જ્યારે સુષમા સ્વરાજે ગુજરાતમાં હિંસાના આરોપીનો પ્રચાર કર્યો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝે લોકશાહી બચાવવા ગુજરાતમાંથી હિંસક ચળવળ આદરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રયાસને ભારતના રાજકીય ઇતિહાસમાં 'બરોડા ડાઇનેમાઇટ કેસ' તરીકે ઓળખવામાં આવે છે.

એ વખતે 'હિંસક પ્રવૃતિ આચરવા બદલ' જ્યોર્જને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને સુષ્મા સ્વરાજે તેમના માટે ચૂંટણીપ્રચાર કર્યો હતો.

પૂર્વભૂમિકા

વર્ષ 1975માં દેશની લોકશાહી પર સૌથી મોટું જોખમ તોળાયું હતું. એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી હતી.

લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા છીનવી લેવાઈ અને વિરોધ પક્ષના નેતાઓને એક પછી એક જેલમાં ધકેલી દેવાયા.

વિરોધનો રસ્તો બંધ થયો એટલે હિંસાનો રસ્તો પસંદ કરાયો અને તેના માટે ગુજરાતની ધરતી પસંદ કરવામાં આવી.

નક્કી એવું કરાયું કે 'દેશમાં બધું બરોબર ચાલી રહ્યું' હોવાના ઇંદિરા ગાંધીના દાવાની હકીકત ઉજાગર કરવા 'ધડાકો' કરાય.

ધડાકો એવો હોય કે દેશ અને દુનિયા સુધી સંદેશો પહોંચે અને કટોકટી લાદનારાં ઇંદિરા ગાંધીને લોકશાહી ફરતે વીંટાળેલો ગાળિયો છોડી દેવો પડે.

જોકે, દેશમાં લોકશાહીને બહાલ કરવા ઘડાયેલું આ 'ષડયંત્ર' અંજામ પર પહોંચે એ પહેલાં જ સરકારી એજન્સીઓ પહોંચી ગઈ.

ધડાધડ ધરપકડો થઈ, આરોપનામું ઘડાયું અને એ વખતના ફાયરબ્રાન્ડ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝને મુખ્ય આરોપી બનાવાયા.

એજન્સીઓએ આ મામલાને 'બરોડા ડાઇનેમાઇટ કેસ' ગણાવ્યો.

જ્યોર્જની તસવીર સાથે ચૂંટણીપ્રચાર

જૂન 1976માં જ્યોર્જની ધરપકડ કરીને મુઝફ્ફરપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા એટલે તેમણે ત્યાંથી જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

1977ની લોકસભાની ચૂંટણીમાં તેમણે જેલમાંથી જ ઉમેદવારી નોંધાવી.

એ વખતે કાયદાનાં વિદ્યાર્થિની એવાં સુષમાએ ન માત્ર જ્યોર્જનો કેસ લડવાની તૈયારી બતાવી હતી, પણ એમના વતી ચૂંટણીપ્રચાર પણ કર્યો હતો.

વાત એમ હતી કે જ્યોર્જને મુક્ત કરાવવા માટે કાયદાકીય લડત આપી રહેલી વકીલોની ટીમમાં સુષમા પણ સામેલ હતાં.

સુષમા દિલ્હીથી મુઝફ્ફરપુર પહોંચ્યાં હતાં અને આખા વિસ્તારમાં હાથકડી સાથેની જ્યોર્જ ફર્નાન્ડિઝની તસવીર સાથે રાખીને પ્રચાર કર્યો હતો.

એ વખતે તેમણે 'જેલ કા ફાટક ટૂટેગા, જ્યોર્જ હમારા છૂટેગા'નું સુત્ર આપ્યું હતું.

જ્યોર્જ ચૂંટણી જીતી ગયા હતા અને મુઝફ્ફરપુરના લોકોએ પરિવર્તનનો પવન અનુભવ્યો હતો.

...અને જ્યોર્જ જીતી ગયા

જાણીતા પત્રકાર અને જ્યોર્જ ફર્નાન્ડિઝના નજીકના સહયોગી રહેલા વિક્રમ રાવે જણાવ્યું હતું,

"અમે બધા તિહાડ જેલના 17માં નંબરના વૉર્ડમાં હતા."

"અમે તિહાડ જેલ આવનારા એક ડૉક્ટરને સાધ્યા અને એ રાત્રે તેઓ આવ્યા તો એ નક્કી કરીને આવ્યા કે તે સમયે મુઝફ્ફરનગરમાં કોણ લીડ કરી રહ્યું છે."

"ત્યારે તેમણે અમને કહ્યું હતું કે જ્યોર્જ એક લાખ મતોથી ત્યાં લીડ કરી રહ્યા છે."

"હું જેલમાં ગુપ્ત રીતે એક નાનકડું ટ્રાન્સજિસ્ટર લઈ ગયો હતો."

"અમે સવારે 4 વાગ્યે 'વૉઇસ ઑફ અમેરિકા'માં સાંભળ્યું કે ચૂંટણી એજન્ટે રાયબરેલીમાં ફરીથી મતોની ગણતરીની માગ કરી છે.

"આ સાંભળતા જ હું ઊછળી પડ્યો, કેમ કે હારનારા લોકો જ બીજી વખત મતગણતરીની માંગ કરે છે."

"મેં તરત જ ખાટલા પર સૂતેલા જ્યોર્જને જગાડીને સમાચાર આપ્યા કે ઇંદિરા ગાંધી હારી ગયાં છે."

"સમગ્ર જેલમાં જાણે દિવાળી જેવો માહોલ થઈ ગયો અને અમે લોકો એકબીજાને ગળે મળવા લાગ્યા."

વર્ષ 1977માં જનતા મંત્રીમંડળમાં જ્યોર્જને પહેલા સંચારમંત્રી અને પછી ઉદ્યોગમંત્રી બનાવ્યા હતા.

'પ્રથમ મહિલા' સુષમા સ્વરાજ

40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર 'પ્રથમ' રહ્યાં હતાં.

25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં.

તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું.

ટ્વિટર પર સક્રિય રહી તેઓ વિદેશમાં ભારતીયોની મદદ કરવા ઉત્સુક રહેતાં હતાં.

સુપ્રીમ કોર્ટનાં પૂર્વ વકીલ એવાં સુષમાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ હરીયાણના અંબાલા કૅન્ટમાં થયો હતો.

તેમના પિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા અને એટલે બાળપણથી જ તેમને રાજકીય વાતાવરણ મળ્યું હતું.

રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક થયા બાદ તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો.

1970માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સામેલ થયાં અને એ સાથે જ તેમના રાજકીય જીવનની શરૂઆત થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો