You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં વૃક્ષો કાપવાનો વિવાદ વકર્યો, વિરોધમાં શિવસેના આગળ
મુંબઈની આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ બનાવવા માટે 2,646 વૃક્ષો કાપવાની શરૂઆત થતા ગઈ કાલથી શરૂ થયેલો વિરોધ વધુ આક્રમક બન્યો છે.
લોકોના આક્રમક વિરોધને પગલે પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે.
આ વિરોધ-પ્રદર્શનમાં 50થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિવસેનાનાં નેતા પ્રિયંકા ચતુર્વેદીની પણ અટકાયત કરવામાં આવી છે.
ગઈ કાલે આ મુદ્દે બૉમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને આરે કૉલોનીનાં વૃક્ષોને જંગલ ગણવાનો ઇન્કાર કર્યો હતો.
અદાલતે પર્યાવરણ બચાવ કાર્યકર્તા જોરુ ભઠેનાની અરજી ફગાવી દેતા મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને ગઈ કાલે જ વૃક્ષોની કાપણી શરૂ કરી દીધી હતી.
વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા લોકો અને મુંબઈ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
આ વિસ્તારમાં તણાવ વધતા પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
'ગણતરીના કલાકોમાં 300 વૃક્ષ કાપી નાખ્યાં'
પર્યાવરણ કાર્યકર્તા જોરુ ભઠેનાએ આરે કૉલોનીમાં મેટ્રો કાર શેડના બાંધકામ માટે 2,646 વૃક્ષો કાપવાના મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયની વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાર્યકરોનો દાવો છે કે હાઈકોર્ટે પિટિશન ફગાવી દીધી એના ગણતરીના કલાકોમાં 300 વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં.
આ વિસ્તારમાં રહેતા કાર્યકર પ્રકાશ ભોઈરે બીબીસીને કહ્યું કે રાત્રે લગભગ 9.30 વાગે તંત્ર અંદર આવ્યું અને એમણે કાર શેડનાં સ્થળે વૃક્ષો કાપવાનું શરૂ કરી દીધું.
અહીંના સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ આ કાર શેડને અન્ય સ્થળે લઈ જવાની માગણી રહ્યા છે.
તેઓ કહે છે કે આ કાર શેડને લીધે અહીંની જૈવવિવિધતા નષ્ટ થશે અને વિસ્તારમાં બાંધકામ માટે જમીનોના કબજાનો રસ્તો ખૂલશે.
પર્યાવરણીય કાર્યકર્તાઓનું કહેવું છે કે કોર્ટની અનુમતિ પછી પણ વૃક્ષો કાપવાં માટે 15 દિવસનો સમય આપવો જોઈએ.
નેતાઓ અને કલાકારો મેદાને
આ મામલે અનેક જાણીતા રાજનેતાઓ અને કલાકારોએ પણ અવાજ ઉઠાવ્યો છે.
યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને વિરોધ દર્શાવ્યો અને કહ્યું કે જે ઝડપથી વૃક્ષો કાપવામાં આવ્યાં છે એ જોતાં મુંબઈ મેટ્રોના અધિકારીઓને પીઓકે (પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર) શું કામ ન મોકલવા જોઈએ? એમને વૃક્ષોનો નાશ કરવાને બદલે આતંકવાદી અડ્ડાઓનો નાશ કરવા મોકલવા જોઈએ.
ઉપરાંત અભિનેત્રી દિયા મિર્ઝાએ પણ ટ્વીટ કરી પોતાનો રોષ ઠાલવ્યો છે. તેમણે 15 દિવસના વેઇટિંગ પિરિયડની વાત કરી.
જોકે, મુંબઈ મેટ્રોના મુખ્ય નિદેશક અશ્વિની ભિડેએ ટ્વિટર પર જવાબ આપતાં કહ્યું કે કોર્ટના આદેશ પછી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. 15 દિવસની નોટિસ આપવાની વાતનો કોઈ કાનૂની આધાર નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો