IND vs WI : ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામેની જીતનાં આ છે કારણો

ભારતે વેસ્ટ ઇન્ડીઝને વર્લ્ડ કપના મૅચમાં 125 રનથી હાર આપીને સેમિફાઇનલમાં પહોંચવાની વધારે નજીક પહોંચી ગયું છે.

ઇંગ્લૅન્ડના માન્ચૅસ્ટરમાં રમાયેલી મૅચમાં જીતની સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. હાલ ભારતના 11 પૉઇન્ટ થઈ ગયા છે.

આ મૅચમાં જીત સાથે ભારતે વર્લ્ડ કપ 2019માં પોતાની અજેયની છબી જાળવી રાખી છે. ભારત આ વર્લ્ડ કપમાં હજી એક પણ મૅચ હાર્યું નથી.

વિરાટ કોહલીએ આ મૅચમાં તેમની કારકિર્દીના 20 હજાર રન પણ પૂરા કર્યા હતા.

ભારતની આ જીત સેમિફાઇનલમાં પહોંચવા માટે ખૂબ જ મહત્તવપૂર્ણ છે.

આ રહ્યા ભારતની જીતનાં કારણો :

ભારતની ધારદાર બૉલિંગ

ભારતના મુખ્ય બંને બૉલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે આજે ધારદાર બૉલિંગ કરી હતી.

આ બંને બૉલરના બૉલ સામે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન હાંફતા જોવા મળ્યા હતા.

શરૂઆતથી જ શમી અને બુમરાહે બૅટ્સમૅનો પર દબાવમાં લાવી દીધા હતા.

ભારતને પ્રથમ સફળતા ક્રિસ ગેઇલના રૂપમાં 4.5 ઓવરમાં મળી હતી, ત્યારે વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર હતો માત્ર 10 રન. શમીએ શરૂઆતની બે વિકેટો ઝડપી હતી.

ગેઇલ અને હોપ બંને શમીના બૉલનો શિકાર બન્યા હતા.

કોહલી, ધોની, હાર્દિકની મક્કમ બૅટિંગ

ભારત તરફથી વિરાટ કોહલીએ કપ્તાની ઇનિંગ રમતા 72 રન બનાવ્યા હતા.

ટૉસ જીતીને ભારતે બૅટિંગ લીધી, એ બાદ રોહિત શર્મા જલદી આઉટ થઈ ગયા અને ત્યારબાદ કોહલીએ બાજી સંભાળી હતી.

કોહલીનું મૅચમાં યોગદાન જોતાં તેમને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.

કોહલીનો સાથ કે. એલ. રાહુલે આપ્યો હતો. રાહુલે 48 રન કર્યા હતા, જે બાદ વિજય શંકર અને કેદાર જાધવ સસ્તામાં આઉટ થઈ ગયા અને કોહલી પણ 72 રને કૅચ આપી બેઠા.

હવે વારો હતો ધોની અને હાર્દિક પંડ્યાની જોડીનો જેમણે ખરેખર પોતાની જવાબદારી નિભાવી હતી.

ધોનીએ 61 બૉલમાં 56 રન કરીને ભારતને 268ના સ્કોરે પહોંચાડ્યું હતું. તેમનો સાથ હાર્દિક પંડ્યાએ આપ્યો હતો, જેમણે 38 બૉલમાં 46 રન કર્યા હતા.

ધોનીને મળેલું મોટું જીવતદાન

ધોનીની ઇનિંગ્ઝ આજે ભારત માટે ખાસ અને મહત્ત્વપૂર્ણ હતી, જો ધોની વહેલા આઉટ થઈ ગયા હોત તો ભારત 268ના સ્કોર સુધી ના પહોંચી શકતું.

વેસ્ટ ઇન્ડીઝ પાસે ધોનીને આઉટ કરવાની મહત્ત્વની તક આવી હતી, જો એ ચાન્સ વેસ્ટ ઇન્ડીઝ ના ચૂક્યું હોત તો કદાચ ભારતનો સ્કોર ઓછો થયો હોત.

વિન્ડીઝના સ્પીનર બૉલર ફેબિયન એલન 34મી ઓવર ફેંકવા આવ્યા અને તેનો બૉલ ધોની આગળ આવીને રમવા ગયા પરંતુ બૉલ ચૂકી ગયા.

બૉલ સીધો વિકેટકીપર શાઈ હોપના હાથમાં પહોંચ્યો પરંતુ હોપે બૉલ પહેલાં હાથેથી જ સ્ટમ્પની બેલ્સ પાડી દીધી. ત્યાં સુધીમાં તો ધોની પરત ક્રીઝમાં પહોંચી ગયા હતા.

આ સમયે 34મી ઓવર હતી અને ધોની માત્ર 8 રનના વ્યક્તિગત સ્કોરે બૅટિંગ કરી રહ્યા હતા. એટલે વેસ્ટ ઇન્ડીઝે મોટી તક ગુમાવી દીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો