TOP NEWS: ગુજરાત સ્થિત કંપનીએ બનાવેલી 17 ઍપ્લિકેશન ઍપલે કેમ હઠાવી?

આઈફોન

ઇમેજ સ્રોત, Getty Images

મોબાઈલ સિક્યૉરિટી કંપની 'વાન્ડેરા'એ જાહેર કરેલી યાદી અનુસાર આઈફોન ઑપરેટિંગ સિસ્ટમમાંથી એવી 17 ઍપ્લિકેશનો હઠાવી દેવાઈ છે, જે 'ક્લિકવૅર'થી ગ્રસ્ત હતી. 'ક્લિકવૅર' ઍડ્વર્ટાઇઝિંગ થકી રૅવન્યૂ મેળવે છે.

'ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર હઠાવી દેવાયેલી ઍપ્લિકેશન ગુજરાત સ્થિત 'ઍપઆસ્પેક્ટ' નામની સોફ્ટવૅર કંપનીએ પબ્લિશ કરી હતી.

આઈફોનના નિર્માતાઓએ આ ઍપ્લિકેશન હઠાવી દેતાં હવે તે 'ઍપ સ્ટોર' પર ડાઉનલૉડ માટે ઉપલબ્ધ નહીં હોય.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે સંબંધિત ઍપ્લિકેશનો કંટ્રોલ સર્વર દ્વારા ઍડ્વર્ટાઇઝમૅન્ટ કમાન્ડ મેળવતી હતી અને મોબાઇલનો વપરાશ કરનારને મોંઘા સબ્સક્રિપ્શન લેવા માટે મજબૂર કરતી હતી.

line

બ્રિટિશ સાસંદોએ 12 ડિસેમ્બરે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ ફગાવી દીધો

બોરિસ જૉન્સન

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને 12 ડિસેમ્બરે દેશમાં ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સંસદે ફગાવી દીધો છે.

જોકે, વડા પ્રધાન પોતાના પ્રસ્તાવ પર અડગ છે અને આ માટે તેઓ સંસદમાં બીજો પ્રસ્તાવ રજૂ કરશે. આ એવો પ્રસ્તાવ હશે કે જેને પાસ કરવા માટે સંસદને સાધારણ બહુમતીની જ જરૂર પડશે.

નોંધનીય છે કે ગત પ્રસ્તાવને પાસ કરવા માટે સંસદને બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હતી.

અલબત્ત, આ સાધારણ બહુમતી માટે પણ જૉન્સનને લિબરલ ડેમૉક્રેટ અને એસએનપીના સાંસદોનાં સમર્થનની જરૂર પડશે.

જૉન્સને કહ્યું છે કે સંસદ 'નિષ્ક્રિય' થઈ ગઈ છે અને 'સાંસદો આ દેશને બંધક બનાવીને રાખી ન શકે'. જોકે, વિપક્ષમાં રહેલી લેબર પાર્ટીનું કહેવું છે કે વડા પ્રધાનનો વિશ્વાસ કરી શકાય એમ નથી.

આ દરમિયાન યુરોપિયન સંઘે બ્રિટનને બ્રેક્સિટ માટે આગામી 31 જાન્યુઆરી, 2020 સુધીનો સમય આપ્યો છે.

બોરિસ જૉન્સન આ પહેલાં 31 ઑક્ટોબર સુધી બ્રેક્સિટ લાગુ કરવાના મતમાં હતા પણ સંઘનો નવો પ્રસ્તાવ તેમણે પણ સ્વીકારી લીધો છે.

line

પી. ચિદમ્બરમની તબયિત લથડી

પી. ચિદમ્બરમ

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડતાં સોમવારે તેમને દિલ્હીની ઍમ્સ હૉસ્પિટલમાં ભરતી કરાવાયા છે. તેમને પેટમાં દુખાવાની ફરિયાદ હતી.

લગભગ બે કલાક સુધી તેમને હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા અને સ્થિતિમાં સુધારો જણાતાં રજા આપી દેવાઈ.

પહેલાં તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ભરતી કરાવાયા અને બાદમાં ઍમ્સમાં લઈ જવાયા.

નોંધનીય છે કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયાના મામલે જેલમાં છે.

આ પહેલાં ગત સપ્તાહે કોર્ટની કાર્યવાહી દ્વારા તેમણે વિનંતી કરી હતી કે સારવાર માટે તેમને હૈદરાબાદ જવાની છૂટ આપવામાં આવે.

line

ઇમરાન ખાનને ગૅસભંડારના નામે ગુમરાહ કરાયા?

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને બહુ અપેક્ષા હતી કે કરાચીના દરિયાકિનારા નજીક કુદરતી ગૅસનો ભંડાર મળશે.

જોકે, હવે એવું કહેવાઈ રહ્યું છે કે એમને એવું કહીને ગુમરાહ કરવામાં આવ્યા હતા કે અહીં કુદરતી ગૅસ મળવાની સંભાવના 86 ટકા છે. ઇમરાન ખાનની સરકાર આ પરિયોજના પર આગળ વધી ગઈ હતી અને ખોદકામ પણ શરૂ કરી દેવાયું હતું.

આ પરિયોજનાનો પ્રારંભિક ખર્ચ 124 અબજ ડૉલરનો હતો. કહેવાયું હતું કે આ ખોદકામમાં પૈસા ભલે પુષ્કળ ખર્ચાઈ રહ્યા હોય પણ તેનાથી ભવિષ્યમાં ભારે સમૃદ્ધિ આવશે.

હવે પાકિસ્તાન પેટ્રોલિયમ લિમિટેડના મહાનિદેશક મોઇન રઝા ખાને પીપીએલની 68મી બેઠકમાં જણાવ્યું છે કે આ મામલે સફળતાની સંભાવના માત્ર 12 ટકા જ છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે ખોદકામમાં કંઈ પણ હાથ ન લાગવાનો ભય સૌથી વધુ છે.

મોઇન ખાને કહ્યું, "કેકરા-આઈમાં અમને કંઈ મળ્યું નથી પણ સપાટીના ઊંડાણમાં કરાયેલા ખોદકામ બાદ પાણી મળ્યું છે. જોકે, અહીં ઑઇલ મળવાની સંભાવના છે અને ભવિષ્યમાં તેના પર કામ કરાશે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો