You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind vs SA : રોહિત શર્માની બેટિંગમાં અને રવીન્દ્ર જાડેજાની બૉલિંગમાં બેવડી સદી
ટેસ્ટ મૅચોમાં પ્રદર્શન અંગેની ટીકાઓનો જવાબ રોહિત શર્માએ બૅટથી આપ્યો હોય તેમ જણાય છે. વિશાખાપટ્ટનમની મૅચમાં રોહિત શર્માની સાથે રવીન્દ્ર જાડેજાએ પણ રેકૉર્ડ બનાવ્યો છે.
રોહિતે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં સદી મારી હતી. પહેલી ઇનિંગમાં 176 તથા અને બીજી ઇનિંગમાં 127 રન ફટકાર્યા હતા.
ગુજરાતી બૉલર રવીન્દ્ર જાડેજાએ પણ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં અનોખી સિદ્ધિ નોંધાવી હતી.
રોહિત શર્માએ પહેલી ઇનિંગમાં છ, જ્યારે બીજી ઇનિંગમાં સાત છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ રોહિતે એક ટેસ્ટ મૅચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો છે.
આ પહેલાં વર્ષ 1996માં પાકિસ્તાનના વસીમ અક્રમે એક જ ટેસ્ટ મૅચમાં 12 છગ્ગા મારવાનો રેકર્ડ બનાવ્યો હતો.
ભારત વતી છેલ્લે અજિંક્ય રહાણેએ 2015માં એક ટેસ્ટ મૅચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી.
આ પહેલાં વિજય હઝારે અને સુનીલ ગાવસ્કર ત્રણ-ત્રણ વાર, રાહુલ દ્રવિડ બે વાર તથા રહાણે અને વિરાટ કોહલી એક-એક વખત આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.
શર્મા સિવાય માત્ર સુનીલ ગાવસ્કર જ એવા બૅટ્સમૅન છે કે જેમણે ઓપનિંગમાં ઉતરીને આ સિદ્ધિ નોંધાવી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાડેજાની સિદ્ધિ
વિશાખાપટ્ટનમ ખાતેની મૅચમાં રવીન્દ્ર જાડેજાએ તેમની ટેસ્ટ કરિયરની 200મી વિકેટ મેળવી છે.
જાડેજા સૌથી ઝડપથી આ સિદ્ધિ મેળવનારા ડાબોડી બૉલર છે. ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટની સિદ્ધિ મેળવનારા તેઓ 10મા ભારતીય બૉલર બન્યા છે.
જાડેજાએ આ સિદ્ધિ 44 મૅચમાં મેળવી છે જે સૌથી ઝડપી છે. આ અગાઉ હેરાથે 47 ટેસ્ટ મૅચમાં 200 વિકેટ ઝડપી હતી.
આ ઉપરાંત, જાડેજાએ વન ડે ક્રિકેટમાં 156 મૅચમાં 178 વિકેટ ઝડપી છે અને ટી-20માં 44 મૅચમાં 33 વિકેટ ઝડપી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો