You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs WI : રોહિત શર્માને આઉટ અપાતા વિવાદ, અમ્પાયર ઉપર ઊઠ્યા સવાલ
ભારતના સ્ટાર બૅટ્સમૅન રોહિત શર્મા ગુરુવારે માન્ચૅસ્ટરના ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ ખાતે ફરી એક વખત મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહ્યા હતા, તેઓ 18 રને આઉટ થયા હતા.
જોકે, સોશિયલ મીડિયા ઉપર થર્ડ અમ્પાયરના નિર્ણય ઉપર સવાલ ઊઠ્યા હતા.
મિડલ-ઑર્ડર બૅટ્સમૅનની નિષ્ફળતા છતાં ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમની સામે 269 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વિરાટ કોહલી (72), મહેન્દ્રસિંહ ધોની (56) અને હાર્દિક પંડ્યા (46) અને લોકેશ રાહુલના (48) રનની મદદથી ભારત સન્માનજનક સ્કોર ખડકવામાં સફળ રહ્યું હતું.
શું થયું હતું એ બૉલ ઉપર?
છઠ્ઠી ઓવરમાં રોહિત શર્મા 18 રન સાથે ક્રીઝ ઉપર હતા. એ સમયે બૉલર કેમર રોચે સુંદર ડિલિવરી નાખી હતી, જે રોહિતનાં બૅટ તથા પૅડ વચ્ચેથી પસાર થઈ હતી, જેને કારણે થોડો અવાજ થયો હતો.
વિકેટકીપર શાઈ હોપે અપીલ કરી હતી, જેને અમ્પાયરે નકારી કાઢી હતી. જોકે વેસ્ટ ઇન્ડીઝે આ નિર્ણય સામે DRS (ડિસીઝન રિવ્યુ સિસ્ટમ) માગ્યું હતું.
ટીવી રિપ્લેમાં માલૂમ પડ્યું હતું કે 'અલ્ટ્રા ઍજ' ઉપર થોડો ઉછાળ આવ્યો હતો અને શર્માને આઉટ આપવામાં આવ્યા હતા.
શર્મા આ નિર્ણયથી અસંતુષ્ટ હતા અને તેમણે પીચ છોડવામાં થોડો સમય લીધો, સોશિયલ મીડિયા ઉપર પણ તેનો પડઘો ઝીલાયો હતો અને કેટલાક પૂર્વ ક્રિકેટર્સે આ ચુકાદા ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિતના આઉટ થવા પર વિવાદ કેમ થયો?
વેસ્ટ ઇન્ડીઝના કેમર રોચ બૉલિંગ કરી રહ્યા હતા અને છઠ્ઠી ઓવરનો છેલ્લો બૉલ હતો. કેમરે બૉલ નાખ્યો પરંતુ રોહિત શર્મા બીટ થયા અને બૉલ વિકેટકીપરના હાથમાં ગયો.
વિકેટકીપરે આઉટની જોરદાર અપીલ કરી, જોકે ઓન ફિલ્ડ અમ્પાયરે તેમને આઉટ ના આપ્યા.
રોહિત શર્માના હાવભાવથી પણ લાગતું હતું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આઉટ નથી. જે બાદ વેસ્ટ ઇન્ડીઝે અમ્પાયરના નિર્ણય પર રિવ્યુ માગ્યો.
રિવ્યુ માગતાની સાથે જ મામલો ટીવી અમ્પાયર મિશેલના હાથમાં ચાલ્યો ગયો. જે બાદ આ મામલે તેમણે નિર્ણય લેવાનો હતો.
રિવ્યુમાં બે અલગ ઍંગલથી અલગ સ્થિતિ દેખાતી હતી. એવી પણ શંકા હતી કે બૉલ બૅટના બદલે પૅડમાં લાગ્યો છે.
જોકે, અલ્ટ્રાએજમાં જોતાં થોડો કર્વ દેખાયો હતો, જે બાદ ટીવી અમ્પાયરે રોહિત શર્માને આઉટ આપી દીધા.
રોહિત શર્મા અને ફેન બંને નારાજ
શર્માએ પેવેલિયનમાં જઈને ફરીથી આ બૉલનો પ્રિવ્યૂ જોયો અને ત્યાં પણ તેઓ નારાજ દેખાયા હતા.
આઉટ આપવાના આ ફેંસલા પર ટીવી કૉમેન્ટેટર આકાશ ચોપડા, લક્ષ્મણ, ઇરફાન પઠાણ સહિતના અન્ય લોકો નારાજ થયા હતા.
સૌથી વધારે ગુસ્સે રોહિત શર્મા અને ભારતીય ક્રિકેટના ફેન નારાજ થયા હતા અને ટ્વિટર પર રોહિત શર્મા અને અમ્પાયર મિશેલ ટ્રૅન્ડ થવાના શરૂ થઈ ગયા હતા.
જોકે, ટીવી અમ્પાયરનો ફેંસલો આખરી ગણાય છે, જેના કારણે રોહિતે મેદાન છોડવું પડ્યું હતું.
દીપ દાસગુપ્તાએ ટ્વિટર ઉપર લખ્યું કે સામાન્ય રીતે આટલો અવાજ થાય જ, તેના આધારે આઉટ આપવાનો નિર્ણય યોગ્ય ન હતો.
ઑસ્ટ્રેલિયાના કૉમેન્ટેટર બ્રાડ હૉગે લખ્યું, બૉલ બૅટ નહીં, પરંતુ પૅડ ઉપર લાગ્યો હતો, છતાંય રોહિતે અમ્પાયરના નિર્ણયનો સ્વીકાર કરવો પડ્યો. સામાન્ય રીતે બૅટ્સમૅનને શંકાનો લાભ મળતો હોય છે.
પૂર્વ ક્રિકેટર સુબ્રમણી બદ્રિનાથે લખ્યું કે આ ચુકાદો નિર્ણાયક ન ગણી શકાય, ટૅકનૉલૉજીએ આ બાબતને સ્પષ્ટ કરી દીધી.
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ ટ્વિટર ઉપર લખ્યું કે મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે રોહિતે કૅચ આપ્યો હતો, તેવું નિર્ણાયક ન ગણી શકાય.
ટ્વિટરાઇટ પ્રશાંત ઝીનેએ આવી રીતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
ભારતની ઇનિંગ
બૅટ્સમૅનોના પ્રદર્શન કરતાં આ મૅચમાં જે ચર્ચાસ્પદ બાબત રહી તે રોહિત શર્માને આઉટ આપવાનો નિર્ણય હતો.
ભારતે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે બાદ રોહિત શર્મા કે. એલ. રાહુલ સાથે ભારતની ઇનિંગ્ઝની શરૂઆત કરવા માટે મેદાનમાં ઊતર્યા હતા.
બંનેએ ભારતની ઇનિંગ થોડી ધીમી પણ મક્કમ શરૂઆત કરી હતી. રોહિતે કેટલાક સારા શૉટ્સ પણ રમ્યા હતા.
જોકે, ત્યારબાદ રોહિત શર્મા કેમર રોચના એક બૉલમાં વિકેટકીપરના હાથમાં કૅચ આપી બેઠા હતા અને 18 રન કરીને આઉટ થઈ ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો