'મહા' વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે, દરિયો તોફાની બન્યો

ગુજરાત પર હાલ 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે અને ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હવે દીવ અને પોરબંદરના દરિયાકિનારા વચ્ચે ત્રાટકશે.

હવામાન વિભાગે વાવાઝોડા સમયે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.

આઈએમડીએ જાહેર કરેલા હવામાન બુલેટિનમાં કહેવાયું છે કે મહા વાવાઝોડું ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું મહા વાવાઝોડું સતત પ્રભાવક બની રહ્યું છે.

અરબ સાગરમાં આવેલું આ વર્ષ 2019નું ચોથું વાવાઝોડું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા પેઠી છે.

તો વાવાઝોડાની ગંભીરતા જોતાં ગુજરાત સરકાર સાબદી થઈ ગઈ છે.

તંત્ર સાબદું

કેન્દ્ર સરકારે મહા વાવાઝોડાને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડું હાલમાં 'સિવિયર' શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.

5 નવેમ્બરની આ વાવાઝોડું વધારે તીવ્ર હશે અને ત્યાર બાદ તે નબળું પડવાની શરૂઆત થશે.

'મહા' વાવાઝોડું આવનારા 24 કલાકમાં ગુજરાત તરફ વળે તેવી શક્યતા છે. જે બાદ તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે.

વાવાઝોડું જ્યારે ગુજરાત પરથી પસાર થશે ત્યારે પવનની ઝડપ 100-110 કિલોમિટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જે વધીને 120 કિલોમિટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જયંતા સરકારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, "વાવાઝોડું હાલ અરબ સાગરમાં છે અને તે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, હવે વાવાઝોડોની તીવ્રતા ઘટી જશે."

વાવાઝોડાના પગલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

'મહા'ને પગલે ગુજરાતમાં ફાયર - બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે અને રાજ્યનાં 16 સ્ટેશનો પર છ-છ કર્મચારીઓની બે ટીમોને સતર્ક રખાઈ છે. પોરબંદર, દ્વારકા, વેરાવળ અને દીવમાં પણ ફાયરબ્રિગેડનાં સ્ટેશનોને સતર્ક કરી દેવાયાં છે.

આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ

6 અને 7 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે એવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબીમાં 6થી 7 નવેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગરમાં પણ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પરિક્રમા પર અસર

બીજી બાજુ, દર વર્ષે દેવ દિવાળી (કારતક-સુદ અગિયારસ)થી ગિરનાર પર્વતની પરિક્રમા શરૂ થાય છે, પરંતુ શ્રદ્ધાળુઓના ધસારાને જોતાં ત્રણ-ચાર દિવસ અગાઉથી જ પરિક્રમા શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવે છે.

જોકે, આ વર્ષે 'મહા' વાવાઝોડાની શક્યતાને જોતાં નિર્ધારિત સમય પૂર્વે પરિક્રમા શરૂ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે ગિરનારની પરિક્રમાને 'લીલી પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગત 10 વર્ષના આંકાડાઓ ઉપર નજર કરીએ તો દરવર્ષે પાંચથી 10 લાખની વચ્ચે શ્રદ્ધાળુઓ આ યાત્રા કરે છે.

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે આવતી કાલથી પ્રભાવિત લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરૂ કરી દેવાશે.

ગુજરાતના મુખ્ય સચિવ જે. એન. સિંઘના કહેવા પ્રમાણે, "રાજ્ય સરકાર 'મહા' વાવાઝોડાને કારણે ઊભી થયેલી સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે."

"પર્યટકોને દરિયાકિનારે ફરવા ન જવા માટે તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે."

સિંઘે ઉમેર્યું હતું કે નુકસાનની સંભવિત સ્થિતિને પહોંચ વળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) તથા નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) સજ્જ છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની 'બટાલિયન 6'ના કમાન્ડન્ટ રાજેશ જૂને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, "એનડીઆરએફની 15 ટીમો પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત કરાશે. આ ઉપરાંત હરિયાણા અને દિલ્હીમાંથી પાંચ-પાંચી ટીમોને પણ બોલાવાશે."

રાજ્યની બહારથી બોલાવાઈ રહેલી ટીમોમાંથી પાંચ રાજકોટ અને પાંચ વડોદરામાં તહેનાત રખાશે અને જરૂર પ્રમાણે પ્રભાવિત વિસ્તારોમાં મોકલાશે.

વડોદરામાં કૉર્પોરેશનમાં આ મામલે બેઠક બોલાવાઈ હબીતી. તંત્ર દ્વારા શહેરમાં લાગેલા હૉર્ડિંગ ઉતારી લેવાની સૂચના અપાઈ છે.

રાજકોટ કલેક્ટરની કચેરીમાં ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ દ્વારા ખાસ નિયંત્રણ-કક્ષ તૈયાર કરાયો છે. આ ઉપરાંત પ્રભાવિત વિસ્તારોમાં ઊભા પાકને નુકસાન ન પહોંચે એ માટે તલાટી મંત્રી અને ગ્રામમિત્રને પગલાં લેવાં આદેશ અપાયાં છે. ઊભા પાકને ઢાંકવા માટેના પગલાં પણ વિચારાઈ રહ્યાં છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 નવેમ્બરે આ વાવાઝોડું નબળું પડી જશે અને તેની સાથે વરસાદમાં પણ ઘટાડો થઈ શકે છે.

એવું પણ અનુમાન છે કે આ વાવાઝોડું જ્યારે ગુજરાત તરફ ફંટાય એ સમયે તેની તીવ્રતા ઓછી થઈ શકે છે.

વાવાઝોડાને કારણે ગુજરાત સરકાર સતર્ક બની છે અને કોસ્ટગાર્ડ પણ વાવાઝોડાનો સામનો કરવા તૈયાર થઈ ગયું છે.

ગુજરાત સરકારે ચક્રવાત મહા પર નજર રાખવા માટે એક કંટ્રોલ રૂમ પણ તૈયાર કર્યો છે. તેમજ દરેક તટીય જિલ્લામાં તંત્રને ઍલર્ટ કરી દેવાયું છે.

ગુજરાતના દરેક બંદર પર ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતાં માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી દેવાઈ છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જયંતા સરકારે મીડિયાને જણાવ્યું કે ગુજરાતના બધા જ વિસ્તારોમાં 6થી 8 નવેમ્બર સુધી વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગના અધિકારીઓ પણ આ ચક્રવાત પર નજર રાખી રહ્યા છે. કેમ કે તે વધુ તોફાની બની શકે છે.

હવામાન વિભાગ અનુસાર બુધવાર અને ગુરુવારે મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

અગાઉ આવેલાં 'વાયુ' અને 'ક્યાર' વાવાઝોડાએ પણ ગુજરાતને પ્રભાવિત કર્યું હતું.

ગુજરાતમાં આ વખતે સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ સતત વરસતા વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

હાલમાં મગફળીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગના અધિકારીઓ કહે છે કે સામાન્ય રીતે અરબ સાગરમાં બહુ ઓછાં વાવાઝોડાં સર્જાતાં હોય છે. પણ આ વર્ષે એક પછી એક એમ ચાર વાવાઝોડાં અરબ સાગરમાં સર્જાયાં છે.

આ પહેલાં ચાલુ વર્ષે જ અરબ સાગરમાં 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' જેવાં વાવાઝોડાં સર્જાઈ ચૂક્યાં છે અને હવે અરબ સાગરમાં ચોથું વાવાઝોડું 'મહા' સર્જાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો