કાશ્મીર પર નિર્ણય બાદ મોદીના પ્રથમ ઇન્ટરવ્યૂનો અર્થ શો થાય છે?

જમ્મુ અને કાશ્મીરમાં બંધારણની કલમ 370ની અસરકારકતા સમાપ્ત થયા બાદ બદલાયેલી પરિસ્થિતિ વિશે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રથમ વખત ચીન, અમેરિકા, કાશ્મીર તથા અર્થતંત્ર જેવા મુદ્દાઓ અંગે વાત કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજી અખબાર 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે કાશ્મીર અંગે સરકારે તાજેતરમાં જે પગલું લીધું છે તેને કારણે આગામી સમયમાં કાશ્મીરમાં આર્થિક વિકાસ શક્ય બનશે અને સરકારનું વર્તમાન પગલું એમાં ફાયદાકારક બની રહેશે.

કાશ્મીર મુદ્દે વડા પ્રધાન શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં રોકાણની શક્યતાઓ વિશે વાત કરતા કહ્યું કે આવનાર સમયમાં જમ્મુ-કાશ્મીરના યુવાવર્ગને કારણે રાજ્ય વિકાસની નવી ઉંચાઈઓ સર કરી શકશે.

વડા પ્રધાને આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'કાશ્મીરનો વિકાસ થશે તેનો મને વિશ્વાસ છે. કેટલાય મોટાગજાના ઉદ્યોગપતિઓએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દર્શાવ્યો છે.'

'આજના સમયમાં બંધિયાર વાતાવરણમાં આર્થિક પ્રગતિ થઈ શકે નહીં. સ્વતંત્ર દિમાગ અને મુક્ત બજારને કારણે જ ખીણના યુવાનો કાશ્મીરને પ્રગતિના માર્ગે લઈ જશે.'

'એકીકરણને કારણે રોકાણ, સંશોધન અને આવકને ઉત્તેજન મળશે.'

વડા પ્રધાન મોદીએ કહ્યું, ''કલમ 370 અંગે લેવામાં આવેલા તાજેતરના નિર્ણયને કારણે રોકાણની તકો ઉજળી બનશે.''

"આ ક્ષેત્ર પર્યટન, આઈટી, ખેતી અને સ્વાસ્થ્યવિષયક સુવિધાઓ માટે સાનુકૂળ છે. તેનાથી એક એવી ઇકો-સિસ્ટમ તૈયાર થશે, જે કૌશલ્ય, પ્રતિભા અને પ્રાદેશિક ઉત્પાદનો માટે લાભદાયી બની રહેશે.''

"આઈઆઈટી અને આઈઆઈએમ જેવી વધુ સંસ્થાઓ શરૂ થવાથી યુવાવર્ગ માટે શિક્ષણની ઉત્તમ તકો ઊભી થશે અને કાશ્મીરને પણ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ મળી રહેશે."

"હવાઈમથકો અને રેલવેનું આધુનિકરણ થવાથી પરિવહન સેવાઓમાં સુધારો થશે. જેનાથી કાશ્મીરની પેદાશો અને ઉત્પાદનો સમગ્ર દેશમાં પહોંચી શકશે અને તેને કારણે તેની સાથે સંકળાયેલા લોકોને ફાયદો થશે.''

કલમ 370 દૂર કરવા પાછળનો આશય

આ સવાલના જવાબમાં વડા પ્રધાન મોદીએ કહ્યું, "કલમ 370ની બાબત ભારતની આંતરિક બાબત છે."

"મેં આ નિર્ણય ચર્ચા-વિચારણાને અંતે લીધો છે અને આ નિર્ણયને કારણે ભવિષ્યમાં લોકોનું કલ્યાણ થશે એ અંગે હું નિશ્ચિંત છું."

વડા પ્રધાન મોદીને સવાલ પૂછવામાં આવ્યો કે એનડીએ સરકાર પોતાના બીજા કાર્યકાળમાં જળસંરક્ષણને પોતાનું લક્ષ્ય ગણાવી રહી છે, તો શું તેનાથી વરસાદ પર ભારતના અર્થતંત્રની નિર્ભરતામાં ઘટાડો થશે?

આ સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "જળ-શક્તિનું અભિયાન માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ સામાન્ય નાગરિકનું આંદોલન છે."

"જેમાં કેન્દ્ર સરકાર એક ભાગીદારની ભૂમિકામાં છે."

વડા પ્રધાને કહ્યું કે, ''ભારતની પ્રગતિ માટે આર્થિક પગલાની સાથોસાથ વ્યવહારમાં પણ પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.''

જ્યારે ખેડૂત ટપક સિંચાઈની પદ્ધતિ અપનાવે, ત્યારે તેના માટે જરૂરી સાધનોની ખરીદી આર્થિક જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે.''

ડેટા-સિક્યૉરિટી અને પ્રાવસી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્ટરનેટ ડેટાની સિક્યૉરિટી અને પ્રાઇવસી અંગે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું:

''જેમ 90ના દાયકામાં સોફ્ટવૅર અને આઈટી ક્ષેત્રની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી હતી, એ જ રીતે ડેટાનું ક્ષેત્ર નજીકના ભવિષ્યમાં ભારતીય અર્થવ્યવસ્થા પર પોતાની છાપ છોડશે.''

''આપણે ડેટાને એક અવસર તરીકે જોવો જોઈએ. જેટલા વધુ પ્રમાણમાં ડેટા મેળવવામાં અને સંગ્રહ કરવામાં આવશે તેનાથી કંપનીઓ અને ઉદ્યોગોમાં નોકરીઓનું મોટા પાયે સર્જન થશે.

ભારત પોતાના પ્રતિભાસંપન્ન યુવાધન, વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્ર, સરકારની લાભદાયક નીતિઓ અને વિશાળ બજાર સાથે દુનિયાભરમાં ડેટા-સાયન્સ, ઍનાલિટિક્સ અને સ્ટૉરેજનું કેન્દ્ર બની શકે તેમ છે.''

આલોક પુરાણિકનો દૃષ્ટિકોણ

ઝીણવટથી જોવામાં આવે તો વડા પ્રધાન મોદીની આર્થિકનીતિ ડાબેરી વિચારધારા તરફ વળી રહી છે.

જેમાં ગરીબો, ખેડૂતો અને મજૂરોના હિતની એ વાતો કરવામાં આવે છે, જે સામાન્યરીતે ડાબેરી નેતાઓ કરતા આવ્યા છે.

આજકાલ ભાજપની નીતિઓમાં જેટલું ડાબેરીપણું જોવા મળે છે, તેટલું તો હવે ડાબેરીઓમાં પણ જોવા મળતું નથી.

ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા, 10 કરોડ કુટુંબો માટે પાંચ લાખ રૂપિયા સુધીના વીમાની જોગવાઈ જેવી બાબતો એ નીતિ તરફ ઈશારો કરે છે.

બીજું કે ભારતીય આર્થિક અખબાર જગતમાં પ્રતિષ્ઠા ધરાવતાં અખબાર 'ઇકૉનૉમિક ટાઈમ્સ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બે પેજનું ઇન્ટરવ્યૂ છપાયું છે.

જેમાં મોદીએ એ જ વાતોનું પુનરાવર્તન કર્યું છે, જે અત્યાર સુધી તેઓ વિવિધ મંચો પર કરતા આવ્યા છે.

અસ્તિત્વના સંકટથી બચવા માટે અર્થવ્યવસ્થામાં જોગવાઈઓ છે, પરંતુ તમામ ઔદ્યોગિક ક્ષેત્રોનાં ઉત્પાદનોની માગ વધે તે માટે જે નકશો હોવો જોઈએ, તે આ મુલાકાતમાં જોવા મળી નથી રહ્યો.

મોદી સરકાર 'આયુષ્માન યોજના'થી માંડીને ખેડૂતોને વાર્ષિક ધોરણે છ હજાર રૂપિયા આપીને ન્યૂનતમ ખર્ચનો બંદોબસ્ત કરી રહી છે, પરંતુ જે તીવ્ર ગતિએ વિકાસનાં વચનો આપવામાં આવ્યાં હતાં, તેની જવાબદારી કોણ પોતાના શિરે લેશે તે માલૂમ પડતું નથી.

આ મુલાકાતમાં એવી ક્યાંય વૈચારિક સ્પષ્ટતા નથી કે સરેરાશ આવક ધરાવતા નોકરિયાતોનો વિકાસ કઈ રીતે થશે.

ખેડૂતોને 6000 રૂપિયાના આશ્રિતમાંથી નિકાસકારની શ્રેણીમાં લાવવાની વાતનો ઉલ્લેખ આ મુલાકાતમાં છે, પરંતુ તે વ્યવહારમાં કઈ રીતે શક્ય બનશે તેના પર ગંભીરપણે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે.

અમુક લોકોનાં ખાતામાં અમુક રૂપિયા સીધા ટ્રાન્સફર કરીને મત મેળવવા મુશ્કેલ નથી અને એ રાજકીય અર્થવ્યવસ્થાનું પત્તું મોદી ખેલી ચૂક્યા છે.

લેણદેણનું રાજનૈતિક અર્થતંત્ર

ખેડૂતોનાં ખાતામાં સીધા પૈસા જમા કરાવવાથી માંડીને નાના ધંધાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી લૉનની યોજનાઓની રાજનૈતિક સફળતા દર્શાવે છે કે અર્થતંત્ર ભલે ધીમી ગતિથી ચાલતું હોય, પરંતુ અમુક વર્ગ જો ખરીદશક્તિ ધરાવતો હોય તો મોદીને રાજનૈતિક દૃષ્ટિએ કોઈ મુશ્કેલી પડશે નહીં. આ બાબતને લેણદેણનું રાજનૈતિક અર્થતંત્ર પણ કહી શકાય.

વડા પ્રધાને આપેલી આ મુલાકાતમાં ફરી એક વખત કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં રોકાણ આધારિત વિકાસ જોવા મળશે. 100 લાખ કરોડ રૂપિયાના રોકાણનું અનુમાન લગાવવામાં આવે છે, જો કે એ વાત અલગ છે કે ઉદ્યોગપતિઓ રોકાણ વધારવામાં રસ દર્શાવી રહ્યા નથી.

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપારયુદ્ધનો ભારતને કેમ લાભ થતો નથી?

ચીનને બદલે તમામ કંપનીઓ ભારતમાં રોકાણ કરવાનું કેમ વિચારી રહી નથી? આ તમામ સવાલોના જવાબ હકીકતમાં વડા પ્રધાન મોદી પાસે નથી.

કેન્દ્ર અને રાજ્યસ્તરે એટલી બધી વહીવટી ઔપચારિકતાઓ છે કે ધંધો કરવો આજે પણ એટલો સરળ નથી.

ખાસ કરીને વિદેશી રોકાણકારોને આ ઔપચારિકતાઓની જંજાળમાંથી નીકળવાનું મુશ્કેલ લાગે છે.

આ માળખામાં કોઈ ધરખમ ફેરફાર કે પરિવર્તનના સંકેતો હાલ જોવા મળતા નથી.

ટોમોબાલ ઉદ્યોગને રાહત

આ ઈન્ટરવ્યૂમાં ઑટોમોબાઈલ સૅક્ટરને થોડી રાહત મળશે તેવું લાગે છે.

વડા પ્રધાન આ સૅક્ટરને આશ્વાસન આપી રહ્યા હોય તેમ કહે છે કે, પરંપરાગત તકનીક ઉપર આધારિત ઑટોમોબાઈલ વાહનોને એક જ ઝાટકે વીજળીથી ચાલતી ટેકનિક પર લાવવામાં નહીં આવે.

વીજળીથી સંચાલિત ટેકનિક અને પરંપરાગત ટેકનિકનું સહ-અસ્તિત્વ શક્ય છે. ઑટોમોબાઈલ સૅક્ટરનું મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરમાં બહુ મોટું યોગદાન છે.

રોજગારી સર્જનના પડકારો

વડા પ્રધાને કલમ 370 સાથે સંકળાયેલા સવાલોના જે જવાબ આપ્યા છે તેના વિશ્લેષણમાં થોડો સમય આપવો પડશે.

વડા પ્રધાને જે વાત કરી છે તેનો હેતુ એ છે કે બદલાયેલી પરિસ્થિતિઓમાં કાશ્મીરમાં રોકાણ વધવાની સંભાવનાઓ છે.

'સેન્ટર ફૉર ઈન્ડિયન ઇકૉનૉમી'ના આંકડા મુજબ જાન્યુઆરી 2016થી જુલાઈ 2019 વચ્ચે જ- કાશ્મીરમાં બેકારીનો દર સૌથી વધુ હતો.

આ સમયગાળામાં જમ્મુ કાશ્મીરમાં માસિક સરેરાશ બેકારીનો દર 15 ટકા હતો. જ્યારે આ જ ગાળા દરમિયાન રાષ્ટ્રીય બેકારીનો દર 6.4 ટકા હતો.

સમગ્ર દેશની સરખામણીએ બમણાથી વધુ બેકારી જમ્મુ-કાશ્મીરમાં છે.

આગામી ત્રણ-ચાર વર્ષમાં જો જમ્મુ-કાશ્મીરની બેકારીનો દર રાષ્ટ્રીય દર જેટલો થઈ જશે તો કહી શકાશે કે રોજગારીની દૃષ્ટિએ જમ્મુ કાશ્મીર દેશના મુખ્યપ્રવાહમાં ભળી ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો