રદૂષણનું આ સ્તર ઘટીને સલામત સ્થિતિએ ના આવે ત્યાં સુધી શક્ય હોય તેટલું બહાર ખુલ્લામાં આવવાનું ટાળે તેમજ ખુલ્લામાં કસરતો કે આઉટડોર જેવી પ્રવૃત્તિઓ પણ શક્ય તેટલી ઓછામાં ઓછી કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવાના પ્રદૂષણની આ સ્થિતિની સૌથી વધારે અસર બાળકો, વૃદ્ધો તેમજ શ્વાસનળી અને ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓ પર થાય અને એને કારણે તેમણે પોતાના આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી બને.
દિલ્હીની આજુબાજુ તેમજ હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઘઉંનો પાક લેવાઈ જાય ત્યાર બાદ ખેતર ચોખ્ખું કરવા માટે પરાળને સળગાવી દેવામાં આવે છે.
આને કારણે પેદા થતા ધુમાડાથી ખૂબ મોટા પાયે પર્યાવરણ પ્રદૂષિત થાય છે આ રોકવા માટે યુપી, હરિયાણા અને પંજાબની સરકારે પરાળ સળગાવવા ઉપર પ્રતિબંધ મૂકી કાયદાકીય પગલાં લેવાનું વલણ અખત્યાર કર્યું છે.
આમ છતાંય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડેટાબેઝ મુજબ એકલા હરિયાણામાં 27 ઑક્ટોબરે પરાળ સળગાવાની 476થી વધીને 3735 અને 30 ઑક્ટોબરે 4221 ઘટનાઓ નોંધાઈ હતી.
સરકારે આ પ્રદૂષણને રોકવા ખેડૂતો સામે સબંધિત પોલીસે સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. સરકારના આવા પ્રયત્નો બાદ પણ આ પ્રવૃત્તિને અટકાવી શકાઈ નથી.
માણસને જીવતા રહેવા માટે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનયુક્ત અને કેમિકલ અથવા ધુમાડો કે રજકણો જેવી કોઈ અશુદ્ધિ જેમાં ન ભળી હોય તેવી શુદ્ધ હવા જોઈએ છે.
શિયાળામાં જેમ-જેમ ઠંડીનું પ્રમાણ વધતું જાય તેમ તેમ હવાની ઘનતા વધતી જાય એને કારણે ધુમાડો, અન્ય ઝેરી ગૅસ, ધૂળ, સિમેન્ટ કે બીજા રજકણો જેવી અશુદ્ધિઓ આકાશમાં ઉપર જવાને બદલે ધરતી નજીક રહીને પ્રદૂષિત હવાથી ધૂંધળું વાતાવરણ પેદા કરે છે.
આમ થવાને કારણે આરોગ્ય માટે જરૂરી શુદ્ધ હવાને બદલે પ્રદૂષિત હવા આપણાં ફેફસાંમાં જાય છે.
29 નવેમ્બરથી 2જી ડિસેમ્બર 2018 દરમિયાન અમદાવાદ ખાતે 20મી નેશનલ કૉન્ફરન્સ ઑન પલ્મનરી ડિસીઝીઝ યોજાઈ હતી.
દેશભરમાંથી 4000 કરતાં વધુ શ્વાસ અને ફેફસાના રોગોના નિષ્ણાત ડોક્ટરોએ આ કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત કેટલાક વિદેશી ડેલિગેટ્સ પણ આ કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતા.
આ કૉન્ફરન્સના ઉદઘાટન વખતે ચાવીરૂપ ઉદબોધન આપવા માટે હું હાજર હતો ત્યારે સનોફી દ્વારા તૈયાર કરાયેલ આશરે 10 મિનિટની એક સરસ મજાની ફિલ્મ પણ ઉદ્ઘાટન સત્રના પ્રારંભે પ્રદર્શિત કરવામાં આવી હતી.
જેમાં ખૂબ અસરકારક રીતે હવાનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે અને તેની માણસના સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસર થાય છે તે વિશે નિષ્ણાતોના અભિપ્રાય સહ આ વિગતો આપવામાં આવી હતી.
આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વિશે વાત કરીએ તો શ્વાસ લેવો (Breathing) એટલે ઑક્સિજન પ્રચૂર હવા ફેફસાંમાં ભરવી અને ઉચ્છ્વાસ બહાર કાઢવો એટલે શ્વસનતંત્રની મદદથી અંગારવાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડથી સમૃદ્ધ હવાને બહાર ફેંકવી.
આપણા ફેફસાં લોહી શુદ્ધ કરવાનું કારખાનું છે. અહીં હ્રદયમાંથી અશુદ્ધ લોહી આવે છે અને ફેફસાંની અનેક નલીકાઓ તેમજ કોષોમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંનો ઑક્સિજન આ અશુદ્ધ લોહીને શુદ્ધ કરવા માટે શોષી લે છે અને અંગારવાયુ પાછો ફેંકે છે.
આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. હવે જો હવામાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ હોય તો ફેફસાંની આ કામગીરીમાં દખલ પહોંચે છે અને ધીરે-ધીરે ફેફસાં ઘવાતા જાય છે.
એમની શક્તિ ઘટતી જાય છે અને ક્યારેક એમાંથી શ્વસનતંત્રના દમ, ન્યુમોનિયા, ખાંસી કે ફાઇબ્રોસિસ જેવા રોગો પેદા થાય છે.
સામાન્ય રીતે ફેફસાંનો રંગ સ્વસ્થ્ય શરીરમાં ગુલાબી હોય છે. આ કૉન્ફરન્સ દરમિયાન દિલ્હીના એક તજજ્ઞે મારી સાથે વાત કરતા એવું અવલોકન કર્યું કે પહેલાં કોઈ પણ કારણસર પંદરથી સોળ વર્ષના તરુણનાં ફેફસાં ખોલીએ તો એ ગુલાબી દેખાતાં હતાં.
આજે દિલ્હીના પ્રદૂષણને કારણે આ ઉંમરે પણ ફેફસાં કાળાં પડી ગયેલાં દેખાય છે. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણની માત્રા એટલી વધારે છે કે એક દિવસમાં માણસ 20 સિગારેટ પીવે તેટલું નુકસાન આ પ્રદૂષણથી ફેફસાંને થાય છે.
આ પ્રદૂષણ ક્રૉનિક રેસ્પિરેટરી પલ્મનરી ડિસીઝ જે ફેફસાના કોષોને તોડી નાખે છે.
ફેફસામાં આવેલી નાની હવા નલિકાઓ તેને નુકસાન થવાને કારણે એમ્ફિસમા અને બ્રોન્કાઇટીસ જેવા રોગો થાય છે જે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડીસીઝ (સીઓપીડી) કેટેગરી હેઠળ આવતા મુખ્ય રોગો છે.
દમ એક અત્યંત પીડાકારક અને લાંબા ગાળા સુધી માણસને હેરાન કરતો રોગ છે. જે હવામાં તરતા એલર્જન્સ, હવાનું પ્રદૂષણ, ખોરાકને લગતી કેટલીક બાબતો, ધૂમ્રપાન અને અન્ય કારણોસર થાય છે.
આ ઉપરાંત જેને કારણે ક્રૉનીક રેસ્પીરેટરી ડિસીઝ એટલે કે વારંવાર થતા શ્વસનતંત્રના રોગો થાય છે તે ન્યુમોનિયા, ટ્યૂબરક્લોસીસ અને ફેફસાંના કૅન્સર જેવા રોગોનું એક મહત્ત્વનું કારણ પ્રદૂષણ છે.
વિશ્વમાં લગભગ 24 કરોડ લોકો દમથી પીડાય છે તે સામે ભારતમાં 1.5થી 2 કરોડ લોકો અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનું માનીએ તો ત્રણ કરોડ લોકો દમના દર્દીઓ છે.
વિશ્વમાં 20 કરોડ લોકો ક્રૉનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મનરી ડિસીઝ (સીઓપીડી)થી પીડાતા હોવાનો અંદાજ છે. જે સામે ભારતનો આંકડો 3 કરોડ છે.
વર્ષે લગભગ 10 લાખથી એક કરોડ લોકો વિશ્વમાં ટીબીનો શિકાર બને છે જે સામે ભારતની સંખ્યા 28થી 30 લાખ છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત તો દુનિયામાં લગભગ એક અબજ લોકો ક્રૉનીક રેસ્પિરેટરી ડિસીઝથી પીડાય છે. જે સામે ભારતનો આંકડો લગભગ 5.5થી 6 કરોડ છે.
વિશ્વમાં કૅન્સરગ્રસ્ત લોકોની સંખ્યા લગભગ બે કરોડ જેટલી છે. જે સામે માત્ર 2016ના વરસમાં જ ભારતમાં 10 લાખ કરતાં વધુ ફેફસાના કૅન્સરના કેસ જોવા મળ્યા હતા.
પ્રદૂષણ કેટલું ભયંકર છે એનો ખ્યાલ ઉપરોક્ત બાબત પરથી આવી શકે છે. આ લેખમાં બીજી બે બાબતોની વાત કરવી છે.
પહેલી છે હાઉસ ઍર પૉલ્યુશન એટલે કે ઘરમાં થતું હવાનું પ્રદૂષણ. ભારતમાં આ કારણને લઈને પણ રોગોનું પ્રમાણ મોટું રહ્યું હોવાનું 1990થી 2016 વચ્ચેનાં તારણો જણાવે છે.
બહારના પ્રદૂષણને કારણે રોગ બોજ (ડિસીઝ બર્ડન) 6 ટકા છે એ સામે જેની આપણે ભાગ્યેજ ચર્ચા કરીએ છીએ તે હાઉસહોલ્ડ પૉલ્યુશન એટલે કે ઘરની અંદર થતાં પ્રદૂષણને કારણે 2016ના વરસમાં રોગ બોજ (ડિસીઝ બર્ડન) 5 ટકા જેટલું રહ્યું હોવાનું અનુમાન છે.
ઘરમાં થતાં પ્રદૂષણનું મુખ્ય કારણ ચૂલો અથવા કોલસાની સગડીઓ સળગાવવાને કારણે પેદા થતો અને પછી શ્વાસમાં જતો ધુમાડો છે.
આ ધૂમાડો ઉપરાંત ઘરમાં ધૂળ અથવા અન્ય રજકણો પણ હવામાં ભરેલા હોય તો એને કારણે કાર્ડિયો વૅસ્ક્યુલર ડિસીઝ, શ્વસનતંત્રના ક્રૉનિક રોગો અને શ્વાસનળીથી નીચેના ભાગ એટલે કે ફેફસાંમાં થતું ઇન્ફેક્શન વગેરે રોગો થાય છે.
આમ ઘરની અંદર પણ જો ધુમાડો કે અન્ય કારણસર થતું પ્રદૂષણ ધૂંધવાયા કરતું હોય તો તે બહારના પ્રદૂષણ જેટલું જ ઘાતક છે.
બીજો મુદ્દો છે ફાઇન પાર્ટિકલ ઍર પૉલ્યુશન એટલે કે અત્યંત સૂક્ષ્મ કણોને કારણે થતું હવાનું પ્રદૂષણ.
તાજેતરમાં જ અમદાવાદ સ્થિત એશિયાની મોટામાં મોટી સરકારી હૉસ્પિટલે કૂવો ખોદનાર એક મજૂરના ફેફસાને એક નવી જ સારવાર પદ્ધતિથી 24 લિટર પાણીથી બંને ફેફસાં ધોઈ દર્દીને સંપૂર્ણ રોગમુક્ત કર્યો હોવાનો અહેવાલ આવ્યો છે.
તેમના ફેફસાંમાં મોટા પ્રમાણમાં માટીના રજકણો જવાને કારણે ફેફસાંની ક્ષમતા 30 ટકા થઈ હતી, તે પેશન્ટને આમ માટીના સુક્ષ્મકણોએ ફેફસાં જામ કરી દીધા હોવાનું અને સરકારી હૉસ્પિટલ દ્વારા આ પ્રકારના નવતર પ્રયોગથી ફેફસાં ધોઈ અને સ્વચ્છ કરવાનો પ્રયોગ આવકારદાયક છે.
ખાણ, ખોદકામથી માંડી બાંધકામ ક્ષેત્ર અને અકીકના પૉલિસિંગ જેવાં ક્ષેત્રોમાં આવા સૂક્ષ્મ રજકણો શ્વાસમાં જાય તો ફાયબ્રોસિસ નામનો ભયંકર રોગ થાય છે.
આ સૂક્ષ્મકણો જે હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે તેમાં એમ્બિયન્ટ પાર્ટીક્યુલેટ મેટર એટલે કે 2.5 માઇક્રોન અથવા એથી ઓછી સાઇઝ ધરાવતા ઍરો ડાયનેમિક્સ મટિરિયલ એ પ્રદૂષણનો મોટો ખતરો પેદા કરતું મટિરિયલ છે.
આ મટિરિયલ શ્વાસમાં લેવાને કારણે દારૂ પીવો, બેઠાડું જિંદગી જીવવી, અથવા વધારે પણ પડતું મીઠું ખાવું (High Sodium Intake) ને કારણે થતાં મોત કરતાં વધારે મોત આ આપણી નજરે પણ ભાગ્યે ચઢે એવા 2.5 માઇક્રોનથી નાના પાર્ટીકલ્સને કારણે થાય છે.
આ કારણે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને હવામાં 2.5 માઇક્રોન એટલે કે PM 2.5ની માત્રા કેટલી હોવી જોઈએ એ અંગેની ગાઇડ લાઇન ઇશ્યૂ કરી છે. જે મુજબ PM 2.5નું લેવલ સરેરાશ 35 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટરથી વધારે હોવું જોઈએ નહીં.
સમગ્ર વિશ્વમાં PM 2.5ને શ્વાસ લેવાને કારણે 40 લાખ કરતાં વધુ મોત તેને કારણે થતા હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાનું કૅન્સર, ક્રૉનિક લંગ ડિસીઝ અને રેસ્પીરેટરી ઇન્ફેક્શન અને શ્વસનતંત્રના ચેપને કારણે 2016ના વર્ષમાં થયાં હતાં.
બહારની હવામાં પ્રદૂષણની માત્રામાં ઓઝોન કેટલો છે એ પણ પ્રદૂષણની માત્રા નક્કી કરે છે. દુનિયાભરમાં આજે બહારની હવામાં ઓઝોનની માત્રા વધી રહી છે જેના કારણે ક્રૉનિક લંગ ડિસીઝ એટલે કે ફેફસાના રોગો થાય છે.
આપણે PM 2.5ની વાત કરી. હવામાં આ કેટલું હોય તો એને સલામત ગણવું તે બાબત નીચેના કોઠા પરથી જાણી શકાશે.
એર ક્વોલિટી ઇન્ડેક્સ (હવાની ગુણવત્તાનો ઇન્ડેક્સ)
ઍન્વાયરમૅન્ટલ પ્રેફરન્સ ઇન્ડેક્સ 2018 મુજબ ભારત 180 દેશોમાં 177મા નંબરે હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાના સર્વે મુજબ 2018માં PM 2.5થી પ્રભાવિત સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશ (97.10) પ્રથમ ક્રમે, પાકિસ્તાન (74.27) અને ભારત (72.54) સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.
ભારતનાં પ્રદૂષિત શહેરોમાં ગુડગાંવ, ગાઝીયાબાદ, ફરીદાબાદ, ભિવંડી, નોઇડા, પટણા, લખનૌ અને દિલ્હી શહેરોનો સમાવેશ થાય છે.
ઍર વિઝ્યુઅલ વેબસાઈટ જોઈએ તો દિલ્હી વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરે છે અને દિલ્હીની ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ઢાકા કરતાં પણ સાત ગણો વધારે છે.
જે શહેર વૈશ્વિક સરખામણીમાં બીજા નંબરે આવે છે તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના મૅનેજરે જ્યારે પોતે દિલ્હીના પ્રદૂષણની ચિંતા નથી કરતો ત્યારે કદાચ એના મનમાં ઢાકા હશે પણ દિલ્હી તો ઢાકાથી પણ ચઢીયાતું છે.
કોણ જવાબદાર છે આના માટે?
હજુ તો શિયાળો વધશે તેમાં રાત્રે અને વહેલી સવારે દિલ્હીની હાડ ધ્રુજાવી દે તેવી ઠંડીમાં જીવી જવા માટે લોકો ટાયર અને પ્લાસ્ટિકનો કચરો બાળશે.
ક્યાંક લાકડાંનો ધૂણો પણ થશે તો ક્યાંક રેલવેના કોલસાનો. આ બધો ધુમાડો દિલ્હીના વાતાવરણને બગાડવાનું કામ કરશે.
દિલ્હી સરકાર ચોથી નવેમ્બર પછી વાહનો વાપરવા ઉપર ઓડ-ઇવન (એકીબેકી) નંબરોની પ્રથા જાહેર કરી છે. જે પ્રશ્નને વણસાવવાનું કામ કરશે.
લૂટિયન્સ કે આનંદવિહારમાં આની અસર નહિવત થવાની છે. 4થી નવેમ્બરે 12 વાગ્યે આનંદવિહારમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ 115 હતો જે લગભગ લગભગ સંતોષકારક અને સામાન્ય કહી કહી શકાય.
આ મુદ્દે બીજી પણ એક વાત લક્ષમાં રાખવા જેવી છે. પંજાબ અને હરિયાણામાં કૂલ મળીને 27 લાખ ખેડૂતો છે પણ પરાળ બાળવું ન પડે અને એનું કન્વર્સન ઉપયોગી ઉત્પાદન બનાવવામાં થઈ શકે એ માટે છેલ્લા એક વર્ષમાં 63,000 ખેડૂતોને જ મશીન અપાયાં છે.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ કટાક્ષ કરતાં કહે છે આ રીતે પ્રશ્નોનો ઉકેલ આવતાં 30 વર્ષ લાગશે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકર જોકે આ વાતને રદિયો આપતા જણાવે છે કે તેમના મંત્રાલયે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યો સાથે શ્રેણીબદ્ધ બેઠકો પરાળ બાળવાથી થતા પ્રદૂષણ અંગે યોજી છે.
દિલ્હીના રસ્તાઓ ઉપર રોજ 30 લાખ કાર ફરે છે. ઓડ-ઇવન લાગુ થવાને કારણે તેની અડધોઅડધ થઈ જશે. આ સંખ્યા 15 લાખની થઈ જશે જે દિલ્હીની હવાની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બનવું જોઈએ.
જાવડેકરના પ્રયત્નો અને કેજરીવાલની યોજના બંને સફળ થાય તો પણ દિલ્હીનું પ્રદૂષણ કાબૂમાં આવતા સમય લાગશે. સવાલ પ્રદૂષણને કારણે ઊભી થયેલી સમસ્યા અને નિવારણની છે.
દિલ્હી NCRના નાગરિકો પ્રદૂષણને કારણે SMOGનું જે ખતરનાક કવર તેમની આસપાસ વીંટળાઈ રહ્યું છે તેનાથી ત્રસ્ત બનીને જોખમી રીતે જીવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો